ધનસત્તા વહેંચતા રહો : એકલા ન આરોગો
'મની ઈઝ લાઈક એ મક, નોટ ગુડ એક્સેપ્ટ ઈટ બી સ્પ્રેડ.' નાણું એ એક કચરા જેવું કે ખાતર જેવું છે તેને ફેલાવતા રહો તો જ ફળ આપે. ધનને વહેંચતું રહેવું જોઈએ. આવી કહેવત ઈંગ્લેન્ડના કવિ, ફિલસૂફ અને રાજપુરુષ ફ્રાન્સિસ બેકને કહેલી. અમેરિકાના અર્થશાસ્ત્રી જ્યોર્જ સોરોઝેએ ચેતવણી આપેલી કે માનવીની ધનની લાલચ સતત વધતી જશે અને તે વધુને વધુ એકલપેટો થતો જશે. તેને કોઈના ઉપર વિશ્વાસ નહીં આવે. આ ટેવ સારી નથી. જે દેશનાં ધનિકો પોતાના ધન અને સત્તાની વહેંચણી નહીં કરે તે ખતમ થશે 21મી સદીમાં અમેરિકનો અને યુરોપિયનોની ગ્રીડ, લોભ અને ધનને આંગત્ય કરી લેવાની વૃત્તિ પશ્ચિમને ખાડે લઈ જઈ રહી છે. એકબીજા ઉપર વિશ્વાસ જ રહ્યો નથી. લગ્ન, પ્રેમ, બિઝનેસનાં સોદા તમામમાં કાનૂની ડૉક્યુમેન્ટો થયા છે. અરે, અમેરિકન છોકરી બોયફ્રેન્ડ સાથે સૂતા પહેલાં લેખિત કરાર કરાવી લે છે કે જો છોકરું થઈ જાય તો તે જવાબદારી લેશે. બેડરૂમમાં પણ એગ્રીમેન્ટ આવી ગયા છે.
આ વૃત્તિ સામે ચાર્લ્સ હાન્ડી તેના પુસ્તક 'મેઈક સેન્સ ઑફ ધ ફ્યૂચર' લખે છે કે ચીન અને ભારતમાં બે વેપારી કે બે ખેડૂત મૌખિક સોદા કરે તે કડક રીતે પળાતા હતા. મેં પોતે મલેશિયામાં આવો નિયમ 1956 સુધી પળાતો જોયેલો.
ચાર્લ્સ હાન્ડી તેના પુસ્તકના 80મે પાને લખે છે કે 'હું સાઉથ મલેશિયામાં એક ઑઈલ કંપનીમાં મેનેજર હતો ત્યારે ચીના વેપારીઓને એકબીજા સાથે ધંધા અને ભાવની વાટાઘાટ કરતા જોયા ત્યારે તેણે ચાયની કોન્ટ્રાક્ટ શબ્દ સાંભળ્યા.' ત્યાં કોઈ જ લીખાપટ્ટી થતી નહીં. બસ મૌખિક કરાર થતા. ભારતમાં અને બાંગ્લાદેશમાં પણ મેં મેમણ વેપારીને લાખ્ખો રૂપિયાના સોદા મૌખિક રીતે જ કરતા જોયા છે. આડમ સ્મિથે ભલે અર્થશાસ્ત્રના કડક કાનૂન લખ્યા હોય પણ તેણે એક ટપકું મૂક્યું કે વેપારીએ પોતાના અંગત હિતને બેલેન્સ કરવું જોઈએ.
તેણે સામા વેપારીના હિતનો પણ ખ્યાલ કરવો જોઈએ. આટલું કર્યા પછી વેપારીએ સૌ પ્રથમ તેના ધંધામાં કે કર્મચારીએ તેની કારકિર્દીમાં તેના હરીફની તાકાતનો ખ્યાલ કરવો જોઈએ. આ લેખમાં મોડે મોડે લખું છું કે 'ચાણક્ય રાજાને માત્ર એક વાક્યમાં કહેતા કે તમે સર્વોપરી હોવા જોઈએ. તમે ટોચ ઉપર હોવા જોઈએ. બે નંબરે રહેવાનો અર્થ નથી અને તે માટે રાજાએ કે વેપારીએ શું કરવું?'
ચાણક્ય નીતિ કહે છે કે -
'તમારી તમામ ઈન્દ્રિયોને કાબુમાં રાખો. તમારી ઈન્દ્રિયોને કાબૂમાં લઈ શકાય છે. મેડિટેશન કરો. ઉપરાંત કામ, ક્રોધ અને લોભ તેમજ અહંકારને નિવારો. વધુ પડતા રંગરોગાન અને ઉત્તેજનાત્મક હાલતથી દૂર રહો કારણ કે તમામ લોકો નાના માણસને નહીં જુએ તેમ મોટા લેખક હો, તંત્રી હો, કુમારમંગલમ બીરલા હો કે બીજા મોટા ઉદ્યોગપતિ હો તો તમારી વર્તણૂક સામે બધા જોશે. રાહલ ગાંધી વાઈનનો સ્વાદ લઈ લે છે નહીં? મુરલી દેવરા સાંજે કોની સાથે બાટલી ખોલે છે તે તમામ ચીજોની નોંધ લેવાય એટલે હંમેશા ટોચે ટકી રહેવા તમારી અંગત વર્તણૂકને કાબૂમાં રાખો.'
'સેવન હેબીટ્સ ઑફ હાઈલી ઈફેક્ટીવ પિપલ' નામનું પુસ્તક બિઝનેસ-મેનેજમેન્ટ ગુરુ સ્ટિફન કોવિએ લખ્યું છે. તેણે પણ લખ્યું છે કે બિઝનેસમાં ટોચે પહોંચેલાએ તેની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી જોઈએ.
સુનત્ઝુ નામના ચીની વિદ્વાને હજારો વર્ષ પહેલાં આર્ટ ઑફ વૉર-યુદ્ધના નિયમો લખેલા. તેમાં 'દુશ્મન' એટલે વેપારીની દુનિયામાં હરીફ પણ આવી જાય છે. આજે સ્પર્ધાનો જમાનો છે. અખબારના ફેલાવામાં, પરીક્ષામાં, નોકરી મેળવવામાં, ધંધાનો કોન્ટ્રાક્ટ મેળવીને ચૂંટણીમાં તેમજ ચૂંટાયા પછી સરકારી પ્રધાનમંડળમાં બેસ્ટ પોર્ટફોલીયો માટે તમામ 'ઘણા દુશ્મનો' ઊભા થયા પણ તમારે તો ચાણક્યની શિખામણ પ્રમાણે ટોચે રહેવાનું છે.
સુનત્ઝુએ કહેલું કે 'તમે જો તમારા હરીફને જાણો અને પછી ખાસ તો તમારી જાતને જોશો તો પછી તમારે સો યુદ્ધોથી ડરવું નહીં પડે પણ વધુ મહત્ત્વનું એ છે કે તમે તમારી જાતને પ્રથમ વધુ જાણો કારણ કે દરેક વિજય વચ્ચે તમારે પરાજયનો સામનો કરવો પડશે. એ વખતે હતાશ થઈ જશો તો તમે જ તમારા દુશ્મન બનશો. ક્રિકેટમાં આ નિયમ લાગુ પડે છે. વેસ્ટ ઈન્ડિઝની કે ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમને નબળી ગણી રમવું નહીં.'
'બ્રીંગ યોર એબ્સોલૂટ બેસ્ટ ટુ ફાઈટ અને ફાઈન્ડ વિક્ટરી.' જ્યારે સ્પર્ધામાં પડો ત્યારે તમામ બેસ્ટ એકત્રિત કરીને જ લડો, શત્રુને કદી નબળો ન માનો. ધંધામાં ખાસ. ધીરુભાઈ અંબાણી આવું કરતા લગભગ ક્રૂર રીતે હરીફને દાબી દેતા.
ચાણક્યની બીજી એક શિખામણ હતી. ટોચે રહેવા તમે તમારા નિયમ કાનૂન ઘડો. સંસ્કૃતમાં કાનૂન કે નિયમને 'કર્મ' પણ કહે છે. તમારો પોતાનો કર્મ અગર ફરજને સમજો. તે માટે તમારી કંપનીમાં તમારે તમારા મેનેજરે, તંત્રીએ તેના પત્રકારોએ કેમ વર્તવું તેના નિયમ ઘડવા જોઈએ. કોઈ પત્રકાર ધનિક પાસેતી ભેટસોગાદો લઈને તેની ખુશામત અખબારમાં કરતા નથી ને? તંત્રી-માલિકે ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત દરેક કર્મચારીને કે પત્રકારને કે મેનેજરને એક 'ગોલ' નક્કી કરવાનું કરવું જોઈએ. આખરે આ કંપનીમાં રહીને તમે તમારી શક્તિ વાપરીને શું કરવા માગો છો? તે વિશેનું ધ્યેય નક્કી કહેવું જોઈએ. ઉપરાંત કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એક વાત છે. તમારા કાર્યથી કે વર્તણૂકથી તમામને ફાયદો થવો જોઈએ. માત્ર તમને જ નહીં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર