એક ચોર વિદ્વાન લેખકને જીવનની ફિલસૂફી શીખવાનો મોકો આપે છે...

14 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

આજથી 35 વર્ષ પહેલાં 'અભિનવ ભારતી', 'નવનીત', 'સમર્પણ', 'જન્મભૂમિ', 'અભિષેક' અને બીજા માસિક પત્રમાં હું ટૂંકી વાર્તા લખતો. એક વાર્તાનો માંડ માંડ રૂ. 15થી 20 પુરસ્કાર મળતો. મુંબઈના કાંદિવલી નામના પરામાં હાથે રસોઈ કરીને એકલો એકલો જમતો. પત્રકારત્વ ચલાવતો. ફુરસદ મળે તો ટૂંકી વાર્તા પણ લખી નાંખતો. મેરી કોરેલી નામની વિખ્યાત મહિલા નવલકથાકાર હંમેશાં તેની વાર્તામાંથી વાચકને કશોક પાઠ મળે તેવી વાર્તા લખતાં. હું તેના સિદ્ધાંતને વાર્તામાં અનુસરતો.

મારી વાર્તા 'ચોર'માં તે સમયની મારી એકલતા, ચારેકોરના ભ્રષ્ટાચારને ડામવામાં તે સમયે પણ નિષ્ફળ ગયેલું તંત્ર અને સમગ્ર પત્રકારત્વ, સંબંધોના દંભ, તકલાદી પ્રેમસંબંધો વગેરેથી કંટાળી ગયેલો. જીવન નિરર્થક લાગતું તેવી માનસિક હાલતમાં 'ચોર' વાર્તા લખેલી. કોણ જાણે એ વાર્તા નવસારીની તાજી ગ્રેજ્યુએટ થયેલી અને પ્રેમમાં નિષ્ફળ ગયેલી સુંદર યુવતીએ વાંચી. તે વાર્તા પર આફરીન થઈને મુંબઈ ભાગી આવી. તેણે દરખાસ્ત કરી, 'હું તમારી સાથે રહી તમારા નિરર્થક અને નિરસ જીવનને સાર્થક બનાવવા માગું છું.'

મેં એ યુવતીને બરાબર જાણી. તેની તમામ વાતો જાણી. તે કોલેજના એક યુવક સાથે પ્રેમમાં પડીને નાસીપાસ થઈ હતી. મેં તેને કહ્યું કે, 'કોઈ વાતો કે કોઈ લખાણથી ઉત્તેજિત થઈને જીવનનો અતિ જોખમી નિર્ણય લઈ શકાય નહીં. વળી, તારું મારા પ્રત્યેનું ઈન્સ્ટંટ આકર્ષણ એ કાંઈ પોઝિટિવ કારણોસરનું દેખાતું નથી. તારા પ્રેમસંબંધની નિષ્ફળતાને કારણે ડિપ્રેશનની હાલતમાં તું જાણે સમર્પણ કરતી હોય તે રીતે અહીં આવી છો. કોઈ નેગેટિવ કારણોસર કે જૂના પ્રેમીને 'દેખાડી' દેવા માટે લગ્નના કૂવામાં ન પડાય. એમ કરવાથી તું તારું જીવન તો બગાડીશ પણ સામા પાત્રને તો સાવ બરબાદ કરી દઈશ, કારણ કે ઈન્સ્ટંટ લાગણીવાળો પ્રેમ અને પછી લગ્નનો નશો ઊતરશે તેમજ હકીકતોનો સામનો કરવાનો હશે ત્યારે લેખકની વિદ્વત્તા સાવ પોલી લાગશે.'

એમ કહી મેં તેને પાછી વાળેલી. 'ચોર' વાર્તાને વાચકો સમક્ષ રજૂ કરતી વખતે વાચકોની માફી માગીને આટલી અંગત વાત યાદ કરું છું, વાંચો :

ચોર

છઠ્ઠી સિગારેટ હું ડીંટિયા સુધી પી ગયો ત્યારે હું અંતિમ નિર્ણય પર આવ્યો કે મારા શરીરનો અંત આણવાનો મને બધો જ અધિકાર છે. જ્યારે જીવવાનો કોઈ અર્થ ન રહ્યો હોય ત્યારે મરવામાં જો કશોક અર્થ જણાતો હોય તો માણસે મરી જવું જોઈએ. જીવવાનો અર્થ રહ્યો નથી અને મરવાનો અર્થ એ હતો કે એ બદી નિરર્થકતાથી હું છૂટી જવાનો હતો. મારા મરવાનો અર્થ અનેક રીતે સ્પષ્ટ હતો. અત્યારની મારી અસહ્ય યાતનામાંથી છૂટા જાઉં.

'દરેક યાતનાનો ઉકેલ હોય છે. માણસે સુખદુઃખને સરખાં સમજીને જીવવું જોઈએ...' વગેરે ઘણાં પ્રેરક વાક્યો મેં ડાયરીમાં અને ભીંત ઉપર લખ્યાં હતાં પણ એમાં હવે મને કોઈ અર્થ જણાતો નહોતો. એ બધી પ્રેરણાની ચાબુકથી મારા જીવનનું ટટ્ટુ હવે એક ડગલુંય ચાલી શકે તેમ નહોતું.

પલંગ ઉપરથી ઊભા થઈને મેં ફરી એક સિાગરેટ સળગાવી. છ સિગારેટ મેં અભાનપણે દ્વિધાની સ્થિતિમાં પીધી હતી. પણ સાતમી સિગારેટ વખતે હું તદ્દન સભાન હતો. હું એક નિર્ણય ઉપર આવી ગયો હતો કે મરી જવું. હું હળવો ફૂલ થયો હતો. છેલ્લા ઘણા મહિનાઓથી ન અનુભવી હોય તેવી તાજગી હું અનુભવતો હતો. મારે એક મઝા હતી કે મારી દ્વિધા, મારી નબળાઈ કે મારા તરંગોને જોઈને મારી મજાક કરનારું ઘરમાં કોઈ નહોતું. જો કે હું પોતે જ મારાથી ડરતો હતો. હું મારી પોતાની મજાક ન કરી બેસું તે માટે સાવધ રહેવું પડતું. આ સાવધાનીનો પણ મને બોજ રહેતો હતો. આજે એ બોજથી પણ હું મુક્ત હતો. મેં સ્પષ્ટપણે દ્વિધા વગર નક્કી કર્યું હતું કે મારે મરવું.

આ મરવાના સ્પષ્ટ સંકલ્પે મારી સાતમી સિગારેટની દરેક ઘૂંટને કેટલી બધી સ્વાદિષ્ટ બનાવી દીધી! ઘરના ખૂણામાં પડેલી એક ખુરશી પર બેસીને હું મારી ઓરડીને જોવા લાગ્યો. દીવાલો ઉપરનો રંગ પણ મને ભવ્ય લાગવા માંડ્યો. મને થયું કે ઘણા દિવસથી ચામાં સ્વાદ આવતો નથી તો આજે હાથે બનાવેલી ચા ફરીથી એક વાર છેલ્લી વાર મારી બનાવેલી ચા પી લઉં. ખાંડનું ડબલું જોયું. થોડીક ખાંડ ચોંટી હતી, દૂધ નહોતું.

દૂધ વગરની ચા ઘણાં વરસે પીધી ત્યારે લાગ્યું કે ચામાં કાંઈ અનેરો સ્વાદ છે. સારું થયું. ખાંડ ખલાસ થઈ ગઈ. સાલો નોકર ઘણી વખત ચોરી જાય છે. આવતી કાલે તો ચા પીવાની નથી. છાપું વાંચવાનું નથી. સવારે કબજિયાત થઈ ગયાની ફરિયાદ કરવાની નથી. કબજિયાતથી માથું દુઃખે છે. તે માટે ઓફિસે રજા લેવાની નથી.

તબિયત સારી નથી એટલે ઑફિસે નહિ આવું એમ કહેવા માટે એક રૂપિયાનો સિક્કો શોધીને ફોન ઉપરથી રજા લેવાની નથી. રજા લીધા પછી એકલું એકલું ન ગમે એટલે ઑફિસે જઈને બધાની મજાકનો વિષય બનવાનું નથી.

ઓહ! કેટલી જંજાળોમાંથી મુક્તિ! રસોડામાં ચા પીતાં પીતાં મેં ઘણા વિચારો કરી નાંખ્યા. હળવોફૂલ! એકદમ હળવોફૂલ કરતાંય હળવો અને ફૂલ કરતાંય વધુ ફોરાયેલો બનીને હવે હું કેમ મરવું તેવા વિચારે ચઢ્યો.

ઊંઘવાની ટીકડીઓ ઘણા વખતથી ભેગી કરતો આવ્યો છું. કબાટમાંથી એ શીશી શોધીને તમામ ટીકડીઓ પેટમાં પધરાવી દેવી. પછી યાદ આવ્યું કે ઊંઘની ટીકડીઓ ભેગા થયા પછી એક દિવસ હું કદાચ આપઘાત કરી બેસીશ એવા ડરના માર્યા મેં ચાલતી ટ્રેને એ શીશી ફેંકી દીધી હતી. એક મુસાફરે પૂછ્યું પણ હતું કે શું ફેંક્યું? મેં કહેલું કે એ તો પૂજાનાં ફૂલ દરિયામાં પધરાવ્યાં.

દોરડાનો ફાંસો મારું તો કેમ? એવો વિચાર આવ્યો. ઘરમાં દોરડું નહોતું. માંકડ મારવાની દવા? અડધી બોટલ હતી અને તેનાથી મરાય નહીં. છૂરી? હા, છૂરીને પેટમાં હુલાવી દેવી અને પછી આંતરડાને બહાર કાઢી નાંખવાં. મેં બત્તી કરી. પ્રકાશથી પ્રથમ વાર હું ગભરાયો. મેં પાછી બત્તી બંધ કરી અને અંધારામાં જ રસોડામાં જઈને છૂરી શોધવા ઊભો થયો.

કોણ છો તું? રસોડામાં કોઈ અજાણ્યો આદમી હતો. ખુલ્લી રહી ગયેલી બારીમાંથી કૂદીને આવ્યો હશે. તેણે મારા પ્રશ્નનો જવાબ આપ્યા વગર મારું કાંડું પકડ્યું. કાંડે પહેરેલી ઘડિયાળનો પટ્ટો તોડીને તેણે ગજવામાં નાખ્યો અને તે ભાગ્યો. મેં તેની પાછળ પડીને બારીમાંથી કૂદે તે પહેલા તેને બોચીમાંથી પકડ્યો. તે બળવાન હતો. મારામાં પણ કોણ જાણે નવું જ બળ આવ્યું. મરવાના સંકલ્પે મને ખૂબ મજબૂત બનાવ્યો હતો.

મારાથી છૂટવા ચોરે ફાંફાં માર્યા. તેણે ખાલી જમીન ઉપર હાથને પ્રસરાવ્યા. તેણે હાથ ઉગામ્યો. તેના હાથમાં મારું જ ચપ્પું હતું. તે મારું ખૂન કરવા માગતો હતો. તેણે મારા પેટ પાસે ચપ્પુની ધાર આણી, મારામાં હતું તેટલું બળ એકઠું કરીને ચપ્પુ ઝૂંટવી લઈને મેં તેના પેટમાં ખોસી દીધું. મારા હાથમાં લોહી નીતરતું ચપ્પુ હતું. થોડી વારે તે બોલ્યો, 'હાશ, જીવન નિરર્થક હતું.' આવું બોલીને તે મરી ગયો હતો. મરવાનું મારે હતું અને મેં જીવ બચાવવા તેને મારી નાખ્યો.

હું ફસડાઈ પડ્યો. અમારી ઝપાઝપી ને શોરબકોર સાંભળીને પાડોશી દોડી આવ્યાં. પોલીસ, વકીલ, કોર્ટ, પછી ફાંસી... અનેક વિચારો મગજમાં ધસી આવ્યા. મારા વકીલને હું પગે પડ્યો, 'મને મહેરબાની કરીને ફાંસીની સજામાંથી બચાવો.'

આજે હું કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયો છું. આજે ફરીથી છ સિગારેટ પી ગયો છું. સાતમી સિગારેટ વખતે મેં આ કંટાળાભરેલા જીવનનો અંત આણવાનો નિર્ણય કર્યો છે. મને હજી પણ લાગ્યા કરે છે કે જીવન નિરર્થક છે, પણ તેવું બોલું છું ત્યારે મને ચોર યાદ આવે છે અને ત્યારે એ પણ યાદ આવે છે કે જીવન નિરર્થક હોય તો મોત પણ નિરર્થક છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.