ડૉક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોય પત્નીને મારે છે!

21 Sep, 2017
12:01 AM

કાન્તિ ભટ્ટ

PC: indianexpress.com

મહાન દ્રષ્ટા અને દૂરનું જોનારા લેખક જ્યૉર્જ ઓરવેલે લખેલું કે, ‘‘સમાજ અને રાજકારણ’’ની એ નવી પરિભાષા ઊભી થશે. તેમાં જો તમે સુધારા (રિફોર્મ) શબ્દ લખ્યો હોય એટલે તે સુધારાને બદલે બગાડા રૂપે બહાર આવશે. ભારત સરકારે સ્ત્રીના ઉત્કર્ષ માટે હકારાત્મકને બદલે નકારાત્મક પગલાં લીધાં છે. સ્ત્રીનું રક્ષણ કરવા એટલે કે પતિ ત્રાસ ગુજારતો હોય તેને અટકાવવા સ્ત્રીને આર્થિક, સામાજિક કે નૈતિક  રીતે બળવાન બનાવવાને બદલે ઈન્ડિયન પિનલ કૉડમાં 498-એ નામની કલમ ઉમેરી છે. તે મુજબ કોઈ પતિ સ્ત્રીને મારતો હશે તો સ્ત્રી નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરે એટલે મુંબઈ કે અમદાવાદનો કટકી ભૂખ્યો જમાદાર કે હવાલદાર આવી ઘરાકીની રાહ જોઈને જ બેઠો હોય છે. પટ દઈને તે માર મારનારા પતિને જ નહિ પણ થોડા વધુ પૈસા ખાવા પતિના ભાઈ, બાપ અને મા બધાંને પકડીને કસ્ટડીમાં નાખી દે છે.

મુંબઈના એક જૈન કુટુંબનો આ દાખલો છે. બે ભાઈઓ વિધવા માતા સાથે રહે છે. મોટા ભાઈને બે બાળકો છે. નાનો ભાઈ પરણીને આવ્યો, પણ આ સંયુક્ત કુટુંબમાં મુંબઈગરી સ્ત્રીને પતિ કે સાસરિયાં સાથે ભળ્યું નહિ. મુંબઈમાં મા-બાપો પુત્રીને સાસરે જવા તૈયાર જ કરતાં નથી. ભારત સરકારનું કુટુંબનિયોજન હમ દો, હમારે દોનો મંત્ર ફૂંકે છે, પણ મુંબઈની કૉલેજમાં ભણેલી અને સાસરે મોડી ઊઠનારી યુવતીને સંયુક્ત કુટુંબની વહુ બનવાને માટે કોઈ હોમવર્ક અપાતું નથી. મોડી ઊઠે, બ્યૂટીપ્ર્લરમાં મંદિરે દર્શન કરવા જતી હોય તેમ ભક્તિપૂર્વક જઈને ફેસિયલ કરાવે, ટીવી જુએ, અંતાક્ષરીમાં ભાગ લેવાના અભરખા રાખે, પણ ઘરકામમાં ધ્યાન ન આપે.

રસોડાની મોટી એલર્જી, મગ, મઠ કે અડદનો ભેદ માલૂમ ન પડે. શેરીને કાંઠે ઊભેલી રેકડીમાં પાંઉભાજી કે ઈડલી-ઢોંસાનું વ્યસન પાડે, પણ આદર્શ પત્ની બનવાના કોઈ જ સંસ્કાર પડે નહિ. છતાં વહેલાસર આ છોકરીને હાઈટ-બૉડીવાળો, સારું કમાતો શાહરૂખ ખાન કે આમીર ખાન જેવો ચીકણો એકલપેટો પતિ મળે તેવું ઈચ્છે છે. આવી સ્ત્રી માટે ભારત સરકારે ઈન્ડિયન પિનલ કૉડની 498-એ કલમ બનાવી છે.

આપણે જે જૈન કન્યાની વાત કરતા હતા તેને સાસરામાં પતિ અને સાસુ સાથે ન બન્યું. પતિએ આ અકડુ પત્નીને જૂના જમાનાના મારકણા પુરુષ-જીન્સ પ્રમાણે અને આદત મુજબ લાફો લગાવી દીધો. થોડું ભણેલી કન્યાને ખબર હતી કે પતિ માર મારે તો ફોજદારને ફરિયાદ કરી શકાય છે. પતિ-પત્ની વચ્ચ ખાસ ખટરાગ નહોતો. પત્નીની જીભ નૉનસ્ટોપ ચાલે. મુંબઈની કૉલેજમાં ભણતી છોકરીને જો સૌથી વધુ માયનસ સંસ્કાર મળ્યા હોય તો તે સતત બોલવાના અને દલીલોના સંસ્કાર છે. બૉયફ્રેન્ડ સાથે કૉલેજમાં નાહકની-ગમ્મત ખાતરની દલીલો કરવાની ટેવ પડે છે. બહેનપણી કે બૉયફ્રેન્ડની વાતને મજાક મજાકમાં કાપી નાખવાની તેને મોજ પડે છે. કોઈ બોલે તો સામે ઊંધું બોલવામાં તેને ગમ્મત આવે છે.

આ ટેવ પરણ્યા બાદ પણ ચાલુ રહે છે, પરંતુ લગ્ન પછી દલીલવાળો સ્વભાવ મંદ કરવો જોઈએ તેને બદલે આ છોકરી એક સાંભળે ત્યાં બેને બદલે ત્રણ સંભળાવતી રહે છે. તેનો વર ગરમ સ્વભાવનો હોય છે અને હજુ છોકરીની માફક પતિદેવ પણ સુધર્યા નથી. પત્નીએ પોતે કહે તેમ કરવું અને પતિ બોલે તેની સામે બોલાય જ નહીં એવી રૂઢ અપેક્ષા હજુ પતિદેવોને છે, એટલે લોઢા સામે લોઢું અફળાય છે. સમાજમાં છુટાછેડાની કોર્ટ સિવાય કોઈ મેરેજ કાઉન્સેલિંગ થતું નથી. પાડોશીઓને તો પતિ-પત્ની વધુ ઝઘડે એમાં રસ હોય છે. આ જૈન છોકરીને માર પડ્યો એટલે સહન ન થયું. સીધી પોલીસથાણે ગઈ. પોલીસને તો ઘરાકી મળી ગઈ. સાસુ, જેઠ અને તેની વહુ બધાંને થાણામાં લઈ જઈ બંધ કરી દીધાં. જેઠનાં બે બાળકોને બચારાંને પાડોશમાં રાખવા પડ્યાં.

સદ્દભાગ્યે તેનો પતિ બહારગામ હતો એટલે પોલીસની જેલમાં જતો બચી ગયો. જૈન છોકરી વકીલ પાસે ગઈ. વકીલ અને છોકરીને ખબર હતી કે સાસરિયાં પાસે એક વધારાનો ફ્લેટ છે, તે ખાલી હતો એટલે સાવધાનસંસ્થાની મદદ લઈને ફ્લેટનું તાળું તોડીને જૈન પત્ની એકલી ફ્લેટમાં રહેવા લાગી.

બહારગામ ગયેલો જૈન પતિ ઘરે આવ્યો તો તેને પણ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો. વકીલે જૈન પતિ ઉપર કેસ કરીને પત્ની માટે કોન્જ્યુગલ હકો માંગ્યા. છૂટાછેડાના વકીલોએ કોન્જ્યુગલ રાઈટ્સ માટે સરસ ગુજરાતી અર્થ શોધ્યો છો. કોન્જ્યુગલ રાઈટ્સ એટલે ઘર માંડવાનો હક શારીરિક રીતે લગ્ન ભાંગવાનો હક્ક.

જૈન પત્નીએ ઘર માંડવાનો કેસ કર્યો, પણ જૈન પતિને, જેમનાં માતા-ભાઈને જેલમાં પુરાવીને, ભાઈનાં બાળકોને ટટળાવતાં રાખનારી પત્ની સાથે એક સેકન્ડ પણ રહેવું નહોતું. કોન્જ્યુગલ રાઈટ્સનો કેસ પત્ની હારી ગઈ. હવે આ કન્યાના પતિના કૌટુંબિક ફ્લેટમાં રહે છે. 5 વર્ષ થઈ ગયાં છે, પરંતુ જૈન કુળની છે, બીજાં લગ્ન કરી શકતી નથી. છુટાછેડાનો પ્રશ્ન નથી. પતિ સાથે રહેવા તૈયાર નથી. પતિ તેને રાજીખુશીથી નિભાવખર્ચ આપે છે. જૈન કન્યા નાસીપાસ થઈ છે. તેને લગ્ન ભોગવવું છે, પણ પરસ્પરના અકડુ સ્વભાવને કરાણે બાજી બગડી ગઈ છે. પત્નીએ કુટુંબને પોલીસ જેલમાં નખાવ્યું તેનું વેરનું ઝેર પતિના મનમાંથી ગયું નથી. જૈન કન્યાને પિયર તરફથી કોઈ ટેકો નથી. એક વકીલે કહ્યું કે, મને લાગે છે કે 498-એની વધારાની સુધારાવાળી કલમ ન હોત તો આવો સત્યાનાશ ન આવત. સ્ત્રીને રક્ષણ આપવા માટેના સુધારાની કલમે કન્યા અને વરનાં લગ્નજીવનને બગાડ્યું છે.

મુંબઈમાં મશહૂર એડવોકેટ અને એસોસિયેશનમાં સારો હોદ્દો ભોગવી ચૂકેલા સિનિયર એડવોકેટ મનુભાઈ વશીનો મત ભિન્ન છે. તેઓ કહે છે કે 498-એની કલમ સારી છે. તેને કારણે આધુનિક પતિઓ પત્નીને માર મારતાં ડરે છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. તે વડોદરામાં પ્રેક્ટિસ કરતો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિ એટલે સારો મુરતિયો ગણાય. તેને મુંબઈવાળાએ પુત્રી આપી. મોટે ભાગે મુંબઈની કન્યા મુંબઈ બહાર જવા તૈયાર નથી. વડોદરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પછી ધીરે ધીરે પત્ની દ્વારા સાસરા પાસે માગણી કરવા માંડી. પતિને વડોદરામાં ઘર લેવું હતું.

પત્નીએ કહ્યું ઘર માટે હું પિતા પાસે પૈસા માગું નહિ, એટલે રોજ ત્રાસ શરૂ થયો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિ રોજ છોકરીને મારતો હતો. આ કન્યા તરફની વાત છે. પટેલ કોમના આ લોકો માર મારવામાં ઉસ્તાદ છે તેમ મનાય છે. મુંબઈની છોકરી પણ પટેલ હતી, પણ તે માર સહન કરી શકી નહિ, એટલે તેણે પોલીસને ફરિયાદ કરી. મુંબઈની છોકરી પિતાને ઘરે આવી ગઈ છે. ફરિયાદ વડોદરા થઈ છે, એટલે કન્યાવાળાને વડોદરાના આંટા ખાવા પડે છે. કોકડું ગૂંચવાયેલું છે. મુંબઈની ત્રીજી એક કન્યાની ફરિયાદ છે કે તેને તો સાસુ, નણંદ અને પતિ એ ત્રણેય માર મારે છે. પત્નીએ આવો માર સહન કરીને સાસરે રહેવું પડે છે. છોકરીના દિયર પણ ગરમ સ્વભાવના છે. કન્યા સાસરાનો ત્રાસ ભોગવીને પિતાને ઘેર આવવા માગતી નથી, કારણ કે પિતાને હૃદયરોગ છે. પિયર પાછી આવે તો આઘાત લાગે. કન્યાના ભાઈઓ પણ ગરમ સ્વભાવના છે. બહેન સાસરે મરે કે જીવે તેની પરવા નથી. આ કન્યાને તો પિનલ કોડ-498એ કલમની ખબર છે, પણ ઉપાધી વહોરવા માગતી નથી.

ફેમિલી કોર્ટમાં છુટાછેડાના અને નિભાવખર્ચના મહત્તમ કેસ સંભાળનારા બોરીવલીના એડવોકેટ હેમેન્દ્ર શ્યામાણી કહે છે કે પુત્રીને લગ્નાભિમુખ બનાવવા માતા-પિતાના સંસ્કાર મળતા નથી, તે જાતનો ઉછેર નથી. પિતા ધંધામાંથી ઊંચા આવતા નથી અને ધનિક સ્ત્રી પાર્ટીઓ અને શોપિંગમાં વ્યસ્ત રહે છે. પછી છોકરી તેની મેળે સ્વતંત્રતાથી અને સ્વચ્છંદતાથી ઊછરે છે. તેને 498-એની કલમ સાસરિયાં સામે વાપરવાની મજા પડે છે. એક મહારાષ્ટ્રિયન કુટુંબનો કિસ્સો છે. સરસ કુટુંબ છે. સસરો રિટાયર્ડ લશ્કરી કર્નલ છે. સંયુક્ત કુટુંબ પણ નથી. એકનો એક પુત્ર છે. કર્નલને મુંબઈમાં બાંદરા ખાતે ફ્લેટ છે, તે પુત્ર અને પુત્રવધૂને રહેવા માટે આપ્યો છે. કર્નલને સારું પેન્શન અને સારી કમાઈ છે. કન્યાનો પતિ સારું કમાય છે. પતિ કામ ઉપર ગયા પછી મુંબઈવાળી કન્યા નાની-નાની ચીજો પિયરને આપી આવે છે. કર્નલ સસરો ઉદાર છે, પણ ડિસિપ્લિનમાં માને છે. પત્ની આવી રીતે પિયરમાં ચીજવસ્તુ આપી આવે તેનો કન્યાના વરને વાંધો નથી પણ કર્નલ જ્યારે પુણેથી આવે ત્યારે તે નજર રાખે છે કે વહુ કેવી હરકત કરે છે. કર્નલ વહુને ઠપકો આપે છે.

ભણેલી વહુ તુરંત પોલીસમાં જઈ ફરિયાદ કરે છે કે મારા સસરાની મારી ઉપર બૂરી નજર છે. મને મારે છે કે માનસિક ત્રાસ ગુજારે છે. પોલીસને તો બસ આટલું જ જોઈએ, પરંતુ સામેથી કર્નલ સસરો હોશિયાર રહે છે. તેને ખબર છે કે 498-એની જાલિમ કલમ લાગુ કરતાં પોલીસની જેલમાં જઈને બદનામ થવું પડશે એટલે પોતે એન્ટીસિપેટરી બેઈલ (આગોતરા) જામીન લઈ લે છે. હવે આ બાઈ ઉપર જ ત્રાસ ગ્રાઉન્ડ ઉપર વરે છૂટાછેડાનો કેસ કર્યો છે, મને આ પત્ની ખપે જ નહિ.આ સ્ત્રી બાંદરાના આલિશાન ફ્લેટમાં રહે છે. તે તેનાં પિયરિયાંનાં સિંગલ રૂમના ફ્લેટમાં જઈને રહેવા તૈયાર નથી, એટલે તેને બાંદરામાં જ પતિ સાથે રહેવું પડે છે. ઘણા વકીલો કહે છે કે 498-એની કલમનો 80 ટકા ગેરલાભ લેવાય છે.

અને અને વર પક્ષ બંને પાસેથી હવે પોલીસને પૈસા મળવા માંડ્યા છે. વરને જલદી જેલમાં નાખવા કન્યા પક્ષવાળા પૈસા ખવરાવે અને વરના કુટુંબને ન પકડે અને પકડે તો પોલીસ માર ન મારે તે માટે વરપક્ષે પૈસા આપવા પડે છે. એક જૈન બહેને પતિ સાથે ન બનતાં તેના પતિ ઉપર છુટાછેડાનો કોસ કર્યો છે. ઉપરાંત તેના સ્ત્રીધનની માગણી કરી છે. કોર્ટમાં અને પોલીસમાં સ્ત્રીધનના દાગીનાનું વધુ પડતું લાંબુ લિસ્ટ આપ્યું છે. વરપક્ષવાળા કહે છે કે દાગીનાનું લિસ્ટ વધુ પડતું છે. કન્યા પક્ષવાળાએ પોલીસ સ્ટેશનમાં વગર વાપરી છે. વરને ધમકી મળે છે કે કન્યા પક્ષવાળા કહે છે તે પ્રમાણે નહિ કરે તો પોલીસ કસ્ટડીમાં ફરિયાદ કરીને બંધ કરાવી દેશું, તેથી રાત્રે આ પતિ નિરાંતે ઊંઘી શકતો નથી. ક્યારેક પણ પોલીસ આવીને તેને કસ્ટડીમાં લઈ જશે તેવો ભય લાગે છે.

તાજો દાખલો, વાપીમાં ધીખતી પ્રેક્ટિસ કરનારા અને પોતાની હૉસ્પિટલ ધરાવતા એક અનાવિલ દેસાઈ રહે છે. તેમણે મુંબઈની જ એક દેસાઈ કન્યા સાથે લગ્ન કર્યું છે. ડૉક્ટર-વરને સંતાનમાં એક પુત્ર છે. ડૉક્ટર પતિ અને તેમના વકીલ આર.પી. વશી કહે છે કે આ ડૉક્ટર સ્વભાવનો મોળો છે. સ્ત્રી મુંબઈમાં ઊછરેલી છે એટલે મગજની તેજ છે. હવેતો સ્ત્રીએ પ્રસન્નદામ્પત્યની શિખામણો સાથે સાતે પતિદેવોએ પણ આધુનિક જમાનામાં છૂટ લેનારી પત્ની સાથે એડજસ્ટ કેમ થવું તેની તાલીમ લેવાની જરૂર છે.

પતિની જોહુકમી સહન કરનારી પત્નીનો જમાનો વીતી ગયો છે. પત્ની બચપણથી મોટે સુધી સ્વતંત્રતામાં ઊછરી હોય છે અને સ્વતંત્ર દશાવાળી ફિલ્મો જોઈ હોય છે અને સાહિત્ય વાંચ્યું હોય છે. સ્ત્રીનો, બહાર સારાં કપડાં પહેરીને ફરવું તે સ્વભાવ થઈ ગયો છે. પતિએ આ બધું સંભાળી લેવું જોઈએ.

મુંબઈની કન્યા સાધારણ આર્થિક કુટુંબની હતી, પણ મુંબઈના નીચા મધ્યમ વર્ગની છોકરી વધુ શોખીન અને વધુ સપનાં જોનારી હોય છે. બોરીવલીમાં રહેતી આ છોકરીને વાપીના ડૉક્ટરનું પૈસાદાર સાસરું મળ્યું તો શું કામ લહેરથી ન રહેવું? છોકરાવાળા કહે છે કે તે દેખાવમાં સુંદર છે, પણ તેને બહાર ફરવું ગમે છે. પત્નીની વધુ પડતી છૂટ અને બીમાર સસરાની સંભાળ ન લેતાં ડૉક્ટર પતિ ચિઢાય છે.

છોકરાવાળાનો દાવો છે કે એક વખત સસરાની ચામાં ડૉક્ટરની પત્નીએ વધુ પડતી દવાની ગોળી નાખી દીધી હતી તેથી સસરાનું બ્લડપ્રેશર એકદમ નીચું થઈ ગયું. છોકરીનો આક્ષેપ છે કે તેનો પતિ તેને આવા બહાને ખૂબ માર મારે છે. મુંબઈની કન્યા એટલે 498-એની કલમ જાણતી હશે. તેણે વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી એટલે ડૉક્ટર, તેનો નાનો ભાઈ અ સાસુ-સસરાને વાપીની પોલીસ કસ્ટડીમાં પોલીસે પુરી દીધાં. નવાઈનીવાત એ થઈ કે રમેશભાઈ વશી વર પક્ષ તરફથી વકીલ છે અને તેનો ભત્રીજો મુકેશ વશી કન્યા પક્ષ તરફથી છે. વરવાળા હવે કન્યા પક્ષ સાથે સમાધાન કરીને ઘરમેળે પતાવટ કરાવવા માગે છે, પરંતુ તે દરમિયાન કોર્ટમાં એક્સપાર્ટી ચુકાદો આવે છે. કન્યાને વર તરફથી મહિને રૂ. 3000 કન્યા માટે અને રૂ, 2000 પુત્ર માટે નિભાવખર્ચ મળે છે. કન્યા હજી વાપીમાં સસરાને ઘરે જ જુદી રૂમમાં રહે છે. 498-એ કલમની આ લટકતી તલવારે એ સમૃદ્ધ કુટુંબને અલગ કરી નાખ્યું છે.

મેરેજ કાઉન્સેલિંગની માત્ર અંતિમ પગલે વ્યવસ્થા છે. લગ્નમાં તકરાર થાય તે પછી થોડા ગાળામાં કોઈ સામાજિક દ્રષ્ટિએ બંનેને સાચી સલાહ આપે તેવી કોઈ મેરેજ કાઉન્સેલિંગની વ્યવસ્થા નથી. વર-કન્યા માત્ર માતા-પિતા, વકીલ, પોલીસ અને પત્રકારોને જ જાણે છે. વહેલો તે પહેલો એમ માનીને જે પત્રકાર કે પોલીસ પાસે વહેલો પહોંચે તે પોતાનો કેસ એકતરફી લખાવી કે છપાવી મારે છે.

મોટે ભાગે કન્યા ભાવનાત્મક દ્રષ્ટિએ સંયુક્ત કુટુંબને બહારથી સ્વીકારવા કહે છે.

ખરેખર સાસરે જાય છે ત્યારે સંયુક્ત કુટુંબની બે જેઠાણી નોકરી જતી હોય તો ત્રીજા ભાઈની વહુ એમ.કોમ. કે એમ.બી.. થઈ હોય તો તેણે ઘરે રસોઈ કરવા રહેવું પડે છે. તેને નોકરી કે વ્યવસાય કરવો ગમતો હોય છતાં કુટુંબ ખાતર તેણે ઘરે ગોંધાઈ રહેવું પડે છે. સતત ઈર્ષ્યા, અપેક્ષા અને નાસીપાસીમાં તે જીવે છે.

સરકારની નીતિમાં સાતત્ય કે એકધારાપણું નથી. એક કુટુંબમાં હમ દો હમારે દોએવો નિયમ તમે કરોડો પોસ્ટરો દ્વારા અને ફિલ્મો દ્વારા પ્રસારિત કરો છો તો પછી સમાજ શું કામ પાંચ-પાંચ અને છ-છ નણંદો અ દિયર-જેઠો પેદા કરનારા કુટુંબમાં કન્યા આપે છે? સમાજે પણ નક્કી કરવું જોઈએ કે હમ દો અને હમારે દો હોય તેવા કુટુંબમાં જ કન્યા આપીશું. હમારે તીન નહિ, હમારે ચાર નહીં, પણ હમારે તો પાંચ-પાંચ હોય છે.ચાર-ચાર દીકરી પછી પણ જેને દીકરો જોઈએ તે દીકરીઓ પેદા જ કરતા જાય છે. આવા કુટુંબમાં મુંબઈમાં મોજ માણીને ઊછરતી કન્યા પાંચ નણંદોકે ચાર દિયરો સાથે કઈ રીતે રહી શકે? રહી પણ શકે, પરંતુ તે માટેની કોઈ પૂર્વ તાલીમ છે? તાલીમ નથી, તેથી લગ્નજીવન રામભરોસે કરતાં જરૂરિયાત મુજબ ચાલે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.