પ્રભુકૃપાની ઢાલ હોય પછી દુનિયાની ઐસીતૈસી
ફ્રાન્સના મહાન લેખક વિક્ટર હ્યુગોના જીવનનો આ પ્રસંગ હું ઘણી વખત નિરાશામાં ડૂબેલાને કે સતત દીનતા બતાવનારને પ્રેરણા આપવા કહું છું. વિક્ટર હ્યુગો રોજ સાંજે સમુદ્ર કિનારે બાંકડા પર બેસીને સમુદ્રની ભરતી-ઓટનાં મોજાં જોતા, પછી એક છીપલું ઉપાડતા અને સમુદ્રમાં ફેંકીને ચહેરા ઉપર જબરું સ્મિત લાવતા. છીપલું ફેંક્યા પછી સંતોષની લહેર તેમના મોં પર ફરી વળતી. આથમતા સૂરજને જોઈ તેમને આશા રહેતી જ કાલે પાછો આ સૂરજ ઊગવાનો છે.
આવી જ વાત મહર્ષિ અરવિંદનો આશ્રમ સંભાળતાં માતાજીએ કરી હતી. ખરેખર તો તે મૂળ અંગ્રેજીમાં જ વાંચવા જેવો પ્રેરણાદાયી ટુકડો છે. ‘ધ સુપ્રીમ ડિસ્કવર’ પુસ્તકમાં આ વાત છે.
‘હે માનવ! તું તારાં દુ:ખડાં રડે છે. જરૂર તું સહન કરે છે. તને તારી જિંદગીની તકલીફો તોડી નાખે છે, ઘણી વાર તને લાગે છે કે આ તકલીફોની હારમાળા કદી અટકશે કે નહીં? તારી યાતના, યંત્રણા, વેદના, વ્યથા, કસક, ભીતર લાગેલી ચોટ રૂઝાશે કે નહીં? પણ યાદ રાખ કે ‘ધેર ઈઝ નો નાઈટ વિધાઉટ ડોન’ પ્રભાત વગરની રાત જગત નિયંતાએ ઘડી જ નથી. યાદ રાખ કે જ્યારે જીવનનો અંધકાર ખૂબ ઘેરો બને છે ત્યારે પ્રભાત ઊજળામાં ઊજળું થાય છે. એવું કોઈ વાદળું નથી જેને સૂરજ સોનેરી બનાવી ન શકે. આંસુવાળી આંખ એક દિવસ કોરી થવાની જ છે. હસવાની છે અને એવું કોઈ તોફાન નથી કે ઘેરું આકાશ નથી જ્યાં પછી મેઘધનુષ્ય ન હોય. જગતમાં એવો કોઈ બરફ કુદરતે સર્જ્યો નથી. જે ઓગળે નહીં અને એવો કોઈ કડકડતો શિયાળો નથી જેના પછી વસંત ન આવી હોય...’ માતાજીએ એક કવયિત્રીની માફક કેવાં કેવાં સુવર્ણ વાક્યો કહ્યાં છે!
તેમણે એક ભક્તને કહ્યું કે, તું આ ખેડૂત સામે જો, તેને ભગવાન ઉપર કેટલો ભરોસો છે કે એક અનાજનો દાણો ભૂમિમાં વાવશે તેનાથી હજારો પૌધા થશે. પાક આપશે. જો જે, તારી તકલીફોથી હારી નહીં જતો. તારા જીવનની પાંખોની નિરાશા તો ચપટીકમાં ઊડી જશે અને તે જ પાંખો તને જીવનની ગ્લોરી તરફ લઈ જશે!
દરેક માણસે માતાજીના આ શબ્દો યાદ રાખવા જોઈએ. કવિ ઓમપ્રકાશ શર્માના આ કાવ્યની ઉત્સાહીત કરનારી પંક્તિ છે :
તુમ હો સબ કુછ હૈ, તુમ હો - પર્યાપ્ત હૈ તુમ્હારા હોના
યહ ભી પર્યાપ્ત હૈ કિ તુમ્હારે પાસ દો આંખે હૈ
તુમ્હારી પાસકી આંખ મેં સ્વપ્ન ઊગ સકતે હૈ
ઔર ઊડ સકતે હૈ ફૈલે હુએ આકાશ મેં
પર્યાપ્ત હૈ ઇતના કિ સંવેદનાએ હૈ
જો જા સકતી હૈ દૂર તક સમુદ્ર મેં મોતીઓં તક!
કવિ કહે છે કે તારાં આંસુ તો કીમતી મોતી છે. આજે મોકો આવ્યો છે તો આપણે મહાન ફિલૉસૉફર, વાર્તા, લેખક અને ડૉક્ટરોના ભ્રષ્ટાચાર સામે લડનારા ડૉ. એ.જે. ક્રોનિનને યાદ કરીએ. 85 વર્ષ પહેલાં સમગ્ર યુરોપ અને ખાસ ઈંગ્લેન્ડમાં અને ઈંગ્લેન્ડ ભણીને આવેલા ભારતીય ડૉક્ટરો ઘણું બેધડક ખોટું કરતા. આજે પણ ભારતીય ડૉક્ટરો ખોટું કરે જ છે. દવા વેચનારા, બનાવનારી ફાર્મસીવાળા તેમ જ નિદાન કરનારા સાથે મળીને ચંડાળચોકડી રચીને એકબીજાને કમાવી દે છે અને કમાય છે.
ડૉ. ક્રોનિને વાર્તારૂપે તેના જીવનનો અનુભવ લખ્યો છે. વાર્તાનો હીરો ડૉક્ટર છે. તે પ્રેક્ટિસ છોડીને ડૉક્ટરોના ભ્રષ્ટાચાર સામે લડવા પત્રકાર-પ્રકાશક બને છે. તે જમાનામાં છાપવા માટે જૂના ટ્રેડલ મશીન પર મૂલ્યનિષ્ઠ લેખો છાપતા. વાર્તા દ્વારા ડૉ. એ.જે. ક્રોનિન સંદેશો આપે છે કે આપણે ગમે તેટલી તંગી કે તકલીફમાં જીવતા હોઈએ તો પણ દીનતા રાખવી નહીં. અંદરથી શહેનશાહ જ બની રહેવું. કારણ કે જો આ દુનિયા તમારી દીનતા કે લાચારી જાણશે તો દુનિયા તમારા પર ચઢી બેસશે. તમારી મજબૂરીનો ગેરલાભ લેશે.
ડૉ. ક્રોનિન કહેતા કે ઘણાને પોતાનાં જ દુ:ખો રડવાની ટેવ હોય છે. જાણે પોતાની ઉપર આવેલી આફતો જ બ્રહ્માંડનું મધ્યબિંદુ હોય તેમ ધાંધલ કરે છે. ડૉ. ક્રોનિન કહે છે કે સંયોગો સામે બબડાટ કરવાનું બંધ કરશો તો જ સંયોગો સામે લડવાની તાકાત આપશે. દા.ત. મારા પેરેલિસિસ માટે હું જ જવાબદાર છું. શું કામ ગજા ઉપરનો માનસિક શ્રમ લઈને વાયુકારક કેરીનો અતિ આહાર કર્યો. પરંતુ બીજા લોકો પોતે કાંઈ જ આવો પ્રજ્ઞાપરાધ કરતા નથી તેનેય પેરેલિસિસ થાય છે. તમે સુરતની સ્વરૂપવાન યુવતી પૂજા સંચેતીની કમનસીબી જોઈ? ગણેશચતુર્થીના દિવસે એક ‘ગણેશભક્ત’ (!) હાથમાં રિવોલ્વર લઈને ઉત્સાહમાં ગોળીઓ છોડતા હતા. ગણેશદર્શન કરવા તેના ઘરની ઊંચી ગેલેરીમાં ઊભેલી પૂજા સંચેતીના મગજમાં ગોળી ઘૂસી ગઈ. આજે પૂજાને પેરાલિસિસ છે. બેહોશ છે. તેનો વાંક એટલો જ કે તે ગણેશદર્શન કરવા ઘરમાં જ ઊભી હતી. બીજો દાખલો મુંબઈના બાંદરા વિસ્તારની મહેરૂન્નિસાબહેનનો છે. મહેરૂન્નિસા પાર્કમાં ફરવા લઈ ત્યારે તે એક તારની વાડ સામે બેઠી હતી. એકાએક તેને તારની વાડની વીજળી આભડી ગઈ. તે પેરેલાઈઝડ થઈ ગઈ છે!
ફરીથી આપણે અરવિંદ આશ્રમવાળાં માતાજીના પ્રેરણાદાયી વાક્યને યાદ કરીએ. આ સૃષ્ટિનાં દરેક તત્ત્વો અને દરેક પાર્ટીકલમાં ઘણી બિહામણી શક્તિઓ છે, પરંતુ દરેક પાર્ટીકલ કે અણુમાં એક દિવ્ય તત્ત્વ હોય છે, તે દિવ્ય તત્વ ઉપર ભરોસો રાખો. તમને લાગે કે તમારી ભયંકર અવગણના થાય છે ત્યારે જો તમે તેનો સામનો કરો તો તે અવગણના જીવનની ગ્લોરી માટેનું પારણું બની જાય છે. ડૉ. ક્રોનિન તેની પાસે આવતા દરદીઓને પોતાનો દાખલો આપતા. પોતે જ મોટા આંતરડાના અસાધ્ય રોગથી પીડાતા હતા. તે રોગ સામે ઝઝૂમવા તેઓ બમણી તન્મયતા અને સમર્પણભાવથી દરદીઓને સારા કરતા. અહીં આપણે ઘર આંગણાના ભક્ત કવિ કહાનદાસની કવિતા વાંચવી જોઈએ. તે સ્પષ્ટ કહે છે કે ભલે બધા જ રૂઠે પણ આપણો કીરતાર રૂઠવો ન જોઈએ. રામ રૂઠવો ન જોઈએ. એવી ચોખ્ખી વર્તણૂક અને ચારિત્ર્ય રાખો કે ચારિત્ર્ય દ્વારા રામ રક્ષણ કરશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર