વધુ પડતી સમૃદ્ધિ નખ્ખોદ વાળે છે!
સમૃદ્ધિનો અતિરેક માનવીને અનેક રીતે બીમાર બનાવે છે. ખાસ કરીને યુવાનોમાં વિકૃતિ લાવે છે. તે સગવડિયો પ્રેમી અને સલામતીનો ચાહક બને છે. જાપાનમાં આજે 10 લાખ એવા યુવાનો છે જે 24થી 34 વર્ષના છે. જે ઘરમાં ભરાઈ રહે છે. અંગ્રેજીમાં તેને રેક્લુઝીવ (RECLUSIVE) કહે છે તેવો એકલપેટિયો યુવાન કોઈને મળતો નથી. બહારની દુનિયાને ફેઈસ કરી શકતો નથી. સમૃદ્ધિનું આ વિચિત્ર પરિણામ છે.
34 વર્ષનો કેન્જિ નામનો જાપાની યુવાન તેના એપાર્ટમેન્ટમાં ભરાયેલો રહે છે. ઘરની ઉપરના માળેથી નીચે ઊતરતો નથી. તેની બે પર્સનાલિટી છે. એક વ્યક્તિક્ત એવું છે જે એકલું સલામત થઈને રહેવા માગે છે. બીજું વ્યક્તિત્વ તેને બહાર રમમાણ રહેવાનો આદેશ આપે છે, પણ તે જોખમ લેવા તૈયાર નથી. તેથી આવા લોકો દિવસભર ઘરમાં સૂએ છે અને રાત્રે આંટા મારતા હોય છે. ઊંઘી શકતા નથી.
ખાસ કરીને જાપાનની આર્થિક મંદીએ પણ આ કઠણાઈ બેસાડી છે. જાપાનની મંદીને 9 વર્ષ થવા આવ્યાં છે. બેકાર યુવાન કે યુવતી જગતને મોઢું દેખાડવા રાજી નથી. જાપાન જાણે આખો દેશ દુનિયાથી અલગ પડી ગયો છે. તેને બહારની દુનિયાના તરંગો ઝીલવા નથી. સમૃદ્ધિથી તે પાંચટિયો બની ગયો છે.
આ રેક્લુઝીવનેસ (દુનિયાથી અલગ રહેવું) પણ એક બીમારી છે. જાપાનમાં તે માટેના સલાહકારો જાગ્યા છે. અમુક લોકો મહિનાઓના મહિનાઓ સુધી ઘર બહાર નીકળતા નથી. ઘણા યુવાનો 2-2 વર્ષ ઘરમાં ભરાઈ રહે છે.
આ એકલપ્રિયતાને રોગ ગણીને ડૉ. તામાકી સેઈતોએ એક પુસ્તક લખ્યું છે. એક જમાનાના સાહસિક જાપાનીઓ જે દુનિયા સામે 1939માં બીજા વિશ્વયુદ્ધમાં ટકરાઈને મલેશિયા, બર્મા અને પર્લહાર્બર (અમેરિકા) પહોંચી ગયેલા, તે લોકો હવે એક બીકણ પ્રજા બની ગયા છે. જોખમ ઉઠાવવું તેમને ગમતું નથી.
જાપાનમાં ટ્રેન નિયમિત ચાલે છે. આ પણ એક જાતની કઠણાઈ પેદા કરે છે. ટ્રેનને 1 મિનિટ મોડી પડતી જોવા કોઈ તૈયાર નથી. શેરીઓ સલામત છે. જાપાનમાં હેન્ડગન ગેરકાનૂની છે. હિંસા ઓછી છે. હવે જ્યારે બીજા લોકો કોઈને જાનથી મારતા નથી ત્યારે જાપાની પોતે પોતાને મારે છે.
દર વર્ષે સલામતી, સગવડ, એકલતા અને આર્થિક મંદીથી ડરેલા 31000 લોકો આપઘાત કરે છે. ટ્રાફિકમાં મરે છે તેનાથી ત્રણગણા આપઘાત કરીને મરે છે! ઔદ્યોગિક જગતમાં જાપાનમાં આપઘાતોની સંખ્યા સૌથી વધુ છે. તમે આજુબાજુ નજર તો આવા રેક્લુઝીવ કે સમૃદ્ધિ પછી આર્થિક તકલીફમાં હકીકતનો સામનો ન કરી શકતા હોય તેવાં ગુજરાતી યુવક-યુવતી નજરે પડશે. વધુ પડતી સમૃદ્ધિ કે સલામતી સારી નથી.
જાપાનમાં નવાં બાળકો જન્મતાં નથી. દરેક દેશની વસ્તી વધે છે, પણ જાપાનની વસ્તી ઘટે છે! ઘણા વિકસિત દેશોમાં દારૂ ઓછો પીવાય છે. જાપાનમાં એકલપેટિયા લોકો વધુ દારૂ પીવે છે. જાપાની કામદારો અસંતુષ્ટ છે. - ડીપ્રેસ્ડ રહે છે અને માનસિક સ્ટ્રેસ સાથે જીવે છે. સમૃદ્ધિવાળા 43 દેશોના સર્વેક્ષણમાં જાપાનીઓ સૌથી વધુ નિરાશાવાદી માલૂમ પડ્યા છે. જાપાનમાં રૂઢિવાદ છે એટલે યુગલો પરણીને છૂટાછેડા લેતા નથી, ખચકાય છે. પરંતુ સેક્સલેસ-મેરેજ એટલે કે બંને જણ એકબીજાને ભોગવતા નથી - અલગ અલગ બેડરૂમમાં સૂએ છે, પરંતુ લગ્ન તોડતા નથી! કોઈ જ જાપાની અણગમતી સ્થિતિનો વિશ્વાસપૂર્વક સામનો કરી શકતો નથી. અહીં એક દંભી સમાજ ઊભો થયો છે. એકલી માતા તેનાં બાળકોને ખૂબ હોશિયાર બનાવવા તેના ઉપર ભણતરનો બોજ લાદે છે. સ્કૂલમાં પ્રથમ નંબરે આવવું જ જોઈએ.
ભારતમાં મધ્યમવર્ગના લોકોએ આશ્વાસન લેવું જોઈએ કે થોડુંક સંઘર્ષવાળું અને અગવડવાળું જીવન સારું છે. ભારતમાં ઘણા લોકો માને છે કે સમાનધર્મી અને સમાન કલ્ચર કે સમાન રીતરિવાજો હોય તેવા દેશને મઝા છે. એક જ ધર્મના લોકો દેશમાં 100 ટકા હોય તો શાંતિથી રહી શકે છે. આ ખોટી ભ્રમણા છે. વિવિધધર્મી રહેવું સારું છે. જાપાનની કઠણાઈ જુઓ, જાપાનનાં બાળકો એકસરખા યુનિફોર્મ સ્કૂલમાં પહેરે છે.
આખા જાપાનમાં સ્કૂલના એકસરખાં લેસન હોય છે. બાળકો પોતાને માટે સ્વતંત્ર રીતે વિચારતાં નથી. બધાનો એક જ ધર્મ છે. એક જ વિચાર છે. સમાજ શું કહેશે? સમાજ શું વિચારશે? એ વાતની ફિકર દરેક જાપાની રાખે છે. મતલબ કે સામાજિક પ્રેશર ખૂબ છે. અહીંનું કલ્ચર તમને તમારા વ્યક્તિગત લાગણી કે વિચારો પ્રગટ કરવાની છૂટ આપતું નથી. તમારે તમારી લાગણીઓને છુપાવવી પડે છે. સ્કૂલમાં ગોખણપટ્ટી કરાવવા જબ્બર ત્રાસ અને જોરજુલ્મ થાય છે. જાપાનમાં જાણે આર્થિક પ્રગતિનો એક ખતરનાક 'પથ' ઊભો થયો છે. એવી સમૃદ્ધિને શું ધોઈ પીવી છે જેમાં તમે તમારી લાગણીઓ છૂટથી પ્રદર્શિત ન કરી શકો? 'પંથ' કહે તેમ કરો. આ પંથકમાંથી જે હટે છે તેની બધા મજાક કરે છે. ઘણા જુવાનો અન્ય લોકો તેના વિશે કેવું વિચારે છે તેની ચિંતા કરે છે.
બીજાઓ તેને કેવી રીતે જજ કરે છે તેની ચિંતામાં 26 વર્ષનો યુવાન નોરી ઘરની બહાર જ નીકળતો નથી! આ યુવાન મધરાત પછી જ ઘરની બહાર નીકળે છે.
ખાસ કરીને અત્યંત તાણવાળું જીવન અને થાકોડો માણસને સમાજથી અલગ કરી નાંખે છે. એક બાર વર્ષનો બાળક છે. તેને તેનાં માતા-પિતા અનેક કોર્સ કરાવે છે માંડ રાત્રે 10 વાગે બાળક ઘરે આવે છે ત્યારે તે થાકીને લોથ થઈ ગયો હોય છે. આજે 19 વર્ષની વયે તેને કંઈ કરવું ગમતું નથી.
જાપાનમાં માનવી ગુનાખોર નહીં પણ બીનસામાજિક જ બને છે. સમાજથી પોતાને અલગ કરી દે છે પણ અંદરથી દબાવેલા રોષવાળા બાળકનો મા-બાપને ડર લાગે છે કે આ બાળક કાં આપઘાત કરશે કાં તમને જ મારી નાંખશે. મા-બાપનાં ખૂન કરનારાં જાપાની બાળકો આજકાલ જોવા મળે છે.
મેરિકો નામની કૉલેજિયન યુવતી પણ એકલતાને વરી ગઈ છે. તે કોઈની સાથે ઈમોશનલ (લાગણી) સંબંધ બાંધી શકતી નથી. લાગણી સુકાઈ ગઈ છે. વારંવાર ડિપ્રેસ્ડ થાય છે. સામાજિક વાર્તાલાપમાં ભળતી નથી. પોતે કહ્યા કરે છે કે, 'હું થાકેલી છું.' ને બેડરૂમમાં પડી રહે છે. આ છોકરીને લગ્નના ઈન્ટરવ્યૂમાં નાપાસ થવાનો ડર છે એટલે લગ્નનાં ઈન્ટરવ્યૂ આપતી નથી. ભૂલ કરતાં ડરે છે. માનવીના જીવનમાં ભૂલ વગરની જિંદગી કલ્પી જ શકાતી નથી. ઘણી એકલપેટી છોકરી અને છોકરા મા-બાપ ઉપર હુમલા કરે છે. ઘણી માતાઓને રસોડામાં કોઈ પણ સાધનથી તેના દીકરા-દીકરી મારે છે. આ એવી માતા હોય છે જે ઘરકૂકડી થઈ ગયેલાં છોકરા-છોકરી જમે નહીં તો મોંમાં કોળિયા આપવા દોડે છે. 21 વર્ષના છોકરાને મોંમાં કોળિયો આપવાનાં લાડ પછી ભારે પડે છે. માને દીકરો મારવા તૈયાર થાય છે. છોકરાને વધુ પડતા સલામત કે સગવડપ્રેમી રાખવાની સજા માબાપને મળે છે. માત્ર જાપાનમાં નહીં પરંતુ તમામ દેશોમાં સંતાનને સગવડપ્રેમી બનાવનારાં મા-બાપનો જ વાંક છે.
માબાપ બાળકને એક સ્પર્ધાત્મક અને આક્રમક પ્રાણી તરીકે ઉછેરે છે. તેને સતત પરીક્ષામાં અને આર્થિક લાભમાં પ્રથમ રહેવાનું છે, તેવું બચપણથી દબાણ છે. કીર્તિ અને કલદારના જાણે વરૂ બની ગયાં છે. જાપાનના એક મનોવિજ્ઞાની કહે છે કે ઉરીહ ર્એ ચી ચિજીગં મઅ ર્ચૂ યુ ચજર્ચુનક - તમને કોઈ વરૂ ઉછેરે છે ત્યારે તમે વરૂ જ બનો છો. જાપાનના શિક્ષકો, ગુરુઓ, મા-બાપ બધાં કારકિર્દીના વરૂ જેવાં છે. એટલે નવાં વરૂ પેદા થાય છે. ગુજરાતી મા-બાપો, સાવધાન! તમે તમારાં દીકરા-દીકરીને વધુ પડતાં સુંવાળાં બનાવતાં નથીને?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર