તમે આઉટસાઈડર છો?

16 Feb, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: johncnewton.com

છજીવનની વ્યથાવાળાં સ્ત્રી-પુરૂષનાં જીવનમાં અમુક તબક્કે અસમંજસની હાલત આવે છે. તે લોકો ભાવુક હોય છે. દુનિયાદારીથી ગળે આવી જાય પછી જીવનમાં શું કરવું કે ન કરવું તેવી દ્વિધાની હાલત થઈ જાય છે તેને અસમંજસ કહે છે. આ હાલતમાં તમે કહી નાખો છો કે ‘હવે મને જીવનમાં કોઈ ઈચ્છા નથી. ખ્વાહિશ નથી. 9 ઓક્ટોબર, 2012ના રોજથી મારી આવી હાલત છે. તો પણ જીવું છું. કલમને આશરે જીવું છું. પ્રેમમાં મેં ઘણા ધોખા ખાધા છે. તમે જાહેર કરી દો છો કે હવે મને કોઈ જ પ્રેમ કરનારની જરૂર નથી. કોઈ હમસફરની પરવા નથી. એ વાક્ય તમે પૂરું કરો ત્યાં જ તમને કોઈ પ્રેમી કે પ્રેમિકાની જરૂર લાગે છે અને નસીબજોગે એ આવી પણ ચઢે છે. ગઈકાલનાં ફિલ્મી ગીતો આવી હાલત ગીતમાં ગાઈને ઘણા કહે છે :

ના તો કારવાં કી તલાશ હૈ

ના તો હમસફર કી તલાશ હૈ

મેરે શૌકે ખાના ખરાબ હૈ

કોઈ રાહ ગુજર કી હી તલાશ હૈ

તેરા ઈશ્ક મેરી આરઝૂ

મેરા ઈશ્ક તેરી આબરૂ

જો દવા કે નામ પે ઝહર દે

ઉસ કારાગર કી તલાશ હૈ

આ ગીતસમૂહમાં એક ફિલ્મમાં તમારા દિલને સ્પર્શે તે રીતે ટોચના ગાયકો ગાય છે. મહંમદ રફી, મન્નાડે, લતા મંગેશકર અને મલ્હોત્રા જેવાં ધુરંધર ગાયકો ગાય છે. સામાન્યતઃ ફિલ્મીગીત 3 મિનિટ ચાલે. રોશનના મ્યુઝિકમાં છ-છ ગાયકો હૃદયના ઉમળકાથી આ ગીત ચૌદ-ચૌદ મિનિટ ગાય છે. તોય તમને કે બીજાને ધરવ થાય છે?

મારા શાયરી શોખીન મિત્ર દેવદત્તે કહ્યું કે આ ફિલ્મનું રેકોર્ડિંગ રાત્રે 12થી 3 વાગ્યે ઘણાં રિહર્સલો પછી પૂરું થયું. છતાંય ‘પૂરું’ ન થયું. સાજિંદાઓ અને ગવૈયાઓએ કહ્યું કે હવે અમારા આનંદ ખાતર આ ગીત ગાવું છે અને રાત્રે 3થી સવારના 6 સુધી આ ગીતના પડછંદા બોલ્યા. 21મી સદીના કેટલાય લાખ્ખો કે કરોડો લોકો જે બહારથી જલસેમંદ દેખાતા હોય તેમની આ ગીતના ભાવાર્થ જેવી હાલત છે. તેને જીવવું છે અને જીવવું નથી. દિલમાં કોઈ જ ઈચ્છા નથી પણ તેનો જીવ અબળખાથી ભરપૂર છે.

મારા પ્રિય લેખક કોલીન વિલ્સને બાવન વર્ષ પહેલાં ‘ધ આઉટસાઈડર’ નામનું પુસ્તક પ્રગટ કર્યું. તે આજે વાંચવા જેવું છે. ‘આઉટસાઈડર’ શબ્દ જગતભરમાં છેક રજનીશ સુધી પ્રચલિત બની ગયો. મને કહેવા દો કે કોલીન વિલ્સન અને મારી રાશિ એક છે. તે 15-7-1931ના રોજ મારા જન્મના કઠણાઈવાળા સમયે જ જન્મેલો. જોકે તેના હિસાબે હું કંઈ નથી. પણ રજનીશ પોતાને આઉટસાઈડર ગણતા તેવો આઉટસાઈડર હું છું. ઓશો રજનીશે તો પૂણેમાં ‘ધ આઉટસાઈડર’ અને તેના લેખક કોલીન વિલ્સન વિશે આખું પ્રવચન આપેલું.

37 વર્ષ પહેલાં હિન્દી માસિક ‘કાદમ્બરી’માં કવિ રામનિવાસ જાજુની કવિતા છપાયેલી. તેનું કાવ્ય : ‘સમાજ કે થે, સમાજ કે હૈ, ઔર સમાજ કે રહેંગે પર હમ જો કહેંગે વહ યદિ કરેંગે તો પેટ કૈસે ભરેંગે? - આજે માત્ર પેટ ભરવા માટે જ નહીં. મન ભરવા માટે જખ મારીને સમાજના બની રહેવું પડે છે. જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શેએ કહેલું, સત્ય માત્ર એક છલાવા હૈ-સત્ય એક છેતરામણી ચીજ છે. ગાંધીજીએ સત્યના પ્રયોગો નામની છલના આપણે માથે મારેલી, પણ ગાંધીજી આઉટસાઈડર નહોતા. પૂરેપૂરા રાજકારણમાં-સમાજમાં રચેલા પચેલા હતા. દેખાવ જ સમાજ-બહારનો હતો.

આલ્બેયર કામુએ પણ ‘આઉટસાઈડર’ નામની વાર્તા લખેલી. તેના પરથી ફિલ્મ પણ બનેલી. પણ તમે પૂછશો કે ‘ધ આઉટસાઈડર’ એટલે શું? જ્યાં પૉલ સાર્ત્ર પણ કહેતા કે પોતે આઉટસાઈડર છે. તેમને સમાજના નિયમોનું ઉલ્લંઘન કરતાં કરતાં જીવવું પડેલું. મેડમ સિમોન કે દિવોયર સાથે લગ્ન કર્યા વગર જ અસ્તિત્વવાદી જીવન જીવ્યા. ‘આઉટસાઈડર’નો માર્મિક અર્થ રજનીશે પણ સમજાવેલો. આઉટસાઈડર શબ્દ ફિલોસૉફરોના ભેજામાંથી પેદા થયો છે. પ્રસિદ્ધ લેખક એચ.જી. વેલ્સ પણ આવા અજનબી હતા. તે કહેતા કે અંધો કે દેશ મેં મૈં આંખવાલા આદમી હૂં-પણ ડાહ્યા લોકો તેમને જ અંધ કહેતા હતા.

સોરેન કિર્કગાર્ડ તો તેમને જ સમજાય તેવી ફિલસૂફીવાળા લેખક હતા. તેમણે અસ્તિત્વવાદ શબ્દને પ્રચલિત કર્યો. તેમણે કહેલું કે, ‘હું કોઈ ગણિતની ફોર્મ્યુલા નથી. હું વાસ્તવમાં ‘ફક્ત’ છું.

કોલીન વિલ્સનના પુસ્તક ‘ધ આઉટસાઈડર’ના પુસ્તકની 20મી સદીમાં જ ધડાધડ પોણો ડઝન આવૃત્તિઓ પ્રગટ થઈ ગઈ હતી. આજે 21મી સદીમાં મારે તે પુસ્તકની યાદી આપવી પડે છે. 'આઉટસાઈડર’ પુસ્તક જાણે આધુનિક યુગનું પ્રતીક છે. આજે રાજકારણ, ઉદ્યોગ-વ્યાપાર કે સમાજની ભીડમાં અજનબી બનીને જીવવું સહેલું નથી.

બીજા પ્લેટફોર્મ ઉપર ગાંગરતા સાધુઓ વક્તૃત્વકળા વાપરીને ભક્તોની ભીડ એકઠી કરે છે. પણ તેમના જીવનમાં કે આશ્રમમાં પોલંપોલ હોય છે તેમ લોકો કહે છે. તમને મન થાય છે કે બધાની દાઢી પકડીને હટાવી દઈએ. પણ આપણે કંઈ કરી શકતા નથી, કારણ કે ભારતીય જનતા પક્ષ કે બીજા પક્ષો આવા બાપુઓ પાસેથી કરોડોનાં દાન લેતાં હોય છે તેમ લોકો કહે છે. ગર્ભવતી નિકિતા મહેતા આંસુ પાડે છે. શું કામ? કોર્ટ તેને ગર્ભપાત કરવા દેતી નથી! ભારતમાં ઠેર ઠેર ત્રાસવાદીના હુમલા થાય છે. તમે ઊકળી ઊઠો છો. પણ તમે કે સરકાર પાકિસ્તાન પર હુમલો કરી શકતાં નથી. નવરાત્રિ આવે ત્યારે જ ગુજરાતી યુવક-યુવતી ભેગાં થઈને મનભર નાચે છે. પણ તેણે ‘છૂપેછૂપે’ પ્રેમ કરવો પડે છે. છૂપેછૂપે કરવો પડે તે પ્રેમ નથી. રાસગરબામાં જ તમે દૂર રહીને તલ્લીન થઈ થાક્યા વગર નાચો તે પ્રેમ જ છે. પછી આગળની જરૂર નથી.

સોમસરેટ મોમે બહુ સરસ વાત કરેલી. તમે જન્મ્યા, કિશોર થયા, યુવાન થયા-તમારી ભાવના પ્રમાણે જીવવું છે. પ્રેમાળી બનવું છે. તમામ વ્યક્તિને પ્રેમ કરવો છે. માયાળુ બનવું છે. આપણે આશાના મિનારા બાંધીએ છીએ પણ આખરે માનવી શું અનુભવે? સોમરસેટ કહે છે કે આખરે માનવીએ કબૂલ કરવું પડે છે. My soul is a stringed instrument on which Gods are playing songs of despair. વાહ! શું વિધાતા પણ આપણને પૃથ્વી ઉપર છોડી દઈને ઈચ્છતા નથી કે આપણે માત્ર આનંદ, આનંદ અને આનંદના જ ભોક્તા બનીએ! વિધાતા પણ કમાલ કરે છે. આપણા આત્માને તેમના મનોરંજન માટેના વાજિંત્રોના સૂરની દોરીઓ ઉપર નિરાશાના સૂરો જ કાઢે છે. દેવતા બરાબર જાણે છે કે સુખ પ્રેમના સાતત્યની ઈચ્છા એક ભ્રમણા છે.

માનવીએ જન્મીને કેટલીય નકારાત્મક કે વિધ્વંસક લાગણીઓમાં તેની ઊર્જાનો વ્યય કરવો પડે છે. વ્યય કરે છે. આમ કરીશ તો આમ થશે. પ્રેમ કરીશ અને પ્રેમિકા કે પ્રેમી છોડી જશે તો? 21મી સદીમાં આ ‘ડિસ્ગસ્ટ’ શબ્દ પાટે બેઠો છે-તમારી જાણ વગર. ડિસ્ગસ્ટ એટલે અરુચિપૂર્ણ, ઘૃણાપૂર્ણ અને ગુસ્સાથી મરેલા, આખરે માનવીનો ગુસ્સો સાવ નપુંસક ઠરે છે. આ બધી લાગણીઓ માનવીય-અર્થતંત્ર માટે નુકસાનકર્તા છે પણ તેનો આપણે બધા જ સામનો કરીએ છીએ. એક જ આશ્વાસન છે કે માત્ર હું કે તમે જ નહીં મોટો વિચારવંત વર્ગ કે લાગણીપ્રધાન બનીને જીવતો વર્ગ આવા અસમંજસમાં છે.

હું કે તમે આઉટસાઈડર હોઈએ તો પણ નિરાશ થવાનું નથી. નૃત્યકાર નિજિન્સ્કી પાસેથી પાઠ શીખવાનો છે. સમાજ કદર ન કરે તો કાંઈ નહીં. સમાજ મને-તમને ન સમજે તો કંઈ નહીં. ઈશ્વર તમારી અંદર બેઠો છે. તમે જ ઈશ્વર છો. એમ નહીં તો તમે જે કાંઈ કરો છો તે તમે તમારી અંદર બેઠેલા ઈશ્વરના આદેશ પ્રમાણે કરો છો. જો આટલો ભાવ હશે તો તમે આઉટસાઈડર હો ઈનસાઈડર હો કે ગમે તેવા હોત, તમારા સ્વભાવ પ્રમાણે પ્રેમ કરતા રહો અને જીવ્યે જાઓ. કદર થાય કે ન થાય.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.