ચાણક્યના ચીંધ્યા માર્ગે આર્થિક જીવન

29 Sep, 2016
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: lifehacker.co.in

ગામડામાં પછી તે તલગાજરડા હોય, મહુવા હોય કે ભાવનગર કે દાતા હોય ત્રિભોવન ભીમજીના દાદાથી માંડીને જે કોઈ ચોપડો લખે તે ઘાંચી, મેમણ, બ્રાહ્મણ કે વાણિયા હોય, તે મથાળે 'શ્રી ગણેશાય નમ:' લખતા. આજે 21મી સદી આવી છે. જગતમાં માત્ર બરાક ઓબામાનું રાજ નથી કે નરેન્દ્ર મોદીનું રાજ નથી. હેન્રી બીચર સ્ટો નામના વિદ્વાન 1887માં કહી ગયેલા કે 'નો મેટર વ્હુ રુલ્સ, ધ મરચન્ટ ઓન્લી રુલ્સ.' ભલે કોઈ પણ રાજ કરે પણ આખરે તો વેપારીનું જ જગતમાં રાજ છે. તો હે વાચક ! તું યુવા હો કે મુગ્ધાવસ્થામાં કે વયસ્કો હો, જો તારે તારું રાજ કરવું હોય તો કેટલાંક ગ્રંથો વાંચવા જોઈએ - કૌટિલ્યનો ગ્રંથ ખાસ. મેનેજમેન્ટની કૉલેજમાં જવાથી જ કંઈ મેનેજમેન્ટ શીખાતું નથી.

આ જિંદગી એક વ્યાપાર છે. પ્રેમ પણ વ્યાપાર છે. રાજકારણ વ્યાપાર છે. છેલ્લાં 61 વર્ષથી વળી યુરોપ-અમેરિકામાં પિટર ડ્રકર નામનો બિઝનેસનો ખેરખાં 'મેનેજમેન્ટ'નું તૂત લાવ્યો. હજારો મેનેજમેન્ટ કૉલેજ ખૂલી પરંતુ ડૉ. રાધાકૃષ્ણન પિલ્લૈ જેઓ કેરળના ચિન્મય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ભણ્યા છે અને જગતમાં હજારો લોકોને કૌટિલ્યના ધોરણે કેમ જીવન, અર્થતંત્ર અને ખાસ તો વેપાર ચલાવવો તેનાં લેક્ચર આપી ચૂક્યા છે. તેઓ ખાસ કહે છે કે ચાણક્ય ઉર્ફે કૌટિલ્ય ચતુર રાજનીતિ વાપરતો જે વેપારીને ઉપયોગી છે. કૌટિલ્ય આધ્યાત્મિકતા કે મનન, મથન, મેડિટેશન કે ધર્મ ચૂકતા નહીં. આજે પણ તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, પ્રગતિ કરો તમારો ધર્મ ચૂકવાનો નથી. આજે હું ડૉ. રાધાકૃષ્ણન પિલ્લૈના પુસ્તક 'કોર્પોરેટ ચાણક્ય'નું મારી રીતે અર્થઘટન કરવા માગું છું. દરેક સોમવારે જગતમાં મેનેજમેન્ટની થિયરી કંઈ મેનેજમેન્ટ પિટર ડ્રકર જ લાવ્યો નથી. 5000 વર્ષ પહેલાંથી ગુરૂઓએ ભારતમાં રામાયણ, મહાભારત અને પંચતંત્રમાં મેનેજમેન્ટની સ્ટ્રેટેજી આલેખી છે અને ખાસ તો 'કૌટિલ્યનું અર્થશાસ્ત્ર' તો વેપારીઓ બિઝનેસમેન અને બિઝનેસ સ્કૂલનાં પ્રોફેસરો માટે ઉપયોગી છે. કેટલાક વિજ્ઞાનીઓ વેપારી નથી પણ વેપારના સિદ્ધાંત પાળે છે. તમે આઈન્સ્ટાઈન અને બીજા અણુબૉમ્બના શોધકના નામ જાણો છો પણ આજથી 103 વર્ષ પહેલાં જન્મેલા ફિઝિસિસ્ટ ડૉ. હેન્રી બેકેરેલનું નામ જાણતા નથી. તેણે કૌટિલ્યને ઘોળીને પી નાખ્યા હોય તેમ કહેલું કે 'બિઝનેસ'ની વ્યાખ્યા શું છે? બિઝનેસ એ જિંદગીનો એવો કોયડો છે કે કેટલી વસ્તુ પાર પડે છે અને કેટલીક પાર પડતી નથી. (સમથિંગ ગોઝ થ્રુ સમથિંગ એલ્સ ડઝ નોટ) પરંતુ માણસે જે પાર ન પડ્યું હોય કે હાથમાંથી છટકી ગયું હોય તેને સદંતર ભૂલીને જે હાથમાં છે તેને સંભાળવું. યાદ રહે કે આવું કહેનાર વિજ્ઞાની હેન્રી બેકેરલે યુરોનિયમ શોધેલું અને તેને મેડમ ક્યુરી હારોહાર ફિઝિક્સનું નોબલ પ્રાઈઝ મળેલું. અસ્તુ. આટલા ઉપોદઘાત પછી હવે ચાણક્યની વિચારસરણી પ્રમાણે 'ચાણક્ય-ઈન-બિઝનેસ'ના સિદ્ધાંતોને ચર્ચવાના શ્રીગણેશ કરીએ. સિત્તેર વર્ષ પહેલાં બિઝનેસની દુનિયામાં સ્પર્ધા હતી તેના કરતાં અઢારગણી સ્પર્ધા આજે છે. અંબાણીના માત્ર નસલી વાડિયા જ સ્પર્ધક હતા. આજે અખબાર, કૉલેજ-સ્કૂલની પરીક્ષા, કૉલેજ પ્રવેશ, નોકરી માટેના ઈન્ટરવ્યૂ અને બિઝનેસમાં દરેક ક્ષેત્રે સ્પર્ધા છે. આજે સીઈઓ શબ્દ ગુજરાતી બની ગયો છે. ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બનવા યુદ્ધને ધોરણે સ્પર્ધા ચાલે છે. ત્રીજું વિશ્વયુદ્ધ તો લડતા લડાશે. આજે બિઝનેસના ક્ષેત્રે તો આઠે પહોર યુદ્ધને ધોરણે સ્પર્ધા છે એટલે જ બધી કંપનીના વડાઓ તેમની બિઝનેસની સ્ટ્રેટેજી ઘડે છે ત્યારે સુનત્ઝુના પુસ્તક 'ધ રિયલ આર્ટ ઑફ વૉર'ને ટાંકે છે. તમે ગમે તેમ કરીને સ્ટેનલી બિગનું હાર્યર બિઝનેસે પ્રગટ કરેલું પુસ્તક 'સુનત્ઝુ' ખરીદી લેજો. તેમાં કોઈ પણ ક્ષેત્રે યુદ્ધ જીતવાની કળા છે.

સુનત્ઝુ કરતાં ઘણી સદીઓ પહેલાં કૌટિલ્યે તેના અર્થશાસ્ત્રમાં લગભગ 40 ટકા જગ્યા આર્ટ ઑફ વૉરને-સ્પર્ધાની અને યુદ્ધના મેદાનમાં જીતવાની કળા વિશે ભાર આપ્યો છે. યુદ્ધ જીતવા પાવર જોઈએ. આજે પાવરના સ્ત્રોત ક્યાં છે? તમે જાણો જ છો કે નૉલેજ ઈઝ પાવર એટલે તમારે આ સ્પર્ધાવાળી અને એકબીજાને પાડીને આગળ આવવાની વૃત્તિવાળી દુનિયામાં ટકી રહેવા સ્પર્ધા કરવાની છે, પછી તમારે તમારું બુદ્ધિબળ વાપરવું પડે છે. જરૂરી નથી કે તમે મુંબઈ, અમદાવાદ, શિકાગો કે ન્યૂયૉર્કની બિઝનેસ કૉલેજની ડિગ્રીના હારડા ગળામાં ભરાવો.

તમારામાં તમારી કંપની કે સાહસ કે અખબાર કે રાજતંત્ર ચલાવવા ઉત્તમ ભેજાં શોધી કાઢીને રોકવાની આવડત પર્યાપ્ત છે. અખબારનાં પાનાં કે રૂ. 10 કરોડની ઑફિસને બુદ્ધિના બ્રહ્મચારીઓ થકી છલકાવવા નથી. તમારે ઈન્ટેલેક્ચ્યુઅલ પાવર વાપરવાનો છે. ઉત્તમ ભેજાંને ઊંચા પગારે રોકીને તેને સાચવવાનાં છે. બિલ ગેટ્સ, અઝીમ પ્રેમજી કે મુકેશ કે અનિલ અંબાણી કરતાંય બુદ્ધિના ખેરખાંઓ છે તેને તમામને આ લોકોએ ઊંચા પગારે રોક્યા છે. એકલા મુકેશની બુદ્ધિ અનિલ સામે કે સરકાર સામે લડી શકે નહીં.

આજે અંગ્રેજી કે ગુજરાતી અખબારો કે કંપનીઓ ચમકે છે તેનો રાઝ શું છે? તે કૌટિલ્યનો સિદ્ધાંત ઉર્ફે રાજા ચંદ્રગુપ્ત મૌર્યનો સિદ્ધાંત પાળે છે. પોતાનો મન પાવર ઉત્તમ રાખે છે.

ઉપરાંત મિત્રો, શુભેચ્છકો વધારીને તમે જ બેકારો સાથે દોસ્તી વધારી પોતાનો ફાઈનાન્સિયલ પાવર વધારે છે. 'નાણાં વગરના નર નિમાણા.' તમારે કદી જ નાણાંની ખેંચ પડે તેવી હાલત આવવા દેવી નહીં કારણ કે તમે ગામડામાં બળદગાડાં જોયાં છે? તેનાં પૈડાં બળદની ઓછી મહેનતથી ઝડપથી ચાલે તે માટે પૈડાંની વચ્ચે અવારનવાર એરંડિયું લગાવે છે. તેને પૈડાંમાં દિવેલ ઊંભવું કહે છે.

તમારે સતત તમારા બિઝનેસનાં પૈડાંને કોઈ ઘોંઘાટ કર્યા વગર ચાલ્યા કરે, સડસડાટ ચાલે તે માટે નાણાંનું એરંડિયું ઊંભતા રહેવું જોઈએ. હવેની વાતમાં તમારે એક પાઈ ખર્ચવાની નથી પણ એ વાત આજે અહમની દુનિયામાં, આત્મસન્માનની દુનિયામાં બહુ મહત્વની છે. ભલે તમારો પ્યૂન હોય કે એકાઉન્ટન્ટ કે સીઈઓ (ચીફ) હોય. તમામને પોતાનું સ્વમાન હોય છે. કેટલાકને અહમ્ હોય છે. વધુ પડતો અહમ્ રાખે તેને ડબલું પકડાવી દેવું પણ જે નિષ્ઠાથી કામ કરે તેને સતત પ્રોત્સાહન આપવું અને તેના કામની કદર કરવી. તમે માનો છો કે કૌટિલ્ય આ બધું કહી ગયો છે? હા, હજી તો ઘણી કિંમતો વાતો જિંદગીનો બિઝનેસ ચલાવવા માટે ચાણક્ય કહી ગયા છે. વાંચતા વંચાવતા રહો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.