માણસની ઊંચાઈની ઊંચી નીચી વાતો

26 Jan, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: mirror.co.uk

 

માનવવસ્તીના વધારાની વાતો ઘણા લોકોને કંટાળાજનક લાગે છે પણ વસ્તીવધારાને રોકવા જાતજાતના ઉપાયો વિચારાયા તેમાં માનવીના ઊંચા કદને ઠીંગણું બનાવીને વસ્તી વધારાની અમુક સમસ્યાને કે ઉકેલી શકાય તે પણ વિચારાયું હતું. આંકડાશાસ્ત્રીઓએ માથાફોડ કરીને આંકડા કાઢ્યા કે જો જગતના માનવોની ઊંચાઈમાં સરેરાશ પાંચ ટકા ઘટાડો થાય તો તેની સામે માનવના વજનમાં સીધો 16 ટકાનો ઘટાડો મળે અને તો માણસની ખોરાક, પ્રાણવાયુ, પાણી, કપડાં, ધાતુ, કાગળ અને બીજી ચીજોની જરૂરિયાતો ઘણી ઘટી જાય. ટૂંકા માણસ ઓચાં કપડાં પહેરે અને પાણી પણ ઓછું વપરાય એટલે વસ્તી વધારાને રોકી ન શકાય તો માનવીને ઠીંકણો બનાવવાનું વિજ્ઞાનીઓ વિચારી શકે પરંતુ વિજ્ઞાનીઓ આ વિત વિચારે તે પહેલાં આંકડાશાસ્ત્રીઓએ જાહેર કર્યું છે. દરેક 30 વર્ષે જો સમૃદ્ધ દેશમાં બરાબર ખોરાક મળે તો માનવીની ઊંચાઈ એક ઈંચ વધે. ભારતમાં માનવીની સરેરાશ ઊંચાઈના આંકડા કોઈએ કાઢ્યા નથી પણ 30 વર્ષ કરતાં ત્યારે લોકોને ઊંચાઈ શહેરોના સમૃદ્ધ લોકોની થોડી વધી છે. અમેરિકામાં 1900ની સાલમાં અમેરિકનોની સરેરાશ ઊંચાઈ પાંચ ફૂટ છ ઈંચ હતી પણ હવે તે વધીને પાંચ ફૂટ નવ ઈંચ વધી છે.

ધી ફિલાડેલ્ફિયા સેન્ટર ફોર રિસર્ચ ઈન ચાલ્ડ ગ્રોથ નામની સંસ્થાના ડાયરેક્ટરે સંશોધન કર્યું છે કે રોગો ઘટ્યા, પોષણવાળો ખોરાક વધ્યો અને ખાસ કરીને આંતરપ્રાંતીય કે આંતરરાષ્ટ્રીય લગ્નો વધ્યા અને ઈક્વેડોરના વીલ્કાબામ્બા પ્રદેશના લોકો ઓછી કેલેરીના ખોરાક ખાય છે. આ બધાની ઊંચાઈ ઓછી હોય છે અને એ લોકો ખૂબ લાંબું જીવે છે. સરેરાશાની પાકિસ્તાની કરતાં હુંઝા પ્રદેશના લોકો સરકામણી એ ઠીંગણાં છે. તેવું જ કોકેસસના નાગરિકોનું છે.

વધુ પડતી ઊંચાઈ હોય તેમ વજન પણ વધુ હોય તો જગતમાં એટલો ખોરાક વધુ ઉગાડવો પડે. પાંચ ટકા ઊંચાઈ વધે તો 16 ટકા શરીરનું વજન વધે એ માપને ગણીએ તો ઊંચા માણસો માટે 16 ટકા વધુ અનાજ ઉગાડવું પડે. તે માટે વધુ ખાતર, વધુ જંતુઘ્ન દવા, વધુ રસાયણો વગેરે વાપરવું પડે એટલે જો ઊંચાઈ વધે તો જગતમાં પ્રદૂષણ પણ વધે તેવું રમૂજી તારણો પણ કઢાય છે. પાંચ ટકા ઊંચાઈ વધે તો કાપડનો વપરાશ 10 ટકા વધી જાય કારણ કે કાપડની લંબાઈ વધુ જોઈએ. ચામડાની વપરાશ પણ દસ ટકા વધે. સ્ત્રીઓના પગના માપ નાનાં હોય છે. તેમનાં પગરખામાં ઓછું ચામડું જોઈએ છે. ધારો કે 65 કરોડ જોડી પગરખાં દર વર્ષે વેચાતાં હોય તેના કદમાં ઈંચનો ત્રીજો ભાગ વધારો તો આપણને 6800 માઈલ જેટલું વધારાનું ચામડું જોઈએ! એટલે ચામડાનું કે પ્લાસ્ટિકનું કે રબરનું ઉત્પાદન વધારવું જ પડે. વધુ ઊંચાઈવાળા માણસને નીચી છતવાળા વિમાન અગવડવાળા લાગે. તેમને જાપાનીઓ જેવી નાની મોટર ન ચાલે તેમણે પહેરેલા ઘરેણાં થોડા વધુ લાંબા હોય. ચીજોની વપરાશ જ નહિ પણ વાપરેલી ચીજોનો કચરો પણ ઊંચા માણસો વધુ કાઢે છે.

ઊંચાઈવાળા માણસો કેવી સમસ્યા પેદા કરે તેનો એક રમૂજી છતાં સાચો દાખલો લઈએ. કોન્ડોર એરલાઈન્સ નામની એક જર્મન એરલાઈન્સને હવે વર્ષે રૂ. 2 કરોડની આવક ગુમાવવી પડે છે. તેના કારણ માટે ઓડીટર કહે છે કે તેમની એરલાઈનના ઉતારુઓ બધા લાંબા જ હોય છે એટલે વધુ વજનદાર હોય છે એટલે નાના વિમાનમાં ઓછા પેસેન્જર લેવા પડે છે. વીજળીની ચાલતી લિફ્ટમાં પાતળો અને ઠીંગણો માણસ હોય તો એકાદ બે વધુ માણસો સમાવી શકાય છે. આ ઠીંગણાં માણસો વીજળી બચાવે છે. 1967માં એમ.આઈ.ટી. નામની અમેરિકાની વિખ્યાત ટેકનોલૉજીની સંસ્થાના ઈજનેરોએ એક અભ્યાસ દ્વારા બતાવ્યું હતું કે માનવોની ઊંચાઈને કારણે લોકોની ઊંચાઈ વધી છે. એક પોષણશાસ્ત્રીએ કહ્યું છે કે, આહારનાં પ્રોટીન એટલે દૂધ, દહીં અને ઈંડાનો ખોરાક વધે તો ઊંચાઈ વધે છે. ઊંચાઈ એ એક મોભો છે. કન્યાઓને ઊંચાઈવાળો જ મુરતિયો જોઈએ છે. લશ્કરમાં અને એરલાઈન્સમાં ઊંચા માણસો જ પસંદ થાય છે.

પણ માણસો જો ઊંચા જ થતા જાય અને જ્યારે આપણે ઈ.એફ.શુમેકનું સ્મૉલ ઈઝ બ્યૂટીફૂલ જેવું પુસ્તક વાંચતા હોઈએ ત્યારે આ ઊંચા માણસો જગતને રહેવા માટે કેટલું મોંઘું બનાવે છે તે પણ વિચારવું જોઈએ. વળી વધુ પડતો ઊંચો માણસ ઠીંગણા માણસ કરતાં ઓછું જીવે છે કે નહીં તે પણ સંશોધન કરવું જોઈએ. થોમસ સમારાસ નામના એક થર્મોડાયનેમિક્સના નિષ્ણાંતે આવું સંશોધન કર્યું છે. તેણે જગતના મરી ગયેલા લોકોનો અભ્યાસ કરતાં તેને જણાવ્યું કે, નીચા કદના માણસો 6 થી 20 ટકા જેટલું લાંબા માણસ કરતાં વધુ જીવે છે. તેમણે મરી ગયેલા માણસોની માહિતી એક કરંટ બાયોગ્રાફી યર બુક નામના પસ્તકમાંથી લીધી હતી અને પછી તારણ કાઢ્યું હતં કે ઊંચા માણસો નીચા માણસ કરતાં ઓછું જીવે છે. પોતાના તારણના અનુમોદન માટે શ્રી થોમસે કહ્યું કે સ્ત્રીઓ પુરુષો કરતાં ઊંચાઈમાં નીચી હોય છે અને જગતમાં દરેક જગ્યાએ પુરુષ કરતાં સ્ત્રી વધુ જીવે છે. જો કે તબીબી વિજ્ઞાનના નિષ્ણાતો સ્ત્રીઓની દીર્ઘાયુ માટે તેની નીચાઈને કારણભૂત ગણતા નથી. તે લોકો તો કહે છે કે સ્ત્રીઓના હોર્મોન, તેમની આરામવાળી જિંદગી તેમ જ પોતાની જાતની વધુ કાળજી લેવાની ટેવને કારણે જ સ્ત્રી વધુ જીવે છે. સ્ત્રીઓ મોટા ભાગે પુરૂષથી ચાર-પાંચ ઈંચ નીચી હોય છે અને વજન પણ ઓછું હોય છે. સાયન્ટીફીક અમેરિકનમાં મેં વાંચેલું કે એક લાખમાં પ્રાણીઓ વિશે કહેવામાં આવ્યું કે, વધુ પડતી ઊંચાઈવાળા પ્રાણીઓ ઓછું જીવે છે. વધુ પડતી કેલરીનો ખોરાક ન લેતા હોય તેવા લોકો વધુ જીવે છે અને તેવો ઓછો ખોરાક લેનાર ઠીંગણા હોય છે. અમેરિકાના કોકેસસ પ્રાંતના લોકો, પાકિસ્તાનના હુંઝા પ્રદેશના લોકો વધે તેની અસર બિલ્ડિંગોના કદ ઉપર, રસ્તાઓ પર અને પૂલો ઉપર થઈ શકે છે. જાપાનમાં સ્કૂલોના ટેબલ ઘણાં નાનાં હોય છે એટલે ત્યાં લાકડું ઓછું વપરાય છે અને વર્ગમાં વધુ વિદ્યાર્થી બેસી શકે છે. અમેરિકાના સિનેમા થિયેટરોમાં જાપાનીઓ આરામથી રાજાની જેમ બેસે છે પણ જગ્યાની કરકસર કરવા સીટો નાની થતાં ઊંચા માણસો સંકડાઈને બેસે છે.

માણસની ઊંચાઈ વધે તો અર્થતંત્ર ઉપર કેટલો બોજ આવે તેવા આંકડા કાઢવાની ભારતમાં આપણને ફૂરસદ નથી પણ અમેરિકનો આવા આંકડા કાઢે છે. ખરા, અમેરિકનો અત્યારે દર વર્ષે રૂ. 1500 અબજનો ખોરાક ઘરે જમે છે. રેસ્ટોરાંમાં બીજો રૂ. 500 અબજનો નાસ્તો કરે છે. એક ફૂટ વધુ ઊંચો માણસ હોય તો તેની ખોરાકની ખપતમાં 50 ટકા ઉમેરો થાય છે. જો ત્રીસ વર્ષ મેરિકન એક ઈંચ વધુ લાંબો થાય તો તેનો ખાવાનો ખર્ચ વધીને રૂ. 1500 અબજથી વધીને રૂ. 3000 અબજનો થઈ જાય.

નીચો માણસ કામગીરીમાં પણ વધુ પાવરધો હોય છે. જો કે ફૂટબોલ, બાસ્કેટબોલ કે બેઝબોલ જેવી અમેરિકન રમતોમાં ઊંચા માણસો વધુ ઊજળું કરતા દેખાય છે પણ ભારતીય કબડ્ડી, ખોખો કે બીજી રમતોમાં નીચો માણસ વધુ ચપળ કામ કરે છે. વિશ્વનાથ અને ગાવસ્કરની ઊંચાઈ ઘણી નાની છે. એ પ્રકારે બુદ્ધિબળ માટે પણ કહી શકાય. ગ્રીક અને રોમન લોકોએ કલા અને સંસ્કૃતિમાં સારો ફાળો આપ્યો છે. ભારતીયો પણ તેમાં પાછા પડ્યા નથી. ભારતમાં બંગાળીઓ કલામાં આગળ છે. ગ્રીક લોકોની સરેરાશ ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઈંચ હતી. રોમનોની પાંચ ફૂટ છ ઈંચ હતી. બંગાળીઓની પાંચ ફૂટ ચાર ઈંચ છે.

સંશોધકોએ તારણ કાઢ્યું છે કે, ઑલિમ્પિકની સ્પર્ધામાં ઠીંગણા ગણાય તેવા લોકો સારું કામ કરી ગયા છે. ખાસ કરીને વજન ઊંચકવામાં નીચા કદના સ્પર્ધકો જીત્યા છે. અત્યારે નોકરી વગેરેમાં કે મેનેજરની જગ્યામાં ઊંચા માણસોને વધુ પસંદગી મળે છે પણ નેતાગીરીના ગુણો નીચા કદના લોકોમાં વધુ હોય છે.

વળી, ઊંચાઈની બાબતમાં ખુદ ભગવાને પણ ઘણો વિચાર કર્યો હતો. જગતની પ્રાણીસૃષ્ટિ પેદા કરતી વખતે જેની યોગ્યતા હતી તેને જ ઊંચાઈ આપી છે કે મોટું કદ આપ્યું છે. માણસને હાથી કે જીરાફ જેટલો ઊંચો બનાવ્યો નથી તે બરાબર છે. આટલા ઊંચા કદનો માણસ ચાલવા જતાં તેણે પોતાની જ ટાંગ તોડી નાખી હોત. ગુરુત્વાકર્ષણનો નિયમ આપણને લાગુ પડે છે પણ માણસ ઊંચાઈથી પડે અને નાનું જીવડું ઊંચાઈથી પડે તેમાં ઘણો ફરક છે કારણ કે જીવડાના વજન અને નાના કદને કારણે તેનું ગુરુત્વાકર્ષણ સામેનું પ્રતિરોધક બળ દસગણું હોય છે. ઊંદરડી ઉપરથી પડીને જલદીથી ચાલવા માંડે છે. માણસ તેટલું પડે તો પગ ભાંગી જાય છે. નાનકડાં જીવડાંને લગભગ કંઈ થતું નથી. વૃક્ષો ઉપર કુદાકુદ કરનારા આફ્રિકાની નેગ્રીટો ઓગે નામની જાતિની સરેરાશ ઊંચાઈ 4 ફૂટની છે ત્યારે જમીન ઉપર દોડનારા વાતુસી જાતિની આફ્રિકન ભરવાડો સરેરાશ 7 ફૂટ છ ઈંચની ઊંચાઈના પણ હોય છે. ઊંચાઈ અને નીચાઈના કુદરતી યોજના ઘણી બુદ્ધિગમ્ય છે, એટલે જે નીચા હોય તેમણે નીચાપણાના ઘણા લાભો છે તેનો સંતોષ માનવો જોઈએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.