હૃદય એક વાત કહે અને બુદ્ધિ બીજી વાત કહે ત્યારે...
Thought in the mind has made us what we are
By thought was ruined and
By thought are built great episodes
And great monuments
Evil thought bring pain and
Good thought bring joy
If one endures purity of thought
Joy follows
- James Allen
પ્રારંભમાં આપણે ડૉ. જેમ્સ એલનની ઉપરની મૂલ્યવાન પંક્તિઓનો મર્મ સમજીએ. આપણું બહુ જૂનું સૂત્ર છે - જેવી ભાવના એવી સિદ્ધિ. મનમાં જો નિરાશાવાદી અને ખરાબ વિચાર કરશો તો નઠારું પરિણામ આવશે. તો પછી એ નુકસાનનો ધંધો કરવાને બદલે શું કામ ચોખ્ખા નફાની વાતને વળગવા સતત મંગળકામના ન કરવી? આપણા વિચારો જ આપણને ઘડે છે. વિચારો મોજીલા સાથે સ્વચ્છ પણ રાખવા અને જોઈ લો મજા કે આપણને આવેલા સારા વિચારો આપણી આજુબાજુના લોકોને પણ આપણી જેમ સાત્વિક આનંદ લેવા યોગ્ય લાગશે. જરા વધુ પડતું વિચારનારાની હવે વાત કરીએ. તેવા લોકો કહે છે કે, ઘણી વખત હૃદય તમને એક વાત કહે છે પણ બુદ્ધિ તમને બીજી દિશા તરફ દોરે છે. આ સંદર્ભમાં એક યુવતીએ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે અતિ તીક્ષ્ણ બુદ્ધિ અને નિર્મળ હૃદયની અદમ્ય લાગણીઓ વચ્ચે ‘સંઘર્ષ’ થાય ત્યારે શું કરવું? વાહ સારી બુદ્ધિ લડાવી. હવે યુવતીના પ્રશ્નનો જવાબ આપીએ.
જેમ આજે ચીજવસ્તુઓમાં ભેળસેળ-એડલ્ટરેશન થઈ ગયું છે તેવી જ રીતે વિચારો અને લાગણીઓમાંય ભેળસેળ થઈ ગઈ છે. જ્યારે તમને કોઈ આડે રસ્તે ચઢાવવા બોલે છે કે, ‘ભાઈ તારી બુદ્ધિ એક વાત કહે છે અને હૃદય બીજી વાત કહે છે’ : પણ સત્ય એ છે કે - જો તમે તમારી જાતને ઊંડેથી તપાસશો તો માલૂમ પડશે કે હૃદયની ઊર્મિઓ અદમ્ય હોય અને લાગણીમાં ઉત્કટતા હોય તો પછી સંઘર્ષનો પ્રશ્ન જ નથી. બુદ્ધિ અને હૃદય એક બીજાના હરીફ છે. તેવી વાત આપણને જમાનાઓથી કહેવામાં આવે છે. તે વાતનું હું આજે ખંડન કરવા માગું છું. એટલે આવી રીતે હૃદય-બુદ્ધિ વચ્ચે ભેદ પાડો છો ત્યારે તેમ કરવાથી તમે તમારા દંભને પોષો છો. તમે હૃદય-બુદ્ધિ વચ્ચેના ‘સંઘર્ષ’ને માની લો છો.
કોઈ યુવતી એને મનગમતા યુવકના પ્રેમમાં હોય ત્યારે તેનાં મા-બાપને નાખુશ કરવાનો ડર લાગે છે. આવે સમયે યુવતી કે યુવક જે પ્રેમમાં પડ્યો હોય (જે સાચો પણ હોય છે) તે આ પોપટિયું વાક્ય બોલે છે કે, બુદ્ધિ અને હૃદયની લાગણીઓ વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું છે! ખરેખર તો પ્રેમમાંથી છટકવાની આ બુદ્ધિની છલના છે. પ્રેમમાં હૃદય-બુદ્ધિ બંને પાકા ભાઈબંધો હોય છે. બંને વચ્ચે કોઈ ભેદ નથી. પરંતુ ખરેખર શું થાય છે? આપણને જેમ બીજી વાતોમાં સો ટકા સલામત થવું છે તેમ પ્રેમમાં પણ સલામતી ઈચ્છીએ છીએ અને હૃદયની ઊર્મિઓને વશ થવા જતા અસલામત થઈ જવાનો ડર લાગે છે. હકીકતમાં બુદ્ધિ અને હૃદય વચ્ચે કોઈ જ સંઘર્ષ હોતો નથી. કુદરત-ઈશ્વર-અલ્લાહે આવો કશો જ દુમેળ કે કશું તિકડમ રચ્યું નથી. ખરેખર તો આપણી ઈચ્છાઓમાં જ વિરોધાભાસ હોય છે. હૃદય અને બુદ્ધિ તો એકબીજા પૂરકબળ છે. બંને મળીને તમને રિયલ ઈન્સાન બનાવે છે.
આપણે એક બાજુથી મા-બાપને ખુશ રાખવા માગીએ છીએ અને બીજી બાજુ પ્રેમ પણ કરવો છે. જો કદાચ તમારો પ્રેમસંબંધ મા-બાપને કબૂલ ન હોય ત્યારે કુમેળ થાય છે. હકીકત એ છે કે આપણને પ્રેમમાંથી મળતું સુખ જ માત્ર જોઈએ છે. તેમાંથી નિષ્પન્ન થતાં દુઃખ કે સંઘર્ષને આપણે દૂર ઠેલવાં છે. પણ યાદ રાખો કે તમારી લાગણીઓ કે હૃદયના આવેગો જેટલા ઉત્કટ હોય તેટલી જ તેની પીડા ઉત્કટ હોય છે તે સહન કરવા તૈયાર રહેવું પડશે.
ડૉ. એલન વૉટ્સ નામના ફિલસૂફે ‘ધી વિઝડમ ઑફ ઈનસિક્યુરિટી’ નામનું પુસ્તક લખ્યું છે. તેને તો હું ગીતાની જેમ વાંચું છું. તેમાં ડૉ. એલન વૉટ્સે લખ્યું છે ‘ઈફ યુ વૉન્ટ ઈન્ટેન્સ પ્લેઝર્સ વી મસ્ટ ઓલ્સો બી લાયેબલ ટુ ઈન્ટેન્સ પેઈન્સ. ચોખ્ખી વાત છે તમારે જો ખૂબ ઉત્કટ અને ઉષ્માભર્યો પ્રેમ જોઈતો હોય તો તમારે તેટલું જ તીવ્ર દુઃખ કે પીડા સહન કરવા તૈયાર રહેવું જોઈએ.
દરેક ચીજની કિંમત ચૂકવવી પડે છે. તમારા પ્લેઝર્સની કિંમત પેઈનમાં ચૂકવવી પડે, પણ જોજો તમારું પ્લેઝર નિર્મળ-સાત્વિક હોય તો તમારી પીડા પણ સહ્ય હોય છે અને તમને શુદ્ધ બનાવે છે. તમને તાવે છે. તાવણી હંમેશાં શુદ્ધ કરવા માટે હોય છે. આપણે તો પ્રેમ-લાગણી બાબતમાં પણ ‘વાણિયાવૃત્તિ’ રાખીએ છીએ. હૃદય, લાગણી, પ્રેમ અને નિઃસ્વાર્થ વગેરેની વાતો કરવી છે અને સાથે સાથે ફાયદા અને ગેરફાયદાની વાત પણ કરવી છે. 21મી સદીમાં આપણે આજે જીવન-વ્યાપારમાં અમેરિકનાઈઝડ થવા માંડ્યા છીએ તેમ પ્રેમમાં પણ ફાયદો-ગેરફાયદો જોઈએ છીએ.
આજે માનવ-માનવ વચ્ચેના સંબંધોમાં આપણે હૃદયના અવાજને અનુસરતા નથી. ડૉ. એલન વૉટ્સ કહે છે કે આ જગતમાં સૌથી મોટી અમાનવીયતા એ વાતમાં છે કે આજે સંબંધોમાં મિત્ર વચ્ચે, પ્રેમીઓ વચ્ચે અને સગાઓ વચ્ચે ઉષ્મા જાળવવામાં પૈસો મહત્ત્વનો બને છે. બીજી એક નિષ્ઠુરતા પણ મેં માર્ક કરી છે. તમને ભિખારીને શું કામ કંઈક આપો છો? તમે તેના પ્રત્યેની કરુણા થકી આપો છો કે તેને બૂમો પાડતો ટાળવા અને તમારું માથું ન પકાવે તે માટે કટકો રોટી કે પૈસો બે પૈસા ફેંકો છો? આવી જ રીતે તમને પતિ ન ગમતો હોય કે પત્ની ન ગમતી હોય પણ લગ્ન નિભાવવા તેમ જ ‘વફાદારી’ બતાવવા તમે તેની સાથે સંબંધ જાળવો છો.
ફરજપૂર્વક સંબંધો નિભાવનારાં આજે હિન્દુસ્તાનમાં કરોડો દંપતીઓ અને સગાંવહાલાં છે. આને કારણે સમાજ ઉષ્માહીન થતો જાય છે. આપણે વણગમતી વ્યક્તિ સાથે કોઈ મોંઘી હોટેલમાં ડિનર સુદ્ધાં લેતાં નથી પણ માત્ર અને માત્ર મા-બાપ કે સમાજને ખુશ કરવા તમે પત્ની કે પતિને નિભાવો છો. આજે કોઈ લાગણી જ કુદરતી બની શકતી નથી. મોં ઉપર રોષ લાવવો છે. મનની અંદર ખૂબ ખૂબ રોષ છે. પણ ચહેરા ઉપર ‘ખુશી’નો ભાવ રાખીએ છીએ. મનની અંદર સામી વ્યક્તિ પ્રત્યે સો ટકા દાઝ હોય છે તો તેની સાથે બનાવટી ‘રાજીખુશી’ બતાવીને વાત કરીએ છીએ અને જેવી તે વ્યક્તિ પૂંઠ ફેરવે એટલે તેનો દાળો વાટો કરી નાખો છો.
ફરીથી આ લેખનો મુખ્ય સૂર પાછો લાવવો છે કે, બુદ્ધિ અને હૃદય હંમેશાં એક જ વાત કહેવા માગે છે જો તમે પ્રમાણિક હો તો. બુદ્ધિ અને હૃદય એ પરસ્પર વિરોધી બળો નથી. તે બંને તો એકબીજાનાં પૂરક બળો છો. ડૉ. એલન વૉટ્સે દાખલો આપેલો, ‘લોખંડના હથોડાની ફરજ છે કે તે એરણ ઉપર રાખેલી ચીજને તોડે અગર ઘડે. હવે જો હથોડો એરણ પરની ચીજની ‘કોમળતા કે સંઘર્ષ’ની વાત કરે તો તે એરણ પરની ચીજને તોડી શકશે નહીં કે ઘાટ ઘડી શકશે નહીં. તેની તો ફરજ છે કે પૂરા જોશથી એરણ ઉપર ત્રાટકવું. હૃદય પણ એવા જ બળથી કામ કરે છે, એ બળને તમે અવરોધો તો કંઈ તૂટતું નથી કે કશું ઘડાતું નથી. કમાનમાંથી છૂટેલા તીરે તો પૂરા ફોર્સથી છૂટવાનું હોય છે. તેમાં જો તીરના મનમાં દ્વિધા હોય તો તીર નિશાન પાર પાડતું નથી. જ્યારે પ્રેમ થાય ત્યારે બુદ્ધિ અને હૃદયને એકસાથે જોડીને તે પૂર્ણ અને દ્વિધા વગરના પ્રેમના બળને, લાગણીના બળને જોડીને તમારા પ્રેમી કે પ્રેમિકા સાથે પ્રેમસંબંધ બાંધો. મરતાં સુધી પ્રેમ અમર રહેશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર