મબલક લકઝરીમાં જીવનારા સન્માનીય!

28 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

બધા ગુણ કાંચનમાં સમાયેલા છે. જ્હૉન એડમ્સ નામના ફિલૉસૉફરે બહુ વહેલા કહેલું કે પશ્ચિમના લોકો દંભી છે. તે લોકો ધનને એટલે કે લક્ષ્મીને ખૂબ ચાહે છે પણ સામ્યવાદ, સમાજવાદ કે સમાનતાનો દંભ કરે છે. પણ સૌને ધન ગમે છે. ભારત જેવા ગરીબ દેશોમાં લક્ષ્મીયંત્રો પૂજાય છે શું કામ? રિચીઝ એક્ટ્રેસ એટેન્શન, કન્સિડરેશન એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ઑવ્ મેનકાઈન્ડ. સાવ સાચું છે. ગઈકાલે સાચું હતું. આજે સાચું છે. દરેક મહારાજાઓ ધનિકમાં ધનિક માણસને નગરશેઠ બનાવતા. ધનિકને ગામડાનો મુખી કે પટેલ બનાવતા. જ્હૉન એડમ્સે લખેલું કે ધન હોય તો જ દુનિયાનું તમારા તરફ ધ્યાન જાય છે. ધનિક હો તો જ તમને માન્યતા અને અભિવાદનો મળે છે.

ચીનાઓનો સામ્યવાદનો દંભ ચિરાઈ ગયો છે. બિજિંગ જઈને લંડનનો પત્રકાર લખે છે કે આજે ‘સામ્યવાદી’ કહેવાતા ચીનમાં સત્તાધીશો ચાર હાથે ધન લૂંટે છે. ચીનના ગ્વાંગડોંગ શહેરનો ડેપ્યુટી મેયર એટલો પૈસાદાર છે કે તેણે 47 મિસ્ટ્રેસો રાખી છે. તેની પાસે લાંચરુશ્વત અને ઈન્વેસ્ટમેન્ટમાંથી રૂા. 180 અબજ ભેગા થયા છે. હૈન્નાનપ્રાંતના હાઉસિંગ ઑફિસર પાસે 11 ફ્લેટો છે. ચાઈનીઝ મિલિટરીના ઑફિસરો પાર્ટીમાં અમેરિકન સોલ્જરો કરતાં વધુ મોંઘો શરાબ પીવે છે.

ભારતમાં સોનિયા અને ડૉ. મનમોહન સિંઘના રાજમાં અબજોપતિની સંખ્યા 1000ની થઈ હતી. ખુશીની વાત છે. યુરોપ-અમેરિકામાં જ્યાં મંદીમાં ધનિકો દેવાળિયા થઈ ગયા છે તેમની સ્ટોરી પીરસીને થાકેલી મહિલા પત્રકાર થોડા સમય પહેલાં ભારત આવેલી. તેણે બિજિંગના અખબારમાં વાંચેલું કે ભારત કરતાં ચીનમાં અબજોપતિની સંખ્યા બમણી છે પણ ચીનના અબજોપતિ બાયલા અને બીકણ છે. તે વાત પુરવાર કરવા નિકોલ દિલ્હી આવી ને તેણે આપણા ધનિકોની વકીલાત કરી કે અહીં ઈન્ડિયામાં ધનને છુપાવાતું નથી. પ્રદર્શન થાય છે. તેમના ભવ્ય મહાલયો પત્રકારોને કેમેરા સાથે બતાવે છે. ફ્રોસ્ટ એન્ડ સુલીવાન નામની ગ્લોબલ કન્સલ્ટન્સી સેવાના આધારભૂત આંકડા મુજબ ભારતમાં 142 જેટલા ખાનગી માલિકીનાં અલ્ટ્રામૉડર્ન જેટ વિમાનો છે. ચીનના ધનિકો પાસે માત્ર 73 ખાનગી જેટ છે અને જાપાન, જ્યાં ધનની વિપુલતા છે ત્યાંના ધનિકો પાસે 76 ખાનગી જેટ વિમાનો છે.

‘ધિ બિઝનેસ એવિયેશન એસોસિયેશન'નો આંકડો કહે છે કે આવતા બે વર્ષમાં પાછી ધનની વિપુલતા ફાટીને ધુમાડે જશે ત્યારે ધનિકો પાસે 1400 પ્રાઈવેટ વિમાનો અને હેલિકોપ્ટરો હશે. પછી તમારામાંથી ઘણા જાણે છે તે માહિતી મિસ નિકોલા સ્મિથે જાણી કે મુકેશ અંબાણીએ તેની પત્ની નીતાને ‘એરબસ 319’ કક્ષાનું કૉર્પોરેટ જેટ વિમાન ભેટ આપ્યું છે. આ લક્ઝુરિયસ વિમાનમાં કમ્પલીટ મ્યુઝિક સિસ્ટમ છે. સેટેલાઈટ ટેલિવિઝન અને વિવિધ કૉમ્પ્યૂટર ગેઈમ્સ રમવાના કોન્સોલ્સ (યંત્ર વ્યવસ્થા) છે. નીતા અંબાણીને પોતાના જન્મદિવસે આ ભવ્ય ભેટ મળેલી. મુકેશ પાસે પોતાનું ‘ફાલ્કન 900 ઈ.એક્સ’ ક્લાસનું જેટ વિમાન જ આજની કિંમતે એક્ઝક્ટલી રૂા. 247.5 કરોડનું અંકાય છે. ઉપરાંત બીજું જ એવું કિંમતી બોઈંગ બિઝનેસ જેટ ટુ વપરાય છે. તેને જાણકાર લોકો ફ્લાઈંગ હોટેલ, બોર્ડરૂમ અને લકઝરી શયનગૃહ કહે છે.

હોકર બીચક્રાફ્ટ નામની જગમશહૂર જેટ વિમાનનો સોદા કરતી કંપનીના ઉપપ્રમુખ સ્કોટ પ્લમ્બ કહે છે કે આજે ભારત પ્રાઈવેટ જેટ ખપાવવાનું સૌથી જબ્બર બજાર છે. અમેરિકનો તો ફિફાં ખાંડે છે. અખબારો અને ટીવીવાળા ગરીબ પ્રેક્ષકોને બહેકાવવા પંદર દિવસથી રેપ રેપના ઢોંગી બરાડા પાડે છે તે બધાને આ ધનિકોનાં લકઝરી જેટમાં મફતિયા સફર કરવાની તક મળે તો જવા દેતા નથી. ‘સેન્ટર ફોર એવિયેશન’ના વડા કપિલ કૌલ કહે છે કે ચીનમાં ખાનગી વિમાનો ખપાવવાના બજાર કરતાં ઈન્ડિયામાં કોઈક ધનિક કે ગરીબ વર્ગ ખાનગી વિમાન ધરાવનારાને ધિક્કારતા નથી. ઊલટાનું તેમને ઉમંગ છે કે ધનિકના વિમાન તેમને અંદરથી જોવા મળે.

એક બાજુ જ્યારે ધનિકો ખાનગી જેટ વિમાનો અને હેલિકોપ્ટરો રાખે છે તો બીજા ધનિક ડૉક્ટર કે વૈદ્ય બંગલે હાથી બાંધે છે. વાઘ પાળે છે. ઘણી ભારતીય લિમિટેડ કંપનીઓ તેમના ઊંચા કરોડોના માસિક વેતનવાળા એક્ઝિક્યુટિવ એક શહેરથી બીજા શહેરમાં લઈ જવા એર ઈન્ડિયા કે જેટ એરવેઝની ટિકિટ બુક કરાવતા નથી. તેમને માટે લકઝરી જેટ ભાડે રાખે છે. આ ખાનગી જેટ કંપનીઓ ભાડાના કલાકના રૂા. 2 લાખ લે છે. ખાનગી જેટ વિમાનો જે ધનિકોની પત્નીઓ વધુ વાપરે છે તેમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટિંગવાળા વૉશ બેસીન હોય છે. બારણાના દરવાજાના ડટ્ટા સોનાથી મઢેલા હોય છે. વિમાનની બેઠકમાં જે કમરપટ્ટા-સેફ્ટી બેલ્ટ બાંધે છે તે ધાતુ નગદ સોનાની હોય છે.

મિસ નિકોલાના કહેવા પ્રમાણે એક જંગલી પ્રાણી પાળવાના શોખીન ભારતીય ધનિકે તેના વિમાનમાં જ્યાં જ્યાં ચામડું વપરાય તે મગરમચ્છનાં ચામડાં હોવાં જોઈએ તેવો આગ્રહ રાખેલો. માત્ર તકલીફ એટલી છે કે ખાનગી વિમાનો એટલાં બધાં વધી ગયાં છે કે મુંબઈ દિલ્હીનાં એરપોર્ટ ખાનગી વિમાનોથી ઊભરાઈ ગયાં છે એટલે નીતા શેઠાણીને તો તેના વિમાનની રિઝર્વ્ડ પાર્કિંગ જગ્યા મળે છે પણ બીજા પાછળ રહી ગયેલા તાજા જેટ માલિકોને તેનું વિમાન ઉતારીને પછી પાર્કિંગ માટે દૂર દૂરની જગ્યાએ જાય છે. દાખલા તરીકે ગયે વર્ષે ચંદીગઢમાં વર્લ્ડકપની સેમિ ફાઈનલ ક્રિકેટ મેચ રમાઈ ત્યારે શેઠિયાઓ આ મેચ જોવા તેમના ખાનગી જેટ સાથે આવેલા અગર તેમના ક્રિકેટપ્રેમી મિત્રોને વિમાન ઉછીનાં કે ભાડે આપેલાં. તેને કારણે વિમાનોની ગીરદી થતાં ચંદીગઢમાં મહેમાનોને ઉતારીને જેટ વિમાન 155 માઈલ દૂર દિલ્હીમાં પાર્ક થવા જતાં હતાં.

ગઈ ક્રિસમસમાં ભારતના ધનિકો ઉજવણી કરવા પોતપોતાના જેટમાં વિવિધ ટાપુમાં ગયેલા. પરંતુ ધારો કે કોઈ પ્રસંગ ન હોય પણ પૈસાનો છલકો વાપરવા ફુલ મૂન પાર્ટી યોજાય છે. જંગલ પાર્ટી યોજાય છે. થાઈલેન્ડના ટાપુઓમાં આવી મોંઘેરી પાર્ટી યોજાય છે.

એક જમાનો હતો કે કમાવાની તકો યુરોપ, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં હતી. માત્ર કમાવાની નહીં પણ લકઝરી ભોગવવાની તક લંડનમાં હતી. પણ આજે પ્રવાહ ઉલટાયો છે. મિસ નિકોલા સ્મિથ લખે છે કે શીના મોરજરિયા નામની ફિલ્મ ફાઈનાન્સિંગ કરતી કંપનીની ચીફ લંડન છોડીને મુંબઈ આવી રહી છે. શીનામોરજરિયા કહે છે કે લંડનની મંદી જોઈને બે વિકલ્પ હતા. કાં લોસ એન્જલસ જવું કે કાં મુંબઈ જવું. પણ મેં જોયું કે ઈન્ડિયા વાઈબ્રન્ટ બન્યું છે. જે કાંઈ નવું બને છે તે મુંબઈમાં બને છે.

બીજા એક શ્રુતિ સિંઘાલ નામના બ્રાન્ડ કન્સલ્ટન્ટનો લંડનનો ધંધો ફૂસ છે તે મુંબઈની રાહને બદલે દિલ્હીને પકડે છે. લંડનમાં શ્રુતિનો એક બેડરૂમ ફ્લેટ હતો તેને વેચી દેવાથી દિલ્હીમાં તેને વિરાટ બંગલો મળ્યો છે. વળી લંડનમાં અપેક્ષા ન હોય તેવી લકઝરી મળે છે. લંડનમાં ડ્રાઈવર મળવો દુર્લભ. અહીં તો પાણીના પગારે ડ્રાઈવરો મળે છે. તે બિચારા તમારી મોટરને તમારા ચહેરા કરતાં વધુ ચળકતી રાખે છે. ઉપરાંત દિલ્હી કે મુંબઈ કે અમદાવાદમાં તમને રસોઈયણ મળી જાય છે જેની તમે લંડનમાં તો સપનેય આશા રાખી ન શકો. 20 વર્ષ પહેલાં લંડનમાં આવેલી રસોઈયણ એટલી ધનિક થઈ છે કે તને પંજાબથી રસોઈયણ આયાત કરવાનું પોસાય છે!

એવો અંદાજ છે કે ભારતની વિપુલતાથી આકર્ષાઈને 2015 સુધીમાં વિદેશથી 3 લાખ ધનિક ભારતીયો વતન પાછા ફર્યા હશે. બોલો, કનૈયાલાલ કી જય!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.