સંજોગો માણસને ઘડે છે કે માણસ સંજોગોને ઘડે છે?

25 Feb, 2016
12:05 AM

mamta ashok

PC:

સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને હું જ્યાં મેટ્રિક સુધી ભણ્યો છું ત્યાં દરેક વાતને ધારદાર રીતે રજૂ કરવા કહેવત હોય છે અને કહેવાની રીત અનોખી હોય છે. દા.ત. ‘જો આમ થાત તો તેમ થાત અને કારેલા બદામ થાત’ કહેવાનો ભાવાર્થ એ છે કે જે બનવાનું હતું તે જ બને છે. એમાં કશો જ મીનમેખ નથી. જીવનમાં મેં પોતે ઘણી વખત વિચાર્યું હતું કે મારા કાકાના પૈસા ઉપર મારા પિતા ન આધાર રાખતા હોય તો? મારું પ્રથમ લગ્ન મને બિલકુલ નહીં ગમતી કન્યા સાથે થયું તેને બદલે મનગમતી, કન્યા સાથે જ થયું હોત તો?.... આવા ‘જો’ અને ‘તો’ના ઘણા વિકલ્પો આવે છે. આપણી જૂની કહેવત સાચી પડે છે કે ‘જો’ના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે ને તે સમયે તે જ પહોંચે.

વારંવાર મને પોતાને પ્રશ્ન થયો છે અને સંપાદકો પણ મને વિષય આપે છે કે મને જો ફરીથી વિધાતા મારી કુમાર્યાવસ્થાથી 86 વર્ષનું જીવન ફરી જીવવા આપે તો? પરંતુ આવી કોઈ ચોઈસ કોઈને મળી નથી કે મળવાની નથી. મેં પોતે પણ થાકીને નહીં પણ ફિલૉસૉફિકલી તેમ જ કેટલાય વિદ્વાનોના અનુભવ ઉપરથી સમાધાન કર્યું છે કે મને ઈશ્વરે જે કોઈ સંયોગો કે જે જાતનું જીવન, જે જાતની કઠણાઈઓ આપી છે તે જ બધું બરાબર હતું. હું તેને માટે લાયક હતો. આજે જે કાંતિ ભટ્ટ છે તેણે આજ સુધી જે ઠોકરો ખાધી છે, પછડાટો ખાધી છે કે માવા લાપસી ખાધા છે કે છેલ્લાં 60 વર્ષથી લેખક થયો છું તે ભાગ્યાધીન હતું. તેમ જ થયું છે એટલું જ નહીં. જે કાંઈ થયું છે તે સારું થયું છે. મને 15 થી 60 વર્ષના જીવનને ફરી રીતે જીવવું નથી. મારે ઈશ્વરની યોજનામાં દોઢ ડાહ્યા થવું નથી.

હું વારંવાર ભારતના પુનઃરાજ્ય રચનાપંચના અધ્યક્ષ ડૉ. સરદાર કે.એમ. પાણીકરની વાત માનું છું કે આખરે તો જે ભાગ્યાધીન હોય છે તે જ બને છે. માણસ બળવાન નથી સંયોગો જ બળવાન છે. એટલે ‘જો અને તો’ની દુનિયા કવિઓ માટે છે. આપણે માટે નથી જ નથી. એવી ‘જો’ અને ‘તો’ની વાત કરીએ તો રાષ્ટ્રીય દૃષ્ટિએ મોટી મોટી વાતો ઘણી છે. દા.ત., સરદાર પટેલ જો ભારતના પ્રથમ વડાપ્રધાન થયા હોત તો? તો કદાચ પાકિસ્તાન ન હોત! કવિ ગંગનાં બે પુસ્તકો મારી વહારે વારંવાર આવે છે.

ગર્જ તે અર્જુન કલીબ ભયે અરૂ ગર્જ પડી તો ગોવિંદ ધનુ ચલાવે
ગર્જ પડી તો દ્રૌપદી દાસી ભઈ અરૂ ગર્જ તે ભીમ રસોઈ પકાવે
કવિ ગંગ કહે સુન શાન અકબર ગર્જ પડી તો બીબી ગુલામ રાઝાવે!

સંજોગો માણસને ઘડે છે કે માણસ સંજોગોને ઘડે છે? આ પ્રશ્ન વારંવાર આવે છે. તે પ્રશ્નનો જવાબ ફિલસૂફ રોબર્ટ ઈગરસોલ આપે છે - ઈટ જસ્ટ હેપન્સ! અને આવી પડે તે સ્વીકારી લેવું પડે છે : એટલી હદ સુધી રોબર્ટ ઈગરસોલ તો આ વાતને ખેંચી લઈ ગયા કે એક વખત એક અમેરિકન ધર્મગુરુ તેના ટેબલ ઉપર બ્રહ્માંડનો ગોળો રાખતા હતા. ઈગરસોલે તેમને એ વિશે પૂછ્યું તો ધર્મગુરુએ જવાબ આપ્યો. ‘બ્રહ્માંડ કોણે બનાવ્યું?’ કોણ બનાવે? ઈટ જસ્ટ હેપન્ડ. બસ એની મેળે જ જગત પેદા થયું. એનું કોઈ મૉડેલ ઈશ્વરે બનાવ્યું નહોતું. જે જગત પેદા થયું તેને અમારી મહુવાગીરી ભાષામાં કહી શકાય કે ‘કોઈના બાપની દેન નથી કે તેને ફરીથી ઘડી શકે ફરીથી મનવાંછિત દુનિયા બનાવી શકે.’ જો આવું હોય તો હું વળી એવો કેવો લાડકો કે મારે માટે ફરીથી હું ઈચ્છું તેવી દુનિયા બને!

ડૉ. સરદાર કે. એમ. પાણીકરની વાત પૂરી કરીએ. 1960માં પંડિત જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યો રચવાનું કામ તેમને સોંપેલું. તેમને પૂછવામાં આવ્યું તેઓ ‘પુરુષાર્થમાં માને છે કે પ્રારબ્ધમાં? તમે તમારું નસીબ ઘડવાનો ફાંકો રાખો છો?’

તો સરદાર ડૉ. પાણીકરે કહ્યું ‘મારી જિંદગીમાં મેં ફક્ત એક જ પાઠ તારવ્યો છે કે સંકલ્પબળ, પરિશ્રમ તથા દિલ-દિમાગના ગુણો વગર કોઈને સફળતા મળતી નથી... પરંતુ... પરંતુ... પરંતુ એ વાત પણ માનવી જ પડે કે આ બધું હોવા છતાં માનવીને તક ન મળે કે સંયોગો સાનુકૂળ ન હોય કે નસીબ પાધરું ન હોય તો તેને ગણનાપાત્ર સિદ્ધિ મળતી નથી. અમને તો સંસ્કૃત પાઠશાળામાં ભગવાનને પ્રાર્થના કરીને છેલ્લે સંસ્કૃતમાં બોલવું પડતું કે હે ભગવાન! હવે તો તું જ જેમ ઈચ્છે તેમ કરજે. તાત્પર્ય કે આપણે દોઢડાહ્યા થવું નથી. યથેચ્છા કુરું.

આ વિષયને લગતી ડઝન બંધ કહેવતો છે. અંગ્રેજીમાં કહેવત છે કે મેન પ્રાયોઝીઝ એન્ડ ગૉડ ડિસ્પોઝીઝ. બીજી ફ્રેન્ચ કહેવત છે કે જે માણસને ફાંસીએ લટકીને મરવાનું લલાટે લખ્યું છે તે કદી ડૂબીને મરતો નથી. માનવીનું જે ભાવિ નક્કી થયું હોય છે તેમ જ થાય છે. ઉપર કવિ ગંગના સવૈયામાં અર્જુન ‘કલીબ’ થવું પડ્યું તેમ લખ્યું છે. એટલો આકરો શબ્દ છે કે કપરા સંયોગો આવતાં અતિપરાક્રમી અર્જુને પણ હીજડો બનવું પડેલું. ઉપરની છેલ્લી પંક્તિમાં ‘બીબી ગુલામ રિઝાવે’ એમ લખ્યું છે તેની વિગત એવી છે કે અહમદનગરની ચાંદબીબી નામની જાહોજલાલી-વાળી બેગમને એકાએક વાસના જાગી, તે વાસના સંતોષવા તે ઘોડાને ઉછેરનારા હબસી સાથે પ્રેમમાં પડીને તેની પાસેથી વાસના પૂરી કરી હતી!

નેપોલિયન બોનાપાર્ટ તો આ સંજોગો-બંજોગોમાં માનતો નહીં તેમ ખુલ્લમ ખુલ્લા કહેતો. ‘સંજોગો મહાન છે’ તેમ કહેનારા એક દરબારીને તેણે ખૂબ ઠમઠોરેલો અને સામું ચોડી દીધું કે ‘સંજોગો? સંજોગોના તમે ગુલામ છો? અરે સંજોગો હું પેદા કરું છું.’ પણ આવી માત્ર સૂત્ર પૂરતી વાત હતી. હકીકતમાં નેપોલિયનને તેની પ્રિયતમા જોસેફાઈન થકી પુત્ર થતો નહોતો. તેથી તેનાથી તે છૂટાછેડા લેવા માગતો હતો. પણ પછી જોસેફાઈને પોતે જ રસ્તો કાઢેલો. તેને આડા સંબંધથી (જોસેફાઈનને) એક પુત્ર થયો તે નેપોલિયને સ્વીકારવો પડેલો! એક વાર મારે-તમારે યાદ રાખવી કે આ જગતની બધી જ ગોઠવણ જગતનિયંતાએ કરી રાખેલી છે તેમાં આપણું કંઈ જ ડહાપણ ચાલતું નથી. મારા-તમારા કરતાં કેટલાય વિજ્ઞાનીઓ અને વિદ્વાનોને અન્યાય થયો છે પણ તેમણે જગતનિયંતાની ગોઠવણ સ્વીકારી લીધી છે. તો ચાલો આપણે તેમ કરીએ :

જે ગમ્યું જગતદેવ જગદીશને, તે તેણે ખરકરો ફોક કરવો
આપણું ચિંતવ્યું કંઈ નવ ઠરે, અંતે તો હેમનું હેમ હોય!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.