માનવીનો એક 'બોડી ટાઈમ' હોય છે, સમયના ભેદભરમ કેવા છે!
આપણી દીવાલો પર, કાંડા પર, ટેલિફોનમાં, ટી.વી.માં અને કમ્પ્યુટરના પરદે ઘડિયાળો જ ઘડિયાળો છે. તે સમયનું ભાન કરાવે છે, પરંતુ આપણા શરીરમાં પણ એક ઘડિયાળ છે. બહારની ઘડિયાળની ટકટકને આપણે માન આપીએ છીએ. તેની ડેડલાઈન પાળો છો, પણ શરીરની આંતરિક ઘડિયાળને તમે માન આપો છો? આપણી પાસે ગ્રીનવીચ-મીન ટાઈમ છે. ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ છે. તે રીતે એક 'બોડી ટાઈમ' છે. આ બોડી ટાઈમની વાત માત્ર માહિતી પૂરતી જાણવી પણ રસપ્રદ છે, પણ આ લેખ વાંચીને તમે તમારા 'બોડી ટાઈમ'ને માન આપો તો બીમારીથી દૂર રહેશો. શરીરની અંદરના આ ઘડિયાળની અને સમયની ભેદી વાતો જાણવા જેવી છે.
છેલ્લી 30,000 પેઢી વિતાવી ચૂકેલો માણસ માત્ર 70 વર્ષ પહેલાં જ આધુનિક ટેકનોલોજીની સગવડ પામી શક્યો છે. તે ટેકનોલોજીને કારણે ઝડપ આવી છે, તેને કારણે શરીર અને મનની આંતરિક અવસ્થા જો કે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. કેનેડામાં મોન્ટ્રિયલ ખાતેની ડગ્લાસ હૉસ્પિટલના માનસિક રોગીઓનું નિરીક્ષણ કરનારા ડૉ. લેહમેનને માલૂમ પડ્યું કે તેના વૉર્ડના કેટલાક દર્દી અમુક સમયે ખૂબ જ ઉત્તેજિત થઈ હિંસાત્મક આચરણ કરતા. ડૉક્ટરે ઘણી તપાસ કરી, ખોરાક, દવા અને સ્ટાફની વર્તણૂક વગેરેની ચકાસણી કરી. પછી માલૂમ પડ્યું કે બાહ્ય હવામાનની અસર દર્દો પર થાય છે. ડૉક્ટરે હવામાન અંગેની વૈજ્ઞાનિક માહિતી પામવા માટે અમેરિકાની કોલોરેડોની યુ.એસ. સ્પેસ ડિસ્ટર્બન્સ ફોરકાસ્ટ સેન્ટરની સંસ્થાને લખ્યું. ત્યાંથી જણાયું કે, સૂર્યમાંથી અમુક ભડકાઓ બહાર પડે છે અને સૂર્યના ધાબામાં ફેરફાર થાય છે તેની અસર દર્દીના શરીરની અંદરની ક્રિયા પર થાય છે. તેના શરીરની અંદરનું ઘડિયાળ હલબલી જાય છે.
સૂર્યના આ ભડકામાંથી ગેસવાળો ધગધગતો પદાર્થ બહાર પડે છે અને તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ખલેલ પહોંચાડે છે. આ ચુંબકીય અસર પછી માનસિક દર્દીઓને થાય છે. આ ઉપરથી પ્રતીત થયું કે માનવીની આસપાસનું વાતાવરણ જો તેની અંદરની શારીરિક રચનાને અસર કરતું હોય તો તેના શરીરની રચના કેટલી બધી વ્યવસ્થિત અને સમય પ્રમાણે ચાલતી હોવી જોઈએ!
સવારે 6.50નું વિમાન પકડવા દોડીએ છીએ. કારખાનામાં કામદારો માટે સમયપત્રક રાખીએ છીએ, પણ તમારા શરીરની અંદરના ઘડિયાળની આજ્ઞાને પાળો છો?
સૂર્યોદય પહેલાં ઊઠો. સૂર્યોદય પહેલાં સ્નાન કરીને નાસ્તો કરો. તે પહેલાં તમારું ઔષધ લો અને તે પહેલાં ઈશ્વર કે અલ્લાહનું સ્તવન કરો કે મેડિટેશન કરો. આ સવારનો સમય તમને ઔષધ, ખાનપાન અને મનની અંદર સૌથી શ્રેષ્ઠતમ પોષણ આપે છે.
2400 વર્ષ પહેલાં આધુનિક તબીબ શાસ્ત્રના પિતામહ ડિપોક્રેટ્સે તેના શિષ્યોને કહેલું, ‘આરોગ્ય જાળવવા સમયપાલનની સખત જરૂર છે. દર્દીઓના સારા અને ખરાબ દિવસોની નોંધ લેતા રહેવાનું તાલીમી ડૉક્ટરોને સોંપેલું. દરેક દર્દીને દરરોજ અમુક દવા જ અપાતી નહીં. અમુક દવા અમુક દિવસે જ આપવાથી અસર કરે છે. રશિયામાં અમુક ડૉક્ટરો તો દર્દીની કુંડળી જોઈને ઔષધોપચારનો સમય-તારીખ નક્કી કરે છે. ઑપરેશન અમુક સમયે કરે છે. મુંબઈમાં વહેલી સવારે કરેલાં ઑપરેશનો વધુ સફળ થાય છે. મુંબઈ શું દરેક શહેર કે દેશના સર્જનોનો આ અનુભવ છે.’
પુરાણ કાળનો માનવી તેના શરીરની અંદર થતાં ભેદી પરિવર્તનોનો ખુલાસો ન મળે તો આકાશ સામું જોતો. એ પછી તે આકાશને બદલે નસીબમાં માનવા લાગ્યો. ઈટાલીમાં ઘણા લોકોને આંખમાં કાળાં ધાબાં પડતાં હતાં. એ પછી ત્યાં દુખાવો થતો. એ ધાબા અને દુખાવાને ઈટાલિયન ભાષામાં 'ચિયાડો લ્યુનોરે’ કહેતા, એટલે કે લ્યુનારનો ચિયાડો-ચંદ્રનો ઝટકો. આંખનાં ધાબાંને અને ચંદ્રને વળી શી લેવાદેવા? તમે ટી.વી. ઉપરની રૂપાળી છોકરીઓને સમાચાર વાંચતી જુઓ છો. તમે જોજો કે અમાસ-પૂનમને દિવસે તેમના ચહેરા એક વખત ઊંઘરાટીયા અને બીજી વખત પ્રફુલ્લિત જોશો. તે સમયની છાંટ છે. સ્ત્રીનું સૌંદર્ય નીતફલી જેવું છે. કરમાતું રહે, ખીલતું રહે, મહુવાનાં ભવાની માતાના સ્વરૂપ સમય પ્રમાણે બદલાય છે.
ઈટાલિયનો માનતા કે જ્યારે ચંદ્રની ચઢતી કળા હોય ત્યારે આંખોની આસપાસ કાળાં ધાબાં પડે છે. ચંદ્ર ચાલ્યો જાય એટલે કે પૂનમ પછી ધાબાં પણ ચાલ્યાં જાય છે. આપોઆપ! પૂનમને દિવસે માનસિક રોગી વધુ ઉગ્ર બને છે તે તમે જાણો છો. ગ્રીક ડૉક્ટરો હંમેશાં ત્રણ દિવસ સુધી દર્દીને દવા આપતા અને ત્રણ દિવસ પછી જ દવામાં ફેરફાર કરતા. કારણ કે દર્દીના શરીરની અંદરની ઘડિયાળ મુજબ તેની અમુક શક્તિઓ વધુ રોગશામક કે રોગપ્રતિકાર કરનારી હોય છે. તમે સમયસર વિમાન પકડો છો, પણ સમયસર આયુર્વેદનું ઔષધ ખાઓ છો? સમય પ્રમાણે જ જમો છો? સમય પ્રમાણે નીચે બેસીને પાણી પીઓ છો? સમય પ્રમાણે કુદરતી હાજતે જાઓ છો? નથી જતા. અંદરના ઘડિયાળને માન ન આપો તો શરીરમાં અવ્યવસ્થા થાય જ. પાણી પણ સમય મુજબ પીવું જોઈએ. મૈથુનમાં સમયને પાળો તો જોજો કે તેની પોઝિટિવ અસર થાય છે.
ઝેરી દવાનો પ્રયોગ કરતાં માલૂમ પડ્યું કે અમુક ઝેરની અસર કોઈપણ પ્રાણીને અમુક કલાક દરમિયાન વધુ થાય છે. ઘણા વૈદો સવારે જ ઔષધિ ખાવાનું કહે છે, તેમાં વૈજ્ઞાનિક કારણો છે. આહારશાસ્ત્રીઓ સવારે દૂધ પીવાનું કહે, દૂધ સવારે જ સારું લાગે છે, પચે છે. 'ઝેરી' દવાના અમુક ડોઝને અમુક સમયે માનવી પચાવી જાય છે. સર્પ પણ માણસને વોર્નિંગ આપવા કે તેને ઝેરથી મારી નાખવા અમુક સમયે નિર્દોષ ભાવે કરડે છે.
વેનેઝુએલામાં ચેપી દર્દો માટેની રસી (વેક્સિન) દર્દીને સવારે આઠ વાગ્યાને ટકોરે અપાય ત્યારે તેની આડઅસર થતી નહીં. પણ જો રાત્રે રસી આપે તો ઘણી સાઈડ ઈફેક્ટ (આડઅસર) થતી. કેડનો દુખાવો સાંધાનો દુખાવો વગેરે રાત્રે જ થાય છે. દુખાવો ભેદી વસ્તુ છે. સ્કૂલનાં બાળકો આખો દિવસ લડે ત્યારે અને ખૂબ દોડે ત્યારે પગ દુખતા નથી. પણ રાત્રે બરાડા પાડે છે. વૃદ્ધોનું પણ તેવું જ છે. શાહરૂખ ખાન રાત્રે પીડાવાથી સૂઈ શકતો નથી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાંસનાં નોર્મન્ડા-સમુદ્ર કાંઠે જર્મન-અમેરિકનો વચ્ચે યુદ્ધ થયું ત્યારે વહેલી સવારનો સમય હતો. એ વખતે ઘાયલ થનારા સૈનિકોના ઑપરેશન માટે મોર્ફાઈનની જરૂર પડતી નહોતી.
પારાસેલ્સ નામના જર્મન ફિલસૂફ ડૉક્ટરે સમય અંગે બહુ જ સુંદર શબ્દોમાં વૈજ્ઞાનિક સત્ય કહેલું :
Time is a brist wind, for each hourik brings somekhing new - તેનું આખું સૂત્ર ટાંકતો નથી પણ તેનો ભાવાર્થ એ છે કે માનવીના જીવનમાં સમય બહુ મહત્ત્વનો છે. અમુક સમયે જોજો, બધું આડું જ ઊતરે છે. બીજે સમયે બધું જ સમસૂતર ઊતરે છે. સમય જ તમામ ઘાને રૂઝવે છે. મોટા ભાગનાં બાળકો મધરાતથી સવારના 7 સુધી જન્મે છે. સવારે જન્મેલા બાળકો મેધાવી થાય છે. મારી પુત્રી વહેલી પરોઢિયે જન્મેલી. અત્યંત મેધાવી છે. તેને નિયત સમયે ધાવણ પછી નિયત સમયે ફળના રસ અપાતા હતા. માત્ર સમય જ નહીં, પણ અમુક મહિનામાં અમુક જગ્યાએ જન્મ પ્રમાણે વધે છે. જગતના ઉત્તર ભાગમાં માર્ચ દરમિયાન જન્મ-પ્રમાણ વધે છે. બાળકો વસંતઋતુ દરમિયાન જલદીથી શરીરનો વિકાસ કરે છે. આપણે ઉનાળામાં થાઈરોઈડ હોર્મોન વધુ પેદા કરીએ છીએ એટલે જ તેને સમરહોર્મોન કહે છે. આ હોર્મોન શરીરની ગરમી ઓછી કરવાનું કામ કરે છે, એટલે થાઈરોઈડ ગ્રંથિ શરીરમાં એરકન્ડિશનિંગ પેદા કરીને ઉનાળામાં આપણા શરીરરૂપી એન્જિનને તપવા દેતી નથી.
કૂતરાઓ માનવીની જેમ દિવસમાં પ્રવૃત્ત હોય છે, પણ બિલાડી દિવસના ભાગમાં આળસુ હોય છે. બિલાડી અને ચામાચીડિયાની શરીરની અંદરની ઘડિયાળ કુદરતે અલગ બનાવી છે. પક્ષી રાત્રે વિરામ લે છે. દરેક પક્ષી, બિલાડી, વાંદરાં અને માણસ એ બધાની અંદરનું રિધમ (લયબદ્ધતા) અલગ અલગ છે. એ લયબદ્ધતા પણ રોજની જુદી જુદી નક્કી કરેલી છે. ફૂલોનું પણ એમ જ છે. તેમના લય પ્રમાણે અમુક ફૂલ રાત્રે ખીલે. અમુક સૂર્યોદય વખતે ખીલે છે.
મોટા ભાગના ખેલાડીઓ કે નૃત્યકારો બપોરે કે સાંજે સારું કામ બતાવે છે. આ લોકોને તમે વહેલી સવારે 3 વાગે દોડવા કે નાચવાનું કહો તો કરી નહીં શકે. સાંજના જીતેલો ખેલાડી કદાચ બપોરે 1 વાગ્યે દોડે તો હારી જશે. લેખકો અમુક મહત્ત્વનું લેખનનું કામ અમુક સમય માટે મુલતવી રાખે છે. હું આધ્યાત્મિક પાસાવાળા 'ચેતનાની ક્ષણે'ના લેખો કે 'સર્ચલાઈટ' માટેના લેખ સવારે 6 વાગે જ લખવાનું રાખું છું. બીજા ટોપીકલ લેખો તો ગમે ત્યારે લખાય. ભજન તો સવારે-મળસ્કે જ મીઠા લાગે છે, અગર તો સાંજે.
પ્રમેકિાના સાદ સવારે મીઠા લાગતા નથી. પ્રણયનો સમય સાંજનો કે વરસાદનો હોય છે.
સાંજના ટાણે,
કોઈના મીઠા મનના ગાણે,
શાના પડે સાદ!
પ્રેમીને પ્રેમિકા કે પ્રેમીનાં ભેદી ગાન સાંજને સમયે યાદ આવે છે. બપોરનું સંવનન શરીરનો ક્ષય કરે છે. શહેરમાં છોકરીઓ કે સ્ત્રીઓને રોગો થાય છે કારણ કે ચોરી લીધેલા બપોરના સમયે રોમાન્સ કે સંવનન કરે છે. એ સમય-શક્તિ હણે છે. બપોરનો રતિભોગ સારો નથી.
જર્મનીની ગેટ્સબર્ગ શહેરની હૉસ્પિટલમાં (ઈન્સ્ટિ.ફોર ફ્લાઈટ મેડીસીન) ડૉ.કે.ઈ. ક્લીનને માલૂમ પડેલું કે પાઈલટ વહેલી બપોરના 2 થી 4 સુધી બહુ સુંદર કામ કરી શકે છે. માનસિક ચેતના સવારે 2 થી 4 ઓછી રહે છે. પાઈલટ વહેલા મરીને વહેલા રોગના ભોગ થાય છે, કારણ કે તેણે શરીરની અંદરની ઘડિયાળને અવગણીને કામ કરવું પડે છે. એક બીજી સંસ્થાના મત પ્રમાણે 1 વાગ્યાથી સાંજના 7 સુધી પાઈલટનું માનસિક પરફોમન્સ શ્રેષ્ઠ હોય છે. પ્રાણવાયુને પચાવવાની પાઈલટની શક્તિ વહેલી સવારે 3 વાગે ઓછી હોય છે. કમનસીબી છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટો આ સમયે જ શરૂ થાય છે. વીજળી-ગેસના મીટર વાંચનારા ઈલેક્ટ્રિક કંપનીના કર્મચારી રાતપાળીમાં ભૂલો કરે છે. બપોરના ઓછી ભૂલ કરે પણ સવારે મીટર વાંચે તો બિલકુલ ભૂલ કરતા નથી. રાતપાળીમાં કારકાનાના અકસ્માતો વધુ થાય છે.
આ લેખ વાંચીને તમે સૂર્યોદય પહેલાં ઊઠો, તાંબાના લોટામાંથી ઉષઃપાન કરો, ઈશ્વરનું સ્તવન કરીને સમયસર સેકન્ડને કાંટે આયુર્વેદનું ઔષધ લો. સમયસર ફરવા જાઓ તો તમારી અંદરનું ઘડિયાળ ખુશ થશે. અરે સાહેબ, તમે બરાબર અમુક સમયે જ એક સિગારેટ કે અમુક સાંજના સમયે એક જ વાઈનનો પેગ મારી લો. (ચોક્સ સમયે અને માત્ર એક જ સરખા ડોઝમાં) તો તમને એ ચીજો ઓછી નુકસાન કરે છે. સાહેબ, આપણા કરતાં ઢોર સારાં છે. તે અમુક સમયે જ ખાશે, અમુક સમયે જ અવેડાનું પાણી પીશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર