મહર્ષિ અરવિંદનું અખંડ હિન્દનું સપનું
તુફાન કભી માત નહીં ખાતે
ઓ ભૂમિપુત્રોં, સુનો,
હવાને દિશા બદલી હૈ
હવા બંદ હો નહીં સકતી,
જબ તક કિ ધરતી કા મુખડા
ટહક ગુલઝાર નહીં બનતા, તુમ્હારે
શામિયાને આજ ગિરે,
કલ ગિરે, તુફાન કભી માત નહીં ખાતે.
- પાશ (અવતારસિંહ સંધુ)
મુસ્લિમ ભાઈઓ ઈદ વીતી જાય પછી વાસી ઈદ પણ ક્યાંક ક્યાંક ઊજવે છે. જોકે તહેવાર કદી વાસી નથી હોતા. તરોતાજા હોય છે. પંદરમી ઑગસ્ટ અનેક વખત આવી અને ગઈ. આજેય એ આઝાદી તરોતાજ અને ઔર ગુલબદન હોવી જોઈએ.
મહાન ફ્રેન્ચ ઈતિહાસકાર રોમાં રોલાંએ સ્વામી રામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર સરસ રીતે લખ્યું છે : 'જૂના વખતમાં એક દંતકથા હતી, એમાં કહેલું કે ઈમારતને જો કાયમ ટકે એવી બનાવવી હોય તો એની દીવાલોમાં એકાદ જીવતું શરીર ચણીને પૂરી દેવું જોઈએ. એને અનુસરીને કેટલાક સમર્થ સ્થપતિઓએ એવી ઈમારતના ચૂનામાં હજારો હૂંફાળા આત્માઓને દાટી દીધા. આરસપહાણની ફરસ અને રોમન સિમેન્ટ તળે દટાયેલા એ આત્માઓને કોઈ જોઈ નથી શકતું, પણ હું તેમના અવાજ સાંભળું છું.'
જો ફ્રેન્ચ લેખક રોમાં રોલાંની માફક જે જીવતા લોકો ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં મરાયા છે અને ભારતની આઝાદીની ભવ્ય ઈમારતના માટે જીવતા ચણાઈ ગયા છે તેમના આત્માના અવાજો દર 15 ઑગસ્ટે અને આજે 2016મા તમે સાંભળ્યા? મોટા ભાગના સત્તાધીશોના કે સત્તા માટે તલસતા સત્તાભૂખ્યા રાજકારણીઓના કાન તો બધીર થઈ ગયા છે, પણ આમવર્ગ અને સંવેદનશીલ પ્રજાના કાનમાં એટલે કે નેકીથી જીવનારા લોકોના કાનમાં એ અવાજો ગુંજે છે. પાકિસ્તાનમાં દોસ્તી માટે ટેમ્પરરી ઉજવણી કરવા ગયેલા પત્રકાર-સાંસદ સભ્ય રાજીવ શુકલ અને લાલુ યાદવથી પાકિસ્તાન-ભારત વચ્ચેનો પ્રેમ નથી વધવાનો. એ તમામ રાજકારણીઓનો આત્મા ભ્રષ્ટ છે. તેમને ખરા અર્થમાં મુસ્લિમ કે હિન્દુ પ્રત્યે પ્રેમ નથી, પરંતુ ભારતના આમઆદમીનો આત્મા હજીયે સમૃદ્ધ છે. એ શહીદ થયેલા આત્માના આશીર્વાદ અને તલસાટને ભારતના હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ લોકોએ નજરઅંદાજ કરવા ન જોઈએ.
મહર્ષિ અરવિંદે કદી જ ભારતના ભાગલા નહોતા ઈચ્છ્યા અને એ પછી ભાગલાને નહોતા સ્વીકાર્યા. તેમણે ભારતના મુસ્લિમોનો અને તમામ ધર્મોના લોકોનો સાથ લઈને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ ઈન્ડિયા ઉર્ફે અખંડ હિન્દુસ્તાનનું સપનું આપેલું.
રોમાં રોલાંએ રામકૃષ્ણ પરમહંસની જીવનકથા લખતી વખતે કહેલું, 'મેં જે પુરુષની પ્રતિમા આ પુસ્તકમાં ખડી કરી છે એ ત્રીસ કરોડ હિન્દુસ્તાનીઓના (1926માં ભારતની વસ્તી) બે હજારથી વધુ વર્ષના આત્મપરાયણ જીવનનું પરિપક્વ ફળ છે.
'રિલિજન્સ ઑફ ઈન્ડિયા (1879)માં એ. બાર્થ નામના ઈતિહાસકારે લખેલું કે 'હિન્દુસ્તાન એ યુરોપની ગ્રેટ સિસ્ટર છે - મોટી બહેન છે, હિન્દુસ્તાનનો આધ્યાત્મિક વિકાસ આપમેળે નિરંતર વિકસતા પુષ્પની પેઠે વૃદ્ધિ પામતો ગયો છે. ત્રીસ-ત્રીસથી વધુ સદીઓમાં હિન્દુસ્તાનનું દર્શન (ફિલસૂફી) અને સાક્ષાત્કારનું વૃક્ષ એની સહસ્ત્ર શાખાઓ અને ડાળખી સહિત વિકસ્યું છે. ભારતના લોકો મલ્ટીનેશનલ બન્યા છે. એમાં સડો દેખાતો હોય તે નજીવો છે. હજી વૃક્ષમાં પ્રાણ થનગને છે.
દોસ્તી માટે ઈસ્લામાબાદ જવાની જરૂર નથી. એ હૃદયમાં જ ઊગે છે. હૃદયમાં પોષણ પામે છે. ભારતની વસ્તી ત્રીસ કરોડમાંથી એક અબજથી વધુ થઈ છે. આપણને આધ્યાત્મિક વિકાસને પંથે જાણે થોડો થોકોડો લાગ્યો હોય એમ મંદિર-મસ્જિદ માટે શક્તિ વેડફીએ છીએ, પરંતુ આપણું સતત ઈશ્વરના સાક્ષાત્કાર અને ફિલસૂફીનું વૃક્ષ છે એને સડો પામવા દેવું ન જોઈએ.એ વૃક્ષમાં જે પ્રાણ સંચરે છે, એમાં નવા પ્રાણ પૂરવા માટે વેર ભૂલવાં જોઈએ.
એ માટે આજના યુવાનોમાં નવો પ્રાણ સંચરે અને દરેકને ભવ્ય ભારતનું સપનું દેખાય એ માટે યુવાનોને ભારતનો ભવ્ય ઈતિહાસ દેખાડવો જોઈએ. બીજા વિશ્વયુદ્ધ વખતે 1943-'44માં બ્રિટનને અમેરિકાની ખૂબ ગરજ હતી. અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટે બ્રિટન પર દબાણ કરીને ભારતને જલદી સ્વતંત્રતા બક્ષવાની દરખાસ્ત કરેલી. એ દરખાસ્તને ધ્યાનમાં લઈને રસ સ્ટેફર્ડ ક્રિપ્સ હિન્દુસ્તાન આવેલા. બ્રિટને દરખાસ કરી કે જો હિન્દુસ્તાન બ્રિટનને લડાઈમાં મદદ કરે તો ભારતને તત્કાળ સ્વતંત્રતા આપવાનું વચન આપે. રુઝવેલ્ટની આ દરખાસ્તમાં હિન્દુસ્તાનને અખંડ રાખવાની વાત સ્પષ્ટ હતી. મહર્ષિ અરવિંદે તો એક ખાસ શિષ્ય દોરાઈસ્વામી આયરને દિલ્હી મોકલીને ગાંધીજીને સમજાવવાનો પ્રયાસ કર્યો, કારણ કે ગાંધીજી સ્ટેફર્ડ ક્રિપ્સ અને રુઝવેલ્ટની દરખાસ્તને નહોતા સ્વીકારતા. ગાંધીજીએ બીજી તમામ બાબતોમાં મહાનતા બતાવી, પણ પછી દેશના ભાગલા કરવાની ટૂંકી દૃષ્ટિ સ્વીકારી. 15 ઑગસ્ટ, 1947ના રોજ હિન્દુસ્તાનને લંગડી આઝાદી મળી. એ સમયે મહર્ષિ અરવિંદે લખેલું :
'આજે તમને સ્વતંત્ર ભારતની ભેટ 15 ઑગસ્ટે, મારા જન્મદિવસે મળે છે, પણ એ જન્મદિવસની ભેટ ખૂબ જ ગૂંચવણવાળા પેકેટમાં મળી છે અને એને હું ભયાનક ભેટ ગણું છું. બંને દેશને બે જુદા જુદા હિન્દુસ્તાનના તૂટેલા ભાગ મળ્યા છે. બ્રિટનની આ ઉદારતા મને ખટકી છે. મને આવી ઉદારતા નથી ખપતી, મને એવું સ્વતંત્ર હિન્દુસ્તાન ખપતું હતું જે અખંડ હોય.'
એ પછી 1950માં મહર્ષિ અરવિંદે ભાવિ ભાખેલું કે આ ભાગલાને કારણે ભારતે ખૂબ જ કષ્ટો સહન કરવાં પડશે, પણ કાળાંતરે આપણે કષ્ટને પાર કરીશું. તેમના જ શબ્દોમાં, 'આપણે આજકાલ પાકિસ્તાનના સર્જન થકી જે તકલીફો સહન કરીએ છીએ એ પાછી વધશે. (1950), ખાસ કરીને પાકિસ્તાન જ આવી તકલીફો ઊભી કર્યા કરશે. એ તકલીફોને જરૂર પાર કરીશું. એમાં ઘણા માનવ બલિનો ભોગ અપાશે. આ પછી ઈશ્વરીય શક્તિ કામ કરશે, આપણા બળ વડે, આધ્યાત્મિક શક્તિ વડે અને હિન્દુસ્તાનના મુસ્લિમોના સહકારથી અખંડ હિન્દુસ્તાનનું સપનું સાકાર થશે જ.'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર