પત્નીઓ પતિથી ગળે આવી ગઈ છે?
‘ઈન્દોરમાં એક પ્રતિષ્ઠિત અને પૈસાદાર પતિનો પોતાને બંગલો હતો, સુંદર બાળકો હતાં, પરંતુ પત્નીને પતિ તરફથી પ્રેમ મળતો નહોતો. પ્રેમની વાત જવા દો, પતિ પત્નીની હાજરીમાં જ ઘરમાં બીજી સ્ત્રીઓને અવારનવાર લાવતો. પત્નીની હાજરીમાં જ પતિ પારકી સ્ત્રીઓ સાથે પ્રેમચેષ્ટા કરતો. પત્નીએ ખૂબ સહન કર્યું. ઘણા મહિના સુધી આ બધું ચલાવી લીધું. પત્નીને આશા હતી કે ધીરે ધીરે પતિની સાન ઠેકાણે આવશે પણ પછી પત્ની ગળે આવી ગઈ. પતિની ઘરની સાહ્યબી છોડીને પત્ની ઈન્દોરથી મુંબઈ આવી ગઈ. ભરણપોષણ માટે પતિ પર કેસ પણ ન કર્યો. અત્યારે ઘરે નાસ્તો બનાવીને કે પુસ્તકો કે મેગેઝીનો લઈને સાઈકલ ઉપર આ બાઈ ઘેર ઘેર ફરીને વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવીને આત્મસન્માન જાળવે છે... આવી ઘણી પત્નીઓ ભારતમાં છે જેમને પતિ સાથે બનતું નથી. કેટલીક ગળે આવી ગઈ છે છતાં પતિને છોડી શકતી નથી. મારી દ્રષ્ટિએ ભારતની પત્નીઓમાંથી ઘણી પતિથી સુખી નથી...’
ઉપરની હકીકત મુંબઈમાં ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ જૂથ તરફથી ચલાવાતા ‘ફેમિના’ નામના મહિલા સાપ્તાહિકના તંત્રી શ્રીમતી વિમલા પાટીલે અમને એક મુલાકાત કહી. આજકાલ અમેરિકામાં શેરે હાઈટ નામની લેખિકાએ ‘વુમન ઈન લવ’ નામનું રૂ. 300ની કિંમતનું પુસ્તક પ્રગટ કર્યું છે, તેના વિષે અમેરિકા અને યુરોપમાં જોરદાર ચર્ચા ચાલે છે. લેખિકા શેરે હાઈટે એક સર્વેક્ષણ કરીને તેના પુસ્તકમાં તારણ કાઢ્યું છે કે અમેરિકન સ્ત્રીઓમાંથી 95 ટકા સ્ત્રીઓને પતિ તરફથી માનસિક ત્રાસ મળે છે. સર્વેક્ષણ પૈકીની 70 ટકા સ્ત્રીઓ જે પાંચ વર્ષથી પરણી છે તેઓ એકરાર કરે છે કે તેઓ પતિ સિવાયના પુરૂષ સાથે શરીરસંબંધ નહીં પણ લાગણીનો સંબંધ રાખતી થઈ ગઈ છે. આ પુસ્તકનો સૂર એ છે કે અમેરિકાની મોટા ભાગની સ્ત્રીઓને પતિ પાસેથી લાગણીની દ્રષ્ટિએ કોઈ સુખ મળતું નથી અને લગ્નજીવનમાં ભારે અસંતોષ સળગી રહ્યો છે.
શેરે હાઈટે બીજું પણ એક તારણ કાઢ્યું છે કે, સ્ત્રીઓની પતિ પાસેની અપેક્ષાઓ વધી ગઈ છે, તે જ રીતે પત્ની પાસે ભણેલા પતિની અપેક્ષા પણ એટલી જ વધી ગઈ છે. દાખલા તરીકે સ્ત્રીએ માત્ર ગૃહિણી જ નહીં પણ પુરૂષને બાળકની જેમ સાચવવા માતાનો રોલ પણ ભજવવો છે. ભણેલી સ્ત્રીને બહાર કામ કરીને તેની વ્યવસાયી કારકિર્દીમાં ઊંચા આવવું છે અને તે પછી રાત્રે તેના પુરૂષને બેડરૂમમાં સંપૂર્ણકક્ષાનું સુખ આપવું છે. પુરૂષ પાસે પણ આવી જ અપેક્ષા રખાય છે કે એ પોતાની પત્નીને બાળકની જેમ કે માતા-પિતાની જેમ સાચવે તેમ જ એ ખૂબ કમાતો હોય અને તેના ધંધા-ઉદ્યોગમાં એક નંબરે હોય અને પછી રાત્રે પત્નીને પૂર્ણ સુખ આપી શકતો હોય. આ પ્રકારે સ્ત્રી અને પુરુષની એકબીજા પાસેની અપેક્ષાનો પારો ઊંચે ચઢી ગયો છે, અને તેમાં મોટે ભાગે બન્ને પાછા પડે છે.
વિમલા પાટીલ સાથે શેરે હાઈટનો રિપોર્ટ અમારે ચર્ચવો હતો. વિમલા પાટીલ પોતે 22 વર્ષથી પત્રકાર અને તંત્રી તરીકે કામ કરે છે. શ્રી પ્રભાકર નામના ઈજનેરને પરણ્યાં છે. શ્રી પ્રભાકર ગેમન ઈન્ડિયા જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં સિવિલ ઈજનેર છે. વાલકેશ્વરમાં મુખ્યપ્રધાનના બંગલા સામે એવરેસ્ટ એપાર્ટમેન્ટમાં સુશોભિત ફ્લેટમાં રહે છે. એક પુત્ર ડૉક્ટર છે. વિમાલ પાટીલ તેમની પુત્રીને મહારાષ્ટ્રનાં જુદાં જુદાં ગામોમાં આવેલા આઠ ગણપતિઓનાં દર્શન કરાવીને મુંબઈ આવ્યાં પછી અમને મળ્યાં. મહારાષ્ટ્રિયનોમાં અષ્ટવિનાયકનાં દર્શનનો ભારે મહિમા છે. પતિ-પત્ની અને પુત્રી ખૂબ ભણેલાંગણેલાં છે અને અતિધાર્મિક છે. પતિ-પત્નું 29 વર્ષનું લગ્નજીવન છે. શેરે હાઈટના રિપોર્ટની હકીકતોમાંથી મુંબઇ,, ઈન્દોર, અમદાવાદ કે બીજા શહેરની સ્ત્રીઓને આ સર્વેક્ષણ કેટલું લાગુ પડે છે તે વાત વિમલા પાટીલ પાસેથી જાણવી હતી. એમના પતિ શ્રી પ્રભાકર પણ અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા. ઘણી વખત તો ચર્ચા દરમિયાન જ પતિ-પત્ની એકબીજાને નિખાલસતાથી પૂછી નાખતાં હતાં, ‘તમે મને પરણીને સુખી થયા છો?’
વિમલા પાટીલે બે કલાક સુધી ભારતની સ્ત્રીઓ પતિથી સંતુષ્ટ નથી જ એવું તારણ કાઢ્યું. જોકે તેમણે સાવચેતીથી ઉમેર્યું કે મુંબઈ કે કોઈ પણ શહેરની સ્ત્રી પતિથી સર્વ રીતે સુખી નથી છતાં લગ્નો તૂટતાં નથી કારણ કે અમુક બાબતમાં સ્ત્રી બહુ દુઃખી નથી. વિમલા પાટીલને મહિલાતંત્રી તરીકે ઘણી દુઃખી સ્ત્રીઓના ટેલિફોન આવે છે અને પતિ તરફતી થતા ત્રાસની વાતો કરીને આશ્વાસન મેળવે છે. વિમલા પાટીલે શેરે હાઈટના અહેવાલને ધ્યાનમાં રાખીને પોતાના વિચારો અને અનુભવો કહ્યાં :
‘શેરે હાઈટના રિપોર્ટ પ્રમાણે ભારતની 95 ટકા સ્ત્રીઓને અસંતોષ નહીં હોય પરંતુ હવે મુંબઈ અને બીજાં શહેરોમાં ઘેરા અસંતોષનાં લક્ષણો દેખાવા માંડયા છે. માતાઓ પરિણીત પુત્રીઓને લઈને મારે ઘરે આવે છે. તેમના કુટુંબની સમસ્યા કહે છે. એક વખત તો રાત્રે 11 વાગે મહાલક્ષ્મીના મંદિરમાંથી એક ખૂબ ભણેલી સ્ત્રીન ફોન આવ્યો હતો. તેણે ફરિયાદ કરી કે તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે.’
વિમલા પાટીલે આગળ કહ્યું :
‘... તમે અખબારોમાં લગ્ન વિષયક જાહેરખબર જુઓ તો ખ્યાલ આવશે કે પતિની પત્ની પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. મોટા ભાગની જાહેરખબરો કહે છે કે પતિને કમાઉ પત્ની અગર નોકરી કરતી પત્ની જોઈએ છે. મારી પાસે તો એક નવો કેસ છે જેમાં પતિ-પત્ની પાસે રીતસર પચાસ ટકા ઘરખર્ચ માંગે છે અને તેમાં પાઈએ પાઈનો હિસાબ રાખે છે. મહિનાને અંતે પત્નીએ ઘરમાં શું ખર્ચ કરવો અને પતિએ કેટલો ખર્ચ કરવો તેના ભાગલા પાડ્યા છે. સવાર પડે એટલે પતિ ખરીદી માટેનું લિસ્ટ બનાવે છે. તેની કિંમત આંકે છે. તેમાંથી અડધું લિસ્ટ પત્નીને આપે છે. કેળાં, ચેવડો, ફ્રૂટ અને બીજી ચીજોનું લિસ્ટ પત્ની જ્યારે ઑફિસે જાય ત્યારે તેના હાથમાં પકડાવે છે. પત્ની આવા ખર્ચના ધારદાર હિસાબથી એટલી કંટાળી ગઈ છે કે પતિ સવારે લિસ્ટ આપે તે કચરાની ટોપલીમાં નાંખી દે છે...’
વિમલાબહેન આગળ કહે છે :
‘...મને લાગે છે કે લગ્નની સંસ્થા તૂટી નથી પડી પરંતુ તેમાં લૂણો લાગવા માંડ્યો છે. કારણકે સમાજમાં વ્યક્તિ કરતાં પૈસાનું મહત્ત્વ વધ્યું છે. નોકરી કરનારી કેટલીક સ્ત્રીઓ મારી પાસે ફરિયાદ કરે છે કે તેમના પતિ આળસુ થઈ ગયા છે. મારી ઑફિસમાં કામ કરતી એક બહેન ઘરને માટે તમામ ખરીદી કરે છે. બેન્કમાં બચતના પૈસા લેવા-મૂકવા જાયછે. પત્ની સારો પગાર લાવે છે એટલે તેના પતિએ ધંધો છોડી દીધો છે. ઘરે બેઠાં બેઠાં વિડિયો જોયા કરે છે અને દારૂ પીએ છે. તેને કોઈ મહત્ત્વાકાંક્ષા નથી.. બીજી એક કમાતી પત્નીની વાત કરું. એ પત્ની નોકરી કરતી હતી. બીમાર પડી. તેને ઑપરેશન કરાવવાનું થયું. પત્નીની ઑફિસવાળાએ હૉસ્પિટલમાં પથારી અપાવી દીધી. સર્જનની ફી અને દવાદારૂનો ખર્ચ ઑફિસે ઉપાડ્યો. બે મહિના પછી પત્ની હૉસ્પિટલેથી પાછી આવી ત્યારે પતિએ તેની તબિયતના ખબર પૂછવાને બદલે સવાલ કર્યો : ‘હવે તું ઑફિસમાં ફરજ પર ક્યારે હાજર થવાની છે?’ આમ કમાતી પત્નીના પતિને પત્નીના સ્વાસ્થ્યની ફિકર નથી સ્વાસ્થ્યની ફિકર નથી પણને નોકરીએ નહીં જાય તો તેનો પગાર કપાશ, તેની ચિંતા છે...’
‘હમણાં જ એક ટેલિવિઝનનો કાર્યક્રમ આવ્યો હતો, તેમાં ડૉક્ટર, વકીલ, ઈજનેર અને દુકાનદાર પુરુષોના ઈન્ટરવ્યૂ લેવાયા હતાં. તે બધા પુરુષો સવારથી સાંજ સુધી કેટલું કામ કરે છે અને કેટલું કમાય છે તેની વાતો કરતા હતા. પછી ઈન્ટરવ્યૂ લેનારી પત્રકાર પૂછતી હતી, ‘અચ્છા, તમારી પત્ની શું કરે છે?’તો તમામ પતિદેવોએ કહ્યું, ‘અમારી પત્ની કંઈ કરતી નથી. ઘરે બેસે છે...’’ એ પછી ટી.વી. વાળા દરેક પુરૂષને ઘરે ગયા. ત્યાં તે લોકોની પત્નીઓ સવારથી સાંજ સુધી ઘરકામના જે ઢસરડા કરતી હતી તે ટી.વી. પર બતાવ્યું. કોઈ સ્ત્રી સવારથી સાંજ સુધી પગ વાળીને બેસતી નથી. છતાં તે સ્ત્રી કંઈ કામ કરતી નથી તેમ માત્ર પુરુષો જ નહીં પણ સ્ત્રીનાં બાળકો પણ કહે છે. બાળકોને લાગે છે કે પપ્પા જ કામ કરે છે. કારણ કે પપ્પા પૈસા લાવે છે. જે કામનું પૈસા કમાવવામાં પરિણામ આવેતે જ આ સમાજમાં ‘કામ’ ગણાય છે. પૈસાદાર લોકોની પત્ની બહાર કામ કરવા ઈચ્છે તો પતિદેવો ના પાડે છે, કહે છે ‘તારે કમાવાની શું જરૂર છે?’ ક્લબમાં જા, સાડીઓ ખરીદ. તારે કંઈ કરવાની જરૂર નથી.’ આ પ્રમાણએ ભણેલીગણેલી સ્ત્રીને નકામી બનાવી દેવાય છે. મારો પોતાનો જ દાખલો આપું. 29 વર્ષ પહેલાં મેં નોકરી કરવાનો નિર્ણય કર્યો ત્યારે પિયરમાંથી જ વિરોધ થયો. સાસરા પક્ષમાં પણ વિરોધ થયો. નોકરી કરવાથી ઘર નહીં સચવાય, બાળકો બગડશે, તેવો ભય બતાવાયો. સ્ત્રીના મનમાં સમાજ જ આવી ગ્રંથિ ઊભી કરે છે. મેં મારા મનનું ધાર્યું કર્યું આજે મને લાગે છે કે મારો નિર્ણય સાચો જ હતો. જો, મારાં બાળકો બગડ્યાં નથી, મારું ઘર બરાબર છે...’
મેં વચ્ચે પડીને વિમલાબહેનને પૂછ્યું, ‘પણ નોકરી કરવાથી અમુક ભોગ આપવો જ પડ્યો હશે.’ એ સમયે તેમના પતિએ જ કહ્યું, ‘ભોગ તો આપવો જ પડે. ઘણી વખત હું બહારગામ હોઉં અને ઘરે આવું ત્યારે વિમલા તેના કામ માટે બહારગામ ગઈ હોય, પરંતુ અમે એ બાબતથી ટેવાઈ ગયાં છીએ. ગૃહસંસારમાં થોડી ઊણપ રહે છે. સંપૂર્ણ સુખની અપેક્ષા રખાય નહીં...’
વિમલાબહેનના પતિ આવું કહેતા હતા ત્યારે વિમલાબહેને જ પતિને પ્રશ્ન કર્યો, ‘અચ્છા, તો બોલો કે તમે મને પરણીને સુખી છો કે દુઃખીના દાળિયા (મિઝરેબલ) બન્યા છો?’ પ્રભાકરભાઈ થોડા ક્ષોભમાં પડીને અટકી ગયા. વિમલાબહેને ફરીથી કહ્યું, ‘બોલો, બોલો, સુખી છો કે દુઃખી?’ પ્રભાકરભાઈએ કહ્યું, ‘જુઓ, આપણું લગ્ન 29 વર્ષ ટક્યું છે તેથીએ તો પુરવાર થાય છે કે સંપૂર્ણ રીતે દુઃખ તો નથી જ, અમુક ક્ષેત્રમાં પરમ સુખ પણ મળ્યું છે અને અમુકમાં નહીં. સર્વાંગ રીતે સુખની અપેક્ષા કેમ રખાય? વળી સમાજમાં જુદી જુદી દસપંદર જાતનાં દુઃખો હોય છે. લગ્નમાં સુખની ગેરંટી નથી અને ખાસ વાત તો એ છે કે માત્ર તમારા પોતાના સિવાય તમને કોઈ સુખ આપી શકે નહીં. પત્ની કે બીજા પાસેથી તમે સુખની અપેક્ષા રાખી ન શકો. તમારું સુખ તમારી પોતાની પાસે જ હોય છે...’
પ્રભાકરભાઈ ફિલસૂફની જેમ આ વાત બોલી ગયા તેનાથી અનુમાન થાય કે દરેક ધનિક, ઊંચી કારકિર્દીવાળાં કે મધ્યમ વર્ગનાં યુગલોમાં સંઘર્ષ કે ઘર્ષણ હોય છે. એ ઘર્ષણમાંથી સરેરાશ સુખ નીકળે છે કે નહીં તે જોવાનું છે. વિમલાબહેનને મેં પૂછ્યું, ‘પરંતુ જો સરવૈયામાં સુખ નહીં પણ ભારોભાર દુઃખ નીકળે તો શું? સ્ત્રીએ એ લગ્નમાંથી નીકળી જવું ન જોઈએ?’ વિમલાબહેને કહ્યું, ‘જુઓ, આ સમાજ ગમે તેટલો આગળ વધ્યો હશે પણ છૂટાછેડા લીધેલી સ્ત્રીને માનથી જોતો નથી. અતિપૈસાદાર ઘરની પુત્રી પણ પતિથી ત્રાસી જાય તો સાસરું છોડતી નથી કારણકે તેના ધનિક પિતા પણ તેને રાખવા રાજી નથી. પિતા કે માતા માને છે કે ‘અમે પણ જિંદગીભર સંઘર્ષ કર્યો, પુત્રીને ભણાવીને પરણાવી. હવે અમને પણ સુખ જોઈએ છે.’ એટલે પતિથી ત્રાસેલી પુત્રીને રાખવા તેઓ તૈયાર નથી. હું એક એવી સ્ત્રીને ઓળખું છું જે પતિના ત્રાસથી ગળે આવી ગઈ છે છતાં પતિને છોડતી નથી. બીજી એક એવી સ્ત્રી છે જે અપંગ પતિને નિભાવે છે. મોટા ભાગની સ્ત્રીને ઘરમાં એક પુરુષ જોઈએ છે. તેને ગળમાં મંગળસૂત્રની જરૂર છે, મંગળસૂત્ર વગરની કે પુરૂષ વગરની સ્ત્રી સામે સમાજ કુદ્રષ્ટિથી જુએ છે. બીજી પણ એક વાત. મુંબઈ શહેરમાં સેક્સુઅલ રીતે સ્ત્રીઓની ખૂબ જ હેરાનગતિ થાય છે. હમણાં થોડા સમય પહેલાં એક પરણેલી અને સુંદર સ્ત્રી બસમાંથી ઊતરી. તુરંત યાં ઊભેલા ત્રણ છોકરાઓ તેના પર ધસી આવ્યા. તેની છાતી ઉપર નિર્લજ્જ રીતે હાથ નાખીને ચાલ્યા ગયા. બધા જોતાં જ રહ્યા....’
વિમલાબહેને આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, ‘પુરૂષો સ્ત્રીને નિર્મળ દ્રષ્ટિથી કે માનથી જોતા જ નથી. હમણાં મેં મારવાડી મહિલા સમાજમાં મારવાડી બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો. ધનિક મારવાડી કુટુંબની દીકરી હાવર્ડ યુનિવર્સિટીમાં ભણીને 23 વર્ષની ઉંમરે પરણી જાય છે. પણ પછી એ હાવર્ડની ગ્રેજ્યુએટ કન્યા રસોડામાં ભરાઈ જાય છે. સસરાથી ઘૂંઘટ તાણવાનો હોય છે. મારવાડી સ્ત્રીઓ પ્રગટ રીતે બોલતી નથી પણ મોટા ભાગની મારવાડી પત્નીઓ ખાનગીમાં લગ્નના અસંતોષની લાગણી પ્રગટ કરે છે.’
વિમલાબહેન સાથેની ચર્ચાને થોડી વાર બાજુએ રાખીને આપણે ‘ઓનલૂકર’ ના તંત્રી રજત શર્માનાં પત્ની ગીતાબહેન શર્માને મળીએ. દિલ્હીમાં ઊછરીને યુનિવર્સિટીમાં ભણેલાં ગીતાબહેન મુંબઈમાં કાર્માઈકલ રોડના ધનિક વિસ્તારમાં રહે છે. અમે તેને મળવા ગયા તે પહેલાં એમણે ‘ટાઈમ’ મેગેઝીનમાં શેરે હાઈટનો અમેરિકાની સ્ત્રીઓના અસંતોષ અંગેનો રિપોર્ટ વાંચ્યો હતો. એમણે કહ્યું, ‘હું આ શેરે હાઈટના લખાણ સાથે સો ટકા સહમત છું. ભારતની સ્ત્રીઓને પણ અમેરિકન સ્ત્રીઓના અસંતોષની વાત લાગુ પાડી શકાય. ભારતની પત્નીઓ પણ પૂછવા માંડી છે કે, ‘શું પતિ કહે તે જ સાચું?’ હવે સ્ત્રીઓ આ માનતી નથી કે પતિ કહે તે જ સાચું. હું માનું છું કે પુરુષની વાતને પડકારનારી હિંમતવાળી સ્ત્રીઓ મુંબઈમાં બહુ ઓછી છે. ભારતની સ્ત્રી ગઈ સદીમાં ગુલામ હતી તેટલી જ આજે ગુલામ છે. પગાર વગરની ઘાટણ જેવો તેનો દરજ્જો છે. પુરુષને ઈચ્છા થાય ત્યારે શયનસુખ માગે અને તેને બાળક આપે છે... મારી એક પિતરાઈ બહેન પરણીને દુઃખી થઈ છે. તે સંયુક્ત કુટુંબમાં રહે છે. તેનો પતિ આપખુદ છે તેમ તેને લાગે છે. મારી બે બહેનને લગ્નમાં અસલામતી લાગે છે. ભણેલી સ્ત્રીને પણ તેની સાસુ દહેજની ઓછપ માટે ટોણા મારે છે. પતિ કંઈક દાદ દેતો નથી. મારી બહેન ગૃહિણી તરીકે જ રહી. ખૂબ ત્રાસ સહન કર્યો. ડોક્ટરો કહે છે અતિશય માનસિક ત્રાસને કારણ છેવટે તેને ગર્ભાશયનું કેન્સર થયું છે....’
શેરે હાઈટના રિપોર્ટમાં પરણેલી સ્ત્રીઓના આડા સંબંધોવિષે પણ લખ્યું છે ગીતાબહેને કહ્યું, ‘હું માનું છું કે આડા સંબંધો ભારતીય સમાજમાં અગાઉ પણ હતા. આજે પણ છે. મને લાગે છે કે પાંત્રીસેક ટકા પરિણીત સ્ત્રીઓ છેવટે લાગણીની દ્રષ્ટિએ તો બીજા પુરુષ સાથે સંબંધ ધરાવતી હશે. પતિ સાથે જ્યારે સંવાદિતા હોતી નથી ત્યારે સ્ત્રીઓ બીજામાં સુખ શોધે છે. મોટે ભાગે તો તે બીજી વ્યક્તિ પુરૂષ નહીં પણ સ્ત્રી હોય છે. ઘણી સ્ત્રીઓ પારકા પુરુષ સાથે મનના ખૂણે લાગણી ધરાવતી થઈ છે. પુરુષો માત્ર વેરાયટી ખાતર કે કંટાળો દૂર કરવા માટે બીજી સ્ત્રીનો સંગાથ ઈચ્છે છે. પુરુષને નવું નવું ગમે છે. જોકે, પુરુષો ડરપોક હોય છે. પત્ની આડો સંબંધ શરૂ કરે તો શું થશે તે બાબત પુરુષ કલ્પી પણ શકતો નથી.’
‘ઈવ્ઝ વીકલી’ અને ‘સ્ટાર એન્ડ સ્ટાઈલ’ના તંત્રી ગુલશન ઈવીંગ ભારતભરની અંગ્રેજી વાંચન કરી શકતી સ્ત્રીઓમાં જાણીતા છે. શેરે હાઈટના સર્વેક્ષણની તરફેણ કરતાં ગુલશન ઈવીંગ કહે છે, અમેરિકામાં સ્ત્રીઓની માનસિક સ્થિતિ, ઈચ્છાઓ અને વર્તન વિશે થયેલો આ રિપોર્ટ સનસનાટીવાલો ચોક્કસ છે પણ સ્ત્રીઓની સમસ્યાઓ પત્રકારો વધારે પડતી ચગાવે કે સનસનાટીભરી રીતે છાપે તે સારા માટે છે. બળાત્કાર કે દહેજના કિસ્સા ચગાવવામાં ન આવે તો કોઈના કાને પડતા નથી. જોરશોરથી સ્ત્રીઓની સમસ્યાઓની ચર્ચા થાય છે ત્યારે જ સમાજમાં જાગરૂકતા આવે છે. મંદ ગતિમાં કે બધાને સારું લાગે તે રીતે સ્ત્રીઓના પ્રશ્નોની ચર્ચા થાય તો કોઈ તેના પર ધ્યાન આપતું નથી. શેરે હીટનો રિપોર્ટ ભારતીય સ્ત્રીઓને સંપૂર્ણપણે લાગુ પડતો નથી, છતાં પણ તે ભારતના સંદર્ભમાં સાવ ભૂલી જવાજેવો પણ નથી.
‘સ્ત્રીઓમાં વંચાતા સાપ્તાહિકમાં વર્ષોથી હું તંત્રી છું. મારા અનુભવથી હું અમુક મુદ્દા ચર્ચી શકું. અમેરિકામાં સિત્તેર ટકા જેટલી સ્ત્રીઓ આડા સંબંધ ભલે ધરાવતી હોય, ભારતની વાત અલગ છે. હું ભારતની સ્વતંત્ર મિજાજની સ્ત્રીઓ જાણું છું. એમને મળતી રહું છું. પુરુષ જેટલા હક્કો મેળવવા માટે તે આક્રમક બને છે પણ મોટા ભાગે પરિણીત સ્ત્રી આડેધડ જાતીય સંબંધ રાખતી નથી. હું એ વાત બિલકુલ માનવા તૈયાર નથી કે ભારતીય સ્ત્રીઓમાં આડા સંબંધનું પ્રમાણ ખૂબ વધારે છે. બીજી મહત્વની અને સારી વાત છે કે ભારતીય સ્ત્રી નારીવાદી હશે પણ તો ય તેની સ્ત્રી સહજ નાજુકતા જળવાઈ રહે છે. નારીવાદી વિચારો તેની સ્ત્રૈણતાને કાયમ રાખે છે.’
‘અમેરિકાની સ્ત્રીઓના થયેલા સર્વેક્ષણમાં એક ગંભીર વાત બહાર આવી છે કે પતિ અને પત્ની વચ્ચે માનસિક અંતર વધી ગયું છે, ઘર્ષણ વધ્યું છે. સંવાદિતા ઘટી છે... પરસ્પરની એકરાગિતા ઘટી છે. આ બાબત ભારતીય દંપતીઓને પણ 100 ટકા લાગુ પડે છે. શું સ્ત્રીઓ ત્રાસી ગઈ છે? એવા સીધા સવાલનો જવાબ ‘હા’માં જ આવશે. ભારતીય સ્ત્રીઓ ભારતીય પુરુષો સામે પ્રવૃત્ત થઈ છે?’
‘પતિ-પત્ની વચ્ચેનું કોમ્યુનિકેશન ઘટ્યું છે. પતિ અને પત્નીએ એકબીજાને સાંભળવાનાં હોય છે. પતિ-પત્ની એકબીજાની નાની-મોટી સમસ્યાને કાન ઘરે ત્યારે પ્રેમ પાંગરે છે. પુરુષો સ્ત્રીઓને બિલકુલ સાંભળતા નથી. ઘરમાં નોકર રજા ઉપર હોય કે નોકરાણી ચોખ્ખું કામ કરતી ન હોય તો તે વાત પુરુષે શા માટે કાને ન ધરવી? ઘરમાં સારા નોકર-નોકરાણીની હાજરીથી પુરુષને ફાયદો થતો નથી? તેની સગવડો સચવાતી નથી? ઑફિસમાં કોઈવાર જબરું ટેન્શન ચાલી રહ્યું હોય તેવા સમયે સ્ત્રીએ નાની-નાની વાતો ન કરવીજોઈએ પણ ‘પત્નીની વાતો ઉપર બહુ ધ્યાન ન દેવું.’ તેવી માન્યતા ઘણા પુરુષોના મનમાં દ્રઢપણે છુપાયેલી છે. આ પુરુષો ઘરમાં બેઠેલી સ્ત્રીને અને બહાર દેખાતી સ્ત્રીને અલગ-અલગ માને છે. ઘરમાં રહેતી સ્ત્રી સાથે રોમેન્ટિક પણ ન થવાય કે તોફાની બનીને સેક્સ પણ ન જ માણી શકાય તેવું ભારતીય પુરુષો માને છે. ભારતીય પુરુષો પત્ની સાથે શસ્તભયર્ જાતીય સુખ માણે છે. કમનસીબે પુરુષોની ઊભી કરેલી આ તસવીરમાં ભારતીય પત્ની ફિટ થઈ ગઈ છે. તેણે પણ આ ઈમેજનું મહોરું પહેરી લીધું છે.’
‘હવે હું જોઉં છું કે કુંવારી છોકરીઓ યુવાનોને દેખાડે છે કે તે કેટલી રોમેન્ટિક છે. પરણ્યા પછી પણ આજની યુવતી પતિ કરતાં વધુ રોમેન્ટિક રહે છે. પુરુષોની માન્યતા બદલવાનું કામ ભારતીય સ્ત્રીઓએ શરૂ કર્યું છે. જોકે, નગણ્ય સ્ત્રીઓ આત્મવિશ્વાસથી પતિ સાથે જીવે છે. આપણે આ ચર્યા દિવરાલામાં રૂપકુંવર સતી થઈ છે તે વર્ષે કરીએ છીએ અને સમગ્ર ભારતીય સ્ત્રીસમાજના ભવિષ્યની બાબતે હું નિરાશાવાદી છું. આવતાં દસ વર્ષમાં પત્નીને વધુ માનપૂર્વકનો દરજ્જો મળવાની આશા નથી પણ કેટલીક સ્ત્રીઓનાં મનમાં સળવળાટ થયો ચે. પતિનાં લફરાં અને છુટકલિયાં અડપલાઓ સામે પત્ની સદંતર આંખ આડા કાન નહીં કરે... એ જમાનો હવે ગયો...’
આજની પત્નીઓ લાગણીની દ્રષ્ટિએ બિલકુલ સુખી નથી તેવો સૂર મુંબઈમાં સર્વત્ર જોવા મળે છે. ફરક એટલો છે કે ભણેલી સ્ત્રી મેગેઝીનના તંત્રીને મળે છે અને સમૃદ્ધ ઘરની સ્ત્રી પતિની સુક્ક લાગણીઓનો વિકલ્પ કિટી પાર્ટીમાં પાનાં રમીને કે વારંવાર શોપિંગ કરીને શોધી લે છે. મુંબઈના ઉદ્યોગપતિ મોહનલાલ પટેલનાં પત્ની ચંદાબહેન પટેલે 37 વર્ષ પહેલાં મોહનભાઈ સાથે પ્રેમલગ્ન કરેલાં. તેઓ તેમના લગ્નજીવનમાં પૂર્ણ સંતુષ્ટ છે. તે અંગત વાત કહેતાં નથી પરંતુ તેમણે અમારા પ્રતિનિધિ હેતલ દેસાઈને એટલું જરૂર કહ્યું કે : ‘સ્ત્રીઓ માનસિક રીતે ભાંગી પડે છે ત્યારે બીજા રસ્તા અપનાવે છે. ઘરની બહાર રહેવું, ક્લબ અને પાર્ટીઓમાં હાજરી આપવીવગેરે. આના માટે પુરુષો જવાબદાર છે. કારણકે તેઓ ઘર અને પત્ની તરફ પૂરું ધ્યાન આપતા નથી.’ પ્રાધ્યાપિકા અને લેખિકા ધૈર્યબાળાબેન વોરા કહે છે, ‘ભણેલીગણેલી અને સુખી ઘરની સ્ત્રીઓની સમસ્યા એ છે કે આ પત્નીઓને સ્વાભાવિકતાથી અને ઉપેક્ષાથી લેવામાં આવે છે. પત્નીનું કોઈ અલગ વ્યક્તિત્વ હોઈ શકે એવો વિચાર પતિને આવતો નથી. પત્નીની ખૂબ ઉપેક્ષા થાય એટલે આખરે એ છણકા કરીને, મહેણાં-ટોણાં મારીને કે જિદ્દ કરીને પોતાના તરફ પતિનું ધ્યાન દોરવા પ્રયાસ કરે છે. બીજી રીત એ છે કે તે પતિને પ્રેમ બતાવીને ખુશ કરવાપ્રયાસ કરે છે.’ મુંબઈની મીઠીબાઈ કોલેજના માનસશાસ્ત્રનાં મહિલા પ્રોફેસર રૂપા શાહ કહે છે : ‘સ્ત્રીઓની સૌથી મોટી મુશ્કેલી એ છે કે પુરુષ તરફથી તેમને જરૂરી સંવેદના કે લાગણી મળતાં નથી. પુરુષને એ પણ ખ્યાલ નથી કે સુખચેન કે ખુશ થવાનો અધિકાર જેટલો પુરુષને છે તેટલો જ સ્ત્રીઓને પણ છે. ઉપરાંત જાતીય સુકમાં પૂર્ણ રીતે સંતુષ્ટ થવાનો હક્ક પુરુષને છે તેમ તે માનતો હોય તો તે હક સ્ત્રીઓને છે પરંતુ અસંતુષ્ટ રહે તો તે બીજા રસ્તા શોધે ચે. સ્ત્રી મોટે ભાગે આવું કરતી નથી. તે ધર્મધ્યાન અને બીજા કામમાં મનનો સંતોષ શોધે છે.’
અમે જે પરણેલી સ્ત્રીને મળ્યા તે પોતાના લગ્નજીવનમાં અસંતુષ્ટ છે તેમ કહેવામાગતી નહોતી. બીજી સ્ત્રીઓ વિશે નામ આપીને કે નામ આપ્યા વગર જ વાતો કરતી હતી. ભારતીય સ્ત્રી લગ્નજીવનથી ગળે આવી ગઈ હોય તોપણ ગમે તેમ કરીને અટકાવવા માંગે છે.
અમેરિકામાં આવું નથી. લગ્નમાં અસંતોષ હોય તો તે પ્રગટ રીતે જ બધી વાત કહે છે છતાં ય તે લગ્ન ટકાવવા પતિના સહકાર સાથે માનસચિકિત્સકો કે મેરેજ કાઉન્સિલરો (લગ્નજીવન અંગેના સલાહકારો)ને મળીને પોતાના લગ્નજીવનને પાધરું કરવા માંગે છે.
હવે આપણે શેરે હાઈટે પોતાના સર્વેક્ષણનાં શું તારણ કાઢ્યાં છે તે વિગતથી જોઈએ :
સર્વેક્ષણવાળી 95 ટકા અમેરિકન સ્ત્રીઓને પતિ તરફથી લાગણીની દ્રષ્ટિએ કે માનસિક દ્રષ્ટિએ ત્રાસ મળે છે. જે પુરુષને તે ચાહતી હોય છે તેના તરફથી જ આવો ત્રાસ મળે છે.આ બધી જ સ્ત્રીઓ પોતાના પુરુષ સાથેના પ્રેમસંબંધમાં ક્રાંતિ ઈચ્છે છે.
79 ટકા સ્ત્રીઓએ સમસ્યા વ્યક્ત કરી હતી કે આટલા ત્રાસ પછી હવે પ્રેમના સંબંધમાં તેણે વધુ સહનશક્તિ ખર્ચવી કે નહીં?
98 ટકા સ્ત્રીઓ ઈચ્છતી હતી કે ઓછામાં ઓછા તેમનાપ્રેમી પુરુષ તેની સાથે બોલવામાં વધુ પ્રેમાળ થાય. આ બધી સ્ત્રીઓ કહે છે કે તેમનો પુરુષ પોતે કહે તેના તરફ કંઈ ધ્યાન જ આપતો નથી. આમાંની 71 ટકા સ્ત્રીઓએ તો પુરુષની લાગણી મેળવવાનું કે પોતાના તરફ ધ્યાન દોરવાનું જ છોડી દીધું છે.
છૂટાછેડા લીધેલી 91 ટકા સ્ત્રીઓએ કબૂલ કર્યું કે, છૂટાછેડા લેવા માટેની પહેલ તેમના પ્રેમી પુરુષે નહીં પણ પોતે જ લગ્નના ત્રાસથી કંટાળીને કરી હતી. પરણ્યાને પાંચ વર્ષ થઈ ગયાં હોય તેવી 76 ટકા સ્ત્રીઓએ કહ્યું કે પતિ તરફતી ઉષ્મા ન મળતાં પોતે બેવફા બની છે અને તેનો એમને કોઈ અફસોસ નથી.
87 ટકા સ્ત્રીઓએ કહ્યું કે, પરણેલા પુરુષને બદલે તેમની ઘનિષ્ઠ લાગણીવાળી મૈત્રી બીજા પુરુષ સાથે નહીં પણ બીજી સ્ત્રીમિત્ર સાથે હોય છે.
શેરે હાઈટનો અહેવાલ આવ્યો તે પહેલાં પણ અમેરિકામાં લગ્નજીવનના સુખ અને પ્રેમસંબંધો વિશે અનેક પુસ્તકો લખાયાં છે ‘ઈન્ટિમેઈટ પાર્ટનર્સ’ નામના પુસ્તકની લેખિકાએ કહ્યું છે ‘લગ્નમાં પાંચ કે પંદર વર્ષ પછી તરત પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ પેદા થાય છે. એ સમસ્યાને ઉકેલવા બન્ને જણે સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. જ્યારે વૉશિંગ્ટન યુનિવર્સિટીની એક પ્રાધ્યાપિક કહે છે, ‘હાલનો જમાનો પતિ-પત્ની વચ્ચેના સુખનો જમાનો રહ્યો નથી. લગ્નજીવનમાં તમામ નિયમોને તોડી-ફોડીને ફેંકી દેવાયા છે. દરેક વ્યક્તિએ આવા ભાંગેલા તૂટેલા લગ્નજીવનને ચાલુ રાખીને પોતાના જ વ્યક્તિત્વની શોધ કરવીપડે છે. કારણકે જૂના જમાનાથી એવો રિવાજ હતો કે લગ્નજીવનમાં પતિ તરફથી દુઃખ મળે ત્યારે પત્નીએ જ સમાધાન કરવાનું. પણ હવેસ્ત્રીની સહનશીલતા ઓછી થઈ છે અને અપેક્ષા વધી છે. તે ઈચ્છે છે કે પતિ પણ સહન કરે અને સમાધાન કરે.’
‘ડોમેસ્ટિક અફેર્સ’ નામના પુસ્તકની લેખિકા જોયસ મેયનાર્ડ લખે છે : ‘સ્ત્રીઓ લગ્નજીવનમાં દુઃખી છે કારણકે આજની સ્ત્રીને પતિ, બાળકો અને ઉજ્જવળ કારકિર્દી એ ત્રણેય ચીજો સાથે જીએ છે અને તે બધું તમામ રીતે સર્વાંગસંપૂર્ણ ચાલવું જોઈએ તેમ ઈચ્છે છે. આને કારણે ઘર્ષણ થાય છે.’
અમેરિકાના ‘વુમન્સ ડે’ નામના મેગેઝીને 60,000 સ્ત્રીઓનું સર્વેક્ષણ કર્યું તો 38 ટકા સ્ત્રીઓએ એકરાર કર્યો કે હવે ફરીથી તેમને પતિ તરીકે કોઈ પુરુષની પસંદગી કરવાની હોય તો હાલના પતિને તો તેઓ પસંદ નહીં જ કરે. ભારતમાં તો જનમોજનમ એક જ પતિ મળે તેવી અબળખા સ્ત્રીઓ રાખતી હતી. મુંબઈમાં પણ હવે એવી સ્ત્રીઓ મળશે કે જે ‘વુમન્સ ડે’ના સર્વેક્ષણ પ્રમાણે કહી દે કે ‘બીજો કોઈ પણ પુરુષ ચાલે પરંતુ આ પુરુષના હવે પનારા ન પડે તો સારું.’
અમેરિકામાં તો હવે એવી ફિલ્મો બહુ લોકપ્રિય થાય છે જેમાં સ્ત્રી તેના પતિ પાસેથી પ્રેમની અપેક્ષા રાખે અને તેમાં ઊણપ રહે તો પતિનો જીવ ખાઈ જતી હોય. ‘ફેટાલ એટ્રેકશન’ નામની હૉલિવુડની ફિલ્મમાં એક પત્ની તેના પતિને એટલી ધિક્કારવા માંડે છે કે તેને પતિનું ગળું દબાવી દેવાનું મન થાય છે. શેરે હાઈટના રિપોર્ટમાં એક પરિણીત સ્ત્રી ફરિયાદ કરતાં કહે છે : ‘દરેક પુરુષ માને છે કે પોતે મેચ્યોર-પીઢ છે પરંતી હકીકતમાં ઊંડે ઊંડે આ પીઢ પુરુષો બાળક જેવા હોય છે. આ બાળક જેવા પતિને લાડકોડ જોઈએ છે. પતિ હંમેસા બાળકની માફક ફરિયાદ જ કરતો હોય છે.’
અમેરિકાના એક માનસશાસ્ત્રી કહે છે : ‘મારા દર્દીઓને જોઈને હું કહી શકું કે આજે પણ અમેરિકામાં સહનશીલ સ્ત્રીઓ છે અને સ્ત્રીઓ પાસે જેટલી અપેક્ષા રખાય તેટલું તે પુરુષને આપે છે. એ સાથે મારે કહેવું જોઈએ કે હવેપુરુષ પણ સુધર્યો છે. સ્ત્રીની અપેક્ષા કરતાં પણ વધુ આપીને એ સ્ત્રીને બહાર જવાદે છે, તેને ઘરકામમાં મદદ કરે છે. પરંતુ અત્યારે તો આ પરિવર્તનનો જમાનો છે. તમામ સ્ત્રીઓ ઘરબહાર કામ કરતી હશે અને પુરુષ પણ ઘરકામમાં મદદ કરતો હશે તેવોજમાનો આવશે ત્યારે પરસ્પર સમાધાનની માત્રા વધશે જ. સાથોસાથ એક વાત ચોક્કસ કે પહેલાં સ્ત્રીઓ જ સમાધાન કરતી હતી, હવે પુરુષોએ પણ લગ્ન ટકાવવું હોય તો સહનશીલ બનીને સમાધાન કરવું પડશે.’ આ પ્રકારના ઘણા ડાહ્યા અભિપ્રાયની વિરુદ્ધનો અભિપ્રાય કેથેરિન હેયબર્ન નામની કલાકાર આપે છે. તે કહે છે : ‘મને તો નવાઈ લાગે છે કે આધુનિક પ્રેમિકા પત્ની બનીને તે પુરુષને ફિટ થશે જ નહીં. સહેલો રસ્તો એ છે કે પરણીને બન્ને જુદા જુદા ફ્લેટમાં રહે અને વારંવાર લાંબે ટૂંકે ગાળે એકબીજાને મળતાં રહે!’
પતિ અને પત્ની વચ્ચેની વાત જવા દઈએ અને સ્ત્રીને માત્ર સ્ત્રી તરીકે લઈએ તો પણ એ ઘણું સહન કરી રહી છે. મુંબઈની એક હૉસ્પિટલમાં 30 વર્ષની એક કુંવારી યુવતી કામ કરે છે. તેની ત્રણેય બહેનો કુંવારી છે. સૌથી મોટી 36 વર્ષની છે. વચલી બહેન 33 વર્ષની છે. તેણે એક મેરેજ બ્યુરોમાં લગ્નના મુરતિયા માટે નામ નોંધાવ્યું છે. એક વખત મેરેજ બ્યૂરોવાળાએ આ યુવતી માટે ક મુરતિયાનો ઈન્ટરવ્યૂ ગોઠવ્યો અને યુવતીને સરનામે પત્ર લખ્યો. પરંતુ એ યુવતી મુરતિયાને જોવા માટે આવી જ નહીં. અઠવાડિયા પછી ખબર પડી કે તે યુવતીને પત્ર મળ્યો જ નહોતો. તેના ભાઈએ આ ઈન્ટરવ્યૂના ખબરવાળો પત્ર વાંચીને ફાડી નાંખ્યો હતો. મેરેજ બ્યૂરોવાળા પાસે હૈયાવરાળ કાઢતાં આ યુવતીએ કહ્યું, ‘હવે મને હૉસ્પિટલને સરનામે જ કાગળ લખજો. હું હૉસ્પિટલના ક્વાટર્સમાં રહેવા ચાલી ગઈ છું. હું પરણી જાઉં તેમાં મારા ભાઈને રસ નથી. હું રૂ. 3,000નો પગાર લાવું છું. મહિનાની પહેલી તારીખે આખો બગાર ખરે આપવો પડે અને મને ફક્ત રૂ. 50 વાપરવા આપે, એટલે હવે હું ઘરમાંથી કંટાળી ગઈ છું. મારી બે બહેનો પણ રૂ. 2,500 અનેરૂ. 4,000 કમાય છે. તે કમાતી હોઈને અમારા ભી અને પિતાને બહેનોનાં લગ્ન કરવામાં રસ જ નથી.’
સમાજનાં મૂલ્યો બદલાઈ ગયાં છે. માનવી કરતાં પૈસાને વધુ મહત્ત્વ અપાય છે. નોબેલ પારિતોષિક વિજેતા સાઉલ બેલો નામના નવલકથાકાર કહે છે : ‘સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ વાંચન કરે છે અને તેથી સ્ત્રીઓ વધુ સંવેદના ધરાવે છે... સ્ત્રીઓને પુરુષ તરફથી સંતોષ ન હોય કે પુરુષની સ્ત્રી તરફથી સંતોષ ન હોય તેમાં વ્યક્તિગત કારણો ઉપરાંત હાલનો જમાનો પણ કારણભૂત છે. દરેક ક્ષેત્રમાં સ્પેશ્યલાઈઝેશન થઈ ગયું છે. સૌ પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત થયા છે. વકીલો, સર્જનો, ઈજનેરો વગેરે તમામ પોતાની કારકિર્દીને ઉજાળવા તેના વ્યવસાયમાં મહત્તમ શક્તિ ખર્ચે છે. તેને કારણે તેઓ ઘરે આવે છે ત્યારે કોરાધાકોર થઈ જાય છે. વ્યવસાયી કુશળતામાં જ સમગ્ર ધ્યાન અપાતું હોઈને તેમ જ ધન કમાવવામાં જ અતિઉદ્વેગ હોઈને સ્ત્રી અગર પુરુષને તેના અંગત જીવનમાં આત્માને કેળવવાનો સમય રહેતો નથી. આવા વ્યવસાયી નિષ્ણાતો પોતાની કારકિર્દીની ટોચે પહોંચે છે પણ તેમના આત્માના ઊંડાણ સુધી પહોંચતા નથી. આમ બહારના જીવન અને અંદરના (આત્મીય) જીવન વચ્ચે જોડાણ નથી એટલે સ્ત્રી હોય કે પુરૂષ એ બન્ને સાવ જંગલી બની ગયાં છે. ભલે તમે સિવિલાઈઝ્ડ દેખાતા હો પણ અંદરખાનેથી તમે જંગલી બનતા જાઓ છો. સ્ત્રી હોય કે પુરુષ બન્નેએ તેમના બહારના જીવન અને અંદરના જીવનને વ્યક્તિગત રીતે સાંધવું જોઈએ. આટલું કર્યા પછી પતિ-પત્ની ભલે ઝઘડે. સ્ત્રીઓ અત્યારે કડક પ્રકારની બિઝનેસ વુમન બને કે વહીવટકાર બને ત્યારે તે પોતાની સ્ત્રૈણતા ગુમાવે છે. જ્યારે પુરુષ જીવન નિભાવવાનો ખર્ચ પેદા કરે અને પેદા કરે અને સ્ત્રી જીવનને જીવવાલાયક બનાવવા પ્રયાસ કરે ત્યારે જ ગૃહજીવન ચાલે છે. પુરુષ મજબૂત છે અને સ્ત્રીમાં કોમળતા છે.એક ચાવી છે અને એક તાળું છે. બન્ને ભેગાં મળે તો જીવનમાં રહસ્યો ખૂલે પરંતુ પુરુષ તાળું બને અને સાથે સ્ત્રી પણ તાળું બને તો બે તાળાં નકામા બને. એક જણે તો ચાવી બનવું જ પડે.’
ભારતમાં કોઈ પણ ભણેલી સ્ત્રીને મલો તો તે ફરિયાદ કરશે કે તેમના ઉપર પુરુષ આધિપત્ય ધરાવે છે. તેમના વ્યક્તિત્વને પુરુષ સ્વીકારતો નથી. અમેરિકામાં તો આ ફરિયાદ ઘણી જૂની છે. ભણેલ-ગણેલ અને વિચારક હોય, લેખક હોય, ફિલસૂફ હોય છતાં પત્નીને થોડી નીચી ગણે છે. ભણેલો ગણેલો પુરુષ પણ ઘણી વખત પત્નીને શું કામ ધોલધપાટ મારે છે કે લાકડી કે સાણસીથી પણ મારે છે? પ્રેમલગ્ન કરીને પછી એ પ્રેયસીને જ શું કામ ઢોરની જેમ મારે છે? આવા પ્રશ્નોનો જવાબ ‘લવ એન્ડવિલ’ નામના પુસ્તકમાં તેના લેખક રોલોમેએ આપ્યો છે. આ લેખકે તો શરૂઆતમાં જ પ્રેમ વિશે બેધડક કહી આપ્યું છે કે ‘પ્રેમ એ હિંસા આચરવા માટે એક ઢાલ છે. પહેલાનાં જમાનામાં માનવીની સમસ્યા કોઈનો પ્રેમ મળે ત્યારે, ખાસ કરીને પુરુષને સ્ત્રીનો પ્રેમ મળે કે સ્ત્રીને પુરુષનો પ્રેમ મળે ત્યારે, ઊકલી જતી. પરંતુ હવે તો પ્રેમ જ સમસ્યારૂપ બની ગયો છે. સમાજનાં દોરણો બદલાઈ ગયાં છે. પુરુષ અને સ્ત્રી બન્ને પોતાના સંબંધો ટકશે કે નહીં તે બાબત ચિંતિત છે અને છતાં એકબીજાને વળગીને રહે છે. આપણી સંકલ્પશક્તિ કે ઈચ્છાશક્તિ પણ કુંઠિત થઈ ગઈ છે. આપણને ડર લાગે છે કે આપણે એક વ્યક્તિને પસંદ કરીશું તો બીજી વ્યક્તિને ગુમાવી દઈશું, એટલે હવે સ્ત્રીઓ કોઈ ચાન્સ લેવા માંગતી નથી. સલામતી માંગે છે અને આથી જ લાગણીઓ શૂન્ય થઈ ગઈ છે. પ્રેમ અને લાગણી સુકાઈ ગયાં છે. આને કારણે તકલીફ આવે ત્યારે પુરુષ કે સ્ત્રી પોતાની અંદરના આત્માનું પરીક્ષણ કરે છે. પરંતુ પોતે આત્મપરીક્ષણ કરે છે ત્યારે ઊલટાની નવી ઉપાધિ આવે છે. પુરુષ કે આત્મપરીક્ષણ કરે છે ત્યારે તેને લાગે છે કે પોતે તો કંઈ નથી. આ જગતમાં પોતાનું કંઈ મહત્ત્વ નથી. આવું સત્ય પ્રગટ થતાં પુરુષ કે સ્ત્રી ઉદાસીન કે ભાવનાશૂન્ય થઈ જાય છે. અને એ પછી પુરુષ હોય તો તેનામાં હિંસક ભાવ આવે છે. કારણકે લાંબા સમય સુધી પુરુષ કે સ્ત્રી પોતાને બળહીન કે લાચાર જોઈ શકતા નથી. તેથી સ્ત્રી જીભ ચલાવીને હિંસા આચેર છે અને પુરુષ હાથ કે સોટી ચલાવીને હિંસા આચરે છે.’
સ્ત્રી-પુરૂષ આમ પ્રેમનું આવરણ લઈને એકબીજા પર હિંસા કરે છે. ખાસ તો ભારતમાં પુરુષ જ પ્રેમલગ્ન કરીને સ્ત્રી પર પ્રભુત્વ જમાવીને પછી પ્રેમને નામે પત્ની પર હિંસા પણ કરતો હોય છે. આમ શું કામ? આ પ્રશ્નને “ધી ચાર્ચીલ એન્ડ ધી બ્લેડ” નામના પુસ્તકમાં રિયન એસલર નામની લેખિકા બહુ જ ઊંડાણથી ચર્ચે છે. આ પ્રશ્નનો જવાબ આપવા લેખિકા માનવના આખા ઈતિહાસને તપાસે છે :
“અત્યાર સુધી આપણે માનતા હતા કે આ સૃષ્ટિ પેદા થઈ ત્યારે માનવી જંગલી હતો. પરંતુ હાલમાં પ્રાચીનકાળના અવશેષો મળી આવ્યા છે. તે ઉપરથી પ્રતીત થાય છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્નની પ્રથા શરૂ થઈ તે પછી 20,000 વર્ષ સુધી સ્ત્રી-પુરુષ બન્ને કૂબ જ સુખેથી રહેતાં હતાં. પુરુષ તેની સ્ત્રી પર પ્રભુત્વ રાખતો નહોતો. બન્ને સાથે મળીને સંસાર ચલાવતાં હતાં. તો પછી આ વીસ હજાર વર્ષ પછી સ્ત્રી-પુરૂષ વચ્ચે ભેદભાવ કેમ થયા? તેનું એક મોટું કારણ એ કે યુરોપ અને બીજા દેશોમાં જ્યાં સમાજ યુદ્ધ વગર શાંતિથી અને પ્રેમથી જીવતો હતો તેના ઉપર હૂણ લોકો, રોમનો અને એસિરીય લોકોનો હુમલો થયો. શક્તિ અને લડાયક બળ જ સર્વોપરી થયું. શાંતિથી રહેતા સમાજમાં પુરુષે હુમલા સામે લડવું પડ્યું. ખેતીવાડી કે બીજા વ્યવસાયને છોડીને હુમલા સામેનો પ્રતિકાર કરવા માટે કે અન્યાય સામે પોકાર કરવા પુરુષે મોટા ભાગની શક્તિ ખર્ચવી પડી. સ્ત્રી શારીરિક રીતે નબળી હતી. આમ યુદ્ધ, હિંસા અને હુમલાખોરીને કારણે પુરુષ મહત્ત્વનો બન્યો. આખા સમાજની શાંતિ હણાઈ ગઈ. સ્ત્રી ગુલામ બનતી ગઈ. પુરુષ યુદ્ધ કરીને થાકીને લોથપોથ થઈને આવતો.”
“તે પછી આવા હુમલા બંધ થયા ત્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી. 19મી સદીની આ ઔદ્યોગિક ક્રાંતિમાં પુરુષ કારખાનામાં યંત્રવત કામ કરવા લાગ્યો. કુટુંબ અને પત્નીથી દૂર રહેવા લાગ્યો. તેને કારણે પુરુષ સ્ત્રી પર વધુ પ્રભુત્વ રાખતો થયો. તે પછી સામાજિક પરિવર્તનમાં સ્ત્રી પણ ભણાવ માંડી, કમાવા માંડી, તે દરમિયાન 20મી સદીમાં વ્યાપાર, વ્યવસાયી કુશળતા, ધંધામાં સ્પર્ધા, પત્રકારત્વ, વકીલાત, ફિલ્મ ઉદ્યોગ દરેક ક્ષેત્રમાં ટોચે પહોંચવાની હોડ આવી છે. આને કારણે વધુ ને વધુ સમય સામાજિક કે કૌટુંબિક જીવનમાંથી ઝૂંટવાઈને વ્યવસાયી કુશળતા અને સફળતા હાંસલ કરવામાં ચાલ્યો ગયો છે. માનવજીવનની શરૂઆતમાં 20,000 વર્ષમાં તો પુરુષ ઉપર સ્ત્રીનું સામ્રાજ્ય હતું. સ્ત્રી જ શક્તિ તરીકે પૂજાતી.. પણ યુદ્ધો અને ઔદ્યોગિક ક્રાંતિએ આખો પલટો લાવી દીધો છે. સ્ત્રીશક્તિ અને દેવીઓને બદલે પુરુષના પાળિયા પૂજાવા લાગ્યા. સ્ત્રીઓને તરફદારી કરનારાની કતલ થવા માંડી. શાંતિનો સંદેશો આપનારને ખતમ કરાયા. ઈસુખ્રિસ્ત, સૉક્રેટિસ અને મહાત્મા ગાંધી એ ત્રણેય શાંતિના ચાહક અને સ્ત્રીના ઉદ્ધારક હતા. આ ત્રણેયને મારી નાંખવામાં આવ્યા.”
“આજે યુદ્ધનું આખું કલ્ચર (સંસ્કૃતિ) ઊભું થયું છે. સ્ત્રી તેના ચહેરાનો મેકઅપ વધારીને સૌંદર્યના યુદ્ધે ઢી છે. રાજકારણીઓ અણુશસ્ત્રોનું બળ વધારીને સતત યુદ્ધના મૂડમાં રહે છે. જે ધન કે શક્તિ સમાજકલ્યાણ માટે વાપરવાં જોઈએ તે યુદ્ધ અને સ્પર્ધામાં વપરાય છે. એક જ ઈન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ બનાવવામાં એટલો ખર્ચ થાય છે કે તેટલા પૈસામાંથી પાંચ કરોડ બાળકોને પોષક આહાર આપી શકાય. 16,000 સ્કૂલો બંધાવી શકાય, 30-40 લાખ દવાખાનાં બાંધી શકાય. એક અણુસબમરીન બાંધવામાં એટલો બધો ખર્ચ થાય છે કે એટલી રકમમાંથી 12 કરોડ બાળકો માટે સ્કૂલોનાં મકાન બંધાવી શકાય.”
“આમ જે પૈસા કુટુંબજીવનને શાંતિમય અને પ્રેમમય બનાવવામાં ખર્ચવા જોઈએ તે મિલિટરી પર ખર્ચાય છે. અમેરિકામાં લોકશાહી છે પણ તે લોકશાહી ઉપરછલ્લી છે. કુટુંબજીવનમાં તો ઠેર ઠેર સરમુખત્યારશાહી છે કારણકે પૈસો પ્રધાન થઈ ગયો છે. સમાજમાં બેવડા ધોરણનું અર્થતંત્ર છે. સ્ત્રીને તેના કામ બદલ કંઈ પૈસા મળતા નથી. એ વગર પગારની રસોઈયણ, પ્રજા પેદા કરનારી, ધોબણ અને ઘરકામ કરનારી બાઈ બની છે. નોકરી કરે તો પણ તેને ઓછા પૈસા મળે છે.સંયુક્ત રાષ્ટ્રસંઘે 1985માં સ્ત્રીઓની સ્થિતિ વિષે સર્વેક્ષણ કર્યું તો માલૂમ પડ્યું કે, જગતમાં સ્ત્રીઓની વસતિ 50 ટકા છે પણ કામના કલાકોની દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રીઓ જ 65 ટકા વધુ કામ કરે છે અને આમ છતાં પુરુષો કરતાં દસમા ભાગની જ આવક ધરાવે છે. પુરુષો કરતાં સ્ત્રીઓ 100મા ભાગની મિલકતની માલિક પણ બની શકે છે. ઉપરાંત જગતના અમુક ભાગમાં સ્ત્રીઓને તો તેની મહેનત બદલ કંઈ જ મળતું નથી. આફ્રિકામાં મોટા ભાગનું અનાજ સ્ત્રીઓ ઉગાડે છે. ઘણી જગ્યાએ સ્ત્રીઓ જ હૉસ્પિટલો સંભાળે છે. પરંતુ સ્ત્રીના આ કામને અ તેની પેદાશને રાષ્ટ્રીય પેદાશમાં ગણવામાં આવતી નથી.”
“... તો હવે શું થશે? હવે બે વિકલ્પ છે. કાં તો યુદ્ધની સ્પર્ધાને કારણે અણુયુદ્ધ થતાં આખો સમાજ નષ્ટ થશે. નહીંતર યુદ્ધોથી કંટાળીને રાજપુરુષો શાંતિ સ્થાપશે અને પછી એકબીજાના હુમલાનો ભય નહીં રહે ત્યારે પાછું 20,000 વર્ષ સુધી સ્ત્રીપુરુષ વચ્ચે એકરાગ હતો તે એકરાગ સ્થપાશે. જ્યાં સુધી યુદ્ધ અને આર્થિક ક્ષેત્રમાં પુરુષ સતત લડતો રહેશે ત્યાં સુધી કુટુંબજીનમાં શાંતિ આવવાની નથી.”
પુરાણકાળના ઈતિહાસને ટાંકીને આટલી ઊંડી ચર્ચા કર્યા પછી સ્ત્રી-પુરુષના સંબંધ બાબતમાં જ્યોતિષનો વિષય લાવીશું તે કેટલાક વાચકોને કદાચ નહીં ગમે પણ સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધો એટલા કટોકટીમાં આવ્યા છે અને આવશે કે આ પ્રશ્નને આપણી પાસેનાં તમામ જ્ઞાન કે જ્ઞાનનાં સાધનોથી તપાસવો જોઈએ.
સરકારી પંચાંગના કર્તા અને જ્યોતિષી જમનાદાસ જીવરાજાણી કહે છે કે “ડિસેમ્બર 1980થી પ્લુટોએ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે ડિસેમ્બર 1992 સુધી પ્લુટો આ રાશિમાં રહેશે. પ્લુટોના ગ્રહનું આ રાશિનું ભ્રમણ લગ્ન સસ્થાના પવિત્ર બંધનને લાંછન લગાડે. લગ્ન-સંબંધો ઢીલા પડે. ઉપરાંત આ ગાળામાં ઑક્ટોબર 1980થી ઑક્ટોબર 1987 સુધી હર્ષલ નામનો ગ્રહ ધનુ રિશમાં હતો. ધનુ રાશિ ન્યાય-પ્રતિષ્ઠા-ધર્મ અને કુટુંબ ભાવનાને નીચાં પાડે છે. કોઈ આંખની શરમ રાખતું નથી. એ પરાંત જાન્યુઆરી 1981થી ફેબ્રુઆરી 1995 સુધી નેપ્ચૂન નામનો માદક-મુલાયમ અને દગાખોર ગ્રહ જે ધર્મ-સંપ્રદાય અને નીતિની રાશિ ગણાય છે તે ધનુ રાશિમાં છે. આને કારણે જ ધર્મ-સંપ્રદાયો અને નીતિના આચરણમાં ખરાબી આવે છે.”
જમનાદાસ જીવરાજાણી કહે છે : “... બીજું પણ એક વલણ જ્યોતિષની દ્રષ્ટિએ જોવા મળેલ છે. તે પ્રમાણે કુંવારી યુવતીઓ પરણેલા પુરુષ સાથે સંબંધ બાંધવા આતુર છે. તેમાં ય વૃશ્ચિક અને ધન રાશિનો હર્ષલ તેમજ તુલા અને વૃશ્ચિક રાશિનો નેપ્ચૂન કારણભૂત છે. આને કારણે સમજુ વ્યક્તિઓમાં પણ કુંવારી યુવતી બુદ્ધિમંત હોય તો પણ તેણે પોતાની એ વૃત્તિને નીરખીને ચાલવું જોઈએ અને પરણેલા પુરુષ પ્રત્યેના આકર્ષણને ટાળવું જોઈએ. મારો અનુભવ છે કે કેટલીક કુંવારી કન્યા પરણેલા પુરુષ સાથે પરણવા એટલી બધી આતુર છે કે એ પુરુષ બીમાર પત્ની ક્યારે મરી જશે તે જ્યોતિષીની દ્રષ્ટિએ જાણવા મારી પાસે તેના પ્રેમ પુરુષ અને તેની પત્નીની જન્મકુંડળીઓ લઈને આવે છે.”
જમનાદાસ જીવરાજાણીને અમે અમેરિકાની લેખિકા રેઈની એસલરના પુસ્તકની વાત કરી. તેમાં લખ્યું છે કે : હવે 2,000ની સાલમાં જગતમાં શાંતિ થાય તો ફરીથી સ્ત્રી-પુરૂષ પતિ-પત્ની તરીકે સુખચેનથી જીવશે. જ્યોતિષીની દ્રષ્ટિએ આવી આગાહીનો મેળ ખાય છે?
જમનાદાસભાઈએ કહ્યું, “જ્યોતિષીની દ્રષ્ટિએ લેખિકાની વાત સાચી ઠરે તેમ લાગે છે. નવેમ્બર 1994થી હર્ષલ નામનો કર્મપ્રધાન ગ્રહ મકર રાશિમાં આવશે. 1995થી નેપ્ચૂન પોતાની ભાવુકતા સાથે મકર રાશિમાં આવશે. એ સમયે જ ઑક્ટોબર 1993થી નૂતન ક્રાંતિનો જન્મદાતા પ્લુટો વૃશ્ચિક રાશિમાં આવશે. આમ એક નવા સમાજનો જન્મ થઈ શકશે. સામાજિક જીવન, પતિ-પત્નીનો પ્રેમ અને ખાડે ગયેલી લગ્નસંસ્થા વગેરેનું મૂલ્ય ફરીથી સમજાશે. 21મી સદીમાં સ્ત્રીઓનું સન્માન થશે. ત્યારે વિધવા સ્ત્રીને સતી બનતી અટકાવવાનો પ્રશ્ન નહીં રહે. કારણકે અત્યારે પતિ સાથે જ રહેતી સ્ત્રી એક સતીની માફક બળી બળીને જીવે છે તેને બદલે તે સ્ત્રીશક્તિ તરીકે પાછી પૂજાશે. એ જમાનો જરૂર આવશે.”
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર