અમારો ગુસ્સો ગલત હશે... પણ પીડા સાચી છે

06 Jul, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: psmag.com

ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટરોએ નબળો દેખાવ કર્યો ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના ભાવુક પ્રેક્ષકોએ જ તેમના હીરલાઓ ઉપર ગુસ્સો કરેલો. અત્યંત ધનિક વર્ગને ક્રિકેટરો હારે કે જીતે તેની કોઈને પડી નહોતી. અમેરિકામાં પણ આવું બને છે. આપણને શેરબજારવાળા છેતરે ત્યારે ગુસ્સો કરીને બેસી રહીએ છીએ. અમેરિકામાં એનરોન જેવી કંપની કે ક્રિમિલન ટાઈપના મેનેજરો પણ શેર હોલ્ડરોને છેતરે છે ત્યારે પણ ત્યાં લોકો ગુસ્સો કરે છે. ન્યુયોર્કના મેનહટ્ટન વિસ્તારમાં એક ગરીબ યુવાનને મિલિયોનેર વર્ગ ઉપર એટલો ગુસ્સો આવ્યો કે એક ક્લબમાં જ્યાં માત્ર ધનિકો જ મનોરંજન કરતા હતા ત્યાં સીધો તેની કાર લઈને ઘૂસ્યો અને ક્લબને તોડી ફોડી નાંખી. આ ક્લબમાં એવા ધનિકો સભ્ય હતા જેની એક વર્ષની આવક માટે તમારે 20,00 વર્ષ પુરૂષાર્થ કરવો પડે. ન્યૂયોર્કની કે જગતની શેરબજારો ક્રેશ થઈ છે ત્યારે મુંબઈ કે અમેરિકાના આ સુપર-રીચ લોકોને કોઈ અસર થઈ નથી. માત્ર મધ્યમવર્ગ જ સાફ થયો છે.

સુધેબી નામની કલાકૃતિની કીમતી ચીજો લિલામ કરનારી કંપનીની મહિલા બોસને વર્ષે રૂ. 10 કરોડનો પગાર મળે છે. છતાં તેણે વેપારમાં ગુનો કર્યો હતો. રૂ. 1000 કરોડ ઉચાપત કરવા છતાં તેને જેલ મળી નથી. માત્ર મેનહટ્ટનના ફ્લેટમાં તેને નજરકેદ રાખી છે. પણ તે ફ્લેટમાં જલસા કરે છે. બ્રિટનમાં કરોડો ડોલરની ઉચાપતનો ગુનો કરનારા લૉર્ડ જેફી આર્ચર જેલમાંથી છૂટીને ક્રિકેટ મેચોના અમ્પાયર બને છે અને પોતાની ગુનાખોર જીવનની આત્મકથા લખે છે. આપણા ક્રિકેટરોની નનામી કાઢો કે ગાળો દો તેની કમાણી કે વૃત્તિ ઉપર લગીરે અસર થવાની નથી. તેના દલાલો તેની વહારે આવી ગયા છે. જગતમાં આજે નાના ઓવરક્લાસની સામે એક જબ્બર અન્ડર ક્લાસનાં માણસોએ જીવવું પડે છે. અન્ડરક્લાસને કૉલેજમાં એડમિશન મળતાં નથી. તેમને સાહિત્યવર્તુળોમાં કોઈ બોલાવતું નથી. તેમના દીકરાને જલદી કન્યા મળતી નથી. એક જમાનામાં 65 વર્ષ પહેલાં મુંબઈમાં પુરોહિત હોટલમાં કરોડપતિ શેઠ અને મૂળજી જેઠા માર્કેટનો મહેતાજી રૂ. 1ની સ્પેશ્યલ ચા મંગાવીને એક ટેબલ ઉપર સાથે ચા પીતા હતા. આજે મુંબઈથી મેનહટ્ટન સુધી ઓવરક્લાસ (ઉચ્ચવર્ગ) અને અન્ડરક્લાસ અલગ-અલગ સામાજિક સ્તરે જીવે છે. ધનિક લોકોનાં સંતાનો સ્પેશ્યલ કૉલેજમાં ભણે છે. કૃષ્ણ-સુદામા જેવી દોસ્તી દેખાતી નથી. ગરીબ-હોશિયાર વિદ્યાર્થી ધનિક માબાપની પુત્રીના પ્રેમમાં પડતો તેવા કિસ્સા હવે જૂજ થઈ ગયા છે. સુપરરીચનાં સંતાનો સુપરરીચ કુટુંબમાં જ પરણે છે. ભારતથી અમેરિકા તાજા તાજા ગયેલા ગુજરાતી 20 વર્ષ પહેલાં કોઈપણ વર્ગભેદ વગર મળતા હતા. આજે અમેરિકાનો સુપરરીચ-ગુજરાતી મધ્યમવર્ગના ગુજરાતી સાથે ભળતો નથી.

ધનિક વર્ગના સંતાનો સ્પેશ્યલાઈઝ્ડ કોર્સ લે છે. તેમને ગ્લોબલાઈઝેશનના લાભ મળે છે. કંપનીઓ, યુનિવર્સિટો, અખબારો, ટી.વી. વગેરે તમામમાં ધનિકોની પહોંચ છે. પરંતુ અમેરિકાનો આ ઓવરક્લાસનો વર્ગ તેની મોટર ખોટકાઈ જાય તો એને સારી કરી શકતો નથી. ઘણાને કૉફી બનાવતાં આવડતું નથી. દરેક ઘરનાં કામ માટે જુદા જુદા નોકરો છે. બ્રિટન અને અમેરિકામાં મોટી સંખ્યામાં ઓવરક્લાસના લોકો છે કારણ કે આ દેશના રાજકારણીઓ અને વેપારીઓનું ગઠબંધન હોઈને પોતાના માલો ગરીબ દેશોમાં ધકેલે છે. છેલ્લાં 20 વર્ષમાં ભારત કે અમેરિકના ગરીબ વધુ ગરીબ બન્યા છે. ધનિકની આવક 29 ટકા વધી છે. જ્યારે મધ્યમવર્ગની 9 ટકા આવક વધી, પણ મધ્યમવર્ગના ખર્ચમાં 50 ટકાનો વધારો થયો છે. ધનિક લોકો બીજાને ભોગે ધનિક થયા છે. પૈસો પૈસાને ખર્ચે છે. ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં (9-6-2002) ડેવિડ બ્રુક્સ લખે છે કે અમેરિકા સતત સમૃદ્ધ થતું જશે. સુરતની એક છોકરી કહે છે કે તેના પિતા મરી ગયા તે પહેલાં તેને ખૂબ ભણવું હતું. આજે ભણવાં કરતાં તેની માતાને નિભાવવા માટે નોકરી વધુ મહત્ત્વની બની છે. ગરીબ લોકો વધુ ને વધુ સ્કોલરશીપ વધુને વધુ મદદ માગવાની આદતવાળા થઈ ગયા છે. ધનિકો માટે પૈસાનો એટલો છલકો છે કે તેને દાનવીર થવું છે.

બોસ્ટનની સોશ્યલ વેલ્ફેર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો એક અભ્યાસ કહે છે કે આવતાં 50 વર્ષમાં નવી પેઢીને દાનવીરો 19 ટ્રીલીયન ડૉલરથી માંડીને 50 ટ્રીલીયન ડૉલરનાં દાન આપશે. તાત્પર્ય કે વધુને વધુ લોકો ધનિકોના દાનના લાલચુ બનશે. અમેરિકામાં ધનિક લોકોના ફેમિલી ફાઉન્ડેશનની સંખ્યા 20 ટકા વધી છે, તેની પાસે દાન દેવા 200 અબજ ડૉલર છે. ગયા વર્ષે અમેરિકન ફાઉન્ડેશનોએ 28 અબજ ડૉલરનાં દાન ગરીબોને કરેલાં. શું આ હરખાવા જેવી વાત છે ? હવે બિલ ક્લિન્ટન જે સામાન્ય માનવીમાંથી પ્રમુખ બન્યા તેવી રીતે કોઈ સામાન્ય માનવી અમેરિકન પ્રમુખ બની નહીં શકે? આપણે શું દાનના સતત ભિખારી જ બનતા રહેશું?

એક બાજુ એક જાગૃત વર્ગના લેખકો અને વિચારકો સાદાઈ સાદાઈ અને સાદાઈનાં ગુણગાન ગાય છે. ભૌતિકતાને બદલે આધ્યાત્મિકતા તરફ વળવા કહે છે. હેન્રી ડેવિડ થોરો સાદાઈની શિખામણ આપીને તે તો તળાવને કાંઠે ઝૂંપડીમાં રહેવા માટે ચાલ્યા ગયેલા. માર્ક ટ્વેઈને ઉપરછલ્લા ચળકાટની નિંદા કરી હતી. 20મી સદીમાં થોરસ્ટન વેવલેને નક્કામા ઉપભોગની ચીજોમાં પૈસા વેડફવાની ના પાડી. ગાંધીજી અને કિશોરલાલ મશરૂવાળા વધુ પડતા ઉપભોગ અને લકઝરીનાં સાધનો વાપરવાની ના પાડતા. પણ પથ્થર ઉપર પાણી. અમેરિકામાં સાદાઈની શિખામણોનાં પુસ્તકો ખૂબ વેચાયાં છે. પણ વ્યવહારમાં લોકો વધુ ને વધુ લકઝરીમાં ડૂબતા ગયા છે અગર લકઝરી ઝંખે છે. આ ન્યુયોર્ક ટાઈમ્સના સર્વે મુજબ સરેરાશ અમેરિકન કુટુંબ વર્ષે 42000 ડૉલર કમાય છે. જો આ કુટુંબનું એક સંતાન કૉલેજની ડીગ્રી લે તો તેની આવક વર્ષે 71400 ડૉલર થઈ જાયછે. જો તે પ્રોફેશનલ ડીગ્રી લે તો તેનાં ઘરની આવક વર્ષે 1 લાખ ડૉલર થાય છે. ધારો કે તમે અમેરિકન કુટુંબની (કૉલેજ ગ્રેજ્યુએટવાળા કુટુંબ) સરેરાશ 75,000 ડૉલર ગણો તો આ પૃથ્વી ઉપરનાં 95 ટકા લોકો કરતાં તમે વધુ ધનિક છો અને આ પૃથ્વી ઉપર રહેલા ભૂતકાળના 99.0 ટકા લોકો કરતાં વધુ ધનિક છો. યુ આર સ્ટનીંગ રીમ- એટલે કે અમેરિકામાં લોકો ધનની વિપુલતાથી ગંધાઈ ગયા છે. આવું જ ભારતમાં બન્યું છે. જ્યાં ધન છે ત્યાં ધન સડી રહ્યું છે.

ધારો કે કોઈ ધનપતિનો સમજુ દીકરો કવિ રોબર્ટ ફ્રોસ્ટની કવિતાનું પુસ્તક વાંચીને સાદાઈના વિચાર કરવા માંડે પછી પુસ્તક હેઠું  મૂકે એટલે તેને તુરંત જે બાથરૂમમાં પુસ્તક વાંચતો હતો તે બાથરૂમને નવેસરથી સજાવવાનું મન થાય છે. તે માટે તેને વધુ ને વધુ કમાવવાનું મન થાય છે અને તેને કમાય છે પણ ખરો. છેલ્લાં 10 વર્ષમાં ઉચ્ચ મિડલ ક્લાસનાં ઘર 1500 ચોરસ ફૂટનાં હતાં તે 2200 ચોરસ ફૂટનાં થયાં છે. સરેરાશ અમેરિકન કુટુંબ રેસ્ટોરાંના ખોરાક ઉપર વર્ષે 2000 ડૉલર ખર્ચે છે, છતાં પણ કોઈને સંતોષ નથી.

‘કોટન ઈન્ક્રોર્પોરેટેડ’ નામના મેગેઝીને ‘લાઈફ-સ્ટાઈલ-સર્વે’ કરેલો તો માલૂમ પડ્યું કે અમેરિકામાં 16થી 70 વર્ષની ઉંમરનાં લોકો પાસે વોર્ડરોબમાં સરેરાશ 7 જીન્સ હોય છે. અમેરિકામાં જે નવી કાર ખરીદાય છે તેમાંથી 75 ટકા મોટરકાર અમેરિકનો ક્રુઈઝકંટ્રોલવાળી અને પાવર ડોર-લોકવાળી ખરીદે છે. અમેરિકામાં લોકોની વસતિ કરતાં મોટરકારની વસતિ વધુ છે. અમેરિકનો દર વર્ષે તેમના બંગલાની લોન સુંદર બનાવવા 40 અબજ ડૉલર ખર્ચે છે. એટલે કે ભારત સરકારને વર્ષે ટેક્સની જેટલી આવક થાય છે તેટલી રકમ અમેરિકાના ધનિકો લૉનમાં લીલું ઘાસ ઉગાડીને તેની સતત ‘હજામત’ કરવામાં વાપરે છે. છતાં અમેરિકન આજે ઈરાકના યુદ્ધથી ફડફડે છે. ત્રાસવાદીથી ડરે છે.

અમેરિકામાં ટિનેજર પાસે એક કરતાં વધુ ક્રેડિટકાર્ડ હોય તો તેનાથી હવે કોઈને નવાઈ લાગતી નથી. છોકરીઓ તેની સેક્રેટરી તરીકેની નોકરી મેળવતા માટે લેસર આઈ સર્જરી કરાવીને આંખને મારકણી કરે છે. ડૉક્ટરો પાસે હવે બીમાર પડેલાં પાળેલાં કૂતરાં લઈ જવાય છે. વૈકલ્પિક ચિકિત્સા કરનારા કૂતરાને કીરીઓથેરપી કરે છે. અમેરિકામાં પાળેલાં જનાવરોને કીરીઓ પ્રેક્ટિસથી સાજા કરનારા 600 ડૉક્ટરો છે. જગતની વસતિમાં અમેરિકાની વસતિ માત્ર 6 ટકા છે પણ અમેરિકા બિનજરૂરી કે જરૂરી માલોનું ઉત્પાદન કરે છે તે જગતના ઉત્પાદનના 30 ટકા જેટલું છે. અમેરિકનો બીગ અર્નર્સ છે અને અને બીગ સ્પેન્ડર્સ છે. ઉપરાંત અમેરિકનો બીગ બોરોઅર્સ છે (લોન લેનારા). ખોટું કરીને પણ ધનિક બનવું સામાન્ય થઈ પડ્યું છે. આપણને અમેરિકાને વાદે વાદે આવું બધું જોઈએ છે.

રોમન સલ્તનતે જીવનની ચઢતી-પડતીનું ચક્ર (સમયચક્ર) જોયું હતું. ઈતિહાસકાર જ્હોન એન્થની ફ્રાઉડ લખે છે કે ‘ગુણો અને સત્યપાલન થકી બળ મળે છે. બળ થકી સત્તા મળે છે. સત્તા મેળવવાથી ધનિક થવાય છે. ધન થકી લકઝરી આવે છે અને આ લકઝરી પછીથી આખરે નબળાઈ અને પતનને નોતરે છે. એટલે કે અમેરિકા અત્યારે પતનોન્મુખ છે. અમેરિકાના ફાઉન્ડીંગ ફાધર્સ તરીકે ઓળખાતા રાજપુરૂષોને આ વાતની અગાઉથી ચિંતા હતી. પ્રમુખ આડમ્સે બીજા પ્રમુખ જેફરસનને પૂછેલું ‘મને તમે કહેશો કે લકઝરી આવે તે પછી લોકોમાં જે મૂર્ખાઈ આવે છે તેને કેમ રોકવી? પ્રમુખ જેફરસન જવાબ દઈ શક્યા નહીં. અત્યારે અમેરિકાને પગલે પગલે ભારતમાં સુપરરીચમાં લકઝરી-ફીવર આવ્યો છે તે સુપર-રીચ-લોકોને માત્ર લકઝરી જોઈએ છે. પાકિસ્તાન સામે યુદ્ધ ખપતું નથી. તે લોકો કહે છે, ‘લડવા કરતાં પાકિસ્તાનને કાશ્મીર આપી દો ને?’ જો તે ઇતિહાસકાર જ્હોન એન્થની ફ્રાઉડની આગાહી હજી સાચી પડી નથી. હવે પતનનો ગાળો કદાચ ખૂબ લાંબો-લાંબો થઈ ગયો છે. 260 વર્ષથી અમેરિકા સમૃદ્ધ થતું આવ્યું છે.

અમેરિકાનું એક દૂષણ આપણો ધનિક વર્ગ કે વેપારી વર્ગ શીખ્યો છે. કૌભાંડ કરવાં કે સહેલાઈથી દેવાળું કાઢવું કે સલામત રીતે બેંકના દેવેદાર થવાનું આપણો ધનિક વર્ગ શીખ્યો છે. ઈન્ડિયન બેંક એમ્પ્લોઈઝ એસોસિયેશને એક 129 પાનાંની પુસ્તિકા પ્રગટ કરી છે, તેમાં લખ્યું છે કે 1300 જેટલી કંપનીઓ જેમાં ગરવારે નાઈલોન્સથી માંડીને જે. કે. સિન્થેટિક જેવી કંપનીઓનાં નામો છે, તે કંપનીઓ બેંકોની લોનો પાછી ભરવામાં નિષ્ફળ ગઈ છે. સરકાર કહે છે કે બેંકની લોનો સમયસર ન ભરનારા બિઝનેસમેનોને જેલ ભેગા કરીશું. કોઈ જેલ ભેગા થતા નથી. માત્ર ગરીબ અને મધ્યમ વર્ગ જ સમયસર લોન પાછી ભરવાની ચિંતા રાખે છે. આવો જ નિષ્ઠાવાન વર્ગ આપણા ક્રિકેટરો પાસે નિષ્ઠાવાળો પુરૂષાર્થ ઈચ્છે છે. પોતે નિષ્ઠાવાન હોય અને બીજા હરામનાં હાડકાં રાખતા હોય ત્યારે આપણને ગુસ્સો આવે છે. પરંતુ આપણો ગુસ્સો વાંઝિયો રહેશે. ધનિક થયેલો વર્ગ શરમને નેવે મૂકવાથી ટેવાઈ ગયો છે. ધનિક ક્રિકેટરો પણ આ પ્રકારે બેશરમ બની ગયા છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.