ચાણક્યની સલાહ : કર્મચારીનાં દિલ જીતી લો
સાડા ત્રણસો વર્ષ પહેલાં સ્કૉટલેન્ડમાં રોબર્ટ બર્ન્સ નામના કવિ થઈ ગયા. કાવ્યમાં ઘણો કટાક્ષ કરતા. એક વખત તે પાણીની નહેર પાસે ઊભા ઊભા પક્ષીનું અવલોકન કરતા હતા ત્યારે ધનિક વેપારી ખાડીમાં પડી ગયો. પરંતુ એક હોડીવાળાએ પાણીમાં કૂદીને જાનને જોખમે વેપારીને બચાવી લીધો, વેપારીએ પલળેલા ખિસ્સામાંથી એક શિલિંગનો સિક્કો હોડીવાળાને સૌની દેખતાં આપ્યો. ત્યારે સૌ મોમાં આંગળા નાંખી ગયા. આવો ધનવાન વેપારી અને એક જ શિલીંગનો બદલો? ત્યારે કવિ રોબર્ટ બર્ન્સ બોલી ઊઠ્યા "અરે ભાઈ !"એ ધનિક માણસ એના જીવનની કિંમત બસ એટલી આંકે છે તે પુરવાર થયું." આપણે ચાણક્ય ઉર્ફે કૌટિલ્યની બિઝનેસમેન માટેના નીતિના લેખમાળા લખીએ છીએ. ચાણક્યનીતિમાં રાજાની એક ફરજ ઉપર ભાગ્યે જ કોઈ લેખકનું ધ્યાન ગયું છે. "રાજાને હંમેશાં તેનાં કર્મચારી કે પ્રજાજનને તેના પુરુષાર્થ કે બહાદુરીનો યોગ્ય બદલો આપતાં શીખવું જોઈએ. આ વાતનો આજે વેપારીઓએ અને ઉદ્યોગપતિઓએ ધડો લેવો જોઈએ. જે કોઈ કર્મચારી નિષ્ઠાથી કામ કરે તેને સીધી કે આડકતરી રીતે તેનું 'ઈનામ' આપતા રહેવું જોઈએ.
ધંધામાં પ્રમાણિકતા જાળવે કે કર્મચારીને બરાબર સાચવે તેનો ઈશ્વર જરૂર બદલો આપે છે. કોઈ જ ખોટા કર્મમાંથી 21મી સદીમાં પણ છટકી શકતું નથી. આપણે જોયું કે, ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન દયાનીધિ મારને બેઆબરૂ થવું પડ્યું. એ. રાજા નામના પૂર્વ કેન્દ્રીય પ્રધાન જેલમાં ગયા. બીજા પોણો ડઝન જેલમાં ગયા છે. ચાણક્ય કહેતા કે ઈશ્વર માણસને રાજકારણમાં સત્તા આપે છે. વેપારી પાસે પૈસા જ હોય છે પરંતુ સત્તા સાથે એક જબ્બર જવાબદારી હોય છે. તે પ્રમાણિકતા પાળવાની લિમિટેડ કંપનીનો વડો હોય તેણે શેરહોલ્ડરોને ખુશ રાખવા જોઈએ. દેવું લીધું હોય તે સમયસર ચૂકવે ત્યાં સુધી વ્યાજ આપવું જોઈએ. બિઝનેસમાં એક કમિટમેન્ટ કર્યું હોય તેને બરાબર પ્રમાણિકતાથી પાળવું જોઈએ. મારી મલેશિયા રંગુનની 10 વર્ષની બિઝનેસની કારકિર્દીના બે પ્રત્યક્ષ અનુભવ કહું.
ચિનાંગ (મલેશિયા) ખાતેની મારા કાકાની પેઢી આરબ દેશોમાં રિફાઈન્ડ ટીન (કલઈ) નિકાસ કરતી હતી. મારી ગેરહાજરીમાં તેનાં વચલા દીકરીએ જીદ્દા (સાઉદી અરેબિયા) ખાતે બે ટન રીફાઈન્ડ ટીન નિકાસ કર્યું. સ્ટીમર લગભગ જીદ્દા બંદરે પહોંચવા આવી ત્યારે ખબર પડી કે દીકરાએ ઈનવૉઈસમાં ભૂલ કરીને અરધા ભાવે ટીન મોકલ્યું હતું. ખરેખર તો બિઝનેસની દૃષ્ટિએ આ ભૂલ સહન કરવી જોઈએ. અગર તો આરબ આયાતકારને કહેવું જોઈએ કે ભૂલ થઈ ગઈ છે. પરંતુ મોટી ઉંમરના બુઝૂર્ગ કાકાને દુર્બુદ્ધિ સૂઝી. મને કહેલ કે જિદ્દામાં કોઈ ઓળખીતું છે? ટીનની ડિલિવરી લઈ આપણા વતી વેચી દે?
મેં આનાકાની કરી ત્યારે ઠપકો સાંભળ્યો કે 'બહુ શાહુકારનો દીકરો થા મા.' મેં કડવે મોઢે ધીરુભાઈ અંબાણીનાં લંગોટિયા મિત્ર ભરતકુમાર શાહ ત્યારે જિદ્દામાં હતા તેને ફોન કરીને તેની પાસે ડિલિવરી લેવરાવી. ઊલટાના ઊંચા ભાવે ટીન વેચ્યું. મારા કાકાએ બે ગુના કર્યા. એક તો કમિટમેન્ટ ન પાળ્યું. બીજું ભરતભાઈને થેંક્સનો એક શબ્દ પણ ન કહ્યો. ઈશ્વર પરિણામ આપે જ છે. મોડે મોડે કાકાની પેઢીએ મારા પિનાંગથી કાયમ રવાના થયા પછી દેવાળું કાઢી નામ બરબાદ કર્યું. બીજો દાખલો રંગૂનના ગુજરાતી વેપારીઓનો છે. ત્યાંની મિલિટરી સરકારને ધંધામાં ખબર પડતી નહોતી. સિંગાપોર મલેશિયા ખાવાનું તેલ ગુજરાતથી આયાત કરતા તેમાં નિકાસકારને અરધોઅરધ વ્હાઈટ ઑઈલ ભેળવવાનું કહેતા. ચાણક્ય આ હરકત હરગીઝ સહન કરે નહીં. મનીપાવર ઓર બિઝનેસ પાવર બીંગ્ઝ રીસ્પોન્સિબિલિટી. આ જવાબદારીનો ખ્યાલ ગુજરાતી વેપારીઓએ રાખ્યો નહીં. તમામ ગુજરાતીઓને કોરે હાથે ભિખારીને કાઢી મૂકે તેમ બર્મીઝ મિલિટરી સરકારે ગુજરાતીને કાઢી મૂક્યા.
ચાણક્ય ફરી ફરી કહેતા કે ઈશ્વર માનવીને સત્તા આપે તે સાથે જવાબદારી આપે છે. મુંબઈના પૂર્વ મેયર અને ઉદ્યોગપતિ ડૉ. મોહન પટેલ ચાણક્યના ખાસ ચાહક છે અને તેના ધંધામાં તેનો ઉપયોગ કરે છે. તેમણે ચાણક્યની રાજાને એક સરસ શિખામણ આપી તેના તરફ ધ્યાન ખેંચ્યું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર