પ્રેમમાં પીડાયેલા કાફકાની ધગધગતી વાણી

26 Oct, 2017
12:05 AM

કાન્તિ ભટ્ટ

PC: twitter.com/onediocom

દિલીપ વેંગસરકર કે બીજા ક્રિક્ટેર બેન્ક કે બીજી નોકરીઓ કરતા હોઈ, તેમને પૂર્ણ સમયની ક્રિકેટ રમવા કંપનીવાળા પૂરી છૂટ આપે છે. તે પ્રકારે કોઈ કવિ કે લોકપ્રિય લેખક નોકરી કરતો હોય તો તેને લેખો લખવા કે કવિ સંમેલનોમાં ભાગ લેવા કંપનીઓ રજા આપતી નથી.

વેણીભાઈ પુરોહિત, તારક મહેતા, શાહબુદ્દીન રાઠોડ, કવિ રમેશ પારેખ વગેરે ઘણા સારા કલાકારો કે કવિઓ નોકરીની સાથે સાથે સર્જન કરતા અને તંત્રીઓની ડેડલાઈન સાચવવા કાયા ઘસતા કે ઘસે છે. હાલમાં ફ્રાન્ઝ કાફકા નામન લેખકને યુરોપના લોકો યાદ કરે છે. ફ્રાન્ઝ કાફકા જેવા નવલકથાકાર અને ફિલસૂફ ફ્રાન્સની એક વીમા કંપનીમાં કારકુની કરતા હતા. ફ્રાન્ઝ કાફકાથી નોકરીની ગુલામી સહન થતી નહિ. તેમનું સાહિત્ય આજે 80 વર્ષ પછી પણ વંચાય છે. કાફકા પોતાને “બુદ્ધિના મજૂર” તરીકે ઓળખાવતા. તેમણે કહેલું કે, Intellectual labour tears a man out of human society.

અર્થાત્ બૌદ્ધિક મજૂરી માણસને બીજા માનવીથી અળગો બનાવે છે અને સમાજથી ઉતરડીને તેને દૂર ફેંકી દે છે. ઘણા પત્રકારો કે લેખકોએ ભારતમાં પેટિયું રળવા પી.આર.ઓ. બનવું પડે છે કે જિલ્લા ગ્રામપંચાયતમાં કારકુની કરવી પડે છે. કલાકારોની આ દુર્દશા છે. કાફકા કહે છે કે ‘આપણી રોજિંદી રોટીની ચિંતા આપણા ચારિત્ર્યને કોરી ખાય છે. જીવનની આ એક ક્રૂર વાસ્તવિકતા છે. ખરા અર્થમાં આપણે જીવતા નથી પણ ખડકને શેવાળ વળગે છે તેમ જીવનને વળગી રહ્યા છીએ.’ યુગોસ્લાવિયામાં પાઉલ એડલર નામનો લેખક રહેતો હતો. તેણે “ધ મેજિક ફ્લ્યુટ” નામની નવલકથા લખી અને પંકાઈ ગઈ. તેમણે નોકરી છોડી દીધી. પરણેલો હતો અને બાલબચ્ચાં પણ હતાં. કાફકાના તે મિત્ર હતા. કાફકાએ કોઈને પૂછ્યું, પાઉલ એડલરનો ધંધો શો છે? ત્યારે કાફકાએ કહ્યું કે તેનો કોઈ ધંધો નથી. માત્ર લખવાનો વ્યવસાય છે. તેનાં બાલબચ્ચાં સાથે તે પ્રવાસ કરે છે અને તેના મિત્રો તેનું ભરણપોષણ કરે છે. ગુજરાતમાં ઘણા મિત્રો પાઉલ એડલરને પોષતા હતા. ગુજરાતમાં ઊલટું છે. કોઈ ગુજરાતી પત્રકાર લેખક કે કવિ હોય અને તે સારી સગવડો ભોગવતો હોય તો ઊલટાના તેના મિત્રો તેની ઈર્ષા કરે છે. કોઈ ક્રિકેટર હોય કે ખેલાડી હોય તો કંપનીના કામના કલાકોમાં તેને કન્સેશન મળે, પણ કોઈ લેખક કે કવિ હોય તો નોકરીમાં તેની કોઈ શરત પોષવામાં આવતી નથી. તેણે ગધ્ધાવૈતરું કરવું જ પડે. લેખક કે કવિને દૂર દૂર વસતા વાચકો ચાહે છે, પણ નિકટના લોકો તેની ઈર્ષા કરે છે. કાફકાએ તેના એક મિત્રને કહેલું કે,

“You describe the poet as a great and wonderful man, whose feet are on the ground while his head disappears in the clouds. In fact writer is always much smaller and weater than the social average. Therefore he feels the burden of earthly existence much more intensely and strongly. For him personally, his song is only a scream. Art for the artist is only suffering, through which he releases himself for further sufferin.”

અર્થાત્ કવિ કલ્પનાના આકાશમાં ઊંડે છે ખરો પણ તેણે તેના પગ ધરતી પર રાખવા પડે છે, કારણ કે પેટ ભરવાનું હોય છે. કવિ એક સામાન્ય વ્યક્તિથી પણ સામાન્ય છે. તે નબળો પણ છે, કારણ કે તેનું ગીત તો એક આકાશ જેવું છે. પીડાથી જાણે ચીસ પાડી બેસે છે. તે ચીસ વાચક માટે કવિતારૂપે આવે છે. કલા પણ કલાકાર માટે એક પીડા જેવી છે. આ પીડા દ્વારા તે પોતાના અંતરને પ્રગટ કરે છે અને એમ કરવા જતાં એ વધુ પીડા પેદા કરે છે.

વીમા કંપનીના લેટરપેડ પર કાફકા તેમની પ્રિયતમાને પત્રો લખતા. કાફકા અવારનવાર બીમાર પણ રહેતા હતા. આ બીમારીને કારણે તેઓ ઘણા નબળા રહેતા હતા અને મિત્રોને કહેતા, “હું 1000 વર્ષનો બુસો હોઉં તેવું મને લાગે છે.” તેમની પ્રિયતમા ફાઉલીન બાવુરની સાથે તેમણે ત્રણ વખત સગાઈ કરી અને ત્રણ વખત તોડી નાખી. છેલ્લે સગાઈ તોડી ત્યારે તેમણે પ્રિયતમાને લખ્યું કે : “મારું સ્વાસ્થ્ય માત્ર મારા અસ્તિત્વને ટકાવી રાખે તેટલું જ મજબૂત છે. આ શરીર લગ્ન માટે લાયક નથી.” આટલું લખ્યા પછી કાફકા પોતાની શારીરિક ફરિયાદો લખતા. પેટ અને માથાનો દુઃખાવો અને લોહીની ઊલટીઓની વાત લખતા. છેલ્લે તેમણે આ બધું લખ્યું ત્યારે તેમને આશા હતી કે તેમની પ્રિયતમા તેમના નબળા સ્વાસ્થ્યની દરકાર કર્યા વગર સામેથી લખશે કે “વહાલા કાફકા, તું જેવો હો તેવો મને મંજૂર છે.” પણ એવો કોઈ કાગળ આવ્યો નહીં. કાફકા રાહ જોઈ જોઈને થાક્યા. તે પછી ખબર પડી કે પ્રિયતમાએ એક ધનપતિ સાથે લગ્ન કરી નાખ્યાં છે. ત્યારે કાફકા તૂટી પડ્યા. ફાઉલીન બોવુરની ક્રૂરતાએ કાફકાને ભયંકર પીડા આપી. એ પીડામાં ને પીડામાં કાફકાએ એક અતિકરુણ વાર્તા લખી, જેમાં વાર્તાના હીરોને કોઈ સ્પષ્ટ ગુનો સાબિત ન થયા વગર સજા થાય છે. આ નવલકથામાં કાફકાએ પોતાના મનના આવેગો જ ચીતર્યા છે. ફ્રાન્સના એક પ્રકાશકે ઠંડી ક્રૂરતા સાથે કહ્યું કે, “સારું થયું કાફકાને તેની પ્રિયતમાએ પીડા આપી, નહિતર કાફકા આવું શાશ્વત આપી શકત નહિ.”

(ફ્રાન્ઝ કાફકા જેણે આંતરિક પીડા સહન કરીને જગતને મહાન સાહિત્ય આપ્યું તેની નીચેની નવલકથા જરૂર વાંચજો :

(1) ધમેટામોર્ફોસિસ (2) ધ વરડિક્ટ (3) ધ કન્ટ્રીડૉક્ટર (4) ઈન ધ પેનલ સેટલમેન્ટ

તૂટેલો માણસ પથ પછી ફિલસૂફ બની જાય છે તેની વાતો સાંભળવામાં મીઠાશ આવે છે. આપણે કાફકાની કેટલીક મીઠી મીઠી અને પ્રેરણાદાયક વાતો સાંભળીએ :

કાફકાએ જી.કે. ચેસ્ટરટનનાં બે પુસ્તકો વાંચ્યાં, “ઓર્થોડોક્સી” અને “ધ મેન હુ વૉઝ ધ થર્સડે”. આ વાંચીને કાફકાએ કહ્યું, “આ લેખક એટલો બધો આનંદી રહે છે અને આનંદમાં લખે છે કે જાણે તેને ઈશ્વર મળી ગયો હોય.”

તરત કાફકાને તેનો મત્ર પૂછે છે, “તમારે માટે આનંદ એ એક ધાર્મિક વસ્તુ છે?”

- કાફકાએ કહ્યું, “ના, ના,હાલના ઈશ્વરહીન જીવનમાં માનવીએ આનંદી રહેવું જોઈએ. આનંદી રહેવાની તેની ફરજ છે. તમે જાણો છો કે વિશ્વયુદ્ધમાં “ટિટાનિક” નામનું જહાજ ડૂબી રહ્યું હતું. તે જહાજમાં સાજ-સંગીત વગાડતું 20 માણસનું એક ઑરકેસ્ટ્રા હતું. આ સંગીતમંડળીએ જહાજ ડૂબ્યું ત્યાં સુધી અતિમધુર સંગીત વગાડીને જળસમાધિ લીધી હતી, એટલે માણસે અત્યંત ભયંકર પળે પણ આનંદી રહેવું જોઈએ.”

કાફકાએ એક વખત તેના મિત્રેને કહ્યું, “આ હૃદય એ બે શયનગૃહવાળું નિવાસગૃહ છે. એક ખંડમાં આનંદ રહે છે અને બીજા ખંડમાં પીડા સૂતેલી રહે છે, એટલે માનવીએ એટલા બધા ખડખડાટ અવાજ સાથે હસવું ન જોઈએ કે નજીકના ખંડમાં સૂતેલી પીડા જાગી જાય.”

હિન્દીમાં પણ આ પ્રકારની એક પંક્તિ છે,

“ઓ મેરે સુખ ધીરે ધીરે તું ગા મધુગાન,

કહીં સોઈ હુઈ પીડા ન જાયે જાગ.”

- From Life one can extrack Comparatively so many boots. But from books so little life. કાફકા અહીં કહે છે કે માનવીના જીવનમાંથી અનેક પુસ્તકો લખી શકાય, પણ પુસ્તકમાંથી કોઈ જીવન પ્રાપ્ત થતું નથી! આવી માન્યતાને કારણે કાફકા પોતાનું લેખન પ્રકાશિત થવા દેતા નહિ. ઉત્તમ કૃતિ લખીને પછા ફાડી નાખતા હતા.

- પ્રાર્થના, કલા અને વૈજ્ઞાનિક સંશોધન એ ત્રણ ચીજો જુદી જુદી જાતની આગની જ્વાળા જેવી છે, પણ તે ત્રણેય એક જ ભઠ્ઠીમાંથી નીકળે છે, પરંતુ માણસ તેની મર્યાદા ઓળંગીને કંઈક અનોખી સિદ્ધિ મેળવવા માગે છે. એ દ્રષ્ટિએ કલા અને પ્રાર્થના એ બે બાબતો એવી છે, જ્યાં માનવી અંધારામાં તેના બે હાથ આગળ કરીને પેલે પારથી કંઈક હાંસલ કરવા માગે છે, પરંતુ કલા એવી ચીજ છે, જેમાં બંદગી કરતાં માનવી કંઈક વિશેષ પામે છે. આખો ને આખો માનવી જ કલાકારોને ભેટ મળે છે.

- ડિટેક્ટિવ નવલકથા અંગે અને સસ્તી કક્ષાની વાર્તા પ્રત્યેક કાફકાને ભારે રોષ હતો., “આ પ્રકારની કચરા જેવી વસ્તુને સાહિત્ય કહી શકાય?” વેપાર કરવા માટે જ મહત્ત્વની ચીજ ગણી શકાય. ડિટેક્ટિવ વાર્તાઓ એક જાતના અફીણ જેવી છે અને તેમાં જીવનને ભયંકર રીતે વિકૃત બનાવવામાં આવે છે. હકીકતમાં આપણું રોજિંદું જીવન એક ડિટેક્ટિવ વાર્તા જેવું છે અને એ રોજિંદા જીવનના સંઘર્ષ વિષે બહુ ઓછું લખાય છે.

કાફકા ધન વિષે નીચે મુજબ કહે છે :

“આખરે સંપત્તિ એ શું છે?” કોઈ વળી માત્ર ખમીસ પહેરી શકતો હોય છે તે નગ્ન માણસ માટે ધનિક છે. બીજા માણસો પાસે લાખો રૂપિયાની મૂડી હોય છતાં તે પોતાને ગરીબ ગણે છે. સંપત્તિ હંમેશાં એક સાપેક્ષ ચીજ છે અને તેમાં અસંતોષ ભલ્યો હોય છે. મૂળભૂત રીતે તે એક ખાસ સ્થિતિ છે. સંપત્તિનો અર્થ એટલો જ કે તે તમે જે ચીજની માલિકી ધરાવો ચો તે ચીજના ગુલામ બનો છો અને તે ચીજ ખૂટી જાય તેવો ડર લાગે છે એટલે તેને સાચવી રાખવાની વધુ ગુલામીમાં પડો છો. કાફકા કહે છે :

“Wealth is merey materialized insecurity.”

“સંપત્તિ એ તોહ હીનકક્ષાની અસલામતી છે.”

કાફકાના વાંચવા જેવા પુસ્તકોનાં નામ :

Conversation with Kafk,

લેખક – Gustav Janouch,

પ્રકાશક – ANDRE DEUTSCEH LONDON

કિંમત – Rs. 30.00

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.