સુખનો તમામ સામાન તૈયાર કરીને દુઃખ માટે તૈયાર રહો

20 Apr, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: ichef.bbci.co.uk

ચિર ધ્યેય યહી જલને કા,

ઠંડી વિભૂતિ બન જાના,

હૈ પીડા કી સીમા યહ,

દુઃખ કા ચિર સુખ હો જાના.

મહાદેવી વર્મા

જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તમે ફૂલપ્રૂફ કે જડબેસલાક ગોઠવણ કરો તો પણ કશીક ખામી રહી જાય છે. સુખનો તમામ સામાન કે સંપૂર્ણ શાંતિનો સઘળો મસાલો એકઠો કરો છતાં કંઈક તકલીફ આવી જ પડે છે. સિરિલ કોનોલી નામના સાહિત્યકારે તો માત્ર માનવીના પ્રેમજગત માટે, લાગણીતંત્ર માટે બુદ્ધિજીવીઓને ચેતવ્યા છે કે તમે કોઈને કોઈ વાતમાં મોહભંગ થશો જ. મોહભંગ થવાની તૈયારી સાથે કોઈ પણ નવી યોજના કરજો કે નવો પ્રેમસંબંધ બાંધજો, પરંતુ નવું કરવામાં ડરશો નહીં, પણ એમાં કંઈક આડુ ફાટશે એનો અવકાશ રાખજો.

આપણે આપણા વ્યવસાયમાં માલિકને કે મેનેજરને ખુશ કરવા ખૂબ ખૂબ વફાદારીથી કામ કરીને યશની ઈચ્છા રાખીએ છીએ. વહુ સાસુને વહાલી થવાની કોશિશ કરે છે, પરંતુ તેને પણ મોહભંગ થવું પડે છે. સિરિલ કોનોલી કહે છે કે, નીચેની ત્રણ બાબતોના મોહભંગની જ આપણે ટૂંકી યાદી – શોટર્લિસ્ટ બનાવીએ :

(1) માનવી પ્રેમમાં પડે ત્યારે થતો મોહભંગ.

(2) કોઈ નવું મેગેઝિન કે નવી કંપની શરૂ કરો એ પછી થતો મોહભંગ.

(3) માલિક, ભાગીદાર કે મા-બાપ સાથે ઝઘડો કરીને તમને બતાવી દઈશ કહીને પછી સ્વતંત્ર થનારી વ્યક્તિને લાંબે ગાળે ઘણી થપાટો પછી હાથમાં બહુ ઓછું આવે ત્યારે મોહભંગ – હતાશા અને નિરાશા.

પ્રેમમાં પડ્યા પછી મોહભંગ થનારા લોકોના દાખલા લેવા જવા માટે તમારે બહુ દૂર નહીં જવું પડે. તમારી આજુબાજુ (અગર તમે પોતે જ) ઘણાં યુવક-યુવતી તમને કહેશે કે અમે પ્રેમમાં પડ્યા પછી પસ્તાયાં છીએ. પ્રેમમાં ઝટકો ખાધા પછી એને દેવદાસિયા ચહેરા સાથે મમળાવ્યા ન કરાય. આ ઓગણીસમી સદી નથી. પ્રેમમાં પડનારો જુદી જ માટીનો ઘડાયેલો છે. એમ સમાજશાસ્ત્રી માને છે. તમારી એ અલગ માટીનું સત્ત્વ તો જ તમે પુરવાર કરી શકો. જો તમે પ્રેમમાં નિરાશ થયા પછી ફળ ખાઈને બેઠા થઈ જાઓ. પ્રેમના મોહભંગના કાટમાળને એકઠો કરીને તમે દરિયામાં ફેંકી દો એમાં જ બહાદુરી છે.

પ્રેમ કરનારી બે વ્યક્તિ પૈકીમાં જેની પાસે આ કળા વધુ સારી હોય તે જલદીથી મોહભંગમાંથી કંઈક પોઝિટિવ મેળવે છે. પોતાના પ્રેમના ઘાને પંપાળ્યા ન કરાય. ખરેખર તો જે ઘાયલ હોય છે તે જ પ્રેમ કરી શકે છે. એટલે નવેસર ઘાયલ થવું એ તમારા માટે કંઈ નવું નથી.

સિરિલ કોનોલી કહે છે કે, ‘જીવન કોઈ એક ઘટનાથી કે એક જ વખતની પ્રવૃત્તિથી સમાપ્ત થઈ નથી જતું. ફિલ્મની વાર્તાની માફક હીરો અને હિરોઈન અંતે પરણી જાય એ રીતે તમારા જીવનમાં સમાપ્તનું બોર્ડ લાગી નથી જતું. ખરેખર તો તમે જેને સફળ પ્રેમલગ્ન કહો છો એનાથી જ હજી તો જીવનના સંઘર્ષનો પ્રારંભ થાય છે. પ્રેમની સફળતા કે ધંધાની સફળતા એ માત્ર શબ્દો છે. હકીકતમાં પ્રેમ કે વ્યવસાયમાં મોહભંગ થવાનું, નવો પુરુષાર્થ કરવાનું અને નવા પ્રેમસંબંધમાં પડવાનું સાતત્ય જિંદગીભર ચાલે છે.’

સિરિલ કોનોલી પત્રકાર હતા એટલે તેમણે પત્રકાર તરીકે નોકરી સ્વીકારી અને એમાં અહમ ઘવાયો એટલે તેમણે પોતાનું મેગેઝિન શરૂ કર્યું. પરંતુ મેગેઝિન શરૂ કરતી વખતે તેમને ખ્યાલ નહોતો કે પત્રકાર તરીકેની નોકરીમાં તો અખબારના માલિક કે તંત્રીની જાણ પૂરતો એક જ વ્યક્તિ પૂરતો તેમનો અહમ ઘવાયો હતો, પરંતુ મેગેઝિન શરૂ કર્યા પછી ડગલે ને પગલે તેમણે સમાધાનો કરવા પડ્યાં. તેમના કારકુનો, તેમના સરક્યુલેશન મેનેજર, પ્રેસના માલિક વગેરે ઘણા સમક્ષ તેમના અહમને ઘવાતો જોવો પડ્યો એટલે અહમની વાતને લઈને કોઈ સ્વતંત્ર વ્યવસાય શરૂ કરો ત્યારે ધ્યાન રાખજો કે એક નહીં, અનેક વખતે અહમને નેવે મૂકવો પડે છે. ઘણી વખત મોહભંગ થવું પડે છે, પરંતુ એક વખત વટ કરીને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યા પછી કદીયે હારણ થવું નહીં, કારણ કે તમને સ્વતંર થવાની હિંમત આવી એ મોટી ચીજ છે અને અભૂતપૂર્વ છે. ઘણા લોકો નોકરી અને અહમનો કચવાટ વેંઢાર્યે જાય છે.

તમને વિખ્યાત રશિયન સાહિત્યકાર દોસ્તોવ્સ્કીનો દાખલો આપું છું. તે જુદી જાતનો છે, પણ તમે જ્યારે સ્વતંત્ર વિચાર માટે પસ્તાતા હો ત્યારે દોસ્તોવ્સ્કીની વાત પ્રેરણા આપશે.

દોસ્તોવ્સ્કીએ શાસન માટે વટ કરીને પોતાના બળવાખોર વિચારો ફેલાવવા માંડ્યા ત્યારે તેમને આવા સ્વતંત્ર કક્ષાના રાજકીય વિચારો રજૂ કરવા બદલ રશિયાના સાઈબીરિયાના સખત ઠંડા પ્રદેશની જેલમાં ગોંધી રાખવામાં આવ્યા. જો દોસ્તોવ્સ્કી સ્વમાનભંગને સહન કરીને ચૂપ રહેત તો ઊલટાનું તેમને મજા હતી. તેમને સરકારી સગવડોની બાદશાહી ભોગવવા મળત, પરંતુ બંડ પોકારવાથી, વિદ્રોહ જગાવવાથી તેમને જેલમાં સખત મજૂરી કરવી પડતી હતી. તેઓ થાકીને લોથ થઈ જતા. કોઈક વાર એકાદ ક્ષણ માટે તેમને વિચાર આવી જતો કે આ પીડા ક્યાં વહોરી?

પરંતુ તે પછી તેઓ તરત આવા નબળા વિચારને ડામી દેતા. એક વખત દોસ્તોવ્સ્કી ખૂબ થાકેલા હતા, મોહભંગ થઈ ગયા હતા. ત્યારે જ તેમને એક નવું બળ મળ્યું. એ પ્રસંગ તેમના જ શબ્દોમાં વાંચો :

મારા ભૂતકાળના જીવનમાં હું બહુ આશાવાદી નહોતો. મને કોઈ પ્રબળ ઈચ્છા પ્રગટ થતી નહીં. પ્રબળ ઈચ્છા કરવાનો જુસ્સો જ મારામાં રહેવા દીધો નહોતો, પણ આજે આ જેલમાં સખત હાડમારી વેઠવા છતાં મને લાગે છે કે હારી જવાથી કંઈ નથી મળતું. મારા શરીર અને આત્મામાં ઈશ્વરે શક્તિના અખૂટ ભંડાર આપ્યા છે. આવો વિચાર કરતાં જ મારામાં એકાએક આશાનો સંચાર થયો. મને પ્રબળ ઈચ્છાઓ થવા માંડી અને પછી કદીયે મેં મારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરવા બદલ પસ્તાવો નથી કર્યો.

દોસ્તોવ્સ્કીના આ શબ્દો આપણા માટે પ્રેરણારૂપ છે. ઈશ્વરે આપણા માટે અનેક અપમાનો, અવહેલના અને આપણો તિરસ્કાર થાય એવી જીવનની ગૂંથણી કરી છે, પણ તેની સામે આપણને શક્તિનો અમાપ ભંડાર પણ આપ્યો છે. તે શક્તિનો ભંડાર આપણા જીવનની તમામ કઠિનાઈને તોડી પાડે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.