એકલો આવ્યો છે, એકલો સંઘર્ષ કર
એકલો જાને, એકલો જાને રે
તારી જો હાક સુણી કોઈ ના
આવે તો
એકલો જાને રે
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે બંગાળીમાં આ રાષ્ટ્રગીત લખ્યું એનું આપણા રાષ્ટ્રકવિએ ઉપર મુજબ ગુજરાતી કર્યું છે. એ કાવ્ય બંગાળીમાં તો છેક 1905માં લખાયું. પણ આજે કોઈ લડાઈ બ્રિટિશરો સામે લડવાની નથી. આજે લગભગ 110 વર્ષ પછી પણ ભારતના કે જગતના લોકોએ જુદા જ મોરચે લડાઈ લડવાની છે અને એમાં પણ રવીન્દ્રનાથ ટાગોરની શિખામણ કામ લાગે છે. મહાત્મા ગાંધીએ ટાગોરના આ કાવ્યને પોતાનું ફેવરિટ કાવ્ય બતાવેલું. ટાગોરની ભાણેજ ઈન્દિરાદેવીએ પછી આ ગીત સંગીતબદ્ધ કરેલું એ પછી છેક 2004માં એ.આર. રહમાને ફિલ્મ ‘બોઝ : ફરગૉટન હીરો’માં આ ગીત તાજું કરેલું એ પછી વર્ષ 2012માં બોલિવુડની ફિલ્મ ‘કહાની’માં અમિતાભ બચ્ચને પોતે આ ગીત ગાયેલું. સંગીત વિશાલ-શેખરે પીરસેલું.
સો-સો વર્ષ સુધી આ ગીત જીવતું છે, પણ આજે સાવ જુદા સંદર્ભમાં તમારે-મારે-સૌએ એનો વિશાળ અર્થ લેવાનો છે અને અંગ્રેજી ભણેલાને માટે મારે ખાસ આ ગીતને 2015માં અંગ્રેજી ભાષામાં સાવ જુદા જ સ્પિરિટમાં મૂકવું છે. એમાં સંદેશ છે કે તમે સાવ એકલા પડી જાઓ તો પણ કદી મૂંઝાશો નહીં. આ દુનિયામાં તમે એકલા જ આવ્યા છો અને તમારે તમામ સમસ્યાઓ સામે એકલા જ ઝઝૂમવાનું છે. અંગ્રેજી કવિતા આવી છે :
આઈ ટીચ માયસેલ્ફ નૉટ ટુ ગિવ અપ
નેવર ટુ ફીલ લોન્લી
આઈ કેમ અલોન ઈન ધિસ વર્લ્ડ
નોબડી કેન વિથ મી
બટ આઈ ટેલ માયસેલ્ફ
હૂ સેઈડ ધિસ લાઈફ વૉઝ ઈઝી
ઈટ ઈઝ ઑલ્વેઝ ચેલેન્જિંગ
બટ બટ નેવર ગિવ અપ
નેવર બી અફ્રેડ...
કોઈ આજે કે કોઈ ગઈકાલે એકલું નહોતું? બહુ જ મોટી પર્સનાલિટીને યાદ કરીએ તો અમેરિકાના પ્રમુખ જૉન એડમ્સ સાવ એકલા હતા અને ડિપ્રેશનથી પીડાતા હતા. અમેરિકન એસ્ટ્રોનૉટ જે ચન્દ્ર પર પગ મૂકવામાં એકલો હતો તે પણ એકલો હતો. કવિવર ઝવેરચંદ મેઘાણીએ તેમની બળતરા એક દુર્લભ પુસ્તકમાં ઠાલવી હતી અને એમાં તેઓ એકલતાથી પીડાતા હોવાનું લખેલું. બૉલીવુડની અભિનેત્રી પરવીન બાબી એકલી-એકલી ડિપ્રેશનથી પીડાઈ હતી.
લંડનના 12-11-2012ના ‘ડેઈલી મેઈલ’ નામના સાંજના દૈનિકમાં રિપોર્ટર સ્ટીવ ડૉટીના કહેવા પ્રમાણે બ્રિટનમાં 30 લાખ વયોવૃદ્ધ લોકો એકલા છે. પણ લેખને છેવાડે મારે કહેવું પડે છે કે તમે સગાંવહાલાંથી ઘેરાયેલા હો, અરે! તમે માત્ર પતિ-પત્ની સાથે રહેતાં હો તો બહુ જ ઓછા કિસ્સામાં તમે એકલાં હોતાં નથી. પત્ની હોવા છતાં બાકી બધા જ એકલા છે. ઈશ્વરને એકલાને સોરવ્યું નહીં એથી તેણે દુનિયા પેદા કરી. એવી જ રીતે પુરુષ કે સ્ત્રીને એકલા સોરવતું નથી એટલે લગ્ન કરે છે અને આજે લગ્નવાળાં કેટલાં એકલાં છે એના કોઈ આંકડા મળતા નથી, પરંતુ આંકડાની જરૂર નથી. કોઈપણ હાલતમાં તમારે આ દુનિયામાં એકલા ઝઝૂમતાં શીખવું જ પડશે, કારણ કે એકવીસમી સદીમાં વધુ ને વધુ સ્ત્રી-પુરૂષો એકલપટૂડાં થશે, પણ એ એકલતાની સ્થિતિને વધાવી લેજો અને વધુ ક્રીએટિવ બની તમામ શક્તિ તમારી કળામાં, તમારી નોકરીમાં અને તમારી મૈત્રીમાં ખર્ચજો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર