તમારા બાળકને જિનીયસ બનાવવું છે?
અમેરિકાને જો કોકાકોલા અને પેપ્સી પીવામાં અનુસરતાં હોઈએ તો તે ખોટું છે, પણ અમેરિકનોમાંથી અમુક જણ મોર્ડનિટી એટલે કે કહેવાતી આધુનિકતાથી કંટાળી ગયા હોય અને અનોખી ઢબનું જીવન અપનાવતા હોય તો તેને અનુસરવું જોઈએ.
ઘણા અમેરિકનો 'નો ટી.વી.ડે' પાળે છે. એક સપ્તાહમાં આખો દિવસ ટી.વી. જોતા જ નથી. ઘણાં યુરોપિયનો 'નો શોપિંગ મન્થ' રાખે છે. એક આખો મહિનો રસોડા માટેની ખાવાની ચીજ સિવાય કંઈ જ શોપિંગ કરતા નથી. પણ સૌથી મઝેદાર વાત અમેરિકાના 'ટાઈમ' મેગેઝીને કરી છે. જ્યારે પણ અમેરિકા, મુંબઈ કે કલકત્તાની આધુનિક મમ્મીઓનું બાળક 3 વર્ષનું થાય ત્યાં તેને તાલીમ આપવામાં, તેને ખવરાવવામાં, તેની પાસે લેસન કરાવવામાં કે વિવિધ કલાના વર્ગો લેવરાવવામાં બાળકની પાછળ આદું ખાઈને પડી જાય છે. પણ અમેરિકામાં હવે નવો પવન શું છે તે જાણવું જોઈએ.
તમારે તમારા બાળકને જિનીયસ બનાવવું છે? તો તમે જોયું હશે કે ભૂતકાળમાં ઘણા જિનીયસ પાકી ગયા. ત્યારે બાળમંદિરો નહોતાં. તમારી જેવી વધુ પડતી ઉચાટવાળી મમ્મીઓ નહોતી. બાળકને સતત ઘોંચપરોણા કરતી નહોતી. બાળક બાળક તરીકે ઉછરતાં. એટલે જ કદાચ આજે પહેલાં જેવા રિયલ જિનીયસ પેદા થતા નથી. 'ટાઈમ' મેગેઝીન ટોમ માર્ટીન અને તેની પત્ની ડેનીટ બેન આરીનો દાખલો આપે છે. બંને જણ મેસાચ્યુસેટસ રાજ્યના બ્રુક લાઈન શહેરમાં રહે છે. તેમને બે દીકરીઓ છે. દીકરીઓ કાંઈ મોટી લતા મંગેશકર કે માર્ગારેટ થેચર કે મિસિસ રૂઝવેલ્ટ ન બને તો કાંઈ નહીં. મોઝાર્ટ જેવી સંગીતકાર કે માર્યા ગ્રેહામ જેવી કવયિત્રી ન બને તો કંઈ નહીં, તેમની દીકરીઓ માત્ર બાળપણને આનંદથી માણીને પસાર કરે તેમ પતિ-પત્ની ઈચ્છે છે.
શનિ-રવિમાં બંને બાળકીઓએ શું કરવું તે મા-બાપે નક્કી કર્યું છે. શું કરે? કંઈ નહીં, બસ, મઝા કરે. જૂના જમાનામાં બચપણમાં આપણે સૌ જીવતા હતા તેમ સતત રમતમાં મન પરોવીને જીવે. આજના બાળકમાંથી આપણે ઈનોસન્સ-ભોળપણ, બચપણ અને માસૂમિયત ઝૂંટવી લીધાં છે. હજી છ મહિનાની છોકરી કે છોકરો થાય ત્યાં ચડ્ડી પહેરાવી લેવાય છે.
પચ્ચીસ વર્ષ પહેલાં બાળકોને બૂટ-ચંપલ કે કશું જ પહેરવાની ઝંઝટ નહોતી. ભમરડા, મોઈડાંડિયા, ખો-ખો અને રાત્રે અંધારા-અજવાળાની રમત રમતા હતા. બાળક તરીકે કંઈ જ કરવાનું નહોતું, રમવાનું અને ફુરસદ મળે તો વાંચવાનું, હા, વાંચવાનું અને કથાવાર્તા સાંભળવાનાં. અમેરિકાના બ્રુકલાઈન શહેરનાં મા-બાપ તેની દીકરીઓને ટોક ટોક કરતાં નથી. કેટલાક મા-બાપ રાત્રે હજી 9 વાગે ત્યાં બાળકોને પરાણે પોઢાડી દે છે. હિટલરશાહીથી દરેક શિસ્ત પળાવે. નાસ્તાને વખતે ભૂખ ન લાગે તો પણ સોટીની અણીએ ખાઈ જ લેવાનું. ટોમ માર્ટીન અને ડેવીડ બૈન આરી તેની બાળકીને કશી જ ફરજ પાડતાં નથી. 4 થી 7 વર્ષની દીકરીઓને મા-બાપ સાથે ટીવી જોઈને પછી સૂવું હોય ત્યારે સૂઈ જાય છે. હા, એટલું ખરું કે દીકરીઓને વાર્તા કહીને સુવરાવે છે. શયનગૃહમાં વાર્તાની ચોપડીઓનો થોકડો રાખી મૂકે છે.
'ધ ન્યુ સ્ટેટમેન'ની લેખિકા કહે છે કે જાણે હવે બાળપણ 'આઉટ ઑફ ફેશન' થઈ ગયું છે. બાળપણને ભોગવવાને બદલે બધા ટીનેજર્સ થઈ જાય છે. 5થી 7 વર્ષનાં બાળકોને માટે જીન્સ વેચાય છે. યુરોપમાં મુગ્ધાવસ્થાની નવેસર વ્યાખ્યા થાય છે. સ્પેનમાં બાર વર્ષની બાળકી સાથે છૂટથી સેક્સ કરી શકાય છે. અમેરિકામાં આવું કરનારને જેલ થઈ શકે. ડેન્માર્કમાં પંદર વર્ષની છોકરી પરણી શકે છે. બ્રિટિશ પાર્લામેન્ટ સોળ વર્ષની છોકરીને સેક્સ્યુઅલ સંબંધ રાખવાની છૂટ આપવા માગે છે, પછી માત્ર ધાવનારો બાળક જ રહેશે. બાળકો માટેના શિક્ષણના પ્રોગ્રામો વધવા માંડ્યા છે. બાળકો જાણે ઓવર પ્રોગ્રામ્ડ બની ગયા છે. તેથી જ આજના બાળકો મોટા થતાં બળવાખોર બનતાં નથી. કહ્યાગરાં બાળકો બહુ સારાં નથી.
21મી સદીમાં અમેરિકન બાળકો સાથે સાથે ત્યાં ઊછરતાં ગુજરાતી બાળકો બધાં જ સુપર જિનિયસ થવા માગે છે. હજી ભાંખોડિયાં ભરતો હોય ત્યાં તેને માટે અલગ નર્સરી સ્કૂલ થઈ ગઈ છે. બાળકો માટેની ખાસ સીડી રોમ્સ તૈયાર થઈ છે. હજી તો અંગ્રેજી શીખે તે પહેલાં બાળકે સેકન્ડ લેંગ્વેજ શીખવી પડે છે.
ગુજરાતી બાળકને અમેરિકામાં ત્રીજી ભાષા ગુજરાતી શીખવાની રહે છે. અમુક સ્કૂલોમાં એડમિશન માટે જબ્બર સ્પર્ધા ચાલે છે. હજી ટચૂકડા હોય ત્યાં ઈન્ટરવ્યૂ આપવા પડે છે. અમેરિકાના મેડિકલ સ્ટોર્સમાં બાળકોના મગજને શાર્પ બનાવવાની દવાઓ ખડકાય છે. કેટલાંક મા-બાપને પોતાના દીકરાને રવિશંકર બનાવવો છે, કોઈને મોઝાર્ટ બનાવવો છે, કોઈને આઈન્સ્ટાઈન બનાવવો છે. આ પ્રકારે રેજિમેન્ટેશનથી મેધાવી બાળક ન બને, બુદ્ધ બને.
બિચારા બાળકને 9 મહિના ગર્ભમાં પણ હવે નિરાંત નથી. અમેરિકાની કેટલીક મમ્મીઓ હવે ગર્ભવતી હોય ત્યાં તેના ફૂલેલા પેટ પાસે પાઈપ મ્યુઝિક રખાય છે. બાળક ગર્ભમાં હોય ત્યાં તેના મગજને સ્ટીમ્યુલેટ કરવાની ટ્રીકો શીખવાય છે. વિજ્ઞાનીઓ નવું ભૂત લાવ્યા છે કે બાળકના મગજની બારીએ ગર્ભમાં ખુલ્લી હોય છે. એટલે 8મે મહિને બાળક સાથે વાતો કરનારાં સાધનો વેચાય છે. કોઈને સાધારણ બાળક ખપતું નથી. યુગલને એક કે બહુ તો બે બાળક થાય છે, તે બ્રિલિયન્ટ હોવાં જ જોઈએ. ઓર્ડિનરી બાળક પરવડતું નથી. બાળક પણ 100 ટકા સ્માર્ટ હોવું જોઈએ. સુપરકીડ હોવું જોઈએ. નોકરી કરનારી માતાઓ તેમનો અપરાધભાવ ઢાંકવા માટે બાળકો માટે ક્લેશ કાર્ડઝ લાવે છે. કમ્પ્યુટર ગેઈમ્સ લાવે છે. મતલબ કે બચપણથી તે ટી.વી. અને કમ્પ્યુટર ગેઈમ્સનો વ્યસની બને છે અને બુદ્ધિ ખીલતી નથી. કમ્પ્યુટરનાં રમકડાં કે યાંત્રિક રમકડાં એ આ બધાં વાંઝિયાં સાધનો છે, જે બાળકના મનમાં સર્જનશીલતાનાં બીજ ન રોપી શકે. બાળકોને શેરીમાં રખડીને પાડોશના બાળકો સાથે રમવા દેવાં જોઈએ. ગરીબ પડોશીનાં ઝૂંપડામાં એકાદ દિવસ જમવા દેવા જવો પડે છે. ગપ્પા મારવામાં તેને મઝા પડવી જોઈએ. મોડર્ન નહીં પણ સાદી ગેમ્સ રમતો કરવો જોઈએ. બાળકોને સોશિયલ અને ઈમોશનલ તાલીમ તો મળતી જ નથી.
હવે યાદ રાખો કે હવે સુપર કીડ્ઝ કે જિનિયસ પેદા થશે તે ઝૂંપડામાં રગદોળાતાં બાળકો જ સુપર કીડ્ઝ હશે. ઝૂંપડામાં ઊભો થયેલો ક્લિન્ટન પ્રમુખ થયો. 90 ટકા રોક ગાયકો ઝૂંપડપટ્ટીમાં પેદા થયા છે એટલે સુપર કીડ્ઝ પેદા કરવા હશે તો ગરીબ કે મધ્યમવર્ગના બનીને બાળકને રેઢાં મૂકવાં પડશે.
આજે ટીના મુનિમ કે તેનાં કઝીન એકલાં એકલાં ઊછરે છે. અનિલ અંબાણી શેરીમાં ઊછર્યો એટલે ચાલાક થાય તો ભાગ્યશાળી ગણાય. ઈસ્ટ-ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ઑફ અર્લી ચાઈલ્ડ-હુડ એજ્યુકેશન તરીકે ઓળખાતા મેડમ ડોરોધી સ્લસ કહે છે કે બાળકોને છૂટાં રમવા દેવા અંગેનું મૂલ્ય મા-બાપ સમજતાં નથી. બહાર રમનારાં બાળકોને મા-બાપ શીટ કહે છે. યાદ રહે કે અમેરિકન યુનિવર્સિટીઓ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશનના ખાસ વિષયો રાખવા માંડી છે.
બાળકોને ઊંઘ, જમણ, અભ્યાસ અને તેને માટેની નિયત પ્રવૃત્તિમાંથી ફુરસદ મળતી તે દિવસના 40 ટકા સમયની હતી. 1997માં હવે બાળક પાસે દિવસમાં બાકીનો 25 ટકા સમય રહે છે. બાળકને જિનિયસ બનાવવું હોય તો 80 ટકા સમય રમવા માટે હોવો જોઈએ. આલ્વીન રોઝન ફિલ્ડ નામના લેખકે 'ધ ઓવર શેડ્યુલ્ડ ચાઈલ્ડ' એવોઈડીંગ ધ હાઈપર પેરન્ટિંગ ટ્રેપ નામનું પુસ્તક પ્રગટ કર્યું છે. આપણે સતત તોફાની બારકસ બાળક માટે હાઈપર એક્ટિવ બાળક જેવું નામ આધુનિક જમાનામાં શોધેલું હતું. હવે તો બાળક જ નહીં, પણ માબાપો પણ હાઈપર માબાપ થઈ ગયાં છે. બાબાને આ તાલીમ, બેબીને આ તાલીમ, આ ક્લાસ, પેલો ક્લાસ, મ્યુઝિક વગેરે તમામ શીખવી દેવું છે.
બાળકને આજે રમત-ગમત તેમજ ખેલથી વંચિત રખાય છે. પછી તે ટિનેજર થતાં કે તે મુગ્ધ વયનો થતાં ક્રિકેટનો ગાંડો શોખીન બને છે. રમતગમત થકી બાળક સ્માર્ટ બને છે. તમારે આઈન્સ્ટાઈનો પેદા કરવાના નથી. જો આઈન્સ્ટાઈન બનાવવાનો મેનીયા હશે તો કદાચ તેનામાં આ ઈન્સ્ટીનપણું હશે, તે પણ રહ્યું સહ્યું જિનિયસનું બીજ મુરઝાઈ જશે. બીજને વધુ પડતું પાણી પવાય નહીં. તેને થોડો તડકો, થોડી તરસ, થોડી ટાઢ પણ જરૂરી છે.
એક જમાનો આવશે કે બાળકો માટે અમુક કલાકો રમત માટે અનામત રાખવા જ તેવો કાયદો થશે. બાળકને મા-બાપ પૂરતું રમવા ન દે તે બાળક માતા-પિતા ઉપર કેસ કરી શકશે.
બાળકોને માતા-પિતા કેટલા બીવરાવે છે! જોજે, મોટરની હડફેટમાં ન આવતી. બેક્ટેરિયાથી અને પાડોશના છોકરાથી બચતી રહેશે. પાડોશીને ઘેર ખાતી નહીં. રોજ આટલું દૂધ તો પીવું જ જોઈએ. સૂતા પહેલાં બિલકુલ બિનજરૂરી ઓવલ્ટાઈન તો ઢીંચવું જ પડે. બાળકોને પોતાનાં પ્લાન તો મા-બાપ કરવા જ દેતાં નથી. શિકાગોની એક બાળકીની માતા કહે છે કે અમારે બહુ ઓછા પાડોશી છે. પાડોશીના દીકરા સાથે મારી છોકરીને રમવું છે, પણ પાડોશનાં મા-બાપ એવા માલિકી ભાવવાળાં અને બીકણ છે કે તેને મારી દીકરી સાથે રમવા દેતા નથી. મારી છ વર્ષની દીકરી માટે હવે મારે પેલા 7 વર્ષના છોકરાનું ડેટીંશ (બેબી ડેટિંગ) કાવતરું કરીને ગોઠવવું પડે છે!!
અમેરિકાના ચાઈલ્ડ એજ્યુકેશનના એક નિષ્ણાત કહે છે કે હું એવાં મા-બાપને જાણું છું કે દીકરો તો ચોરીછૂપીથી રમી લે છે, પણ તેનાં મા-બાપને બાળકની કહેવત લાગુ પડે છે કે 'ઓલવર્ક એન્ડ નો પ્લે મેઈક પેરેન્ટસ વેરી વેરી ડલ' પહેલાં કહેવત હતી કે બાળક આખો દિવસ ભણ્યા જ કરે અને રમત ન રમે તો બાળક ઠોઠ રહે છે, પણ હવે નવા જમાનામાં કેટલાક ઠોઠિયાં માબાપ પેદા થાય છે. આખો દિવસ બંને કામનાં ઢસરડા કરે છે, રમતાં નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર