વધુ પડતું સુખ સારું નહીં
મેરે ચમન મેં કોઈ નશેમન નહીં રહા
યા યું કહો કિ બર્ક કી દહશત નહીં રહી
કુછ દોસ્તો સે વૈસે મરાસિસ નહીં રહે
કુછ દુશ્મનો સે વૈસી અદાવત નહીં રહી
(બર્ક = આંચકો અગર આઘાત, મરાસિમ = મેલજોલ અથવા પ્રેમનો વ્યવહાર)
- કવિ દુષ્યંતકુમાર
જ્યારે અમેરિકાની દાદાગીરી ફાટમફાટ હતી ત્યારના વિયેતનામના હેનોઈ શહેરનું એક દૃશ્ય છે. અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટન તેમના પ્રમુખ પદના આખરી દિવસોમાં વિયેતનામ ગયેલા. એક જમાનામાં અમેરિકાનું તે અવ્વલ નંબરનું દુશ્મન હતું. લગભગ પચાસ લાખ વિયેતનામીઓને બૉમ્બમારાથી અમેરિકનોએ જ્યાં મારી નાખેલા તે હેનોઈ શહેરમાં એક ટીનેજર છોકરો કાચું અંગ્રેજી બોલીને ગાંગરતો હતો. ‘વૉન્ટ ટુ બાય અમેરિકન પ્રમુખ કેનેડી’ તો બીજો છોકરો દોઢમાં બોલતો હતો કે ‘વૉન્ટ ટુ બાય બિલ ક્લિન્ટન!’ ત્રીજો બોલતો હતો ‘વૉન્ટ ટુ બાય એક્સરસાઈઝ બુક.’ એક છોકરો બોલતો હતો ‘વૉન્ટ ટુ બાય એ બ્યુટિફુલ વિયેતનામી ગર્લ.’
હેનોઈની શેરીમાં ત્યારે બધું જ વેચાતું હતું. એ વિયેતનામ અમેરિકાનું અવ્વલ નંબર દુશ્મન હતું પણ હવે તેને અમેરિકા દોસ્ત બનાવે છે. ઈતિહાસમાં સતત બનતું આવ્યું છે કે સમાજમાં અને દેશમાં દુશ્મનોને અને દોસ્તોને આપણે સતત બદલીએ છીએ. આજે ભારતમાં સમાજવાદ એક ગાળ છે. અમેરિકામાં સામ્યવાદ દુશ્મન હતો. આજે ત્યાં કાર્લ માર્ક્સ પૂજાવા માંડ્યો છે. માત્ર પૂજાય છે! પરંતુ મુખ્ય વાત એ છે કે આજે અમેરિકનો પોતે જ પોતાના દુશ્મનો બન્યા છે. આજે આમ જુઓ તો મોટે ભાગે દરેક સમાજમાં આપણે સૌ આપણે જ આપણા દુશ્મન બન્યા છીએ.
અમેરિકનો સાથી વધુ પોતાના દુશ્મન બન્યા છે. અમેરિકનો સમયસર પોતાની પત્ની કે પ્રેમિકા નક્કી કરી શકતા નથી. ગઈકાલે જે પ્રેમિકા હતી તે આજે બીજા એક-બે પ્રેમી કે પતિ બદલી ચૂકી હોય છે. દુશ્મની અને દોસ્તીના આ સતત પરિવર્તન આટાપાટા જોતાં લાગે છે કે આપણે બહુ જ કટ્ટર દુશ્મન કે વધુ પડતા પાક્કા વ્યવસાયી મિત્રો કે વિચારના મિત્રો ન રાખવા જોઈએ તેવું જ કોઈ સાથે કટ્ટર દુશ્મની ન રાખવી. આ લેખની ફિલસૂફી ધ્યાનથી સમજવા જેવી છે.
તમને હું એકાએક ગ્રામીણ દૃશ્યમાં લઈ જાઉં છું. ગામડામાં અમુક ગાયો પોતાનું જ દૂધ ધાવી જતી હોય છે. તેવી ગાયને ‘આપધાવ્ય ગાય’ કહે છે. એવું જ મિત્રોની બાબતે બને છે. જલદી જલદીથી બનાવેલો મિત્ર ‘આપધાવ્ય’ બની જાય છે. એવો મિત્ર તેના મિત્રને કામ લાગવાને બદલે તેને સતત ઘસે છે. આમાં સાર એ છે કે તમે દોસ્તી કરો તેમાં ગામડાની જૂની સ્ટાઈલની દોસ્તી સારી છે પણ 21મી સદીમાં સમાન વિચારોની દોસ્તી કરી હોય તે દોસ્તી કે દુશ્મની સૌથી વધુ ખતરનાક છે. 2016માં કોઈ કાયમી દુશ્મન નથી કે કાયમી દોસ્ત નથી.
મૂડીવાદના દુશ્મનો આજે ભારતમાં મૂડીવાદના પાક્કા મિત્રો બની ગયા છે. ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરના એક બુક સ્ટોરમાંથી મારે પુસ્તકો ખરીદવાં હતાં. હું કોઈ દિવસ નવલકથા ખરીદતો નથી. એટલે થયું કે ચાલ નવલકથા જોઉં. ઊભા ઊભા એક નવલકથા જોઈ ગયો. ત્યારે મારો નિયમ ઓગળી ગયો, યુરોપ, અમેરિકા, ઈઝરાયલની બુકશૉપમાં ધામા નાખીને તમે નવાં પુસ્તકો પૂરેપૂરાં પણ વાંચી શકો છો. મને આકર્ષ્યો તે નવલકથાનું નામ હતું ‘સુપર કેન્સ.’
આજકાલ મારા સહિત ઘણા લોકો સોફ્ટવેર ટેકનૉલૉજી, ઈન્ટરનેટ અને ઈ. કોમર્સની પ્રશસ્તિ કરતા લેખો લખતા થઈ ગયા છે. ઈન્ટરનેટનું વળગણ ગાંડપણ જેવું છે. ફ્લેમિંગો પ્રકાશનની ‘સુપર-કેન્સ’ નામની નવલકથા ડૉ. જે.જી. બલાર્ડ નામના નવલકથાકારે લખી છે.
ડૉ. બલાર્ડ જાપાનમાં ઊછરીને અમેરિકામાં આવ્યા છે. જાપાનમાં તેમણે અમેરિકનોની યુદ્ધ સમયની ક્રૂરતા જોઈ છે. આજે તેઓ સોફ્ટવેર ટેકનૉલોજી અને સિલિકોન વેલી જેવા શબ્દો પ્રત્યે ખૂબ રોષમાં છે. આ બધું આપણા માટે શું સ્વર્ગ પેદા કરશે? આવી કલ્પના સૌ કરે છે. ડૉ. બલાર્ડને ટેકનૉલૉજી. સોફ્ટવેર, ઈન્ટરનેટ વગેરે બિહામણાં લાગે છે. માણસમાંથી તે સર્જકતા નાબૂદ કરશે. અરે કરવા માંડી જ છે. તેમણે તેની નવલકથામાં એક સરસ કલ્પના કરી છે.
પૉલ સિકલર નામનો અંગ્રેજ આ નવલકથાની વાત કરે છે. એક નવો પ્રવાહ જાગ્યો છે. પેરિસ નજીક એક રળિયામણા હિલસ્ટેશનમાં યુરોપની સિલિકોન વેલી ઊભી થઈ છે. તેને ‘હાઈટેક સાયન્સ પાર્ક’ કહે છે. ઊંચા ભેજાવાળા-અને પોતાને વધુ પડતા બુદ્ધિમંત ગણતા એલિટિસ્ટ લોકોને પોસાય તેવો જ આ પાર્ક છે.
લંડનની એક મહિલા ડૉક્ટરને ત્યાંના એક ડૉક્ટરને ત્યાં નોકરી મળે છે. મહિલા પોતે પીડિયાટ્રિશિયન છે. તેનું નામ જેન છે પણ તેણે અહીં સિલિકોન વેલીમાં એક નવી જાતની લેબોરેટરી ખોલીને જોઈ. તેને ડૉક્ટરો ‘આઈડિયાઝ લેબોરેટરી’ કહે છે. ડૉ. જેન કહે છે હું અહીં શું કામની છું? હું તો બાળકોના રોગની નિષ્ણાત છું.
ડૉક્ટરો કહે છે - અમને તારી જ જરૂર છે. આ બધા વધુ પડતા બુદ્ધિમંત-એલિટિસ્ટ લોકો જ્યારે દોસ્તમાંથી દુશ્મન બને છે ત્યારે બાળકની જેમ વર્તે છે. બાળકની જેમ જ લડે છે. યુરોપની આ સિલિકોન વેલીનું ઉપનામ પણ સુંદર રાખ્યું છે. તેને ‘ઈડન ઓલિમ્પસ’ કહે છે, મતલબ કે તે એક નકલી સ્વર્ગ છે. અહીં મોટા ‘સિનિયર ફાઈનાન્સરો અને વિજ્ઞાની રહેવા આવ્યા છે. અમેરિકાનો તમામ જણ તેમને દુશ્મન લાગે છે. અમેરિકામાં ડેમોક્રસી છે- નવી જાતની લોકશાહી છે પણ ટેકનૉલૉજીવાળાને જોઈએ તેવું ફ્રીડમ નથી. માઈક્રોસોફ્ટ નામની કંપનીને મોનોપોલી દ્વારા શોષણ કરવાની છૂટ મળી છે. એટલે અહીં એક નવું સ્વર્ગ ઊભું કર્યું છે. અહીં એક નવી જ જાતનું ફ્રીડમ છે. નવી જ છૂટ છે. અહીં વિજ્ઞાનીઓ અને ફાઈનાન્સરો- નાણાં ધીરનારા ઈશ્વર જેવા લાગે છે. એ નવી જાતના ઉદ્ધારકો બધાને વહાલા લાગે છે. આપણે જૂની કંપનીના માલિકો કે જૂની પત્નીથી કંટાળીને તેને દુશ્મન ગણીએ છીએ પછી નવા નવા સંબંધો તારણહાર લાગે છે. તમે સમજ્યા?
આ વિજ્ઞાનીઓ કે નાણાવાળા પોતે માત્ર ઈશ્વર જ નહીં પણ ‘બિયોન્ડ’ ઈશ્વર જેવા લાગે છે. ઈશ્વરને ટપી જાય તેવા લાગે છે. કઈ રીતે? અરે સાહેબો! એ ઈશ્વરથી એટલા માટે ઊંચા છે કે રવિવારે તો અંગ્રેજોનો ઈશ્વર આરામ કરે છે. રવિવારે આપણને આપણો જૂનો ઈશ્વર આરામ કરવાનું કહે છે. અહીં સતત કામ કરવાનું હોય છે. રવિવારે કે તહેવારે કોઈ પણ દિવસે! અહીં સતત કામનું નામ જ ‘રવિવાર’ છે. અહીં ઢસરડા કરવાના હોય તેને ફુલ-બ્લડેડ-એક્ટિવિટી કહે છે.
અહીંના લોકોના એજન્ડા જોવા જેવા છે.
માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ માટે નવા અલગ-અલગ એરપોર્ટ છે. મુકેશ અંબાણી માટે અને તેની પત્ની માટે ને બે બાળકો માટે દરેક માટે અલગ એરપોર્ટ છે. વિજ્ઞાનીઓ નવી-નવી એન્ટિબાયોટિક્સ દવા શોધે છે. જૂની ફેશન પ્રમાણે અહીં ‘ફુરસદ’ શબ્દ વપરાતો નથી. કમ્પ્યૂટર ઉપર જુદી જુદી વેબસાઈટ છે. ઈન્ટરનેશનલ કંપનીમાં નોકરી મળે તો તે ‘મોટું મનોરંજન’ છે! તંદુરસ્તી માટે ‘ફેરવેધર’ વેબસાઈટ છે. ‘ક્લેવર’ થવાની વેબસાઈટ છે. અહીં દરેક રોગ સામે રક્ષણ છે. માત્ર એક જ ચીજ ખૂટે છે. એ શું છે? એ છે આપણો ‘માનવસ્વભાવ!’ આ માનવસ્વભાવ એવો છે જેનો કોઈ જ ઈલાજ નથી. બધાને પહોંચી વળાય છે પણ ‘માનવસ્વભાવ’ને પહોંચી વળાતું નથી. એ ‘માનવસ્વભાવ’ સૌનો દુશ્મન બન્યો છે. માનવસ્વભાવ કોઈને જંપવા દેતો નથી. એ સુખને સુખ માની શકતો નથી. માણસ પોતે જ પોતાનો દુશ્મન બન્યો છે, માટે તારણ છે કે અતિ સુખ અને બીજા દુઃખી હોય અને તમે જ સુખી હો તેવી વૃત્તિ તમને દુઃખી દુઃખી કરી મૂકે છે. અતિ-સુખને તમારે ભયાવહ ગણવું જોઈએ. જીવનમાં વચ્ચે વચ્ચે દુઃખ પીડા, અભાવ વગેરે આવે તે સારા માટે છે. આ આખી રામાયણનો સાર એ છે કે પીડા બહુ જ જરૂરી છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર