પ્રેમ વિશેની ઊંડી ફિલસૂફી

07 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

I can stop one heart
from breaking
I shall not live in vain
If I can ease one life
The aching or cool one
pain
Or help one fainting
robin
Emily Dickinson

ઉપરની કવિતામાં કવયિત્રી એમિલી ડિકિન્સને ક્યાંય પ્રેમ શબ્દ વાપર્યો નથી, પરંતુ તેની પાંચેપાંચ પંક્તિઓ પ્રેમથી તરબોળ છે. આજકાલ સવાર પડે ત્યાં આપણે કેટલું બધું કડવું બોલીએ છીએ? અખબારોમાં પણ ક્રાઈમની, લૂંટફાટની અને બેવફાઈની વાતો હોય છે. એ વાતાવરણમાં મારે હજરત ઈનાયત ખાંએ પ્રેમ વિશે જે સુંદર અતિશયોક્તિ ભાષ્ય આપ્યું છે એ કહેવું છે. તેમણે ભાષા પણ ખૂબ રૂપાળી અને પ્રેમભરી વાપરી છે, પણ એ પહેલાં કવયિત્રી એમિલી ડિકિન્સનની વાતને આપણે પણ તેની કવિતા મુજબ અનુસરીએ. તે કહે છે કે ભલે હું મારી જિંદગીમાં બીજાં મોટાં દાન ન કરું. પણ મારા વર્તનથી અને કોમળ શબ્દોથી કોઈ એક હૃદયને તૂટતું અટકાવું તો પણ માનીશ કે મારી જિંદગી વ્યર્થ નથી ગઈ.

આપણે પણ આવો સંકલ્પ કરીએ કે સાવ લેવાદેવા વગર કોઈની જિંદગી કઠણ કે કાંટાવાળી બનાવવાને બદલે તેના પીડાયેલા દિલને શાંતિ આપીએ. કવયિત્રીએ રૉબિન નામના પક્ષીનો દાખલો આપ્યો છે. રૉબિન કોમળમાં કોમળ પ્રાણી છે અને તમારે એ સ્વીકારવું પડશે કે કોમળતાની બાબતમાં સ્ત્રી-પુરૂષ બંનેનાં હૃદય સરખાં હોય છે. આજકાલ બંનેને ખૂબ પ્રેમ અને સહાનુભૂતિની જરૂર છે.

હજરત ઈનાયત ખાંએ જે શબ્દો લખ્યા છે એ હૃદયમાં કોતરી લેવા જેવા છે. વાંચો.

જીવનમાં મેં પ્રેમ કર્યો છે અને પ્રેમ
મેળવ્યો પણ છે અરે પ્રેમના હાથે મેં
વિષની પ્યાલી અમૃત માનીને પી લીધી છે.

આ શબ્દોનો ભાવાર્થ સમજવાનો છે. જેને પ્રેમ કર્યો હોય, જેનો પ્રેમ લૂંટ્યો હોય તેના થકી કોઈ વાર કડવાશ પણ સહન કરવી પડે છે. હજરત ઈનાયત ખાં કહે છે. ‘હું જીવનના હર્ષ અને શોકથી ઉપર ઊઠી શક્યો છું. ક્યારે? જ્યારે મને ભરપૂર પ્રેમ મળ્યો છે અને સામે એનાથી બમણો પ્રેમ મેં આપ્યો છે ત્યારે.’

‘મારા પ્રેમ પ્રજ્વલિત હૃદયે જ કોઈ હૃદયને મેં સ્પર્શ કર્યો છે. મારું હૃદય કોઈને પ્રેમ આપીને જરૂર ચિરાયું છે, પણ એ પછી ફરી એટલું બધું મજબૂત રીતે જોડાયું છે કે મને પ્રેમભંગ થયાનો અનુભવ જ થયો નથી. મારાથી પ્રેમનો રિશ્તો તોડનારને પણ મેં પ્રેમ કર્યો છે.’

‘મારું હૃદય ઘાયલ થયું છે અને ફરી-ફરી રૂઝાય છે. મારું હૃદય હજાર વાર મૃત્યુ પામ્યું છે અને પ્રેમની કૃપાથી હજીયે હજાર વાર પ્રજ્વલિત છે. હું નરકમાંથી પસાર થયો છું ત્યારે મેં પ્રેમની ધધકતી આગ જોઈ છે.’ આટલી વાત કર્યા પછી હજરત ઈનાયત ખાં બહુ જ ઊંચી વાત કરે છે. ‘હું જ્યારે પ્રેમરૂપી સ્વર્ગમાં પ્રવેશ્યો ત્યારે મેં મારા પ્રેમનું નામ પોકાર્યું. ત્યારે ઈશ્વરનું સિંહાસન ડોલી ઊઠ્યું. ત્યારે મારે પ્રેમને કહેવું પડ્યું, ‘હે પ્રેમ, તારું રહસ્ય કહે.’ ત્યારે પ્રેમે મૃદુતાથી હાથ પકડીને કાનમાં કહ્યું, ‘તું જ પ્રેમ છો, તું જે ઈશ્વરી તત્વની પૂજા કરે છે એ તું જ છે. તું જ પ્રેમપૂજારી છે અને તું જ તારી પૂજા કરે છે.’

તાત્પર્ય એ છે કે આખરે તો માનવે પોતાનામાંથી જ પોતાને દિવ્ય બનાવીને પ્રેમ મેળવવાનો છે. બીજા શબ્દોમાં પ્રેમ કરશો એટલો મળશે જ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.