પીડાના આટા વધુ સુખના પાટા દોહ્યલા
વાગે છે ત્યાં રણઝણતી ઝાલર ને
નગારને તાલે થરથરતી જ્યોત
પ્રભુના દીવા સાથે ઝળહળ થતી આરતી
પછી વાળુ પાણી કરી ફળીમાં બેસે
છે સૌ ફાનસ લઈ અલક મલકની
વાતો અને ગાણાં પડઘાય હૃદયમાં
પરોઢે ઘંટીના રવ મધુર ગોરસભર્યા
વલોણે હૈયાના હરખ ઠાલવી
પગરવ ઠલે પનઘટે ને સાંતીગાડાં
ખડખડ જાય સીમમાં
- કવિ માધવ રામાનુજ
આજે ચાલો ‘શબ્દયજ્ઞ’ કરીએ. કાવ્ય તો એક યજ્ઞ છે જ. આપણે ઘરઘરાઉ કવિ સંમેલન ભરીને થોડાંક કાવ્યો માણવા કવિ માધવ રામાનુજના મંદિરની આરતીથી માંડી વલોણે આરતીથી માંડીને ખેતરે જવાની વાત યાદ કરીએ. હા ભાઈ! આ બધું મીઠું મીઠું છે પણ વરસાદ-પાણી ન હોય, લીલાછામ પાકમાં જંતુ પડે એવીય તકલીફો, ભારતની 60થી 65 ટકા ખેડૂત-વસતિ સહન કરે છે. તમે કહો છો તો લાઈફ બહુ જ વન્ડરફુલ ચીજ હશે જ અને છે. જે કવિ આ બધાં રૂડાં રૂડાં ચિત્ર દોરીને પોતાને બહેકાવીને તમને બહેકાવતો હોય છે પણ તેના અંગત જીવનમાં શું પીડા ભોગવે છે તે આપણે જાણતા નથી. એક દૂર દૂર ફ્રેંચ કવિ જીન મોરી લૂસિયન પિયરે અતુલ જેવું લાંબુંલચક નામ ધરાવતા કવિ જીવવાની પીડા જાણે છે. પિતા દરજી હતા. તમે ગામડામાં દરજી જોયા હશે. દરજીનો કવિ દીકરો સ્વભાવે ભગત હતો. તેથી જ જિંદગીની અને પ્રેમીની પીડાઓ ભોગવતો રહ્યો. 21 વર્ષની ફટકેલી છોકરી પ્રેમ કરીને ડબલ ઉંમરવાળા ધનિકને પરણવા કવિને છોડીને ચાલી ગઈ.
આ કવિને કોઈએ કહ્યું, ‘તમારી વન્ડરફુલ લાઈફ વિશે લખો. કવિ, લેખક, કલાકાર, સર્જક, સંવેદનશીલ વ્યક્તિઓની લાઈફ વળી વન્ડરફૂલ? કવિ લૂસિયન પિયરેએ કહ્યું, ‘હા ભાઈ લાઈફ વન્ડરફુલ ચીજ હશે. પણ તમે કોઈ સંવેદનાવાળી કોમળ કે પ્રેમાળ વ્યક્તિની નિકટ જાઓ તો ખબર પડે કે તે કેટલી વન્ડરફુલ’ છે! અરે લાઈફ જો વન્ડરફુલ ચીજ હોય તો તે વાતનાં વડાં કરવા માટે બરાબર. ઈટ ઈઝ એ વન્ડરફુલ થિંગ ટુ ટોક એબાઉટ ઓર ટુ રીડ એબાઉટ બટ ઈટ ઈઝ ટેરિબલ વ્હેન યુ હેવ ટુ લીવ ઈટ. એ તો બાપલા કલાકારો કે સંવેદનાવાળાની એ જિંદગી દૂરથી રૂડી દેખાય છે પણ જો તમારે જીવવી પડે તો ખબર પડે કે કેટલી વીસે સો થાય.’
અહીં ફ્રેંચ કવિની વાત પૂરી થાય છે. આપણે આપણા સ્વદેશી કવિને તેની કળા, પીડા કે કાવ્યની મધુરપ પીરસવા બોલાવીએ. એ કવિનું નામ છે નરેશ મહેતા. કવિ પીડાતો પીડાતો ફિલસૂફ બની ગયો છે. તેની રચના વાંચશો ત્યાં જ ખબર પડશે કે તેનામાં કેટલી ખુમારી છે. ખુમારીને તોળી હોય તો હાથી ઓછો પડે.
મેં પ્રત્યેક દિન જન્મ લેતાં હૂં ઈસ લિયે બ્રહ્મા હૂં
પ્રત્યેક દિન સંસાર બસાતા હૂં ઈસ લિયે અપના વિષ્ણૂ હૂં
પ્રત્યેક દિન મૃત્યુ કો પ્રાપ્ત હોતા હૂં ઈસ લીયે રુદ્ર હૂં
ઔર નહીં મૃત્યુ કો પ્રાપ્ત હું ઈસ લિયે મૃત્યુંજય શિવ હૂં!
સાચા પ્રેમી કે પતિ કે પત્ની તરીકે તમે આખી જિંદગી બીજા માટે ઢસરડા કર્યા છે પણ તમારા ઉપર તમે ધ્યાન આપ્યું છે? તો કવિ નરેશ મહેતાની જેમ બડકમદારી બતાવો. તમે તમારું મૂલ્ય સમજો. તમે જ તમારા બ્રહ્મા, તમારા વિષ્ણુ અને મૃત્યુંજય શિવ છો, પણ એક વાતનો ખ્યાલ રાખજો કે આ બધું હોવાથી ખુમારીની માન્યતા કોઈ બીજા પાસે કરાવવા જવાની નથી. આ મધ્યપ્રદેશના કવિની સુગંધ એટલી ફેલાઈ કે યુગોસ્લાવિયા પહોંચી. ત્યાં સ્ટ્રગા ગામે કવિતામેળો યોજાયેલો તેમાં કોઈ એકમાત્ર ભારતીય કવિ હોય તો નરેશ મહેતા હતા. તે વખતે યુગોસ્લાવિયાના પ્રમુખની પત્ની જે કવિતાપ્રેમી હતી, તેણે કવિને ફરિયાદ કરેલી કે, ‘આ બધા સત્તાના ધુરંધરો વચ્ચે માત્ર કાવ્ય રસાસ્વાદ લેનારી હું સાવ એકલી છું અને આમેય પ્રમુખના મહેલમાં એકલી છું.’ ત્યારે કવિ નરેશની કવિતા ટાંકીને કહેલું ‘માત્ર તમે જ નહીં, ઉપર જરા જુઓ, આ આકાશ કેટલું બધું એકલું છે! આખરે ઉત્તમ પળમાં માણસ એકલો જ હોય છે.’
કવિ નરેશનાં કાવ્યોમાં આ કાવ્યમાં તેની બડકમદારી જોઈ લો :
મૈં ચાહતા હૂં મિલ જાના મિટ્ટીમેં
લેકીન આહ ! મિલ નહીં પાતા
ક્યું કી મૈં સાધારણ મિટ્ટી નહીં હૂં !
દરેક વ્યક્તિએ આવી બડકમદારી રાખવી જોઈએ કે તેને ખુદાતાલા-ઈશ્વરે સર્જ્યો છે તો કાંઈ એમ ને એમ દુનિયામાં મૂકી-ઠેલી દીધો નથી. તે એક ઉત્તમ માટી અને તે પણ હિન્દુસ્તાનની માટીમાંથી પેદા થયો છે.
ખરેખર તમે કોઈ વ્યક્તિને ક્યારે સાચો પ્રેમ કરો છો? જ્યારે તમે એ પ્રેમીપાત્રને મેળવવા આખી કારકિર્દીમાં તમારી જાતને શૂન્ય બનાવી દીધી હોય! સાથે સાથે તમારામાં છૂપાયેલાં રત્નો જેવા ગુણોને પણ છુપાવ્યા હોય, અને એ છુપાવેલા ગુણોને ખોળી ખોળીને શોધી કાઢનારી જ સાચી પ્રેમી છે. પુરુષ હોય તો એ મરજીવો છે. કવિને પ્રેમ જોઈએ છે. કવિ નરેશ મહેતા 81ની ઉંમરે આ લખું છું ત્યારે કડેધડે છે. તેમને પ્રશંસા કે નાણાંની બહુ ખોટ નથી. પણ છતાં તે અવારનવાર રેસ્ટલેસ થઈ જાય છે! કવિ કે સર્જકની કોઈ ન સમજાય એવી બેચેની બહારની કોઈ વ્યક્તિ દૂર કરી શકતું નથી. એ માત્ર કલમ લઈને ઝાડ નીચે, સરોવર કાંઠે કે દરિયાકાંઠે બેસી જાય અને એક કવિતા લખે ત્યાં તેની સામે આખું બ્રહ્માંડ ઊભું થાય છે. છેલ્લે કવિ નરેશ મહેતાની આ ગીતિકાથી તેનો કાવ્યસંગ પૂરો કરીએ.
કિસી કે જખમ કો મરહમ દિયા હૈ ગર તૂને
સમજ લેં તૂને ખુદા કી હી બંદગી કી હૈ !
છેલ્લે આપણા આ ઘરઘરાઉ કવિ સંમેલનમાં કવિ માધવ રામાનુજને બોલાવીએ પણ તે પહેલાં જગતના થોડાક ફિલૉસોફરોની શિખામણ હું લઉં છું તે તમે પણ લેજો પછી રામાનુજને માણીએ.
મહાન અસ્તિત્વવાદી ચિંતક આલ્બેયર કામુ, જેને તમે સારી રીતે જાણો છો તેણે કહેલું કે, ‘મૅન મસ્ટ લિવ ઍન્ડ ક્રિએટ, લિવ ટુ પૉઈન્ટ ઑફ ટિયર્સ. (1935) અર્થાત્ માણસે ગમે તેમ કરીને અસ્તિત્વ ટકાવવું, જીવવાની તેની ફરજ છે. માત્ર જીવવું જ નહીં પણ તેણે કંઈક સર્જવું જોઈએ. ‘સર્જન માટે એટલી પીડા ભોગવવી કે આંખમાં આંસુ આવી જાય!’ પણ તમને આ બીજી શિખામણેય પણ ગમશે. વર્ષ 1887 ડૉ. જ્હૉન મોરલેએ કહેલું, ‘આ જિંદગીનો આખરે બિઝનેસ શું? મકસદ શું છે? ઘ ગ્રેટ બિઝનેસ ઑફ લાઈફ. ઈઝ ટુ બી, ટૂડુ, ટુડુ વિધાઉટ ઍન્ડ ડિપાર્ટ! કેટલા ટૂંકા શબ્દોમાં કહી દીધું કે આ જીવનનો ધંધો એ જ કે કંઈક બનવું. કંઈક કરી બતાવવું. અરે, કોઈપણ ચીજ વગર, પ્રેમી કે પ્રેમિકા વગર ચલાવી લેવું અને દુનિયામાંથી રવાના થવું. ચૂપચાપ!’
છેલ્લે તમને માધવ રામાનુજનો ‘અનહદનું એકાંત’ વાંચી જવા ભલામણ કરું છું. તેમાં તમને એકાંત કરતાં સાંત્વનાના સથવારા વધુ મળશે. માધવ રામાનુજને સાંભળવા હું મોરારિબાપુના આમંત્રણથી મહુવા ગયેલો. ત્યાં તેમની કવિતા સાંભળીને મને લાગ્યું કે તેમાં મારી આત્મકથા અગર કહો કે આપણા સૌની મિલન-વિરહ વ્યથાકથા કહો, જે અહીં ઉજાગર થઈ છે :
વિરહના દરિયા મળ્યા
સ્મરણનું તરણું મળ્યું
શબ્દને મહેફિલ મળી
મૌન પાથરણું મળ્યું
રણ મળ્યાં-સાજણ મળ્યા
આંખમાં ઝરણું મળ્યું
ધરતી જેવા રૂપને
આભ ઉપરણું મળ્યું!
ક્યાંક એને જુઓ
એવું મનોહરણું મળ્યું!
આ કવિતામાં આપણા સૌની દિલના દર્દની કથા છે એટલે કવિતાને પગથાર કરીને લખી છે. અહીં કવિ સંમેલન પૂરું થાય છે. કવિઓ તેમના શબ્દયજ્ઞમાં તેમના જીવનની પીડામાંથી પેદા કરેલું ધૃત ઉમેરતા હોય છે. એ યજ્ઞનો ધુમાડો થાય છે. કવિ આંખ ચોળે છે... એના ઈનામ રૂપે કવિને તો મોડે મોડે રત્નો પ્રાપ્ત થાય કે ન થાય, આપણને કાવ્યરૂપી રત્નો સાંપડે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર