ભારતીય ઈતિહાસનો એન્ગ્રી યંગમેન : ચાણક્ય
રામ અને કૃષ્ણના પાત્રને ટી.વી. સિરિયલમાં કે સંતોષી માતાને હિન્દી ફિલ્મમાં રજૂ કરીને લોકપ્રિયતાનાં શિખરો સર કરવા ભારત જેવા ભાવુક દેશમાં ડાબા હાથનો ખેલ છે, પણ ચાણક્ય જેવા બિનધાર્મિક પાત્રને લોકપ્રિય બનાવવાની વાત બાજુએ રહી. ટી.વી. કે ફિલ્મના પડદે ગંભીરતાથી રજૂ કરવું તે રેતીમાંથી રાઈનો દાણો શોધવા જેવું અઘરું છે.
માન્યામાં ન આવે તેવી ઘટનાઓ મુંબઈના અંધેરી પરામાં રહેતા ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીના જીવનમાં બની રહી છે. મુંબઈની હિંદી માધ્યમની શાળામાં ભણીને ભવન્સ કૉલેજમાં દાખલ થયા. વિજ્ઞાનનું ભણતાં ભણતાં નાટકો કર્યા. નાટકો જોયાં અને અને નાટકો વાંચ્યાં. કે.ઈ.એમ. કૉલેજમાં ભણીને 1985માં ડૉક્ટર બન્યા.
ચંદ્રપ્રકાશ દ્વિવેદી ડૉક્ટર થવા છતાં નાટકો કરે છે કે હવે 'ચાણક્ય' ટી.વી. સિરિયલ બનાવે છે તેની તેમની ખુદને નવાઈ નથી લાગતી કારણ કે મેડિકલ શિક્ષણ લેતા હતા ત્યારે પણ કશુંક જબરદસ્ત કરી શકવાની પોતાની તાકાત ઉપર એમને વિશ્વાસ હતો. ડૉક્ટર દ્વિવેદીમાં ગજબની ધીરજ છે, એક સર્જનમાં હોય છે તેવી.
એ ધીરજના ગુણની તાકાતે તેઓ રેતીમાંથી રાઈ શોધવા જેવું કામ કરવા 1985-86માં નીકળી પડ્યા છે! 'મહાભારત' સિરિયલવાળા બી.આર. ચોપરા જેવો તેમની પાસે અનુભવ નથી. 'રામાયણ' વાળા રામાનંદ સાગર જેવી લોકપ્રિય બનવાની કુનેહ નથી. 'ભારત એક ખોજ'ના શ્યામ બેનેગલ પાસે હતી તેવી સરકારી ઓથ નથી. રાજસ્થાનના સિરોહી વિસ્તારના ડોડુઆ ગામથી મુંબઈ આવીને વસેલ એક માસ્તરના કુટુંબના આ નબીરાને મુંબઈમાં કોઈ ઓળખતું નથી. છતાં પણ આજે આ માણસે બનાવેલી ટેલિસિરિયલ ચાણક્ય ટી.વી. ઉપર રજૂ થઈ શકી છે.
હજી આવતાં 50 અઠવાડિયાં આ સિરિયલ ચાલશે. આ સિરિયલનો નમૂનાનો હપ્તો બનાવવાનું બજેટ રૂપિયા પાંચ લાખ હતું. તે અંતે રૂા. 18 લાખ થઈ ગયું હતું. રૂા. 11 લાખનો ખર્ચ નમૂનાની (પાઈલૉટ) ફિલ્મનો સેટ બનાવવામાં થયો. જે સેટ સિરિયલના ત્રીજા હપ્તામાં તમે જોઈ શકશો. 'ચાણક્ય' પ્રત્યેની ચાહના, સિરિયલ બનાવવા પાછળની નિષ્ઠા જાણવા આ સિરિયલનો દિગ્દર્શક અને મુખ્ય એક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની મુલાકાત વાંચો.
પ્રશ્ન : 'ચાણક્ય' સિરિયલ બનાવવાની શરૂઆત કઈ રીતે અને ક્યારે કરી?
ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી : 1985-86માં મેં ચાણક્ય સિરિયલ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મ બનાવવાના પૈસા નહોતા તેથી ટી.વી. સિરિયલ બનાવવાનું નક્કી કર્યું. આજે મને જે પૈસા મળે છે તે તો પાછળથી સિરિયલના સ્પૉન્સર્સે આપેલા છે. 1984-85માં મેં પહેલી પટકથા લખી, ચાણક્યની કથાથી તો હું પરિચિત હતો જ. મારા મોટા ભાઈ એમ.એ.નું ભણતા હતા ત્યારે હું આઠમા ધોરણમાં હતો. મારી હિન્દી ભાષા સુધારવા હું તેમનાં પુસ્તકો વાંચતો. ત્યારે મેં હિન્દીના મહાન કવિ જયશંકર પ્રસાદનું નાટક 'ચંદ્રગુપ્ત' વાંચ્યું હતું. તે પછી જ્યારે સિરિયલ માટે સંવાદો લખવા બેઠો ત્યારે તે ફરી વાંચ્યું. ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ચારે ભાષા હું વાંચી-લખી શકું છું. ગુજરાતીમાં કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુના 'ચાણક્ય' વિશેનાં ઉપન્યાસ વાંચ્યાં. એસ.એસ.પી. ઐયરનું 'ચાણક્ય અને ચંદ્રગુપ્ત' પુસ્તક અંગ્રેજીમાં વાંચ્યું. મરાઠીમાં હરિનારાયણ આપ્ટેને વાંચ્યા. ચાણક્ય કે ચંદ્રગુપ્તને કેન્દ્રમાં રાખીને લખાયેલી બધી નવલકથાઓ હું વાચી ગયો. સંસ્કૃતમાં વિશાખા દત્તે 'મુદ્રા રાક્ષસ' નાટક લખ્યું છે તેનો અંગ્રેજી અનુવાદ વાંચ્યો. ડૉ. રાંગેય રાઘવ અને ભારતેન્દુ હરિશ્ચંદ્રનાં હિન્દી પુસ્તકો ચાણક્યના જીવન ઉપરથી લખાયાં છે. 'ચાણક્ય' વિષય શાશ્વત છે. તેના ઉપર લખવાની પ્રક્રિયા સતત ચાલતી રહી છે. બધું વાંચ્યા પછી મેં લખ્યું છે. ગુજરાતીમાં મિહિર ભુતાએ છેલ્લે છેલ્લે 'ચાણક્ય' નાટક લખ્યું છે.
પ્રશ્ન : આ સિરિયલમાં આજથી લગભગ 2,300 વર્ષ પહેલાંની સંસ્કૃતિ બતાવવા શેનો આધાર લીધો?
હું ડૉક્ટર છું. મારી સિરિયલમાં 'વૈજ્ઞાનિક સ્પર્શ' દેખાશે. જે તર્કની દૃષ્ટિએ ખરા ઊતરે તેવા પ્રસંગો આ સિરિયલમાં હશે. ચાણક્ય સિરિયલ સાહિત્યિક ભાષા વિના શક્ય નથી તેથી સંસ્કૃત લખાણનો આશરો લીધો છે. સિરિયલને આધારભૂત બનાવવા સૌથી પહેલાં તો મુંબઈની એશિયાટિક લાઈબ્રેરીનો સભ્ય બની ગયો. નવ મહિના રોજ જ આ લાયબ્રેરીમાં જતો. અહીં મેં 150 વર્ષ જૂનાં પુસ્તકો ઉખેળ્યાં. ચાણક્યના જીવનકાળ દરમિયાન ઘર, દરબાર, મહેલો, ઈમારતો કે બજાર દેખાવમાં કેવી રીતે તે જાણવા જાતજાતનાં પુસ્તકો વાંચ્યાં. તે સમયની સ્થાપત્યકળા જાણવા માટે પર્સી બ્રાઉન નામના લેખકના ઈન્ડિયન આર્કિટેક્ચર નામના પુસ્તકના બે વિભાગ વાંચ્યા. પાટલીપુત્રના ખોદકામની માહિતી આપતું પુસ્તક એક ડૉક્ટરે જ લખ્યું છે. ડૉ. વોડલે ચીની ફિલસૂફોને વાંચ્યા હતા. જેમાં પાટલીપુત્રનો ઉલ્લેખ હતો. તે વાંચીને તેમણે પાટલીપુત્ર નગર શોધવા બિહારની ભૂમિમાં ખોદકામ કરાવ્યું હતું તે અનુભવ પરથી પુસ્તક લખ્યું છે. જે. માર્શલ નામના બ્રિટિશરે તક્ષશિલા નગર ઉપર ત્રણ ગ્રંથો લખ્યા છે. આ બધાં પુસ્તકો એશિયાટિક લાયબ્રેરીમાં છે. જેમાં તે સમયની ઈમારતોનું વર્ણન છે. માણસની લાયબ્રેરીમાં છે. જેમાં તે સમયની ઈમારતોનું વર્ણન છે. માણસની રુચિ તેને બધું શીખવાડે છે. મને શીખતાં કે જાણતાં વાર ન લાગી!
ચાણક્યના સમયે વેશભૂષા કેવા પ્રકારની હતી તે જાણવા મેં ચાર લેખકોનાં પુસ્તકો વાંચ્યાં. મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર જી.એસ. ઘુરિયે, દિલ્હીના અલ્કાઝી રોશન, પટણાના પ્રોફેસર સચ્ચિદાનંદ સહાય અને મુંબઈના મ્યુઝિયમના ભૂતપૂર્વ ક્યુરેટર ડૉ. મોતીચંદ્રનાં પુસ્તકોમાં તે કાલમાં માણસો કેવાં કપડાં પહેરતાં હતાં તેની માહિતી છે. એલેકઝાન્ડરના પાત્રને પહેરાવવા માટે ગ્રીક વેશભૂષા જાણવા થૉમસ હૉબ નામના લેખકનું પુસ્તક મળી ગયું. કમાલ એ છે કે તે સમયના દરેક પાસાંની માહિતી આપતાં પુસ્તકો મળી રહ્યાં.
એલેકઝાંડરના આક્રમણની વિગતો આપતાં પાંચ પુસ્તકો છે. એ કૃષ્ણમૂર્તિ નામના વિદ્વાન મદ્રાસમાં રહે છે. તેમણે તે અરસાના ફર્નિચર ઉપર પુસ્તક લખ્યું છે. નાગપુરમાં રહેતાં માલતી મહાજને 'મટિરિયલ કલ્ચર ઈન એન્શિયન્ટ ઈન્ડિયા' નામનું પુસ્તક લખ્યું છે. તે પુસ્તકમાં પ્રાચીન ભારતની ચીજવસ્તુઓની વિગતો આપી છે. અનિતા રે નામની બીજી લેખિકાએ ધાર્મિક સ્થળો સિવાયની પ્રાચીન ઈમારતો ઉપર પુસ્તક લખ્યું છે. જેનું નામ છે : 'સેક્યુલર બિલ્ડિંગ ઈન એન્શિયન્ટ ઈન્ડિયા.
આ બધાં પુસ્તકો સિવાય અમુક માહિતી મેં દિલ્હીના ભારત સરકારના આર્કિયોલોજી ખાતાના મુખ્ય મથકે જઈને મેળવી છે. મોટાભાગની માહિતીની મેં ઝેરોક્ષ કઢાવી છે. અંધેરીમાં બિપીન ગાલા નામના મિત્રની ઝેરોક્ષની દુકાન છે. આજ સુધીમાં રૂા. 40,000નો ખર્ચ તો જરૂરી માહિતીની ઝેરોક્ષ નકલ મેળવવામાં જ થઈ ગયો છે!
ચાણક્યના સમયમાં લોકો કયો ખોરાક ખાતા હતા, કેવાં પીણાં પીતા હતા, કેવાં પશુ-પંખીઓ હતાં તેની વિગતો એ.એલ. બાશમ નામના લેખકનાં પુસ્તકોમાંથી મળી. તેમણે 'વન્ડર ધેટ ઈઝ ઈન્ડિયા' નામની ગ્રંથમાળા લખી છે. 'ફૂડ એન્ડ ડ્રિંક્સ ઈન એન્શિયન્ટ ઈન્ડિયા' નામા પુસ્તકમાંથી પણ ઘણી વિગતો મળી છે. ચાણક્યના અરસામાં હિંદી ભાષા નહોતી, સંસ્કૃત કે પ્રાકૃત ભાષા બોલાતી હતી.
પ્રશ્ન : આટલી બધી મહેનત કર્યા પછી ચાણક્ય સિરિયલ લોકપ્રિય બનશે? તમે 'ચાણક્ય સિરિયલને લોકભોગ્ય બનાવી શકશો? કોમર્શિયલ (વ્યાપારિક) સફળતા આ સિરિયલને મળશે?'
કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે તે હંમેશા વ્યાપારિક દૃષ્ટિએ કરે છે તેવું નથી. વાસુદેવ શરણ અગ્રવાલ નામના આર્કિયોલૉજીના નિષ્ણાત પથ્થરો ખોદતા રહે છે. પથ્થરો જાણે જીવતા હોય, તેનાં ભાઈ-બહેન હોય તેમ તેની વાતો કરે છે. હાથમાં પથ્થર પકડીને કહે, 'અરે યાર, કયા હિસ્ટ્રી હૈ ઈસકા.' આવા નિષ્ણાતો શું પૈસા ખાતર સંશોધન કરે છે? આ સિરિયલ લોકભોગ્ય થશે કે નહીં તેની મને પરવાહ નથી. મારા સાહસને હું કમજોર ન બનાવી શકું. ટૂથપેસ્ટ કે ટી.વી. વેચનારાઓએ મારી સિરિયલ ન ગમતી હોય તો વાંધો નહીં. હું સમાધાન શા માટે કરું? રામાયણમાં વાલ્મિકીએ લખ્યું છે કે, સીતાજી મદિરાપાન કરતાં હતાં. કદાચ હું આવું બતાવત તો આખું ભારત મારી વિરુદ્ધ થઈ જાય પણ સચ્ચાઈ તો બદલાઈ નહીં શકે.
પ્રશ્ન : દર્શકોને પણ મનોરંજન મેળવવાનો હક છે. દરેકને પોતાનો અભિપ્રાય હોઈ શકે.
સાચી વાત છે. તમે સ્વતંત્ર જ છો. ટી.વી.ની કોઈ પણ સિરિયલ ન ગમે તો ટી.વી. બંધ કરવાનો તમારો અધિકાર ક્યાં કોઈએ છીનવી લીધો છે? આપ સ્વતંત્ર છો તેમ મને પણ સ્વતંત્ર રહેવા દો. મને તમે બદલાવાનું ન કહો. મેં ચાણક્ય નિષ્ઠાથી, મહેનતથી બનાવી છે. મારે મારી રીતે બનાવવી હતી. આ મારી રુચિ છે, એમાં કોઈને તકલીફ કેમ થાય છે?
પ્રશ્ન : ચાણક્ય તમારી દૃષ્ટિએ કેવો હતો?
વિચારક પ્રાચીન ભારતના સેટ કે વેશ કશું મહત્વનું નથી, જો આ સિરિયલ બનાવીને મારે કંઈ કહેવાનું ન હોય. લોકો તેના વિશે બોલે છે વધુ, જાણે છે ઓછું. પ્રાચીન ભારતમાં ચાણક્યના સમયે 16 પ્રકારની ચિંતનધારા હતી. 16 વિચારધારાઓમાંથી એક ચાણક્યની છે. તે મહાન શિક્ષક હતો.
પ્રશ્ન : ઘણા પત્રકારોએ લખ્યું છે કે તમે આ પાત્રમાં જચતા નથી.
અરે, મને જોયા વિના આ રિવ્યૂ લખ્યો છે. ધીરજ ધરો. આ સિરિયલથી પણ રાજનૈતિક જાગૃતિ દેશભરમાં આવશે.
પ્રશ્ન : આ સિરિયલ બનાવી શું મેળવવા માગો છો?
ડૉક્ટર તરીકે હું પ્રેક્ટિસ કરું તો ફ્લેટ-ગાડી મળી જાય. એક દોસ્તે કહ્યું, આ સિરિયલ પછી હું રાજ્યસભામાં હોઈશ. મેં કહ્યું, ના, હું કોઈ ગામડામાં હોઈશ. હું, આ વાતાવરણમાં પ્રસન્ન નથી. મારી ખામીઓ મને દેખાય છે. ચાણક્યનો એક સંવાદ છે. ચાણક્ય કહે છે : વિદ્વાન માણસ સભામાં મૂંગો રહે છે. સભામાં હાજર રહેલાઓને બુદ્ધિનો ભેદ પોતે વધુ હોશિયાર છે, તે ખબર ન પડવી જોઈએ. આશા છે હું પણ બહુ બોલ્યો નથી.
પ્રશ્ન : આ સિરિયલ ફ્લૉપ જશે તો?
સંભવ નથી. ચાણક્ય આજ સુધી નિષ્ફળ નથી ગયો! આ સિરિયલમાં ચંદ્રપ્રકાશ કામ નથી કરતો, ચાણક્ય કામ કરે છે!
અર્થશાસ્ત્રનો પ્રસિદ્ધ લેખક ચાણક્ય રાજનીતિમાંય બાહોશ હતો. તેણે ચાણક્યને નામે અર્થશાસ્ત્ર, કૌટિલ્યને નામે નીતિશાસ્ત્ર અને વિષ્ણુગુપ્તને નામે મોક્ષ શાસ્ત્ર લખ્યાં છે. અખંડ ભારતની કલ્પના તેણે પહેલવહેલા કરી. કેન્દ્રશાસિત રાજ્યનો વિચાર પણ તેણે અમલમાં મૂકાવ્યો. સામાન્ય શિક્ષકમાંથી પ્રખર રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રનો પંડિત ચાણક્ય 2,300 વર્ષ પછી પણ ભારતવંશમાં ભુલાયો નથી તે જ ચાણક્યની અદ્વિતીય પ્રતિભાનો પુરાવો છે.
(પ્રસ્તુત મુલાકાત વર્ષો પહેલા પ્રકાશિત થઈ હતી.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર