પીડા સાથે પ્રેમસંબંધ રાખી દિલના દાનવીર થવું પડે

01 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

પ્રેમ કી પીડા

જિસે તૂં કબૂલ કરલે વહ અદા કહાં સે લાઉં?

તેરે દિલ કો જો લુભાવે વહ સદા કહાં સે લાઉં

મૈં વહ ફૂલ હૂં કિ જિસકો ગયા હર કોઈ મસલકે

મેરી ઉમ્ર બહ ગઈ હૈ મેરે આંસુઓ મેં ઢલકે

જો બહાર બનકે બરસે વહ ઘટા કહાંસે લાઉં?

તુઝે ઔર કી તમન્ના મુઝે તેરી આરઝૂ હૈ

તેરે દિલ મેં ગમ હી ગમ હૈ મેરે દિલ મેં તૂ હી તૂ હૈ!

સાહિર લુધિયાનવી

(ફિલ્મ : દેવદાસ)

મારી, તમારી, સૌની પાછળ પીડા આદું ખાઈને પડી છે કોઈ ને કોઈ પ્રકારની શારીરિક પીડા. ધારો કે તમે એ બાબતે ભાગ્યશાળી હો તો પણ તમે પોતે જ પીડાનું એક સ્વનિર્મિત યંત્ર બનો છો અને ક્યાંયથી પણ પીડા તો વહોરી જ લો છો. ખાસ કરીને પ્રેમની પીડા તો હોય જ છે. આર્થર શોપનહાયર તો પ્રેમની બાબતમાં પીએચ.ડી. લીધી હોય તેવા પીડાના ફિલૉસૉફર બંદા હતા. એની સલાહ મુજબ તમે પીડાના બંદા બનો! પીડાથી તમે ભાગો નહીં. પીડાને દોસ્ત બનાવી લો. તેમના આ મનોવિજ્ઞાની ઉપાયને સૌપ્રથમ જિદુ કૃષ્ણમૂર્તિએ પકડી લીધો. પછી ઓશો રજનીશે તેનો વિસ્તાર કર્યો. રજનીશ કહેતા, પીડાને ગળે વળગાડો. જો તમારે કોઈ ગોઠવણ હોય તો આર્થર શોપનહાયરનું પુસ્તક ‘ઑન ધ સફરિંગ ઑવ્ ધ વર્લ્ડ’ મંગાવી લેજો.

બીજું એક આપણી શારીરિક અને ભૌતિક પીડા અંગેનું હકીકતલક્ષી અને આરોગ્યલક્ષી થોથું છે તેનું નામ છે ‘ધ વર્સ્ટ ઑવ્ ઈવિલ્સ ધ ફાઈટ અગેન્સ્ટ પેઈન.’ તમને તમારી પીડા બીજા કરતાં વધુ જ લાગે છે. પીડા વિશે 27-5-1999ના લંડનના ‘ઈન્ડિપેન્ડન્ટ’માં ડૉ. રોજર ડોલસને એક લાંબો લેખ લખ્યો. તેની શરૂમાં લખેલું કે, ‘જ્યારે તમારી સામે કોઈ ગુંડો આવીને બંદૂક તાકે છે ત્યારે તમે તમારા આર્થરાઈટિસની ક્રોનિક પીડા જે સતત જીવ ખાતી હોય છે. તેને તમે તત્કાળ ભૂલી જાઓ છો. તાત્પર્ય એ કે મોટી પીડા આવી નથી તેથી આપણે ક્ષુલ્લક પીડાને પંપાળીએ છીએ. સાચું ને? ગાલિબની એક ગઝલ છે.

રંજસે ખુગર (ટેવ પડી જવી) હુઆ ઈન્સાન

તો મીટ જાતા હૈ ગમ

મુશ્કિલે મુઝ પર ઈતની પડી કી

આસાં હો ગઈ

અહીં મુશ્કેલીઓને બદલે પીડા શબ્દ મૂકી દો. આજે હરેક માણસને ખાસ કરીને આપણી સ્ત્રીઓ માટે પીડા સામાન્ય બની ગઈ છે.

આપણે પ્રથમ તો મથાળે લખેલા ફિલ્મ ‘દેવદાસ’ના ગીતને-અનુરૂપ થોડું પ્રેમનું પિષ્ટપેષણ કરી લઈએ. હવે સાહિર લુધિયાનવીના દિલને રડાવી દે તે ગીતને વળગીએ. ફિલ્મ દેવદાસમાં બે પ્રેમિકાઓ, નામે ચંદ્રમુખી અને પારો બંને દેવદાસને સરખી પીડાવાળો પ્રેમ કરે છે. એ ફિલ્મ એક ગરીબીમાં પીડાયેલા અને પ્રેમભગ્ન થયેલા એ બંગાળી લેખક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘દેવદાસ’ ઉપરથી હિન્દીમાં ત્રણ-ત્રણ વખત બની હતી. હુગલી જિલ્લાના દેવનંદપુર ગામે 15-9-1876ના રોજ જન્મેલા શરદબાબુ ગરીબીમાં જીવ્યા હતા. તેમણે લેખક તરીકેની જિંદગી સ્વીકારી અને ગરીબી પણ સ્વીકારી. તે ભાગરલપુર ગામે ભણ્યા. ત્યાં યુવાનીમાં તેમને પ્રેમ થયેલો. તેનાં માતા-પિતા મરી ગયાં પછી તે બર્મા ગયા. ત્યાં શરદબાબુએ એક કારકૂન તરીકે કામ કર્યું. તેમણે 25ની ઉંમરે પ્રેમભગ્ન થયેલા હીરો દેવદાસની કથા લખેલી તે સોળ-સોળ વર્ષ પછી પ્રગટ થઈ. આ વિલંબની પીડા કાંઈ ઓછી હશે? આ વિખ્યાત લેખક, જેની ‘દેવદાસ’ વાચકો અને કરોડો પ્રેક્ષકોની પ્રેમની પીડા વધારી ગઈ તે લેખક પોતે 1938માં લિવરના કેન્સરથી મરી ગયા.

પાર્વતી ઉર્ફે પારોના પ્રેમમાં પડ્યા પછી પાર્વતીનું લગ્ન બીજે થતાં દેવદાસ એક નર્તકી નામે ચંદ્રમુખીના પ્રેમમાં પડે છે. આ ત્રણ-ત્રણ પ્રેમીઓ પ્રેમની પીડામાં જ સતત ‘સુખ’ મેળવે છે તેવો શરદબાબુનો સંદેશ કોઈ ઝીલી શક્યું છે? પ્રેમ કદી જ નિર્ભેળ સુખ આપતો નથી. પ્રેમ તમને સુખ લેવા દેતો નથી. કાઠિયાવાડી ભાષામાં સખ્ખે રહેવા દેતો નથી. દુઃખનું જ સુખ આપે છે. શરદબાબુનો હીરો દેવદાસ તાત્ત્વિક રીતે દુઃખી હતો? તેને કોઈ પૂછવા ગયું છે? પ્રેમના અભાવ કે પ્રેમની પીડામાં જ દેવદાસ મહાસુખ માણતો હશે તો?

પ્રેમમાં પછડાટ ઉપરાંત ગરીબી તેમ જ ‘દેવદાસ’ની નવલકથા પ્રગટ કરવા સોળ-સોળ વર્ષ વીતાવવાં પડેલાં તે પીડા કાંઈ શરદબાબુની જેવી તેવી પીડા નથી. કોઈ લેખક-કવિને પૂછજો કે તેનો લેખ ન છપાય ત્યારે તે પોતાને કેવો રિજેક્ટેડ માને છે! તો પછી પ્રેમમાં રિજેક્ટ થયેલા કે થયેલીની શી હાલત હશે? રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કી અને ફ્રેંચ લેખક એન્દ્રે જિદ્દે પણ રિજેક્ટેડ પ્રેમી તરીકે દુઃખી હતા.

એન્દ્રે જિદ્દેએ ‘મોરલ પેઈન’ નામનું પુસ્તક લખેલું. તેમણે પોતે સંઘર્ષમય જીવન વીતાવેલું. આપણે સંઘર્ષ ટાળીને દુઃખથી ભાગીએ છીએ, પણ એન્દ્રે જિદ્દે તો સામે ચાલીને સંઘર્ષને નોંતરતા. તે કહેતા : ‘નૈતિકતા કેળવીને નૈતિકતાનો ફાંકો રાખવો હોય તો પીડા ભોગવવી જ પડશે. જે લોકો જીવનમાં માત્ર સુખ શોધે છે તે મારા પુસ્તકને સમજી શકશે નહીં. કારણ કે તમે માનવીના આત્માની અવળચંડાઈ જાણતા નથી. માનવીનો આત્મા માત્ર અને માત્ર સુખથી સંતોષાતો નથી. સગવડો અને સુખના ફુવારા માનવીના આત્માને પોઢાડી દે છે. નર્યા સુખ થકી માણસ સ્થગિત થઈ જાય છે! સુખ થકી માણસ જાગરુક રહેતો નથી. જાગરુક રહેવું હોય અને સંવેદનશીલ બની પ્રેમાળ રહેવું હોય તો પીડા વહોરવા તૈયાર રહેજો.

જૂનાં ફિલ્મી ગીતો આપણને ઘણી વખત ફિલસૂફી પીરસે છે. સાહિર લુધિયાનવીના દેવદાસના ગીતમાં (દિલીપકુમારની પ્રેમિકા વૈજ્યંતીમાલા) ‘તુઝે ઔર કી તમન્ના, મુઝે તેરી આરઝૂ હૈ’ આ પંક્તિના ભાવાર્થ ઉપર જ આખા જગતના પ્રેમસંબંધોનું ચક્કર ચાલે છે. માતા-પુત્રને ચાહતી હોય પણ પુત્રને કોઈ ખેવના ન હોય. પત્ની-પતિને ચાહતી હોય પણ પતિ? જવાબ તમારી પાસે છે! તમને ધીરે ધીરે પ્રતીત થાય છે કે, જ્યારે તમારા સુખ માટે બીજા ઉપર આધાર રાખતા હો ત્યારે પીડા વહોરવાની જ છે. તમને પ્રેમ કરનારું પાત્ર તમને છોડી જાય ત્યારે તમે તેને સહન કરી શકો તો તમે સંબંધોના શહેનશાહ બનો છો. આપણા જગતમાં પીડા સાથેનો પ્રેમસંબંધ જાળવવો હોય તો દિલના દાનવીર બન્યે જ છૂટકો છે.

પ્રેમમાં ધક્કા લાગે કે ન લાગે આપણે પ્રેમ બાબતમાં ‘નક્ટા’ છીએ. પ્રેમ વગર ચાલતું જ નથી. એક અનામી ઈટાલિયન કવિએ પ્રેમ વિશે લખ્યું છે :

Around the ball of fire

The hottest thing

I hav ever seen

Love and pain

Seems to be the same damn thing

It makes no sense

You cannot see the difference

Pain is hope it will pull you through

Pain is the thing that proves you

That love exists too.

આ લાંબી કવિતાનો ભાવાર્થ ‘બે જ શબ્દો’માં કહી શકાય. ‘પીડાનું અસ્તિત્વ કહે છે કે, પ્રેમ જેવી ચીજ છે ખરી.’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.