સેક્સને ઓશોની દૃષ્ટિએ સમજો

27 Apr, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: happyho.in

છેલ્લી ગુરુપૂર્ણિમાને દિવસે પુણેના ઓશો આશ્રમમાં જઈને હું આવ્યો ત્યારે કોઈએ ટકોર કરી, સેક્સ-ગુરુ પાસે જઈ આવ્યા?

મેં કહ્યું, રજનીશને જાણ્યા વગર આવો મત બાંધી ન લો.

જો કે તેમની રજનીશ વિશેની અસમજ કરતાં સેક્સ વિશેની સમજ જ ધૂંધળી હતી. રજનીશને જ્યારે સેક્સ બાબતમાં પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે રજનીશે સરસ જવાબ આપેલો : મૈથુનની અનુભૂતિ ન થાય ત્યાં સુધી મૈથુન થયું એમ કઈ રીતે કહી શકાય? મૈથુન તો એક મજેદાર અનુભવ છે. જ્યારે મૂર્છાવશ હાલત હોય છે ત્યારે અનુભૂતિ પેદા થાય છે. આપ કહો છો કે સાક્ષી બની રહેવાથી મૂર્છા આવતી નથી તો પછી મૈથુનની-સેક્સની અનુભૂતિ કેવી રીતે થાય?

કોઈ વિદ્વાન અમેરિકને આ પ્રશ્ન કરેલો. આ પ્રશ્ન સમજવા જેવો છે. કોઈ પણ ક્રિયા બે પ્રકારે થઈ શકે છે. એક ક્રિયામાં તમે સર્વાંગ રીતે ડૂબી જાઓ અગર તો એક ક્રિયાની બહાર રહો છો. મૈથુનનું પણ એવું જ છે. તમે મૈથુનની ક્રિયા (સેક્સ)માં તન્મય થઈ જાઓ છો અગર તો એ ક્રિયાના માત્ર સાક્ષી બની જાઓ છો અને સાક્ષી છો ત્યારે એ સેક્સની ક્રિયાની વારંવાર જરૂર નથી પડતી.

પરંતુ જ્યારે તમે કોઈ ક્રિયામાં ડૂબી જાઓ છો ત્યારે મૂર્છિત થઈ જાઓ છો. બીજી હાલતમાં ક્રિયાની બહાર ઊભા રહો છો. પ્રથમ હાલતમાં મૈથુન એ તમારા શરીરની જરૂરિયાત બને છે, યાંત્રિક ક્રિયા બને છે અને આદત બને છે. બીજી હાલતમાં તમારી બીજી પ્રકારની આવશ્યકતા છે તે પ્રજોત્પાદનની હોય કે સેક્સના સાક્ષી બનીને એનું રહસ્ય જાણવું એની હોય.

તમે મૈથુનમાં અનુભૂતિની વાત કરો છો. મૈથુનમાં શું થાય છે? મૈથુનમાં માત્ર એટલું જ થાય કે તમારા ચિત્તની તાણ શરીરની બહાર નીકળી જાય છે એટલે તમે મુક્ત બની જાઓ છો. હળવા બની જાઓ છો. વળી કોઈ શિથિલ થઈ જાય છે. આના સિવાય સેક્સમાં બીજું કંઈ ઉમદા નથી થતું. આ પ્રકારની તાણ-મુક્તિ (તાણમાંથી છુટકારો)ને તમે અનુભૂતિ સમજી બેસો છો. જે માનસિક કે શારીરિક તાણ એકઠી થાય છે તે તાણ જ્યારે વીર્ય જોરથી બહાર નીકળી જાય ત્યારે મુક્ત થઈ જાય છે, પરંતુ કોઈ જાતની અનુભૂતિ તો બિલકુલ થતી નથી.

અહીં સમજવા જેવું છે કે તાણ જેટલી વધે છે એટલી સેક્સની ઈચ્છા વધે છે. આજના યુગમાં માનવી એટલી બધી તાણ અનુભવે છે કે એને કારણે ખાસ તો પશ્ચિમના દેશોમાં કામુકતાનું મોટું પ્રમાણ જોવા મળે છે, ત્યાં માત્ર પુરુષ જ નહીં, સ્ત્રીઓ પણ માનસિક અને શારીરિક તાણમાં રહે છે.

જ્યારે ચિત્ત તાણયુક્ત બને છે ત્યારે હવે તો સ્ત્રીઓને પણ એમાંથી પોતાની રીતે મુક્ત થવું હોય છે એટલે સ્ત્રીઓ કાં તો પુરુષની જેમ આક્રમક બને છે અગર તો સેક્સની ઈચ્છાને સંતોષવા કૃત્રિમ સાધનો પણ વાપરી શકે છે. પુરૂષ માટે તાણને શિથિલ કરવાનો સહેલો અને સસ્તો ઉપાય જાણે સેક્સ બની ગયો છે.

જેને આપણે ઘનીભૂત શક્તિ કહીએ છીએ એ શક્તિ બહાર નીકળી જાય છે. અને શરીરના બધા સ્નાયુ શિથિલ બની જાય છે. આવડી જબ્બર શક્તિ બહાર નીકળતી હોય છે ત્યારે જ એના સંઘર્ષમાંથી આનંદ આવે છે અને આવી મોટી શક્તિ બહાર નીકળી જાય ત્યારે શિથિલ થઈ જ જવું પડે છે. એ પછી જ્યારે આવી શિથિલતાનો તમે અનુભવ કરો છો ત્યારે તમે સમજો છો કે જાણે તમે સેક્સનો અનુભવ કર્યો છે, પરંતુ હકીકતમાં તો એ તાણ દૂર કર્યાનો જ અનુભવ છે. સેક્સનો જે સાચો આનંદ-ઉમદા આનંદ છે તે તમે માણી નથી શકતા.

હીટરમાં કે કૂકરમાં વાલ્વ રખાય છે. વધુ ગરમી પેદા થઈ જાય છે યારે વાલ્વ દ્વારા એ ગરમી બહાર કાઢવાની વ્યવસ્થા છે એવું તમારા શરીરની તાણની જાણે યાંત્રિક ક્રિયા બને છે. શરીરમાં મૈથુન દ્વારા તમે વાલ્વની આ યોજનાનો ઉપયોગ માત્ર કરો છો, એમાં અનુભૂતિ ગરગિજ નથી થતી. માત્ર તમારી તાણ ઘટી જાય છે, પરંતુ તમે થોડું વધુ વિચારો, થોડા વધુ માર્ગ શોધો તો પછી સેક્સનો વાલ્વ તરીકે ઉપયોગ કરવાની જરૂર નથી રહેતી. જે લોકો પરમ શાંતિથી જીવે છે અગર દરેક હાલતમાં મનને શાંત અને પ્રફુલ્લિત રાખીને તાણ વગર કામ કરે છે અને જીવે છે તેમને માટે સેક્સ બિલકુલ અનાવશ્યક બની જાય છે. તમારી રોજિંદી પ્રવૃત્તિમાં જો તમને સંપૂર્ણ રસ હોય તો એમાંથી તાણ પેદા નથી થતી, સેક્સના આનંદની જરૂર નથી રહેતી.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.