પ્રણય-ભંગનાં ખતરનાક પરિણામ - વિશ્વાસઘાત કરનારાં યુવક-યુવતીને ચેતવણી
પ્રેમને ગમે તેટલો બદનામ કરવામાં આવે છે, છતાં ઘણાં હૃદય માટે પ્રેમના અંકુર ફૂટવા તે સાવ સામાન્ય વાત છે. ફ્રેન્ચ કવિ એન્દ્રી બ્રેટને કહ્યું છે કે “માત્ર પ્રેમ દ્વારા માનવના અસ્તિત્વની અને આત્માના શ્રેષ્ઠ તત્વની ઉચ્ચતમ ઝાંખી થાય છે” અને જ્યારે આવા પ્રેમમાં નિષ્ફળ જાય છે ત્યારે પ્રેમી ભાંગી પડે છે. ટી.બી.ના અસાધ્ય રોગનો ભોગ બનેલા પ્રણયભંગ થયેલા યુવકો અને હિસ્ટીરિયાના રોગનો ભોગ બનેલી યુવતીઓ મેં નજરે જોઈ છે. એમાં પ્રથમ પ્રેમ તો વ્યક્તિના ભવિષ્યના સ્ત્રી કે પુરુષો સાથેના સંબંધ માટે મહત્ત્વનો બની જાય છે. “ધી સાઇકોલૉજી ઑફ લવિંગ” એ પુસ્તકમાં ફ્રેન્ચ લેખક ઈગ્નેસ લીપે કહ્યું છે કે “ભલે પ્રથમ પ્રેમ ક્ષણિક હોય પણ તે માનસશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો બની રહે છે.” લીસા નામની એક સોળ વર્ષની યુવતીનું સાચું દૃષ્ટાંત આપીને લેખક કહે છે કે લીસાને કોમળવયમાં પ્રેમનો આવિર્ભાવ થયો. પણ તેનો પ્રેમ કૉલેજના એક પરિણીત પ્રોફેસર ઉપર જઈ ઢળ્યો. પ્રોફેસર તેને પરણી શક્યો નહિ એટલે લીસા રખાત તરીકે રહી. પ્રોફેસર તો વિલાસી હતા, પણ લીસાનો પ્રેમ ઉત્કટ અને સાચો હતો તેમજ તે પ્રથમ પ્રેમ હતો. પ્રોફેસરે તો પ્રેમને નામે ઘણાં લફરાં કર્યાં હતાં. જ્યારે પ્રોફેસરને લીસાના શરીરમાં વધુ આકર્ષણ ન રહ્યું ત્યારે લીસાને છોડી દીધી. આને કારણે લીસાને ભયંકર આઘાત લાગ્યો. તેની નાસીપાસીને સહન કરવા અશક્ત બની ત્યારે સમાજ ઉપર અને પ્રોફેસર ઉપર વેર વાળવાનો ઘૃણાસ્પદ તુક્કો શોધી કાઢ્યો. તેણે નવા નવા “પ્રેમીઓ” શોધીને પ્રોફેસર ઉપર વેર વાળ્યું પણ અંતે તેનું જ નૈતિક દેવાળું નીકળ્યું.
લીસાના અધઃપતન માટે પ્રોફેસર જવાબદાર હતો. પરંતુ તેમાં પ્રથમ પ્રેમની નિરાશા જ કામ કરી ગઈ. આ દાખલા ઉપરથી યુવક-યુવતીઓને ચેતવણી આપવા જેવી છે કે તમારા પ્રત્યે કોઈ વ્યક્તિ આકર્ષાય તો તમને તેના પ્રત્યે ખરેખર પ્રેમ ન હોય તો માત્ર કામચલાઉ મજા કરવા ખાતર કોઈ યુવકે કે યુવતીએ સામા પાત્ર સાથે ખેલ ન કરવો. તેનાથી ખતરનાક પરિણામો આવી શકે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર