દુનિયાનો સૌથી પહેલો નેશનલ પાર્ક
વર્ષ 1872મા યુએસએના વાયોમિંગ રાજ્યમાં અમેરિકાનો અને આખી દુનિયાનો સૌથી પહેલો નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો. 144 વર્ષ પહેલાં અમેરિકી કોંગ્રેસની દીર્ઘદૃષ્ટિ જુઓ, કે 9000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર એમણે આ માટે અલાયદો ફાળવ્યો. અમેરિકાનો એ પાર્ક એટલે યેલોસ્ટોન નેશનલ પાર્ક. આ વાંચીને આપણી ભારતીય કોંગ્રેસનાં પાટવી કુંવર એમની અમેરિકી કોંગ્રેસી શાખાને એ દૂરંદેશીની શાબાશી આપતી કાલે ટવીટ કરી દે તો નવાઈ નહીં!
ભારત સાથે આ નેશનલ પાર્કની સરખામણી કરીએ તો દેશના બધા નેશનલ પાર્કનું કુલ ક્ષેત્રફ્ળ 44,000 ચોરસ કિલોમીટર છે. અને આ નેશનલ પાર્ક કેટલા વિસ્તારમાં પથરાયેલો છે એની આપણે આગળ વાત કરી જ છે! દસ જનપથનાં અને હાલ બે મહિના થાઈલેન્ડના વતનીને અને પહેલાં જે એમની હતી એ આપણે અબુધ પ્રજાને પણ, ખૂબ જ વિસ્મયકારક લાગે એવી અલગારી પૃથ્વીનો પોપડો એટલે યેલોસ્ટોન! એક મહાકાય સુપર વોલ્કેનો ઉપર બિરાજમાન અને હજુ પણ ઉકળતો ચરુ એટલે યેલોસ્ટોન! 6,40,000 વર્ષ પહેલાં યેલોસ્ટોનની નીચેનો આ સુપર જ્વાળામુખી જ્યારે છેલ્લી વાર ભભૂકેલો ત્યારે એણે 1000 ઘન કિલોમીટર જેટલો લાવા અને રાખ ઓકેલો. આ સુપર જ્વાળામુખીનો કેલ્ડેરા અધધધ કરી દે એટલો 3885 ચોરસ કિલોમીટર. એટલે આપણે ત્યાંના સુરત કે રાજકોટ જેવા જિલ્લા જેટલી જગ્યા! ભાઈ ભાઈ!
આવનારા ચાળીસ કે પચાસ હજાર વર્ષોમાં આ જ્વાળામુખી ફરી ઉકળશે ત્યારે પણ એ ખાસો વિનાશ કરશે એવી ભીતિ સેવાઈ રહી છે. તો દોસ્તો આપણા નસીબ સારા છે કે, જ્વાળામુખી આજકાલમાં નથી ફાટવાનો, તો પછી આપણે ત્યાં વહેલી તકે જઈ જ આવવું પડે અને ત્યાંના વિકરાળ સૌંદર્યને પણ મનભરીને માણી જ લેવું પડે. શું કહો છો?
આખી પૃથ્વીના 28 ટકા જેટલા જીઓ થર્મલ પ્રદેશો તમને અહીં જોવા મળે. કવર પિક્ચર પર દર્શાવેલ ખૂબ જ રંગીન એવું ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રિંગ ત્યાંનું એક અવ્વલ નજરાણું. આપણે ગુજ્જુઓ જેને ગીઝર કહીએ અને બાકીની આખી દુનિયા જેને ગાઈઝર કહે એવા જમીનથી સોથી દોઢસો ફીટ ઉપર ગરમ પાણી અને વરાળ વછૂટતાં મોટા ફુવારા અને ઝરા દેખાય. ગાઢ અને સદા લીલાછમ કોનિફર વચ્ચે પાનખર ઋતુમાં પીળા એસ્પન વૃક્ષો ચમકતા હોય તો ઘણે ઠેકાણે એકરોના એકરો બળેલી દિવાસળીઓ જમીનમાં ખોસી હોય તેમ ફોરેસ્ટ ફાયરોમાં સળગેલા છતાં અડગ લોજપોલ પાઈન વૃક્ષોની કતાર જોવા મળે.
અહીં નદી અને ઝરણાં ખળખળતાં હોય છે ખરા, પણ એમાં છબછબીયા કરતા પહેલાં ચેતવણીઃ એ પાણી પેટાળના સખત ગુસ્સા અને ગરમી સાથે ઉકળતા પાણી પણ હોય છે!
વળી, આવી અદભુત ધરતી પર વાઈલ્ડ લાઈફ પણ બેસુમાર. આખા યુએસએમાં સૌથી વૈવિધ્યપૂર્ણ વાઈલ્ડ-લાઈફ અને તેમની ખાસી ગીચ વસ્તી તમને ગ્રાન્ડ ટિટોન અને ગ્રેટર યેલોસ્ટોન પ્રદેશ સિવાય ક્યાંય નહીં જોવા મળે. દુનિયાનાં ટેમ્પરેટ વિસ્તારમાં આવી અકબંધ નેચરની ઇકો-સિસ્ટમ અને વન્ય પ્રાણીઓ તમને ફક્ત અહીં જ જોવા મળે. એક સમયે લુપ્ત થવાની અણી પર હતાં અને હવે હજારોની સંખ્યામાં જોવા મળે તે અમેરિકન બાઇસન, ગ્રીઝલી અને બ્લેક બેર, વરુઓ, એલ્ક, પ્રોંગહોર્ન અને અમેરિકન બાલ્ડ ઈગલ, કેનેડિયન ગીઝ, બ્લુ બર્ડ, મેગપાય જેવા પક્ષીઓ અહીંના સ્ટાર એટ્રેકશન કહેવાય.
અમે જેક્સન હોલ, ગ્રાન્ડ ટિટોન નેશનલ પાર્ક (વાંચો એપ્રિલ અને મે મહિનાના પ્રકરણોમાં) થી લગભગ નેવું માઈલ દૂર અઢી કલાક કાર હંકારીને પહોંચ્યા ઓલ્ડ ફેઈથફુલ લોજ પર અને ચાર દિવસ અહીં રહ્યાં. પણ ત્યાંનું વૈવિધ્ય જ એવું હતું કે, અમને એ ચાર દિવસો પણ ઓછા પડ્યા. અમારા આ અનુભવ પરથી જ કહીએ છીએ કે, અહીં તમારે ઓછામાં ઓછું એક અઠવાડિયું ફાળવવું.
અમને સૌથી અચરજ એ વાતનું થયું કે દુનિયાના સૌથી વિકસિત દેશમાં આ નૈસર્ગિક પૃથ્વી કેટલી સચોટ રીતે અને ચોખી રીતે જાળવી રાખવામાં આવી છે. શું આપણે ભારતના નેશનલ પાર્ક આવી રીતે રાખી શકીએ ખરા?
આવતા અઠવાડિયાઓમાં વિસ્તારપૂર્વક વાતો કરીશું. ત્યાં સુધી આ જાદુઈ વાઈલ્ડ યલોસ્ટોનનાં થોડા ફોટોગ્રાફ્સ માણો.… ટીલ ધેન ટેલી હો!
આખી પૃથ્વીનાં 28 ટકા જેટલા જીયો થર્મલ પ્રદેશો તમને યેલોસ્ટોનમાં જોવા મળે.
યેલોસ્ટોનના લોઅર બેઝિનમાં ડગલે ને તમને રંગબેરંગી ગરમ પાણીના ઝરા જોવા મળે.
સતત ઉકળતા ચરુ જેવી ધરતી અને એવું જ વાઈલ્ડ એનું વાઈલ્ડ લાઈફ
યેલોસ્ટોન નદી અને ગાઈઝારોની અવિરત વરાળ અને ગરમ ફૂવારાઓની પ્રક્રિયા વચ્ચે સૂર્યાસ્ત
યેલોસ્ટોનની પ્રખ્યાત હેયડન વેલી
એક સમયે લુપ્ત થવાની અણી પર હતાં અને હવે હજારોની સંખ્યામાં જોવા મળે તે અમેરિકન બાઇસન
યેલોસ્ટોનનાં મેમથ ગામની વચ્ચોવચ્ચ મેટિંગ કોલ આપતો એલ્ક નર
મેમ્થ તળેટીમાં મ્યુલ ડિયર
મેમથ હોટ સ્પ્રીંગ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર