પવન : પ્રાકૃતિક વૈદ અને ચોમાસાનો દૂત
પવન વિશે ગુજરાતી કવિઓએ બહુ ઓછી કવિતા લખી છે. રતિલાલ છાયાએ પ્રકૃતિ અને વન વિષે સરસ કવિતા લખી છે :
રૂમઝૂમ કરતી પગલીઓની
પાની ના ઝંખાય
નીલ આકાશે ઓઢણી ઊડે
દેહ ના દેખાય,
રત્નજડિત ઉડુની માળા,
કંઠના ડોયાય,
પ્રિયા ખુશ્બો મૂકી જાય.
અહીં ડોયાય જેવો બહુ જ ઓછો વપરાતો શબ્દ છે તે પવન વિશે સરસ વાત કરે છે. ડોયો એટલે ખીલો. 'ન ડોયાય' એટલે પવનની કદી ખીલે બાંધી શકાતો નથી. એ જ પવન મુક્ત રીતે વિહરતો સમુદ્રમાંથી દક્ષિણે થઈને આપણે માટે જૂનમાં ચોમાસું લાવે છે.
સૂર્યગ્રહણનો લેખ લખતી વખતે મેં તમને પવનની પહેચાન કરાવવાનું વચન આપેલું. પવન એક પ્રાકૃતિક વૈદ્ય છે. લ્યાલ વૉરસન નામના લેખકે પવનને ઈશ્વરનો શ્વાસ કહ્યો છે. પવન ઉપર તેમણે મોટું થોથું લખ્યું છે : 'હેવન્સ બ્રેથ-એ નેચરલ હિસ્ટ્રી ઑફ વિન્ડ' આ પવન ન હોય તો આ પૃથ્વી રહેવા લાયક જ ન હોય. અરબી ભાષામાં પવનને રૂહ કહે છે. રૂહનો અર્થ શ્વાસ અગર સ્પિરિટ પણ થાય છે.
હિબ્રુ ભાષામાં પવનને રૉચ કહે છે. રૉચ એટલે દૈવી-સર્જન. ગ્રીક ભાષામાં પવનને ન્યુમા (PNEUMA) કહે છે. ન્યુમા ઉપરથી ન્યુમોનિયા શબ્દ આવ્યો છે, તે વાયરાનો રોગ છે. લેટિન ભાષામાં પવનને એનિમસ કહે છે. એટલે કે તેનો વિશાળ અર્થ કરીને કહે છે કે પવન આપણા આત્માનો જ પિંડ છે. આપણે પવનની પેદાશ છીએ.
પુરાણમાં મનુનું નામ પવન હતું. પાવાગઢનું નામ પવનગઢ હતું. વાયુ દેવતાનું અસ્ત્ર પવન છે. હનુમાન પવનપુત્ર ગણાય છે. પવન વિજય નામનો એક ગ્રંથ છે. ઘણા લોકો નાકે આંગળી મૂકીને શ્વાસોચ્છવાસની ગતિ ઉપરથી શુભાશુભનો નિર્ણય કરે છે - તે 'પવનવિજય' નામના ગ્રંથની વિદ્યા છે.
સૂર્યસ્નાનની જેમ પ્રાકૃતિક ચિકિત્સામાં પવન સ્નાનની વિધિ પણ છે. પાંચ તત્ત્વોમાં અગ્નિ તત્ત્વ શ્રેષ્ઠ છે. પછી વાયુ તત્ત્વ શ્રેષ્ઠ છે. ફ્રેન્ચ વૈદ્યો જૂના સમયમાં કહેતા કે 'પાણીનું સ્નાન સારું છે, પણ વાયુનું સ્નાન બહેતર છે. સૂર્યનાં કિરણોનું સ્નાન શ્રેષ્ઠ છે. બેન્જામીન ફ્રેન્કલીન નામના અમેરિકન રાજપુરુષ પવનસ્નાનના શોખીન હતા, એટલું જ નહીં, સવારે લખવા બેસતા ત્યારે તમામ વસ્ત્રો કાઢીને તેનાં અંગોને હવા સ્પર્શે તે રીતે લખવા બેસતા. જર્મનીના નિસર્ગોપચારક એડોલ્ફ જુસ્ટ અમુક ચામડીનાં દર્દો, લોહીની ખામીનાં દર્દોમાં પવનસ્નાન કરાવતા. તમે પવન વગર મૂંઝાઓ છો, કારણ કે પવન વગર અંદરની તમામ ક્રિયા જેને મેટાબોલિઝમ કહે છે તે પવન અગર અટકી જાય છે. થાઈરોઈડ એકસ્ટેક્ટ નામની દવા તમારા શરીરની રાસાયણિક ક્રિયાને વધુ પ્રવૃત્ત કરવા અપાય છે. માત્ર 20 મિનિટનું પવન સ્નાન, તે કામ વગર દવાએ પવન કરે છે. પશ્ચિમના ઘણા પેઈન્ટરો કહે છે કે તેમની મોડેલ સ્ત્રીઓનાં ચિત્રો દોરવા નગ્ન કરીને બેસાડાય છે. તે લાંબો સમય નગ્ન રહેવાને કારણે તેનું ચિત્ર તૈયાર થાય તે પછી તેની ચામડી અને લોહી વધુ તંદુરસ્ત બને છે. દિગમ્બર મુનિઓના શરીરમાં બીજા કરતાં વધુ બળ હોય છે. તેમને ચામડીનાં દર્દ થતાં નથી. સવારે સૂર્ય ઊગે ત્યારે સૂર્યસ્નાન સાથે પવનસ્નાન શ્રેષ્ઠ છે. પવન મફતમાં મળે છે, તેથી આપણે તેનું મહત્ત્વ ભૂલી ગયા છીએ.'
પવન વગર પૃથ્વી સિવાયના ગ્રહો બરફવાળા જ બની ગયા છે. જો પૃથ્વી ઉપર ભેજ હોય તો તે સમુદ્ર પર ભેજને કારણે છે. જો પવન ન હોત તો આ ભેજ અને વરસાદ આપણને મળત નહીં. પવન ન હોય તો પૃથ્વીની માટી પણ ન હોય, પવનને કારણે જ ધરતી જાગી ઊઠે છે. પવનને કારણે જ આ પૃથ્વીના ગ્રહની સરક્યુલેટરી સિસ્ટમ અગર નર્વસ સિસ્ટમમાં પ્રાણ આવે છે. પૃથ્વીની અંદર તમામ તત્ત્વોનું પરિભ્રમણ થાય છે. અને બીયાંઓ ઊડી ઊડીને જંગલો બનાવે છે તે પવનને આભારી છે. પવન આપણી પૃથ્વીના જ્ઞાનતંતુઓ પોષે છે. આપણે બધા માનવો પવનની પેદાશ છીએ તે ફરી ફરી યાદ રાખો. માત્ર હનુમાન જ નહીં, આપણે તમામ પવનસૂત છીએ. એ પવનને ફેફસાંમાં ભરીને બહાર કાઢવાની શાસ્ત્રીય રીત કરી શકો તો હનુમાન જેવું બળ આવે. પવન વગરના પણ ગ્રહો છે. મરક્યુરીનો (બુધ) ગ્રહ ખૂબ ગરમ છે. ચંદ્રનો ગ્રહ ખૂબ ઠંડો છે, કારણ કે બન્નેમાં પવન નથી, પવન વગર જ મંગળનો ગ્રહ લાલઘૂમ દેખાય છે. શુક્રનો ગ્રહ પવન વગર સાવ ઝાંખો લાગે છે, ગુરુનો ગ્રહ પવન વગર સોનેરી રંગનો બને છે. આ પૃથ્વી ઉપર વિરાટ જથ્થામાં પવન છે. તે તદ્દન સસ્તો છે, તેથી તમને તેની કિંમત નથી, ફરી ફરી કહું છું કે તેને તમે ફેફસાંમાં ભરવાની ક્રિયા અગર તો પ્રાણાયામની ક્રિયા શીખી લો તો વગર દવાએ ઘણા રોગ મટે છે. આપણી આજુબાજુ 5600 કરોડ ટન પવનથી ઘેરાયેલા છીએ, છતાં જાણે આપણે પવન-અકિંચન બનીને પવનનો લાભ લેતા નથી.
ધારો કે જગતમાં જીવતા સાડા પાંચ અબજ લોકોને સરખે ભાગે પવન વહેંચાય તો દરેકને લગભગ 10 લાખ ટનથી સહેજ ઓછી હવા મળે. આટલા પવનથી ન્યુયોર્કના અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેવાં 1000 મકાનોમાં પવન ભરી શકાય અગર તો લંડનના રૉયલ આલ્બર્ટ હૉલ જેવા 50,000 હૉલમાં હવા ભરી શકાય. 'હેવન્સ બ્રેથ'ના લેખક લ્યાલ વૉટસન ગણિતશાસ્ત્રી હોવા જોઈએ. તેમણે પવન વિશે ઘણાબધા આંકડા કાઢ્યા છે. દાખલા તરીકે દરેક માનવી એક વર્ષમાં એક કરોડ વખત શ્વાસ લે છે અને 50 લાખ લીટર જેટલો પવન ફેફસામાં ભરીને બહાર કાઢે છે. આ હિસાબે 10 લાખ ટન જેટલો પવન જે એક માનવીને ફાળે આવે છે તે તેને 160000 વર્ષ સુધી ચાલે! નિરેનડરથાલ-મેન તરીકે ઓળખાતો આદિમાનવ જો જીવતો હોય તો આ માણસ અત્યારે તેના ભાગનો પવન 'આરોગી'ને અરધી ઉંમર વટાવી ગયો હોત.
આ બધી ગણતરીઓ માત્ર ફોગટ જ્ઞાન પૂરતી સાચી છે, પણ તેનો કોઈ વ્યવહારુ ઉપયોગ નથી. વ્યવહારુ વાત તો એ છે કે મહામૂલા તત્ત્વને આપણે ફેફસાંમાં કેમ ભરવું તેની ક્રિયા યોગ દ્વારા શીખીને એ મહાન તત્ત્વથી રોગોને સારા કરી શકીએ. રાજશ્રી મુનિ નામના મલાવ ગામના સિદ્ધપુરુષ અને તેમના વૈદ્ય શિષ્ય ડૉ. પાંચાભાઈ દમણીયા (ઉના) કહે છે કે ડિપ્રેશન, મનના રોગો અને કબજિયાતમાં પણ પ્રાણાયામ ઉત્તમ ઉપચાર બને છે.
ઉપર આપણે રોયલ આલ્બર્ટ હોલ અને અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગનો દાખલો આપ્યો તે તો અમેરિકન સિસ્ટમની આંકડાબાજી છે. કારણ કે આપણી કુદરત અને આપણું વાતાવરણ એ કોઈ મોટા હોલ જેવું નથી કે તેમાં પવન ભરીને સંઘરી શકાય. મુક્ત હવાના તમામ અંગો જેમાં પ્રાણવાયુ આવે છે તે દરેક ક્ષણે નવપલ્લવિત થાય છે. પૃથ્વી વાતાવરણ અને હવા વચ્ચે વારંવાર આ અંગોનું આદાનપ્રદાન થાય છે. પવનની વ્યાખ્યા કરીએ તો શું કહેવું? 'હવા ચલિત થાય તેને પવન' કહી શકાય.
મોટે ભાગે મોટા જથ્થાની હવા ઉપરથી નીચે નહીં પણ આજુબાજુ ચલાયમાન થાય છે. જે હવા આડી લીટીમાં ચાલે તે આપણી આજુબાજુનું હવામાન નક્કી કરે છે. હવા કે પવનની આપણા શરીર ઉપર અસર થાય છે. પરંતુ દરેક વ્યક્તિને એકસરખી અસર થતી નથી. દરેક જણનું શરીરનું બંધારણ જુદું જુદું છે અને તેથી તેમને હવામાનના ફેરફારની વિવિધ રીતે અસર થાય છે.
હિપોક્રેટ્સ નામના તબીબશાસ્ત્રના પિતામહે કહેલું કે એક જ પ્રકારના ગુણસૂત્ર ધરાવતી વ્યક્તિને પવનની સરખી રીતે અસર થાય છે. અમેરિકન પેથોલોજિસ્ટ ડૉ. વિલિયમ પિટરસને પવનની અસર વિશે સરસ અભ્યાસ કરીને પ્રયોગો પણ કરેલા. 1940ના એક ઉનાળામાં ડૉ. પિટરસને 3 મેડિકલ વિદ્યાર્થીઓને પસંદ કર્યા. આ ત્રણેય તેની માતાના ગર્ભમાંથી ટ્રીપલેટ તરીકે એક સાથે જન્મ્યા હતા. જન્મીને મોટા થયા ત્યારે તેના ઉપર પવનની અસર અંગે પ્રયોગો કર્યા. ત્રણેયના શરીર ઉપર મોસમ બદલાય ત્યારે વિવિધ અસર થતી હતી. શિયાળો આવે અને શિયાળુ પવન ફૂંકાય ત્યારે તેમના શરીરનું બ્લડપ્રેશર ઘટતું હતું. વજન વધતાં હતાં અને લોહીની એસિડિટી પણ વધતી હતી. ત્રણે ભાઈના લોહીના શ્વેતકણો વધતા હતા. એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધતી હતી. એવી જ રીતે બીજી પ્રતિકૂળ મોસમમાં રોગપ્રતિકારક શક્તિ ઘટતી હતી.
પવન આપણા શરીરને ખૂબ જ મંદ મંદ મસાજ કરે છે. શરીરના 1 કરોડ જેટલા જ્ઞાનતંતુઓ જે ચામડી નીચે છે તેને પવનની માલિશ થકી થોડી ઉત્તેજના મળે છે. પવનનો આ મસાજ અમુક હદ સુધી સારું લાગે છે, તેથી તાજો હળવો પવન ગમે છે. પરંતુ સપાટાવાળો પવન કે ધૂળિયો પવન ચીડ પેદા કરે છે. ચોમાસું આવશે ત્યારે હવામાન ખાતાની યાદી તમે વધુ ધ્યાનથી સાંભળો છો. દા.ત. હવામાન ખાતું આગાહી કરે કે પવનના તોફાનમાં 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ત્યારે જો તમે ખુલ્લા મેદાનમાં હો તો તમારા માથા ઉપરથી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. આપણી કમર આસપાસ માત્ર 25 કિલોમીટરની પવનની ઝડપ રહે છે, પરંતુ અંગૂઠાની ટોચે પવન સ્થિર થઈ જાય છે. મતલબ કે પવનદેવતા રૂઠે ત્યારે તદ્દન નમી જવું સારું છે.
પવનનું શાસ્ત્ર આર્કિટેક્ટો સમજે છે, પણ જો આર્કિટેક્ટો તેના જ્ઞાન પ્રમાણે જ કડક રીતે મકાનો બનાવે તો તેમને અમદાવાદ કે મુંબઈ કે હૈદ્રાબાદમાં બફાટ ન થાય. બ્રિટિશરોના સમયમાં પાકિસ્તાની સિંધ-હૈદ્રાબાદમાં 50 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી ગરમી પહોંચે છે તે વસ્તુને ધ્યાનમાં લઈને એવાં મકાન બનાવાતાં કે બપોરે ઠંડક આપતો પવન મકાનમાં ઘૂસે એટલે ઘરનું ટેમ્પરેચર ઘટીને 35 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ જતું. આવી રીતે અમદાવાદમાં પવનના પ્રવાહને મકાનમાં લાવવાની દૃષ્ટિથી નવાં મકાન બને તો ગરમીના ઉકળાટની હાયવૉય ન થાય.
બારીનું અંગ્રેજી નામ વીન્ડો (Window) છે. નોર્વેની ભાષામાં વિન્ડોઝ કહે છે, એટલે કે બારીને પવનની આંખ કહે છે. બારીઓ માટેના નિયમો નોર્વે, સ્વિડન અને ડેન્માર્કમાં છે. દરેક ખંડમાં એક બારી હોવી જ જોઈએ. બે બારી હોય તો ખંડમાં સામસામી હોવી જોઈએ. જો પવનની દિશામાં 60 ડિગ્રીના એંગલથી બાંધકામ થાય તો એ ઘરમાં સારો પવન રહે છે. દીવાલની એકદમ ઉપરમાં બારીને બદલે નાનાં નાનાં વેન્ટિલેશન સામસામાં હોય તો ઠંડક રહે છે. આ વેન્ટિલેશનને પવન-બારી પણ કહે છે. બહુમાળી મકાનો બંધાય ત્યારે પવન દેવતાને માન આપવું પડે છે. ત્રાસવાદીઓને ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવરને તોડ્યો તેને પવન કંઈ કરી ન શકે તે માટે 10000 જેટલા શોક એબ્સોવેર ઊભા કરાયા હતા. બહુ જ ઊંચાં મકાનો આજુબાજુનાં મકાનો પર અસર કરે છે. મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહારનું બહુમાળી મકાન ઊભું છે ત્યાં વૈશાખ-જેઠના (જુલાઈ-ઓગસ્ટ) ભારે સુસવાટાવાળા પવનનો સામનો નજીકથી પસાર કરનારને લાગે છે. તેને 'મનરો ફિનોમેના' કહે છે. કેનેડાના ટોરોન્ટા શહેરમાં એક કેનેડિયન કુટુંબ આવા બહુમાળી મકાન નીચેથી પસાર થતું હતું તેને અકસ્માત થયો તો કરોડો રૂપિયાનું વળતર આપવું પડેલું. બહુમાળી મકાનો પવન પેદા કરે અને પરેશાન કરે તો બહુમાળી મકાન ધરાવનાર પર કેસ કરે છે. એટલે બિલ્ડીંગ ઉદ્યોગમાં 'વીન્ડ એન્જિનિયરિંગ' વિકાસ પામી છે. જોન હેનકોક નામના ઉદ્યોગપતિએ પવન ઈજનેરો પેદા કરીને ઊંચા મકાનોને હાનિ કરનારા પવન હેરાન ન કરે તેની ટ્રીક શોધાવી છે.
ટોરનાડો તરીકે ઓળખાતા તોફાની પવન ઘણી વખત કલાકના 550થી 1220 કિલોમીટરની ઝડપે ફૂંકાય તો ટ્રાન્સમિશન ટાવરોને ઉખાડીને ફેંકી દે છે. પવન ઘણી વખત વૈજ્ઞાનિક જાદૂ કરે છે. લ્યાલ વૉટસનના પવન અંગેના પુસ્તકમાં 'ધ જ્યોગ્રાફી ઑફ વીન્ડ'નું પ્રકરણ વાંચવા જેવું છે. એક વખત એવો પવન ફૂંકાયો કે વટાણાનો દાણો ઈંડાની અંદર ભરાઈ ગયો અને ઈંડાને ઈજા પણ ન થઈ. તેવી રીતે એક મીણબત્તી પ્લાસ્ટરવાળી દીવાલને ભેદીને અંદર ઘૂસી ગયેલી. અમેરિકાના કાન્સાસ સિટીમાં એક જણનું ઘર પવનથી એવી રીતે ઊંચકાયું કે તેણે ઘર બહાર પગ મૂક્યો તો 25 ફૂટ નીચે પછડાયો. ઘણી વખત પવનથી આખા ને આખા કૂવા સુકાઈ જાય છે. ટ્રેનના પાંચ ડબ્બાઓ 1931માં સખત પવન થકી ઊંચકાઈને પચીસ મીટર આઘે પડેલા, પવન ખરેખર રહસ્યમય છે. એક વખત એક કારપેટ ઉપર બાળક સૂતું હતું. કારપેટને પવને ઊંચકી અને બારીમાંથી નજીકના ઘાસઘરમાં ફેંકાઈ પણ કારપેટ પર સૂતેલા બાળકને કંઈ થયું નહીં! અમેરિકામાં તોફાનને કારણે ગાયો દોરવા જનારી બાઈઓની નજર સામે આખી ને આખી ગાયો ઊડતી જોવાઈ છે.
ખરેખર આ પૃથ્વીના માનવો પવનને આભારી છે કે પવનને કારણે જગતભરમાં બિયારણનું કુદરતી આદાન-પ્રદાન થાય છે. દા.ત. 15000 પ્રકારનાં ઓર્કિડઝ (ફૂલવૃક્ષો) જગતમાં છે. તેમાંથી 37.4 કરોડ બીયાં નીકળે છે. 50 લાખ બીયાનું વજન 1 ગ્રામ થાય છે. આ બીયાંનું મફત 'માર્કેટિંગ' કે 'ડિસ્ટ્રીબ્યુશન' જગતભરમાં માત્ર પવન કરે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર