પ્રેમમાં મરવા – જીવવાની વાત

22 Feb, 2018
07:01 AM

કાન્તિ ભટ્ટ

PC: clinicadentalalcantarilla.es

ઉત્કટ પ્રેમની અવસ્થામાં બે પ્રેમીઓ મળે છે અને તેમના પ્રેમ વચ્ચે અવરોધ દેખાતો હોય ત્યાં બન્ને મરવાની વાત કરે છે. પ્રેમની ભાષામાં “હું તારા ઉપર મરું છું” એવો શબ્દપ્રયોગ થાય છે. શું પ્રેમ મરવા માટે છે કે જીવવા માટે છે? પ્રેમ અને મરણનો તાત્ત્વિક દ્રષ્ટિએ પૂરતો સંબંધ છે કે પ્રેમમાં માનવીનો અહમ્, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ મરી જાય છે. પરસ્પર પ્રેમીઓ એકબીજામાં સમાઈને સમાન ભાગીદારીનું અસ્તિત્વ સ્વીકારે છે.

વિખ્યાત માનસશાસ્ત્રની ફ્રોઈડે મૃત્યુ અને પ્રેમ વચ્ચે કશોક સંબંધ છે તેમ લખ્યું છે. ફ્રેન્ચ ભાષામાં કોર્ટે (MORTE) એટલે મૃતક અને એમોર (AMORE) એટલે પણ મરવું એવા અર્થ થાય છે. ઈટાલિયન ભાષામાં એમોર એટલે પ્રેમ અને પછી મોર્ટે એટલે મરવું એવો અર્થ થાય છે. આમ ભાષાઓમાં પણ મરણ અને પ્રેમ વચ્ચે કોઈ તફાવત દેખાતો નથી.

જગતભરમાં શેક્સપિયરથી માંડીને દોસ્તોવ્સ્કી જેવા રશિયન લેખકોની વાતો, નાટક-સાહિત્યમાં પ્રેમ અને પ્રેમ માટે મરવાની કથાઓ ભરી પડેલી છે. નેપાળનો પાટવી કુંવર દીપેન્દ્ર શાહ દેવ માધવરાવ સિંધિયાની ભાણેજની સ્વરૂપવાન પુત્રીના પ્રેમમાં પાગલ હોય તેમાં નવાઈ નથી. પ્રિન્સેસ ડાયના જ્યારે મોહમ્મદ ફરાદ જેવા બદનામ આરબના પુત્ર સાથે પ્રેમમાં પડી ત્યારથી જ તેણે પોતાને હાથે મોતનું વૉરંટ લખ્યું હતું. લંડન ટાઈમ્સના વિદ્વાન લેખક જેસ્પર ગેરાર્ડ લખે છે કે “ઈન લાઈફ એન્ડ લિટરેચર રોયલ્સ હેવઑલવેયઝ બીન રેડી ટુ શેડ ફેમિલી બ્લડ.” અર્થાત્ સાહિત્યમાં જ નહીં પણ વાસ્તવિક જીવનમાં શાહી કુટુંબના નબીરાઓએ પ્રેમમાં સફળ-નિષ્ફળ જવાથી પ્રેમને લોહિયાળ બનાવ્યો છે. જુલિયસ સિઝરનું ખૂન પ્રેમિકા માટે થાય છે. મેકબેથના નાટકમાં સ્કોટલેન્ડના રાજાનું ખૂન એક મહત્વાકાંક્ષી ચૌધરી કરે છે તે પ્રેમમાં પાગલ હોય છે. ઘણા પોતે જ મરવા જેવા કઠિન નિર્ણય લઈને પ્રેમમાં પડે છે. બ્રિટનની એક જેલમાં ગુનાની સજા ભોગવતા ગુંડા જેવા બ્રિટિશરના પ્રેમમાં સાયરા નામની એક બંગાળી મુસ્લિમ છોકરી પડી છે. તેનું ક્યારે પણ તેનાં માબાપ ખૂન કરી શકે છે પણ તે મોતથી ડરતી નથી. જુલાઈ 2000માં બહેરીનની પ્રિન્સેસ મરિયમ અલખલીફા અમેરિકન સૈનિક લેફ્ટનન્ટ જેસન જોન્સનના પ્રેમમાં પડીને બહેરીનથી અમેરિકા ભાગી જાય છે. બન્નેના શિરચ્છેદની ભરપૂર શક્યતા છતાં પ્રેમ મોતને ગાંઠતો નથી. કવિ મિલ્ટને “પેરેડાઈઝ લોસ્ટ” માં કવિતા લખી છે તેમાં પ્રેમને મોટલ સીન (મોત તરફ દોરનારું થાય) કહેલ છે, તેની કવિતા આવી છે.

Earth Trembled from

Herentrails…

Some sad drops

Went at completing of the

Mortal sin, original…

આદમે ઈવને પ્રેમ કર્યો ત્યારે તેને ખબર નહોતી કે જગતનું પ્રથમ “મૌલિક પાપ” એટલે કે પ્રેમમાં પડવાનું “પાપ” તેણે કર્યું હતું. પ્રેમીઓ વધુ મર્ત્ય – વધુ મોર્ટલ છે. મધમાખીની રાણી સાથે સંભોગ કરીને નરમાંખ મરી જાય છે. કરોળિયા આપસમાં પ્રેમ કરીને મરી જાય છે. એમાં તો માદા કરોળિયા નરને આખેઆખા ખાઈ જાય છે.

આપણે પ્રેમમાં પડવું એવો શબ્દપ્રયોગ કરીએ છીએ. આ પ્રેમમાં પડવાની ક્રિયા પણ મરવા જેવી જ છે. પ્રેમમાં પડો ત્યારે તમારી આસપાસની સૃષ્ટિ બદલાઈ જાય છે. બધું જ પ્રેમના ઝંઝાવાતમાં હલબલી જાય છે. પ્રેમમાં પડો એટલે જાણે મૃત્યુનો પડછાયો આજુબાજુ ફરતો રહે છે. કદાચ કારકીર્દીનું પણ મોત થાય છે. તમારી મહત્વાકાંક્ષાઓનું મત થાય છે. સૌ પ્રથમ તો સપનાઓનું મોત થાય છે. પ્રેમી એકબીજાને મેળવે પછી ખોટું તારણ કાઢે છે કે સપનાંનો રાજકુમાર મળી ગયો, સપનાંની રાજકુમારી મળી ગઈ. કોઈ મળી ગયું તે સપનું મળવા બરાબર છે, ખરેખર તો સપનું જીવવું જોઈએ. જીવે એ જ સપનું છે. સપનું પૂરું થયું એટલે જીવવાની લિજ્જત “મરી” જાય છે.

શેલા નામના અંગ્રેજ માનસશાસ્ત્રી કહે છે કે પ્રેમમાં પડવું તેને મરવા જેવું એટલે કહે છે કે પ્રેમમાં આપણા કેન્દ્રની દોરી બીજાને સોંપી દઈએ છીએ.કોઈ નવી સૃષ્ટિ હાંસલ કરવા જૂનું તમામ સોંપી દઈએ છીએ. નવા અસ્તિત્વ માટે જૂનાને ફેંકી દઈએ છીએ. માબાપને ત્યજીને સાવ અજાણી વ્યક્તિને હવાલે થઈ જઈએ છે. તમે જૂનું છોડો છો અને નવાની તમને કોઈ ખાતરી હોતી નથી. શેલા કહે છે કે આપણે બધું જ સમર્પિત કરીને પ્રેમીમાં આત્મસાત થઈ જઈએ છીએ. જીવનનો દોરીસંચાર અને સંપૂર્ણ લાગણીનું સંચાલન કેન્દ્ર પરસ્પરને હવાલે કરીએ છીએ. આપણું સ્વત્વ આપણને પાછું મળશે કે નહિ તેની કોઈ ખાતરી હોતી નથી.

શરદબાબુની નવલકથામાં, એલેક્ઝાન્ડર ડુમાની વાર્તામાં હીરો પ્રેમમાં પડીને મરી ન જાય તો સતત દેવદાસ બ્રાન્ડનો બીમાર રહે છે. દારૂમાં અસ્તિત્વ ખોઈ નાખે છે જે વ્યક્તિ પ્રેમ કરે છે અને સામેથી તેને પ્રેમનો પ્રતિસાદ મળતો નથી. તેનો પણ જીવનમાંથી રસ ઊડી જાય છે. તેને લાગે છે કે પ્રેમ વગરનું જીવન ખાલી ખાલી છે. જીવવાનો કોઈ અર્થ નથી. આમ જાણે પ્રેમમું પડવું તે મરવાનો બીજો પર્યાય બની જાય છે. રોમેન્ટિક યુગમાં આવા વિચારને પ્રોત્સાહન અપાતું હતું. તેવી જ વાર્તાઓ લખાતી અને ખૂબ વેચાઈ ને વખાણાતી. પ્રેમ કરીને દુઃખી હોવું તે ગૌરવપ્રદ ગણાતું. સરસ્વતીચંદ્ર બાવો બની જાય તે ક્ષમ્ય અપરાધ મનાતો હતો. પ્રેમ મળે તોય મરવાની વાત અને પ્રેમ ન મળે તોયે મરવાની વાત. આમ જાણે કે પ્રેમ બેધારી તલવાર બને છે. રોમેન્ટિક દ્રષ્ટિએ માણસ પ્રેમની વંચિતતાથી કે વધુ પડતા પ્રેમથી પણ મરી જાય છે. મરે નહીં તો માંદો થોય છે. એ માંદગી રોમેન્ટિક યુગમાં ક્ષયની માંદગી બની જતી. ફિલ્મમાં જુઓ છો કે નિષ્ફળ પ્રેમીને ખાંસી આવવા લાગે છે. નિષ્ફળ પ્રેમીને પેટનો દુઃખાવો થતો દેખાડાતો નથી. “હું પ્રેમમાં પડેલો છું તેથી મારા પેટમાં દુઃખે છે.” તે શબ્દપ્રયોગ રોમેન્ટિક નથી. મારી છાતીમાં દુઃખે છે કે હૃદયની પીડા થાય તે વધુ રોમેન્ટિક છે. પ્રેમમાં નિષ્ફળ જનારો છાતીમાં હૃદયની જગ્યાએ હાથ મૂકે છે. તે પ્રેમનું કેન્દ્ર છે. આજે આધુનિક યુગનાં પ્રેમીઓ એકબીજાના પ્રેમમાં પડીને મરતાં નથી. કારણ કે સહેલાઈથી બીજી પ્રેમિકા કે બીજો પ્રેમી મળી જાય છે.

વૉલ્ટર હૉફમેન નામના ફિલસૂફે કહ્યું છે કે જો આપણે તન્મયતાથી અને ઉત્કટ ભાવનાઓ સાથે જ જીવીએ તો રાત્રે સુંદર નિંદ્રા આવી જાય છે. એ નિદ્રાનું સુખ સ્વર્ગના સુખ જેવું હોય છે. આપણે ઉત્કટતાથી કોઈને પ્રેમ કરતા હોઈએ તો એ અવસ્થામાં મરણ આવે ત્યારે આપણને પરમ સુખનો અનુભવ થાય છે.

હૉફમોન આગળ કહે છે..., એટલે જ હું જે જીવન ઈચ્છું છું તે જીવન પ્રેમમય અને ઉત્કટતાવાળું હોય, તે જીવન પીડામય અને સર્જનાત્મક હોય, જેથી કરીને જીવન જીવવા જેવું અને મરણ મરવાં જેવું હોય. આપણને જો સાચો પ્રેમ કરતાં ન આવડે તો જીવતાંય ન આવડ્યું અને મરતાંય ન આવડ્યું. આજે પ્રિન્સ દીપેન્દ્રના ઘાતક પ્રેમની હાંસી થાય છે. ભવિષ્યમાં તેની મહાન પ્રેમકથા લખાશે.

હિન્દુજાબંધુઓનો એક પુત્ર એક અંગ્રેજ છોકરી સાથે પ્રેમમાં પડેલો. એને ખબર હતી કે તેના કટ્ટર હિન્દુ માતાપિતા આ લગ્ન નહિં સ્વીકારે. બન્ને જણ મોરેશિયસ ભાગી ગયાં. એક હૉટેલમાં બન્નેએ સાથે મળીને આપઘાત કર્યો હતો. આ “આત્મહત્યા” એ માત્ર પ્રેમના સાચા સ્વરૂપનો અંતિમ અને કરુણ પરચો છે. આમેય પ્રેમીઓ જીવતાં હોય છતાં બન્ને પરસ્પરનાં અલગ અસ્તિત્વનો, અહમ્નો અને વિશિષ્ટતાનો અંત આણે છે. પ્રેમાં પડવું તે મોટી જોખમની વાત છે. ફકન્સે આલ્બેરાની નામના ઈટાલિયન ફિલસૂફ કહે છે કે તમે પ્રેમમાં પડો છો ત્યારે જબ્બર જોખમ ઉઠાવો છો, તમે પ્રેમમાં પડો ત્યારે કોઈ ગેરંટી નથી કે તે પ્રેમ તમને નવી જિંદગી તરફ લઈ જશે કે નિરાશા તરફ કે મોત તરફ લઈ જશે, માતા અને પુત્ર વચ્ચે પણ પ્રેમ હોઈ શકે છે અને એ પ્રેમ પણ ઘાતક નીવડે છે. લંડનમાં એટન સ્કૂલ જ્યાં નેપાળનો પ્રિન્સ દીપેન્દ્ર અને જવાહરલાલ નેહરુ ભણેલા ત્યાં ભણતો કેશન ગુણવર્દન નામનો વિદ્યાર્થી તેની માતા દિનેશાને ખૂબ જ ચાહતો હતો. તેર વર્ષનો કેશન તેની ક્ષયથી પીડાતી માતા પાસે જ સતત રહેતો હતો. સ્કૂલમાં તે બ્રિલિયન્ટ હતો. બાર વર્ષની ઉંમરે કવિતા લખતા થયેલા કેશનથી તેની માતાની બીમારીની પીડા જોઈ શકાતી નહોતી. ડૉક્ટરોએ આશા છોડી દીધેલી. કેશનને એક કવિતા બદલ ઈનામ મળેલું પણ તે કેશનને ખબર નહોતી. માતા દિનેશા બચે તેવી કોઈ આશા નહોતી. કેશન માતાને એટલો ચાહતો હતો કે તેણે “બોવાઈન ફિલોસોફી” નામની કવિતા લખેલી તેને એટન સ્કૂલમાં ઈનામ મળ્યું. પિતાને આ ખબર મળતાં ખુશી ખુશી ઘરે આવ્યો ત્યારે તેની પત્ની દિનેશા અને કેશન બન્ને મરેલાં પડ્યાં હતાં. માતા જ્યારે છેલ્લા શ્વાસ લેતી હતી તે 13 વર્ષનો કેશન જોઈ ન શક્યો. તેને માતાથી અલગ થવું ન હતું. માતા-પુત્રે પછી સાથે ઝેર ઘોળ્યું!

જ્યારે કોઈ જુવાન છોકરી કે છોકરો કુટુંબને અઘટિત પાત્ર મળે તેવા પ્રેમી સાથે પ્રેમમાં પડે છે ત્યારે તેને સ્કીઝોફ્રેનિયા થયો છે કે ઑબ્સેશન થયું છે કે કશોક વળગાડ થયો છે તેમ મનાય છે. ખરેખર પ્રેમ વળગાડ છે. પણ આર.ડી. લેંગ નામના મહાન મનોવૈજ્ઞાનિકે કહ્યું છે કે પ્રેમમાં આવતું પાગલપણું અને આત્મઘાતક વિચારો કે સ્કીઝોફ્રેનિયાનું સંપૂર્ણપણે અવમૂલ્યન ન કરી શકાય. “ધી પોલિટિક્સ ઑફ એક્સપિરિયન્સ”માં મનોવિજ્ઞાનીએ લખ્યું છે કે સ્કીઝોફ્રેનિયા કે અમુક જાતના પાગલ પ્રેમની જીવનસફર એક પુરાણા દરિયાખેડુની સફર જેવી છે. તે કોઈક અજાણ દિશા તરફ જઈ રહ્યો છે, પણ કદાચ તે “હાયર સ્ટેજ ઑફ ઈવોલ્યુશન”એટલે કે ઉત્ક્રાન્તિના ઊંચા લેવલે પણ જતો હોઈ શકે છે. તેને રોકવો તે ખરેખર ગુનો બને છે. એમ કરવા જતાં મહાન આપત્તિ આવી શકે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.