પ્રેમનો વિરહ થાય ત્યારે જ ખરી ઝંખના જાગે

22 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

જુલાઈમાં જન્મેલા કદાચ પ્રેમમાં વધુ પડતા હશે અને પછી દુઃખી પણ એટલા જ થતા હશે. લીઓ જાનાયેક નામના મહાન સંગીતકાર અને ચેકોસ્લોવેકિયામાં નૃત્યનાટિકા ભજવીને એમના સંગીતથી લોકોને તરબોળ કરી દેનાર આ કલાકાર મોટી ઉંમરે પ્રેમમાં પડ્યા હતા.

ફેબર એન્ડ ફેબર કંપનીએ તેમની આત્મકથા કહી જાય તેવા પ્રેમપત્રો પ્રગટ કર્યા છે. તેનું મથાળું છે : ઈન્ટિમેટ લેટર્સ-લીઓ જાનાયેક ટુ કેમિલા સ્ટોસલોવા. તંત્રી જૉન ટાયરેલ.

3 જુલાઈ, 1856માં જન્મેલા લીઓ જાનાયેક તેમનું સંગીતનાટક ભજવીને વિયેનાના થિયેટરમાંથી બહાર નીકળ્યા ત્યારે આખા થિયેટરે 23 મિનિટ સુધી તેમને ઊભા રહીને તાળીઓથી વધાવી લીધા હતા. એ સમયે તેમની ઉંમર 63 વર્ષની હતી. આ તાળીઓ પાડનારામાં 26 વર્ષની કેમિલા નામની સુંદર યુવતી પણ હતી. ગિરદીને ભેદીને કેમિલા લીઓ જાનાયેકને મળી. તેમની આંખ સાથે આંખ મિલાવીને કહ્યું, ‘તમને પાંચ વર્ષ પહેલાં એક પત્ર લખેલોને?’ તે હું.’

બસ, એટલું કહીને તેનું સરનામું આપીને તે અદૃશ્ય થઈ ગઈ. કેમિલાએ પાંચ વર્ષ પહેલાં લખેલો પત્ર લગભગ પ્રેમપત્ર જેવો હતો. લગ્નજીવનમાં આ મોરેવિયન સંગીતકાર દુઃખી હતા. તેમનો પૂરો સમય લખવામાં, સંગીતની તરજો ગોતવામાં અને નાટકો કે લોકસંગીત શોધવામાં જતો. એ સમયે ડૉ. જાવેટે લીઓ જાનાયેકને કહેલું કે ‘ખૂબ શારીરિક કે માનસિક શ્રમ લેવાથી માણસ જલદી વૃદ્ધ થઈ જાય છે. માફકસર શ્રમ લેવો જોઈએ અને ખાસ તો 60 વર્ષની ઉંમર પછી.’

પરંતુ ડૉક્ટરના આ કથનને જાનાયેકે ખોટું પાડ્યું. અગર એમ કહો કે કેમિલા પ્રત્યેના તેમના પ્રેમને લીધે તેઓ અઢાર-વીસ કલાક કામ કરતા હોવા છતાં જુવાન જેવા રહ્યા. 75 વર્ષની ઉંમરે મરતાં સુધી રોજ ઑપેરા ભજવીને કેમિલાને પ્રેમપત્ર લખવા બેસી જાય. અમુક પત્ર લખે અને પોસ્ટ કરે અને અમુક કવિ ‘ગુમરાહ’ની માફક તકિયા તળે છુપાવી દે. કેમિલાનો પત્ર આવે એટલે એ દિવસનું સંગીતનાટક એકદમ જામી જાય અને હિટ જાય. 37 વર્ષની ઉંમરનો તફાવત જાનાયેકને ભારે પીડા આપતો. એ પીડામાંથી સર્જન થતું. એ સર્જનમાંથી તેમને જુવાનીની નવી કૂંપળો ફૂટતી. આજનાં યુવક-યુવતીને કલ્પના પણ નહીં આવે કે આ પ્રેમ કઈ જાતનો હતો?

એ જમાનામાં પણ ટેલિફોન હતો. કદી ટેલિફોનથી બંને પ્રેમી વાત ન કરે. આજે પ્રેમ નથી. લફરું શબ્દ છે. ફ્રેન્ચ ભાષામાં લવ માટે ‘આહ ફેર’ દ કુહર’ જેવો શબ્દ છે. એટલે કે મેટર ઑફ ધ હાર્ટ. પ્રેમ એ અંદરની એટલે કે હૃદયની વાત છે. ‘ઓથેલો’ના નાટકમાં વિલિયમ શેક્સપિયરનું એક વાક્ય છે.

Of one, that loved not wisely but too well. આ વાક્ય લીઓ જાનાયેકને લાગુ કરીએ તો કહી શકાય કે 26 વર્ષની કેમિલા સાથે 63 વર્ષના સંગીતકારનો પ્રેમ ડહાપણભર્યો ન કહેવાય. પણ અધધધ પ્રેમ કહેવાય. કદી જ બે પ્રેમી ન મળ્યાં હોય, હાથનો સ્પર્શ પણ ન કર્યો હોય. ચુંબનની વાત જવા દો એ હાલતમાં કેમિલાનો પ્રેમ જાનાયેકને જુવાન રાખતો હતો. આજનાં યુવાન હૈયાં આ વાત ન માને. જગતભરમાં ટેલિફોનનો સૌથી દુરૂપયોગ થતો હોય તો આજે મોટાં શહેરોમાં ટેલિફોન પર અજાણ્યા લોકોની ચેટ લાઈનનો છે. બ્રિટિશ ટેલિકૉમને વર્ષે 20 કરોડ રૂપિયાનો વકરો થાય છે. ટેલિફોન પર પ્રેમીઓ માત્ર અશ્લીલ ભાષા વાપરતા હોય છે, જાણે સંભોગ કરતા હોય. તેની પોતાની જ કાલ્પનિક રતિક્રીડાની રનિંગ કૉમેન્ટરી આપતા હોય છે. આવા લોકોને પ્રેમપત્ર લખતાં આવડતું નથી કે પ્રેમ કરીને મૂંગા રહેતાં આવડતું નથી.

કવિ હરિવંશરાય બચ્ચન જ્યારે તેજીના પ્રેમમાં હતા ત્યારે બંને વચ્ચેનો વિરહ કાવ્યથી જ ભરી દેતા. કાવ્યના સેતુ દ્વારા જ બંને મળતાં. આજના પ્રેમીઓ ટેલિફોન કંપનીને કમાવી દેવા સિવાય પ્રેમમાં ઝાઝું રળતા નથી કે હૃદયને પુષ્ટ કરતા નથી. ફ્રેન્ચ લેખક ફ્રાન્સેરી ડ્યુક રોશેફોકલ્ડે લખ્યું છે : Absence diminishes mediocre passions and increases great ones, as the wind snuffs. પ્રેમનો વિરહ થાય ત્યારે જ ખરી ઝંખના જાગે છે. તમન્ના અને અરમાનો ઓર ભડકે છે. પણ એ હાલતમાં પ્રેમ ઘોંઘાટિયો બનતો નથી. પ્રેમ વધુ શાંત, મૂંગો અને સર્જક બને છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.