એકાંતની અટારીએથી
બધું જ સલામત રાખીને ધબકતું જીવન જીવી શકાય?
રવીન્દ્રનાથ ટાગોરે કહેલું કે જે માણસ કદી જ ભૂલ કરતો નથી તે માણસ ઘણો ક્રૂર હોય છે. તેનાથી ડરવું સારું.' એક અંગ્રેજ નવલકથાકાર જે નાની વયે મરી ગયો હતો તેણે પણ લગભગ આવું જ કહ્યું હતું. તેનું નામ છે માલ્કમ લાઉરી. આ લેખકે કહેલું કે 'જે માણસ બહુ સાવચેતી રાખીને જીવ્યા કરતો હોય તે માણસ ઉપર વિશ્વાસ ન રાખવો. જે જીવનમાં કૂદી પડે છે અને શક્તિ, ધન કે મનને બચાવ્યા વગર પ્રવૃત્તિ કરે છે તે જ કંઈક સિદ્ધ કરે છે.'
જગત ડાહ્યા માણસોથી ભરેલું પડ્યું છે પણ જગતની તમામ ક્ષેત્રની સિદ્ધિઓ માલ્કમ લાઉરી જેવા અર્ધપાગલ લોકોનાં પરસેવા અને લોહી ઉપર રચાઈ છે. ડાહ્યા માણસો જે સિંહાસન ઉપર બેસે છે તે સિંહાસનનાં પાયા અર્ધપાગલ લોકોએ બનાવ્યા હોય છે. રાત્રિના ઉજાગરાઓ, ભૂખ્યે પેટે મજૂરી કરનારાઓ અને યુદ્ધના મોરચે ગોળી ખાનારાના પાગલપણા ઉપર જ દુનિયા ચેનથી સૂઈ શકે છે. એક પીઢ લેખક મને હંમેશાં સલાહ આપ્યા કરે છે :
'જુઓ ભાઈ પત્રકારત્વ કરજો પણ શરીરને સાચવજો. બહુ શરીર તોડીને કામ ન કરતા.'
શરીર તોડીને કામ કરાયું ન હોત તો ભારતને સ્વતંત્રતા ન મળી હોત. સુભાષ બોઝ જેવા અર્ધપાગલ માણસે બંદૂક ઉપાડી ન હોત તો આપણા ડાહ્યા નેતાઓને બ્રિટિશ સરકારે બહુ મોડી મોડી સ્વતંત્રતા આપી હોત. ભગતસિંહ અને બીજા શહીદોના લોહી વગર ભારતને સ્વતંત્રતા મળી જ ન હોત. કોઈપણ નાનું કે મોટું કામ શરીર તોડીને કરવું પડે છે તે કામના ફળ ચૂપચાપ ડાહ્યા માણસના હાથમાં સોંપી દેવા પડે છે, બલકે ડાહ્યા માણસો તે ફળ યેનકેન પ્રકારેણ ઝૂંટવી જ લે છે. તમારે આપી દેવાનો પ્રશ્ન રહેતો નથી.
સાઠ વર્ષથી વધુ વય વટાવી ગયેલા એક તંત્રી જેમણે હવે નિવૃત્તિ લઈને જુવાન લોકોને જગ્યા કરી આપવી જોઈએ તે મને કહે છે, ''તમે બહુ ચંચળ છો, આ ચંચળતાનું વિશેષણ લગાવીને તેઓ શું કહેવા માગે છે તે તેઓ જાણે, પણ ચંચળતાનો વિરુદ્ધનો શબ્દ જો જડતા હોય તો તે જડતાના આગ્રહી હોય તેવું લાગે છે. ચંચળ, લાગણીશીલ અને દુન્યવી દૃષ્ટિએ એબનોર્મલ જણાતા લોકો તેમના ક્ષેત્રમાં ઝળકે છે.''
ચીલાચાલુ નિર્ણયો લેવાને બદલે કોઈ ચીલો ચાતરીને જીવનક્ષેત્ર નક્કી કરે છે ત્યારે તે વ્યક્તિ આપણને એબનોર્મલ લાગે છે. શિલ્પા ઝવેરી નામની એક હિંમતવાન યુવતીએ મુંબઈમાં ડોંગરી વિસ્તારના દાદા ગણાય તેવા એક પઠાણ સાથે લગ્ન કર્યા ત્યારે એક-બે માનસશાસ્ત્રીઓએ તેને એબનોર્મલ ગણાવી હતી. જે કુદરત નિયમિત રીતે સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતા આપે છે અને નદીઓને વહેતી રાખે છે તે કુદરત પણ ક્રમ પ્રમાણે તોફાનો પણ પેદા કરે છે. આ તોફાનને જો તમે નોર્મલ ગણવાની હિંમત કરતા હો તો જગતનાં લોકો જે હિંમતભર્યો નિર્ણય કરે છે તે બધા જ નોર્મલ છે.
''ચિત્રલેખા''ના તંત્રી હરકિસન મહેતા જો આવતીકાલે અમદાવાદથી પ્રગટ થતા 'કુમાર' નામના માલિકનું તંત્રીપદ સ્વીકારીને ચિત્રલેખાને છોડી દે તો તમામ લોકો તેને પાગલ કહેશે. જોકે હરકિસન મહેતા એવું કદી ન કરે, પણ અમેરિકામાં આવું બ ન્યું છે. 'ન્યૂઝ વીક' નામના અતિ વિખ્યાત સાપ્તાહિકનું તંત્રીપદ છોડીને તેના લોકપ્રિય પત્રકાર 'સેટરડે રિવ્યૂ' જેવા થોડા ફેલાવાવાળા એક સાહિત્યને લગતા મેગેઝીનના તંત્રી બન્યા હતા.
આ વિવિધતાવાળા જગતને જીવતું રાખવા ચંચળ કે જડ, ડાહ્યા કે અર્ધપાગલ નોર્મલ કે અબનોર્બલ તમામ લોકોની જરૂર પડે છે. અર્ધપાગલ અને ધૂની લોક ન હોત તો કદી જ ડાહ્યા માણસોના સિંહાસનો કે મહેલો ન બન્યા હોત. ડાહ્યા હોવું એનો અર્થ એટલો જ તમને બીજાની મહેનત અને બીજાના પાગલપણા ઉપર તાગડધિન્ના કરતાં આવડે છે. તમે એક અર્ધપાગલ સાથે લગાવીને તમારું ડાહ્યું સામ્રાજ્ય ચલાવી શકો છો.
ડાહ્યા હોવું એનો અર્થ એટલો જ કે તમને એબનોર્મલ માણસનું શોષણ કરતાં આવડે છે. ડાહ્યા હોવું એનો અર્થ એવો પણ છે કે તમારી જડતાને પોષવા માટે તમારે ચંચળ માણસની સેવા લેવી પડે છે. તમે ચંચળ માણસની સેવા લેવાનું ચાલુ રાખો છો અને તેને ચંચળ પણ કહેતા રહો છો. તમે સારી રીતે જાણો છો કે તમારી જડતાને પોષવા માટે ચંચળ માણસના અસ્તિત્વની જરૂર છે, જો ચંચળ મરી જશે તો તમારું સામ્રાજ્ય પણ મરી જશે.
ખપી જવાની વૃત્તિ ન હોય તો કશું જ સિદ્ધ થતું નથી. સૈનિક તરીકે ભરતી પામનારી દરેક વ્યક્તિ આપણા તંત્રીસાહેબની દૃષ્ટિએ ચંચળ, એબનોર્મલ અને અર્ધપાગલ ગણાવી જોઈએ. સૈનિક ચંચળ હોય છે એટલે તે સૈનિક બને છે અને જ્યારે એની ચંચળતા બરાબર મરી જાય છે ત્યારે જ તે કમાન્ડર બને છે. સૈનિકોની ચંચળતા ટકી રહે છે, ત્યારે જ તે મરવા માટે મોરચા સુધી જાય છે. કમાન્ડરો મરવા માટે મોરચે જતાં નથી કારણ કે તે બધા ડાહ્યા લોક છે.
''તમારા જીવનમાં ઘર્ષણ ન હોવું જોઈએ, મન અશાંત ન હોવું જોઈએ. ચંચળ મનને મારવું જોઈએ.'' આવો ઉપદેશ તમામ મહાત્માઓ આપે છે, પણ જો માનવીના જીવનમાં ઘર્ષણ ન હોય તો મહાત્માઓ પણ ન પોષાય. માનવીના જીવનમાં ઘર્ષણ અનિવાર્ય છે. સદાચ શાંત રહેવા ટેવાયેલા જીવોથી આ જગત ભરાયેલું હોત તો જગતમાં અત્યારે જ રંગીની દેખાય છે તે દેખીતી ન હોત. કવિ કે લેખકને મનમાં અજંપો જાગે છે ત્યારે તે કંઈક સર્જન કરે છે. નાટક કે ફિલ્મના સર્જકને મનમાં અજંપો જાગે છે ત્યારે તે ઉત્તમ નાટક કે ફિલ્મ બનાવે છે.
શિલ્પીઓ, કલાકારો અને ઈજનેરો જો ડાહ્યાડમરા હોય તો તેમનાં સર્જનમાં કંઈ ભલીવાર હોતો નથી. કંઈક અજંપાવાળા, ઊંઘી ખોપરીવાળા અને સપ્તરંગી (વ્હીમ્ઝિકલ) સ્વભાવવાળા જ બીજા માનવોના જીવનમાં રંગ લાવે છે. પોતાના જીવનમાં રંગ લાવે છે. પોતાના જીવનના ફિક્કા રાખીને તે આપણા જીવનરંગને ઊજળા બનાવે છે. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો અજંપા વગર આગળ વધી શકાતું નથી. વળી તેમાં સર્વસ્વ હોમીને જ આગળ વધી શકાય છે. કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થયો હોય તો બધી જ રીતે સલામત બનીને આગળ ચાલો તો પ્રેમ થઈ શકતો નથી. જ્યારે તમારી જાતને પ્રેમીપાત્રમાં હોમી દો છો અને સર્વસ્વ અર્પણ કરી દો છો ત્યારે જ પ્રેમીનો પૂર્ણ પ્રેમ મળે છે. સાવચેતીથી પ્રેમ કરો તો નિર્ભેળ પ્રેમ મળતો નથી. ખોટા રૂપિયા સામે પાણીવાળું દૂધ જ મળે છે. સાચો પ્રેમ જોઈતો હોય તો નિર્ભેળ પ્રેમ કરવો પડે છે. બધું જ હોમી દેવું પડે છે. જાતને બચાવી બચાવીને કશું જ સિદ્ધ કરી શકાતું નથી. જીવનનું એક ધ્યેય નક્કી કર્યું પછી તેની કેડી ચકાસવા જઈ શકાય નહિ.
કઈ કેડી પકડવી તે પસંદગી થઈ શકે નહિ. ઉબડખાબડ કે કાંટાળો જે કોઈ રસ્તો ધ્યેયને જલદીથી સિદ્ધ કરવાનો કોલ આપતો હોય તે રસ્તો જ પકડવો પડે છે. ડાહ્યા માણસો તમને ચંચળ, એબનોર્મલ કે અર્ધપાગલ કહે તો તેના ઉપર ધ્યાન આપશો નહિ. તેને માત્ર એટલું જ કહેશો કે ''હે ડાહ્યાભાઈ, તમારી જેમ અમે પણ ડાહ્યાડમરા બની જઈશું તો તમારું સિંહાસન ભયમાં આવી પડશે.'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર