ગમગીની કે નિરાશા માટે ડિપ્રેશનની દવા લેવા ન દોડો
કૉલેજની એક વિદ્યાર્થિની ફિલ્મમાં અવારનવાર ડાન્સના સીનમાં ભાગ લઈ મહિને રૂ. 70000 કમાય છે. ત્યાં બે-ત્રણ બૉયફ્રેન્ડ થાય છે. કૉલેજનાં બૉયફ્રેન્ડ હોય છે. ઈમોશન્સ-લાગણીઓ, ઈચ્છાઓ, અબળખાઓ અને મહત્વાકાંક્ષાના જાણે રાફડા ફાટ્યા છે. ખાવાપીવાનાં અને સૂવાનાં ઠેકાણાં નથી. જોવા માટે ટી.વી. ઉપર 70 ચેનલો છે. ઘરે વિડીયો છે. ફિલ્મોના પાસ મળે છે. "મનોરંજન હી મનોરંજન" છે. આવી છોકરી છતાં કહે છે કે તેને ઘણા વખતથી ડિપ્રેશન રહે છે. તે સાયક્રીએટ્રીસ્ટ પાસે રૂ. 1000ની ફી આપીને જતી થઈ છે. તે 'પ્રોઝેક' નામની અમેરિકાની એલી લીલી કંપનીની ડિપ્રેશન માટેની હાનિકારક પુરવાર થનારી ટીકડીઓ લે છે. બીજી એક કન્યા સુભાષચંદ્ર ગોયલી (ઝી ટીવીવાળા) કંપનીમાં કેશિયર છે. એસ.એસ.સી. ભણી છે. હજી પરણી નથી. તે બે-ચાર દિવસે ફરિયાદ કરે છે. "ક્યાંક સોરવતું નથી.. ગમતું નથી." તેને બૉયફ્રેન્ડ મળે છે, પણ બૉયફ્રેન્ડ "આઈ લવ યુ" કહેતો નથી પણ સીધો જ શરીરનો પ્રસ્તાવ કરે છે. આ છોકરીને ડિપ્રેશન છે પણ તેને 'ડિપ્રેશન' શબ્દ આવડતો નથી.
સભ્ય સમાજમાં 'ડિપ્રેશન' શબ્દ પ્રચલિત છે. જગતભરમાં સમૃદ્ધ દેશોમાં ડિપ્રેશન શબ્દ ફરી ફેશનેબલ થયો છે. તેથી એલી લીલી જેવી કંપનીની પ્રોઝેક પ્રકારની દવા દર વર્ષે રૂ. ચોરાણું અબજની (રૂ. 9400 કરોડ) ખપે છે. પાંચ વર્ષ કરતાં પાંચ ગણી ખપે છે. બીજી બધી દવાઓ મળીને ડિપ્રેશનના નકલી રોગ માટે આપણે બધા હક્કની કમાણી એ નકલી ઈલાજમાં ખર્ચીએ છીએ. આજના આધુનિક ભોગલક્ષી અને સરાસર લાકડા છાપ ભૌતિક જીવનમાં માનવીને અવારનવાર ગમગીની થાય તે સહજ છે. સંબંધો અને મનોરંજનનાં જાળાં વિસ્તર્યાં છે. એ જાળામાંથી અમુક તંતુ નહીં પણ ઘણાબધા તંતુ રોજ તૂટ્યા તો કરે જ છે. વળી આજના સંબંધો અને મનોરંજનો કાચા ધાગાનાં છે. 'અભી બોલા અભી ફોક' છે. તેથી માનસિક આઘાતો વધ્યા છે. આને કારણે સાયકીએટ્રીસ્ટોનો ધંધો ખીલ્યો છે. મુંબઈમાં સાયક્રીએટ્રીસ્ટોની એપોઈન્મેન્ટ મુશ્કેલ બની છે. આ સાયકીએટ્રીસ્ટો તેમની મોંઘી ફી ઉપરાંત જે સાયક્રીએટ્રીક ડ્રગ્ઝ લખી આપે છે તે દવા ખૂબ મોંઘી છે એટલું જ નહીં પણ ડૉક્ટરોય જાણતા નથી તેટલી એ દવા ડેન્જરસ છે તેમ અમેરિકાના બે વિદ્વાન ડૉક્ટરો કહે છે.'
આજકાલ માનસિક રોગોની કોઈપણ દવા શરીરને માટે હાનિકારક છે. તેમાં વધુમાં વધુ લેવાતી 'પ્રોઝેક' કક્ષાની ડિપ્રેશનની દવા વધુ હાનિ કરે છે. હવે કૉલેજ જ નહીં પણ સ્કૂલની 'પ્રેમમાં નિષ્ફળ' ગયેલી છોકરીઓ, મોડેલો, અભિનેત્રીઓ, અભિનેતાઓ, ટી.વી. સીરિયલના કલાકારો, રાજકારણીઓની પત્નીઓ વગેરે ડિપ્રેશનનો ભોગ બને છે. તેમાંથી ઘણી ડિપ્રેશનની દવાઓ આરોગે છે.
મુંબઈમાં ડેન્ટલ ફીઝીશ્યનો, કિડનીના સ્પેશ્યાલીસ્ટો, હૃદયરોગના નિષ્ણાતોની પરિષદો ભરાય ત્યારે આના ડૉક્ટરો અખબારોને સાધે છે. આ તમામ મેડિકલ કોન્ફરન્સોમાં મોટાબાગના ખર્ચાઓ દવા કંપનીઓ ભોગવે છે. હકીકતમાં દવા કંપનીઓ જ આવી પરિષદો યોજાવીને પોતાની દવા ખપાવે છે. જે રોગ નથી તેવા પેદા કરે છે. અમેરિકામાં તો પ્રોઝેક દવા વધુ ખપે તે માટે તે દવા બનાવનારી કંપનીના સહકારથી "એન્કઝાયેટી અવેરનેસ વીક" (Anxieky Awareness Weet) અગર તો ડિપ્રેશન અવેરનેસ વીક ઊજવાય છે. તેમાં અમુક સંસ્થા ભળે છે. અખબારોને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્ઝની જાહેરખબરોમાં 40 ટકાની વધારાની આવક થાય છે. એક અંગ્રેજી અખબારમાં ચકાસ્યા વગરની અગર તો અધૂરી ચકાસણીવાળી દવાઓ કે ઉપચારોના લેખો કે અહેવાલો સીધા જ તેનું મૂલ્યાંકન કર્યા વગર વિદેશી અખબારોમાંથી ઊંચકીને યથાવત્ છપાય છે. દવા કંપનીઓ પરદેશનાં અખબારોને સાધીને નવી નવી દવાના સમાચારો છપાવે છે. ભારતમાં અંગ્રેજી છાપાં પોતાની અક્કલ વાપર્યા વગર તે ખબરને મફતમાં છાપે છે.
દવા કંપનીઓ અમુક ટોનીક કે અમુક ડિપ્રેશનની દવા બહાર પાડે એટલે તેને ઘરાક તો જોઈએ જ. એ માટે તેણે રોગ શોધવા પડે રોગી-ઘરાક શોધવા પડે. છાપામાં આવી જાહેરખબર અપાય છે : "તમને સત નાહકની ચિંતાઓ રહે છે? મહત્વાકાંક્ષા છે પણ નિષ્ફળતાનો ડર લાગે છે? એકલતા પીડે છે? અનિદ્રા છે? માથું દુઃખે છે? ક્યાંય સોરવતું નથી? અવારનવાર રડવાનું મન થાય છે? - આવું થતું હોય તો તમને ડિપ્રેશનનો રોગ છે!" આવી રીતે ભડકાવીને દવા ખપાવાય છે. બાવા આદમના વખતથી આવું બધું દરેકને કારણ સાથે કે કારણ વગર થતું હોય છે. માનવી કાંઈ આઠે પહોર આનંદમાં ન હોય. તેને કોઈ કોઈ વખત સોરવે પણ નહીં. આ કુદરતી છે. જેમ ચાર ઋતુઓ છે તેમ માનવીના મનની કે મિજાજની મોસમો છે. કોઈ વખત ગમગીની રહે તે પણ કુદરતી છે. તેને ડિપ્રેશનનું નામ દઈને પ્રોઝેક કે ડિપ્રેશનની દવા લેવા દોડાય નહીં.
દરેક એન્ટીડિપ્રેસન્ટ દવાની આડ અસરો હોય છે. ઘણી વખતે તેનાથી જ જે દર્દી નથી તે સાયકોસીસનો દર્દી બને છે. એટલે કે મેનીયા થઈ જાય છે. ડિપ્રેશનની દવા થકી જ મેનીયા પેદા થાય છે તેમ ડૉ. પીટર આર. બ્રેગીન કહે છે. તમે 'બુગી બુગી'ના ટી.વી. પ્રોગ્રામમાં ભાગ લો અને ઈનામ ન મળે તો 'ડિપ્રેશન' નામનું લેબલ તમે લઈ આવો છો. નિરાશા કુદરતી છે. પણ તમારી હતાશા, નિરાશા, ક્યાંય ન ગમવું તે કુદરતી હાલત તમારો રોગ બને છે! નકલી રોગની દવા ખાઈને તમે પાછા અસલી રોગના દર્દી જ બનો છો. એન્ટીડિપ્રેસન્ટ દવાથી આંખો બગડે છે. તે દરમિયાન ઝાંખું દેખાય છે. મોઢું સૂકું સૂકું લાગે છે કબજિયાત રહે છે. પેશાબ કરવામાં તકલીફ રહે છે. કોઈ વખત હૃદયની તકલીફો થાય છે. જેને ડૉક્ટરો એન્કઝાયેરી (Anxieky) અને અનિદ્રા કહે છે તે માટે કોઈ દવાની જરૂર જ નથી. માનવીને ચિંતાઓ અને ફિકરો રહે છે. કેટલીક ચિંતા નાહકની હોય. પણ તે માટે લોરાઝેપામ, ક્લોરાઝેપામ, લીબ્રાયમ, ઓક્સોઝેપામની મૂળ દવામાંથી બનેલી ભારતીય કે અમેરિકન દવાઓ તમે ચિંતા કે આતુરતા નિવારવા લો છો. ખરેખર તો ચિંતા થાય તો થવા દેવી જોઈએ. માનવીને ચિંતાઓ, લાગણી અને ઉમંગો હોવા જ જોઈએ. ચિંતામુક્ત જીવન ઈચ્છવા યોગ્ય નથી. સાયકીએટ્રીક અગર સાયકોટ્રોપીક દવા તમારી ચિંતાને દાબવા સાથે લાગણીઓને, ઊર્મિઓને, પ્રેમભાવનાને અને સેક્સવૃત્તિને પણ દાબી દે છે. તમે સાવ સુક્કા, લાગણીશૂન્ય બની જાઓ છો. અતિ દવાથી સ્મરણશક્તિનો હ્રાસ થાય છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે બેન્ઝોડીયા ઝેપાઈન્સનાં તત્વોવાળી દવા લે છે, તેની સ્મરણશક્તિ ઘટી જાય છે. ઊંઘવાની કે ચિંતા ઘટાડવાની દવાથી પેટ બગડે છે, એસિડીટીનો નવો રોગ ઘર કરે છે.
પ્રોઝેક લેવાથી કે તેની કક્ષાની ઝોલાફૂટ પેક્સીલ સેલેક્સ, લુવોક્સ વગેરે પરદેશની બનાવટો લેવાથી જે લોકોને નુકસાન થયું છે, તેની 40000 ફરિયાદો અમેરિકાના ફેડરલ ડ્રગ્ઝ ખાતા પાસે આવી છે. છતાં પ્રોઝેકનું વેચાણ વધતું જાય છે. ભારતમાં હવે પ્રોઝેકની નકલ અસલીરૂપે મળે છે.
પ્રોઝેક વગેરે એન્ટીડિપ્રેસન્ટ દવાથી કામચલાઉ રીતે તમને થોડોક "જલસો" પડતો હોય તેવું લાગે. કામ કરવાની નવી તાકાત મળ્યાનો અહેસાસ થાય પણ તે પછી તુરંત ચિંતાનું પ્રમાણ વધે છે. મન સતત એજિટેટ થતું હોય છે. તમારો વલવલાટ વધે છે, ઊંઘ ઓછી થાય છે.
એ દવાથી ઘણાને ઘેલછા ઊપડે છે. ઘણાં લોકો તો પ્રોઝેક લેવાથી હિંસક બને છે તેમ એ પુસ્તકના લેખકો કહે છે. ("યોર ડ્રગ મે બી યોર પ્રોબ્લેમ") ડૉ. ડેવિડ કોહેન કહે છે પ્રોઝેક લીધા પછી કોઈ વખત તમને અંદરથી જ કોઈક ટોર્ચર કરતું હોય, ત્રાસ આપતું હોય તેવું લાગે છે. હાવર્ડ યુનિવર્સિટીના ડૉ. જોનાથન કોલ કહે છે કે ઘણા વિદ્યાર્થીઓ કે પ્રોફેસરો ડિપ્રેશનની દવા લે છે પછી તેઓ સેલ્ફ ડિસ્ટ્રિક્વિવ બને છે. - આત્મઘાતક બને છે. જે તે ખાવા માંડે છે. તેને આપઘાત કરવાના વિચારો આવે છે. એન્ટીડિપ્રેસન્ટ દવા લેનારને દારૂ પીવાનું મન થાય છે. ઘણાને સતત થાક લાગે છે. ઘણાની ભૂખ મરી જાય છે.
હકીકતમાં જેને ઈમોશનલ સફરીંગ કહે છે તે લાગણીઓનાં દુઃખ અને બાળકોનું તોફાની હોવું બન્ને સ્વાભાવિક છે. દુઃખ, લાગણીઓ દુભાવી ઓછું આવવું વગેરે તો જીવનનો મસાલો છે. માનવીને કોઈ મહેણું મારે અગર તમને કોઈ વાતની પીડા થાય છે તે વાત સારી છે. તે બતાવે છે કે તમારો સ્પિરિટ જાગૃત છે. તમારામાં જાગૃતિ છે. એ જાગૃતિને દબાવી દેવાની શું જરૂર છે? જીવનમાં સુખી થવા માટે પણ કેટલાંક દુઃખ-દર્દની જરૂર છે. તે તમામ માટે દવાની ટીકડીઓ લેવા ન દોડાય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર