જીવન-મોતનો ફિલસૂફ વાર્તાકાર અર્નેસ્ટ હેમિંગ્વે
'લેખક કે ખરા સર્જકે જરૂર પહેલાં કદી મરવું નહીં : મરણ એ સૌથી વર્થલેસ ચીજ છે' - હેમિંગ્વે
21 જુલાઈ, 1889માં જન્મીને આખા જગતને તેમની વાર્તાઓ દ્વારા પોતાના જીવનની ફિલસૂફી પીરસનાર અને જગતના ઘણા લેખકો માટે પ્રેરણારૂપ બનેલા અર્નેસ્ટ હેમિંગ્વે 2 જુલાઈ, 1961માં દેહાંત પામ્યા. પણ તેમનું લેખન અને ચિંતન આજેય દુનિયાના કાનમાં ગૂંજે છે. 'તમે લેખક હો કે કવિ કે વેપારી, તમારી ફરજ છે કે મોજથી રહો અને દુનિયાને મોજ કરાવો. દુનિયા દુઃખી છે તેને સતત તમારા મનોરંજનની અને તમારી પ્રેરણાની જરૂર છે. તેને તમારા ભારેખમ વિચારો ન પીરસો. વાર્તા કહો. અર્નેસ્ટ હેમિંગ્વેએ છેલ્લે આત્મકથા જેવી નવલકથા 'ટુ એટ ફર્સ્ટ લાઈટ' લખેલી. આપણે ખોટી માન્યતા ધરાવીએ છીએ કે હેમિંગ્વેએ કંટાળીને આપઘાત કરેલો. પાછળથી જાણવા મળ્યું કે તેની રાઈફલ ભૂલથી ફૂટેલી. એક ગુસ્સેદાર વાચકે હેમિંગ્વેને લખેલું, 'કશુંક કાયમી યાદ રહી જાય તેવું કેમ લખતા નથી? તમારા જીવનનો નિચોડ લખોને?' તેના પ્રત્યુત્તરમાં હેમિંગ્વેએ 'ટુ એટ ફર્સ્ટ લાઈટ' લખી હતી.
છેલ્લાં વર્ષોમાં 1861માં અકસ્માતે 62 વર્ષની ઉંમરે પોતાની રાઈફલથી મર્યા ત્યાર પહેલાં ત્રણ-ચાર વર્ષથી હેમિંગ્વે ડિપ્રેશનથી પીડાતા હતા. સાથે તેમને નપુંસકતાનો અનુભવ થયેલો. માઈકલ રોબર્ટસ કહે છે કે છેલ્લે છેલ્લે તેઓ ઓરેટોન-એમ નામનું સિન્થેટીક ટેસ્ટેસ્ટરોન લેતા હતા, જેથી તેમનું પુરુષત્વ વધે. છેલ્લે છેલ્લે કંઈ લખી શકતા નહીં ત્યારે શરાબનું સેવન પણ વધી ગયેલું. તેમની છેલ્લી નવલકથામાં તેમણે આફ્રિકાના જંગલમાં તેમની છેલ્લી પત્રકાર પત્ની મેરી સાથે સિંહનો શિકાર કરવા જાય છે તેનો અનુભવ લખ્યો છે. આ નવલકથામાં તેઓ પુરુષના પુરુષત્વ સાથે બંદૂકને જોડે છે. તેમની વિન્ચેસ્ટર મોડેલની પંપ-ગનને માટે તેમને કેટલું બધું વહાલ છે તે વિસ્તારથી લખે છે. અર્નેસ્ટ હેમિંગ્વેએ તેની એક મહિલા પત્ર-મિત્ર લિલિયન રોસને કહેલું કે લોકો મને વુમનાઈઝર કહે છે, પણ મારો સૌથી પ્રથમ પ્રેમ મારું પત્રકારત્વ છે, મારું લેખન છે, મારી નવલકથાઓ છે. લિલિયન રોસ અર્નેસ્ટ હેમિંગ્વે ક્યુબામાં રહેતા હતા ત્યારે તેને મળવા ગયેલી. લિલિયન રોસ કહે છે કે અર્નેસ્ટ હેમિંગ્વેએ પોતાની રાઈફલથી આપઘાત કર્યાને હું માનતી નથી. તેણે લખ્યું છે કે 'એ એક અકસ્માત હતો.' હેમિંગ્વે તો કોઈ લેખક આપઘાત કરે તો ગુસ્સે થઈ જતા. તેઓ કહેતા 'ડોન્ટ ડાઈ. મરવું શું કામ જોઈએ? આ જીવનમાં મૃત્યુ તો સાવ નક્કામું છે. હું તો જીવન જીવવામાં માનું છું. ભલે ગમે તેવું હોય પણ જીવનને હું પ્રેમ કરું છું.' આ વાત દરેક ગુજરાતી યુવાન યાદ રાખે. પરીક્ષામાં પાસ થાય કે નાપાસ, મરવામાં કે હારી જવામાં સાર નથી. જીવવામાં બહાદુરી છે.
થોમસ હેગન નામનો એક લેખક આપઘાત કરીને મરી જાય છે ત્યારે અર્નેસ્ટ હેમિંગ્વે કહે છે, 'જો ને! આ લેખક એક સારું નાટક લખીને પૈસા કમાયો. તેણે આવું શું કામ કર્યું? તેણે ચીન જવું જોઈતું હતું. ત્યાં સારી સારી છોકરીઓ સાથે રોમાન્સ કરવો જોઈતો હતો. અગર તો પેરિસ જઈ રિટ્ઝ હૉટલમાં ઊતરીને લોકોને જીવવા માટે પ્રોત્સાહન આપવું જોઈતું હતું. તેને બદલે મરી ગયો! ઓહ નો, નો.' અર્નેસ્ટ હેમિંગ્વેનું પોતાનું જીવન સાહસોથી ભરેલું હતું. તેઓ ફુલ બ્લેડેડ લાઈફ-પૂરેપૂરું રખડું જીવન જીવવામાં માનતા હતા.
અર્નેસ્ટ હેમિંગ્વે 1951માં 'ધ ઑલ્ડ મેન એન્ડ ધ સી' નામની નવલકથા પૂરી કરતા હતા ત્યારે તેમને ડર હતો કે જગતમાં અણુયુદ્ધ કદાચ થાય. તેઓ ખૂબ જ ડિપ્રેસ્ડ હતા. તે વખતે તેમના ડૉક્ટરે પૂછ્યું, 'આવી હાલતમાં અને સતત યુદ્ધના ઓળા નીચે કેમ લખી શકો છો? તો હેમિંગ્વેએ કહ્યું, 'વેલ ડૉક્ટર, જ્યારે તમે અડધી સદીએ પહોંચી ગયા હો અને પચાસની ઉંમરે તમારા ધંધા (લેખન) ઉપર હથોટી આવી ગઈ હોય પછી તમે કેવા વાતાવરણમાં અને કેવા મૂડમાં લખો છો એની કોઈ ખેવના જ રહેતી નથી. બધું આપોઆપ થયા કરે છે. લેખકે કોઈ પણ હાલતમાં કોઈ પણ મૂડમાં લખવું જોઈએ, એમ નહીં પણ પછી તો કેવાય પણ મૂડમાં કલમ ચાલતી જ હોય છે. આ બાબતમાં હેમિંગ્વે મારા ગુરુ છે.
21 જુલાઈ, 1899ના રોજ ઈલીનોય (અમેરિકા) રાજ્યના ઑકપાકર ગામે એક ડૉક્ટર પિતાને ત્યાં જન્મેલા અર્નેસ્ટ હેમિંગ્વે યુદ્ધકથાના લેખક તરીકે પ્રખ્યાત થઈ ગયેલા. તેમને યુદ્ધનો ભારે રોમાંચ હતો. પણ સાથે યુદ્ધની નિરર્થકતા પુરવાર કરવા તેમણે 'એ ફેરવેલ ટુ આર્મ્સ' નામની નવલકથા 1929માં લખી. તે આજે ઘણાં વર્ષો થયાં છતાંય ખૂબ વેચાય છે અને વંચાય છે. શિકાગોના પરા તરીકે ઓળખાતા ઑક પાર્કમાં મધ્યમ વર્ગના બાળક તરીકે ઊછર્યા. તેમનાં આ મધ્યમ વર્ગીય કુટુંબે જે કેટલીક હાડમારી ભોગવેલી તેથી તે જીવનપર્યંત એક બળવાખોર માનસ ધરાવતા થઈ ગયા. તેમના ઘરમાં સ્ત્રીઓનું પ્રભુત્વ ભારે હતું. જ્યોતિષીની દૃષ્ટિએ તેમને સ્ત્રીઓ સાથે સારી લેણદેણ હતી. તેના ઘરમાં ચાર બહેનો હતી. તેની માતા હેમિંગ્વેને ઘણી વખત છોકરીનું ફ્રોક પહેરાવતા. હેમિંગ્વેની મોટી બહેન માર્સલીન અને હેમિંગ્વેને છોકરી ગણાવીને પછી તેને જોડિયા પુત્રીઓ અવતરી છે તેમ કહેવરાવતાં. હેમિંગ્વેની માતાએ માર્સલીનને 1 વર્ષ મોડી સ્કૂલે બેસાડીને ભાઈબહેનને સાથે સ્કૂલમાં બેસાડેલાં.
પંદર વર્ષની ઉંમરે હેમિંગ્વે ઘર છોડીને ભાગી ગયેલા. તેનાં માતાપિતાના રૂઢિને વળગવાના સ્વભાવથી તેમજ વ્યવહારુ સ્વભાવથી તે ગળે આવી ગયેલા. તેને ઓકપાર્કના દંભી ધનિકો ગમતા નહીં. હાઈસ્કૂલમાં તે લેખો લખતા અને હાઈસ્કૂલના મેગેઝીનમાં છપાતા. તેનાં માતા-પિતાની છત્રછાયામાં જીવવાનું ન ગમતાં તે કન્સીસ સીટી ચાલ્યા ગયા. મારું પોતાનું જીવન હેમિંગ્વેની ઢબે જ કાઠિયાવાડમાં ચાલ્યું. હેમિંગ્વે તેની કૉલેજનો ખર્ચ કાઢવા તેઓ 'સ્ટાર' નામના અખબારના રિપોર્ટર બન્યા. તેના પિતા શિકારી હતા. હેમિંગ્વેને ફાઈટ કરવી ગમતી. શરીરને ખૂબ કસરતી અને ખડતલ રાખતા હતા. તેમને લશ્કરમાં જોડાઈને કશુંક પરાક્રમ કરવું હતું. લેખકો સાથે ઝઘડતા. તેની પ્રેમિકા લિલિયન રોયને કહેતા કોઈક લેખક પર રોષ ચઢે તો તું ઠબકારે છે અને મને પણ ઠબકારે છે તે ઠીક કરે છે.
લશ્કરમાં જોડાવા માટે હેમિંગ્વેએ વારંવાર પ્રયાસ કરવા પડ્યા, કારણ કે તેની આંખમાં ખામી હતી. એમ છતાં પ્રથમ વિશ્વયુદ્ધમાં 19 વર્ષની ઉંમરે તે અમેરિકન રેડક્રોસના એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે રણમોરચે 8-8-1918ના રોજ ગયા. ઑસ્ટ્રિયાની સરહદે ડ્રાઈવરને બદલે સૈનિક તરીકે પરાક્રમ કરીને મોરચે દોડી જતાં તે ઘવાયા હતા. તમે પટાવાળા હો અને આસિસ્ટન્ટ મેનેજર જેવું કામ કરવા માંડો કે અખબારમાં પ્રૂફરીડર હો પણ રિપોર્ટર જેવું કામ કરવાનો સ્પિરિટ હોય તો હેમિંગ્વે બની શકાય. હેમિંગ્વેને મિલાનની હૉસ્પિટલમાં રહેવું પડ્યું. ત્યાં એક નર્સ સાથે તે પ્રેમમાં પડ્યા. અગ્નીસ કુરોવસી નામની નર્સને તેણે લગ્નનો પ્રસ્તાવ કર્યો પણ તેણે ના પાડી. કુરોવસ્કીનું આ રિજેકશન તે કદી જ ભૂલ્યા નહીં. તેને કારણે તેણે અશાંત મનને શાંત કરવા ફરીથી કલમ પકડી. તે દરમિયાન હેડલી નામની યુવતીને પરણીને તે ફ્રાંસ જઈને 'ટોરોન્ટોસ્ટાર'ના વિદેશી કોરસ્પોન્ડન્ટ બન્યા.
પેરિસમાં એની કલમને દાદ મળી અને નવલકથાકાર તરીકે ખ્યાતિ પામ્યા. એક બાજુ તેમને આ પ્રસિદ્ધિ ગમતી હતી પણ તેનાથી કંટાળતા હતા. તેણે પોતાની જાતને સતત એક જબરો પુરુષાર્થ ધરાવતા લેખક હોવાની ઈમેજ ઊભી કરી. પોતે બૉક્સર છે, શિકારી છે, યુદ્ધ સમયના પત્રકાર છે, સૈનિક છે અને બુલફાઈટર છે તે વાતનો લોકોને અહેસાસ કરાવીને કહેવા માગતા કે તેના શરીરમાં બળ છે તેટલું જ કૌવત તેની કલમમાં છે. આખી દુનિયામાં ફરીને તે છેલ્લાં વર્ષો ક્યુબામાં ગાળતા હતા. પોતાના પુરુષાતનની વારંવાર બડાઈ મારવાને કારણે લેખકોમાં તે ટીકાપાત્ર બનેલા.
ક્યુબામાં ફિડેલ કેસ્ટ્રો ઉપર આવ્યા ત્યારે કેચમ ગામે ઘર લીધું. ત્યાં તેણે ખેતર પણ વેચાતું લીધું. સમાજવાદી કાનૂન હેઠળ એમને ખેતર છોડવું પડ્યું તેનો આઘાત લાગેલો. તેના ડિપ્રેશનને સારું કરવા બે વખત તેણે વીજળીના ઝટકાનો ઉપચાર કરાવેલો અને અમેરિકાના વિખ્યાત મેયો ક્લિનિકમાં પણ દાખલ થયેલા. પોતાના પુરુષાતતનો ફાંકો રાખનારા હેમિંગ્વે જબ્બર પ્રેમી પણ હતા. થોર્નટન વાઈલ્ડર નામના એક લેખક મિત્રને તેણે હૃદયની વાત કરતા કહ્યું કે, તેની વાસના પેરિસમાં એટલી ભડકેલી રહેતી કે તેને દિવસમાં ત્રણ વખત સંભોગની ઈચ્છા થતાં તે તાબે થતા. કેટલીક વખત તો આ વાસનાને દાબવાની દવા લેતા. જોકે પાછલી જિંદગીમાં તેમણે વાસનાને પ્રજ્વલિત કરવાની દવા લેવી પડેલી.
હેમિંગ્વેને સેક્સને સાઈક્લીંગ સાથે સરખાવતા. તમે જેટલું વધુ સાઈક્લીંગ કરો તેટલા વધુ કુશળ બનો છો! સ્ત્રીઓ ઉપર પ્રભુત્વ રાખવાની તેમને મજા પડતી. તેની ચાર પત્નીઓમાંથી ત્રણે હેમિંગ્વેનું પ્રભુત્વ સ્વીકારેલું. માત્ર માર્થા ગેલહોર્ન નામની પત્રકાર પત્નીએ (ત્રીજી) હેમિંગ્વેનું પ્રભુત્વ સ્વીકાર્યું નહીં. માર્થા કહેતી કે તેના પતિ પુરુષાતનની નાહકની બડાઈ મારતા. તેનામાં લેખનની ક્વૉલિટી નહોતી. હેમિંગ્વેએ ઘણી સ્ત્રીઓને મિત્ર બનાવી હતી. વિખ્યાત જાસૂસી મહિલા માતાહારી સાથે પણ તેણે સેક્સ સંબંધ કરેલો, પરંતુ હેમિંગ્વેની સમગ્ર પર્સનાલિટીને ચીતરવા માટે જ તેમના જીવનની આ અનિચ્છાનીય બાજુ એટલા માટે રજૂ કરી છે કે કોઈ પણ માનવ પૂર્ણ નથી. કોઈ દિવસ લેખકને કે આધ્યાત્મિક પુરુષનેય પૂર્ણ ન માનવો. બધાને માનવ તરીકે જોઈને તેની ખાસિયતોને જ માણવી.
ચાર વખત પરણ્યા પછી હેમિંગ્વેએ પ્રથમ પત્ની હેડલી સાથે છૂટાછેડા લીધા, તેને તેઓ 'પાપ' માનતા હતા, કારણ કે લગ્નના શરૂનાં વર્ષો સ્વર્ગના સુખ જેવા દિવસો હતા. તે સમયે બંને પેરિસમાં હતાં. પણ પેરિસમાં એક પૉલીન નામની રૂપાળી સ્ત્રીના પ્રેમમાં લપેટાયા. એ વખતે હેડલીએ છૂટાછેડા આપવા મંજૂરી આપી, પણ પૉલીન પ્રત્યે તેઓ ખોટી રીતે આફરીન થયા નથી તે જોવા શરત રાખી કે બંનેએ 100 દિવસ ન મળવું. એ શરત પાળીને હેમિંગ્વે પોલીન સાથે પરણ્યા ખરા, કાગળ ઉપર આ લગ્ન બાર વર્ષ ચાલ્યું, પણ વાસ્તવમાં જામ્યું નહોતું. સ્પેનાશ આંતરવિહારમાં રિપોર્ટર તરીકે ગયા ત્યાં માર્થા ગેલહોર્ન નામની પત્રકારને મળ્યા. બંને વચ્ચે તુરંત આકર્ષણ થયું. બંને પરણી ગયાં. આ લગ્ન 5 વર્ષ ટક્યાં. માર્થાનું પોતાનું વ્યક્તિત્વ જાળવવાની જીદને તે સ્વીકારતા નહીં. માર્થા પોતે પણ લેખિકા હતી અને આખાબોલી હતી. આ હેમિંગ્વેને પોતાનાં વખાણ કરતી રહે તેવી પત્ની ખપતી હતી. માર્થા આવું બોલી શકી નહીં.
પણ ચોથી અને છેલ્લી પત્ની મેરિવેલ્શ જાણે ઈશ્વરે મેઈડ ટુ ઓર્ડર ઘડી હોય તેવી તેમની માપસરની પત્ની હતી. ખૂબ ધીરજવાન હતી. તેનાથી 9 વર્ષ નાની હતી. આ પત્ની તેના મરણ સુધી સાથે રહી. હેમિંગ્વેના આકરા સ્વભાવને તે પચાવી ગઈ. હેમિંગ્વેને પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી ગમતી. પ્રથમ પત્ની તેનાથી 8 વર્ષ મોટી હતી. પછીથી તેને જુવાન સ્ત્રી મિત્રો ગમવા લાગેલા. ઘણી સ્ત્રી મિત્રોના પાત્રને તેણે પોતાની નવલકથામાં વણ્યાં છે.
'ઈન અવર ટાઈમ' એ હેમિંગ્વેનું પ્રથમ પુસ્તક ટૂંકી વાર્તાનો સંગ્રહ હતું. બીજે વર્ષે 1926માં તેમણે 'ધ સન ઓલ્સો રાઈઝીઝ' નામની નવલકથા લખી. તેમાં તેની કલમનો કસબ વરતાતો. ઈટાલીમાં જુવાન સૈનિક તરીકેના તેના અનુભવો અને આઘાતને આવરતી 'એ ફેરવેલ ટુ આર્મ્સ' નામની વાર્તાએ તેમને કીર્તિની ટોચે ચઢાવ્યા. આ વાર્તામાં તેમણે પ્રેમ અને યુદ્ધની કથાનો સુમેળ-દુમેળ બતાવ્યો છે. 1940માં તેણે 'ફોર હુમ ધ બેલ ટોલ્સ' નામની નવલકથા લખી, તેનું વેચાણ બધી નવલકથા કરતાં ટોચે ચઢેલું. બીજા વિશ્વયુદ્ધની તેમણે આગાહી કરેલી. તેમણે આ યુદ્ધમાં જાસૂસ તરીકે પણ કામ કરેલું. તેમણે 'પીલર' નામની એક બોટ પણ બનાવેલી. તેની રચના એવી ટેકનિકવાળી કરેલી કે તે બોટ તરફ જર્મન યુ-બોટ આવે તો તેને ખતમ કરી શકાય. પરંતુ આ યુદ્ધમાં તેમને જોઈતી ઉત્તેજના અને સફળતા ન મળતાં તે લંડન પાછા પત્રકાર તરીકે ગયા. લંડનમાં તેને પત્રકાર મેરિવેલ્શ મળી. તેની સાથે લગ્ન કરીને તે ક્યુબામાં રહ્યા.
છેલ્લે છેલ્લે સ્ત્રીમિત્ર બનાવીને તેની સાથે વાસનાનો સંબધ રાખવાને બદલે હેમિંગ્વે પ્લેટોનિક પ્રેમ રાખતા થયા. લિલિયન રોસ નામની પત્રકારને સતત તેઓ પત્રો લખતા. લિલિયન રોસ કહે છે કે, હેમિંગ્વેએ આપઘાત કર્યો નથી. રાઈફલ સાફ કરતાં અચાનક ગોળી છૂટી હતી. તે લેખકોને સલાહ આપતા કે, 'જ્યારે તમે તમારી સુંદર રચનાઓ કરીને આત્મસંતોષ મેળવો ત્યારે તમે શું કરો છો કે કેવું લખો છો તે વિષે બીજા લેખકોની ટીકાની પરવા ન કરો, માત્ર વાચકને રિઝવો.'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર