સરળ અને સુંદર જીવનનો ગુરુમંત્ર-આર્ટ ઑફ લિવિંગ
લિકરકિંગ તરીકે ઓળખાતા વિજય માલ્યા નિયમિત રીતે આર્ટ ઑફ લિવિંગને અનુલક્ષીને ધ્યાન કરે છે.
ક્રિકેટર સચિન તેંડુલકર તેના અતિવ્યસ્ત શિડ્યૂલમાંથી પણ સમય ફાળવીને આર્ટ ઑફ લિવિંગનો કોર્સ કરે છે.
અભિનેત્રી નગ્મા અને સોનુ વાલિયા આર્ટ ઑફ લિવિંગના કોર્સને કારણે તેમના હતાશાના પિરિયડમાંથી બહાર આવી છે.
અભિનેતા સંજય દત્તની પત્ની રિયા પિલ્લાઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અન્ય અભિનેત્રીઓ અને સેલિબ્રિટીઓને આર્ટ ઑફ લિવિંગનો કોર્સ કરવા પ્રેરે છે.
તિહાર જેલના ભૂતપૂર્વ વડા આઈ.પી.એસ. ઑફિસર કિરણ બેદી કેદીઓનાં માનસ સુધારણા બદલ આર્ટ ઑફ લિવિંગનો હંમેશા આભાર માને છે.
કોર્પોરેટ સેક્ટરમાં અનેક ઉદ્યોગપતિઓ અને એક્ઝિક્યુટિવ્સ આર્ટ ઑફ લિવિંગના કોર્સમાં જોડાઈને તેમના સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે.
આ આર્ટ ઑફ લિવિંગ છે શું? અને તેનો આટલો મહિમા શું કામ છે?
વ્યક્તિનું જે જીવન છે એને વધુ સુંદર બનાવવું, તેના સર્વાંગી વિકાસ માટે, તેની આંતરિક ચેતના, શક્તિઓ વિકસે, મનુષ્ય તરીકે એ વધુ ઉમદા સહૃદયી થાય એનું નામ આર્ટ ઑફ લિવિંગ. વળી, આજના યુગમાં સમય ઓછો કામ વધારે છે, લોકોની મહત્વાકાંક્ષાઓ વધી રહી છે. પરિણામે સતત તાણ અને ચિંતા વચ્ચે માનવી દોડ્યા કરે છે. સુખ પાછળની દોડનો મૃગજળની જેમ કદી અંત આવતો નથી... સતત આ પ્રકારની પરિસ્થિતિમાં વ્યક્તિ સ્વસ્થ આરોગ્યપ્રદ જીવન કેવી રીતે જીવી શકે? તાણ અને ચિંતાને કારણે લોકો માનસિક બીમારીની સાથે સાથે અસ્થમા, પેટનાં દર્દો, એસિડિટી, હૃદયરોગ, હાઈ-બ્લડપ્રેશર, ડાયાબિટીસ, માથાના-સાંધાના દુઃખાવા, પીઠ-કમરનાં દર્દો જેવી શારીરિક તકલીફોનો પણ ભોગ બને છે! અને વ્યક્તિ આ બધાનો ભોગ ના બને, તેનું જીવન સુંદર-સહૃદયી રીતે જીવે એ માટે આર્ટ ઑફ લિવિંગનો કોર્સ કરાય છે.
21 વર્ષની ઉપરની કોઈપણ વ્યક્તિ આ કોર્સ કરી શકે છે. સરળ ધ્યાન, પ્રાણાયામ, યોગાસન અને શ્વાસોચ્છ્વાસની સુદર્શન ક્રિયા એ આ કોર્સનું હાર્દ છે.
1982થી માનવ કલ્યાણના ઉદ્દેશ્યથી શ્રી શ્રી રવિશંકરે આ કોર્સ શરૂ કર્યો છે અને આજે આપણાં દેશ ઉપરાંત વિદેશોમાં પણ આ કોર્સ કરનારા લાખ્ખો લોકો છે. આર્ટ ઑફ લિવિંગ આંતરરાષ્ટ્રીય ચેરિટેબલ ટ્રસ્ટ છે. તેનું વડું મથક બેંગ્લોરમાં છે. ભારત સહિત 98 દેશોમાં એનો ફેલાવો છે.
માનસિક તાણરહિત થઈને સ્વયં જાગૃતિના વિકાસના પંથે દરેક વ્યક્તિ જાય એ માટે આર્ટ ઑફ લિવિંગ અંતર્ગત ઘણા બધા કોર્સ થઈ રહ્યા છે. (1) આર્ટ એક્સેલ 8થી 15 વર્ષનાં બાળકોની નૈસર્ગિક શક્તિઓ યોગ્ય દિશામાં વળે એ હેતુસર તે ચાલે છે. (2) 16થી 21 વર્ષની ઉંમરનાં યુવાનો-યુવતીઓને યંગ એડલ્ટ કોર્સ થકી તેમના મેન્ટલ પાવરને સ્ટ્રોંગ કરવાની તાલીમ અપાય છે. (3) એડવાન્સ કોર્સ, તેમાં બેઝિક કોર્સ કર્યા પછી ધ્યાન, યોગ, પ્રાણાયામની વધુ તાલીમ અપાય છે. (4) કોર્પોરેટ કોર્સ કંપનીઓના ઉચ્ચસ્તરીય અધિકારી અને કર્મચારીઓની કાર્યશક્તિ વધે, વિચારશક્તિ અને મનોબળ દૃઢ થાય એ માટેનો આ કોર્સ છે. ટાટા, ગોદરેજ, ઈન્ફોસીસ, એક્સાઈડ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, નોસીલ, ગ્રેટ બ્રિટાનિયા જેવી કંપનીઓએ પોતાના સ્ટાફને આ કોર્સ કરાવ્યો છે. (5) દિવ્ય સમાજ નિર્માણ (6) સહજ સમાધિ મેડિટેશન અને (7) પ્રિઝન સ્માર્ટ કોર્સ, જેના અંતર્ગત જેલના કેદીઓએ વ્યસનમુક્તિ અને માનસિક શાંતિનો અનુભવ કર્યો છે. ભારતમાં દિલ્હીની તિહાર જેલ, પૂનાની યરવડા જેલ, સતારા, કોલ્હાપુર, કોલકત્તા અને બેંગ્લોરની જેલોમાં આ કોર્સ નિયમિત રીતે થાય છે. ગુજરાતમાં અમદાવાદ, હિંમતનગર, અમરેલી, આણંદ, ગોધરાની જેલોમાં પણ રીઢા અને કાચા કામના હજારો કેદીઓ આ કોર્સ કરી રહ્યા છે.
આ તો થઈ આર્ટ ઑફ લિવિંગ દ્વારા વ્યક્તિની માનસિક આંતરિક વિકાસની વાતો, પણ તેના દ્વારા સમાજઉપયોગી પણ ઘણાં કાર્યો થઈ રહ્યાં છે. દેશનાં 5050 ગામડાંઓમાં વિકાસ અને ઉત્થાનનાં કાર્યો ચાલી રહ્યાં છે.
(1) હાઈજીન - આ કાર્યક્રમ અંતર્ગ 2400 ગામડાંઓમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરીને નવા કૂવા અને શૌચાલયો બનાવ્યાં. કૂવા અને તળાવ ઊંડા કરાવ્યાં. ચેક ડેમ અને ખેત તલાવડીઓ બનાવી.
(2) હેલ્થ - 200 જેટલા મેડિકલ કેમ્પ કરીને 23000 લોકોને સહાય કરી. આંખનાં ઓપરેશન્સ, અન્ય સર્જરી, રક્તદાન શિબિર અને અપંગને કેલિપર્સ આપવામાં આવે છે.
(3) હ્યુમનવેલ્યૂઝ - આ કાર્યક્રમ હેઠળ 53,000 વૃક્ષોનું વાવેતર યુવાચાર્યો અને સ્વયંસેવકોએ મળીને કર્યું છે. ગામડાંઓમાં તેમજ સ્લમ્સમાં નવચેતના શિબિર, સત્સંગ કાર્યક્રમ, વૃદ્ધાશ્રમ, અંધશાળા વગેરેમાં સહાય, તેમજ શિયાળામાં ધાબળા, રજાઈ, ગરમ કપડાં, અનાજ, કપડાંનું વિતરણ કરવામાં આવે છે.
(4) હોમ ફોર હોમલેસ - ઘર વિનાના લોકોને નવા ઘર બાંધી આપવામાં આવે છે. તેના અંતર્ગત 161 નવા ઘર બાંધ્યા છે. 125 દહીંસરા ગામમાં બાંધ્યા છે.
(5) હાર્મની ઈન ડાયવર્સિટી - આમાં પરદેશમાં જ્યાં જ્યાં જીવનની પ્રાથમિક જરૂરિયાતો જરૂરી હોય તે પહોંચાડવામાં આવે છે. ક્રોએશિયા, બોસ્નિયા અને કોસોવામાં યુદ્ધ દરમિયાન સહન કરનારાઓને દરેક પ્રકારની સહાય કરાઈ છે. ઉપરાંત કુદરતી હોનારતો દરમિયાન જ્યાં જરૂર હોય ત્યાં તત્કાળ રાહત પહોંચતી કરાય છે.
ગુજરાતમાં કોમી રમખાણો દરમિયાન પણ આર્ટ ઑફ લિવિંગ દ્વારા રાહત કેમ્પોમાં ધ્યાન-યોગ શિબિરો યોજાઈ હતી.
આર્ટ ઑફ લિવિંગ મૂળભૂત રીતે આ નિયમ પર કામ કરે છે. એ પ્રાણીઓનો સ્વભાવ છે. લેવું અને આપવું એ મનુષ્યનો સ્વભાવ છે. સતત આપ્યાં કરવું એ દૈવી ગુણ છે. આપણી પાસે જે કંઈ છે એ બીજાને વહેંચવાની ઈચ્છા કે મદદ કરવાની વૃત્તિ એટલે સેવા. ઋણ, ઉપકાર કે ફરજના ભાવથી થતું કાર્ય સેવા નથી પરંતુ સહજ રીતે સમય, સ્થળ અને પરિસ્થિતિની માંગને અનુરૂપ આપવું એટલે સેવા. આ દુનિયાના અને આસપાસના લોકોને હું કઈ રીતે ઉપયોગી થઈ શકું? જ્યારે આવું વિચારવાનું શરૂ કરીએ ત્યારે જીવનને નવી દિશા મળે છે. મોટા ભાગે વ્યક્તિ માત્ર એવું વિચારે છે કે મારું શું? મને શું મળશે? એને બદલે જો દરેક એવું વિચારવા માંડે કે હું અન્યોને કેવી રીતે ઉપયોગી થઈ શકું તો સમગ્ર સમાજની, વ્યક્તિઓ વચ્ચેના સંબંધોની તાસીર બદલાઈ જાય. ચેન-અમન કાયમ બની રહે!
આર્ટ ઑફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર કોઈ ધર્મને પ્રાધાન્ય આપતા નથી પરંતુ વ્યક્તિના આંતરિક વિકાસ અને શાંતિને પ્રાધાન્ય આપે છે. 1956માં દક્ષિણ ભારતમાં જન્મેલા શ્રી શ્રી રવિશંકરને ચાર વર્ષની બાળવયમાં જ ગીતા કંઠસ્થ થઈ ગઈ હતી. સત્તર વર્ષની ઉંમરે તેમણે વિજ્ઞાન સાથે અન્ય વિષયોનું જ્ઞાન પણ મેળવી લીધું. સાથે તેઓ કલાકો સુધી ધ્યાનમાં બેસી રહેતા. તેમનું ધ્યેય હતું માનવ સમુદાયનું કલ્યાણ! તેઓ માનતા કે સમાજમાં ઉત્કર્ષ ત્યારે જ થઈ શકે જ્યારે નારીકલ્યાણ, ગ્રામીણવિકાસ અને સામાજિક મૂલ્યોની ઉન્નતિનું કામ થાય. તો જ સમગ્ર સમાજ ઊંચો આવશે! આ બધાને ધ્યાનમાં રાખીને તેમણે 1982માં આર્ટ ઑફ લિવિંગની સ્થાપના કરી. આજે એ છોડ વટવૃક્ષરૂપે ફેલાઈને અનેક રીતે વિસ્તરી ચૂક્યો છે.
જીવન જીવવું એ પણ એક કળા છે. આ કળા જો તમને હસ્તગત થઈ જાય તો તમારું જીવન સુંદર અને સુખમય બને. આર્ટ ઑફ લિવિંગ મુખ્યત્વે આ જ વાત પર ભાર મૂકે છે. એક બીજી વાત એ છે કે આર્ટ ઑફ લિવિંગ તમને પોતાની સાથોસાથ સમાજને, દેશને અને દુનિયાને સુખનો ગુરુમંત્ર આપવા પ્રેરે છે. એ રીતે આર્ટ ઑફ લિવિંગ દરેકના વ્યક્તિત્વને ફૂલની જેમ ખીલવી એની સુવાસ ચોમેર પ્રસરાવે છે. આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન એક એવી નોનપ્રોફિટ શૈક્ષણિક સંસ્થા છે જે વ્યક્તિને સુખી બનાવે છે, પણ એને સ્વકેન્દ્રી કે સ્વાર્થી નથી રહેવા દેતી. આ સંસ્થાનો મૂળ ઉદ્દેશ જ માનવસેવા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ, (યુનો)એ ફાઉન્ડેશનને બિનસરકારી સંગઠન (એનજીઓ) તરીકે સત્તાવાર માન્યતા આપી છે. માનવીમાં પડેલી સુષુપ્ત પ્રતિભાને પૂરેપૂરી બહાર લાવી એને સમાજકલ્યાણના કાર્યમાં લગાડવાની ફાઉન્ડેશનની ઉમદા નેમ છે. આ સંદર્ભમાં ફાઉન્ડેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હુ) સાથે મળીને કામ કરી રહ્યું છે.
ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકર આંતરરા,્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આધ્યાત્મિક ગુરુ છે. એમનું જીવન માનવમૂલ્યોના વિકાસ માટે સમર્પિત છે. બેંગ્લોરના આ મહાપુરુષે એક એવી વિશાળ સંસ્થા સ્થાપી છે જેની શાખાઓ ભારતના ખૂણે ખૂણે ઉપરાંત યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ઠેર ઠેર પ્રસરેલી છે. એક ખાસ વાત એ કે એમણે વિકસાવેલી આર્ટ ઑફ લિવિંગ પાસે એક વિદ્યાર્થીથી માંડીને જેલના કેદી અને નોકરિયાતથી માંડીને એક્ઝિક્યુટિવ સુધીની દરેક વ્યક્તિની સમૂળગી જીવનશૈલીને જ બદલી નાખતું હોવા છતાં એ એક સહજ અને સરળ ટેકનિક છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ એ શીખી શકે છે. વળી, અહીં વ્યક્તિને ધર્મ કે સંપ્રદાયની કોઈ વાડાબંધી નડતી નથી. દરેક ધર્મ અને સંપ્રદાયના લોકોનું આર્ટ ઑફ લિવિંગ સ્વાગત કરે છે.
આ કોર્સ માનવીના જીવનમાં શાંતિ અને જાગૃતિ લાવી એની માનસિક તાણને નામશેષ કરે છે. આર્ટ ઑફ લિવિંગનું એક મહત્વનું પાસું સુદર્શન ક્રિયા છે. આ એક સરળ છતાં સશક્ત ટેકનિક છે જે વ્યક્તિના શરીર અને મગજને એના આંતરમન સાથે એકરૂપ બનાવે છે. એ જ રીતે આર્ટ ઑફ લિવિંગમાં સહજ સમાધિ શીખવાડાય છે. ધ્યાનની આ એક પ્રાચીન પદ્ધતિ છે. એને કારણે વ્યક્તિનો બહુ સહજ રીતે વ્યક્તિગત વિકાસ થાય છે. બાળકો માટે આર્ટ ઑફ લિવિંગ આર્ટ એક્સેલ નામનો એક ટ્રેઈનિંગ પ્રોગ્રામ ઓફર કરે છે જે એમને પોતાની લાગણીઓ અને અભ્યાસના પ્રેશર સાથે કઈ રીતે કામ પાર પાડવું એ શીખવે છે. ઉપરાંત આ ટ્રેઈનિંગ નેતૃત્વની કળા હસ્તગત કરવા પ્રેરે છે.
કોઈ ધર્મને પ્રાધાન્ય ન આપતાં શ્રી શ્રી રવિશંકર અયોધ્યામાં પણ દરેક ધર્મના વડાઓને મળીને સાંપ્રત પરિસ્થિતિ શાંતિને કાયમ કેમ કરાય એ વિશે ચર્ચા કરી હતી.
(આ લેખ વર્ષો પહેલા લખાયો હતો.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર