બીજાએ લગાવેલું લેબલ ન સ્વીકારો, તમારું સત્ય તમે જ શોધો

27 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

‘આજનો માનવી વધુ ને વધુ બહિર્મુખી થતો જાય છે, તેથી તે પોતાને આઝાદ સમજે છે પણ તે બીજાના અભિપ્રાયોનો, બીજાની પ્રશંસાનો ગુલામ બન્યો છે. ખરેખર તો માનવીએ આજે અંતર્મુખી થવું જોઈએ.’ આ પ્રેરણાદાયી વાક્યો બરાબર 100 વર્ષ પહેલાં ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં જન્મેલા મહાન ફિલસૂફ સોરેન કીઅરકરગોએ ઉચ્ચાર્યા હતાં. તેના અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે તમે સોરેન કીરકેગાર્ડ બોલશો પણ ડેનિશમાં તેનો સારો ઉચ્ચાર કિયરકરગો જ છે. માત્ર 42 વર્ષ જીવીને જગતમાં સ્વતંત્ર વિચારશ્રેણીથી જીવવા ઈચ્છનારા માટે પ્રેરણારૂપ બનેલા કિયરકરગો 11 સપ્તાહની ટૂંકી બીમારી ભોગવીને કોપનહેગનની ફેડરિક હૉસ્પિટલમાં મરણ પામ્યા હતા.

તેમના કેટલાક અંતરના ઉદ્દગારો જોઈને પછી આપણે કિયરકરગોના જીવનને જાણીશું. તેમણે કહેલું કે જ્યારે આ જગતમાં તમને બધું જ હાથમાંથી વછૂટી ગયેલું લાગે અને ખોવાઈ ગયેલું લાગે ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે ત્યારે જ મોકો મળે છે કે, તમે ઈશ્વરનાં દર્શન કરવા અંતર્મુખી બનો. ત્યાં જ તમારી અંદર એ બેઠા છે. તેમણે જે અંગ્રેજીમાં પંક્તિઓ લખી તે આવી હતી. તે યુરોપમાં આજે પણ ઠેરઠેર વાતચીતમાં ટંકાય છે.

Turn toward thy innerself
So that what is parished, in your life you will find.

બહાર જે ખોવાયું છે તે અંદરથી મળી જ જાય છે. બીજી એક રસપ્રદ વાત એ લખી જ્યાં સુધી જે સ્ત્રીને તમે ચાહો કે જેની વાંછના કરો ત્યાં સુધી જ તે તમને પ્રેરણા આપે છે તેવો તમને ભ્રમ થાય છે. પણ જેવી તમે સ્ત્રીને મેળવી લો છો એટલે પ્રેરણા-ફેરણા કંઈ મળતું નથી. કદાચ માથાકૂટ મળે છે.

ત્રીજી એક મૂલ્યવાન વાત કહેલી કે, ‘તમે જેના ખૂબ જ ચાહક હો કે, જેને ભક્તિપૂર્વક વાંચતા હો તેવા લેખક કંઈ હંમેશાં પ્રેરણાદાયી લખે જ તેવી ગેરંટી નથી. લેખક પછી પોતાનું નામ થયું એટલે ‘હાંકતો’ જ હોય છે. જોકે લેખકને પોતાને ખબર છે કે તેણે જે સર્જનનો ધોધમાર આનંદ માણ્યો હોય અને સર્જનરૂપી નદીના પ્રવાહમાં નાહ્યા છે તેવું સર્જન તેનાથી હવે થતું નથી. પણ કૉમર્શિયલ વર્લ્ડમાં એ બ્રાન્ડેડ લેખક હાંક્યે રાખે છે.’ કિયરકરગોએ વધુમાં કહેલું કે, ‘જે કલાકાર કે કવિ કે લેખક ખળખળતી આનંદ આપતી સર્જનશીલ નદીના પ્રવાહમાં નાહ્યા હોય તેણે સુકાયેલી નદીના કાંકરાને પણ માણતાં શીખવું જોઈએ અને પછી કલમને અભરાઈએ ચઢાવીને અંતર્મુખી બનવું જોઈએ.

છેલ્લે આપણે આ લેખને મથાળે કિયરકરગોનું ઉચ્ચારણ આપ્યું છે તેનો વિશાળ રીતે અર્થ કરીએ. માણસની ખાસિયત છે અને જનમોજનમના મારા તમારા સંસ્કાર છે કે કોઈની પ્રશંસા માટે, અભિપ્રાય માટે કે તેવી સ્વીકૃતિ માટે તે બહાર સ્વીકૃતિ સાધે છે. તેનું સુખ કોઈ બહારની પ્રશંસામાંથી મળશે તે આશા ફોગટ છે. ખરેખર તો તેણે કાયમી રીતે જલસામાં કે ટેસડામાં રહેવું હોય તો તેણે તેનું સુખ તેની પોતાની જાતમાંથી જ શોધવાનું છે. ત્યારે તેને ભાન થશે કે તેના સુખના સ્ત્રોત પોતાની અંદર છે.

આપણે કિયરકરગોના જીવનને હવે જાણીએ. 5 મે, 1813માં બસો વર્ષ પહેલાં સોરેન કિયરકરગો એક ઊનના વેપારી ત્યાં જન્મ્યા. તેના પિતા ઘેટાની ઊન જાતે ઉતારતા. તે નવરા પડે એટલે જીવનમાં સાચાં મૂલ્યો વિશે વિચારતા. તેને ફિલસૂફીમાં જ રસ હતો. આમ કિયરકરગોના ફિલસૂફીના સંસ્કાર પિતા પાસેથી મળ્યા છે. કિયરકરગોનું ઘર જાણે વિચારોના અખાડા જેવું બન્યું હતું. જુદી જુદી વિચારશ્રેણીના ચિંતકો આવતા. આ બધી ફિલસૂફીમાં જીવતા પિતાને પરણવાનું યાદ ન આવ્યું અને પરણ્યા પછી બાળક કરવાનું થયું ત્યારે તેની ઉંમર 56ની હતી. માતાની ઉંમર 45ની હતી. પરંતુ આ સંતાન કંઈક ગજબની મેધા શક્તિવાળું જન્મ્યું. તેમને પાંચ બાળકો થયાં તે તમામ મરી ગયાં અને માત્ર કિયરકરગો જ જીવ્યા.

કિયરકરગો મૂળ તો આનંદી સ્વભાવના હતા. પણ પિતાની આ કર્મની થિયરી સાંભળેલી તે યાદ આવે ત્યારે કિયરકરગો આનંદ વચ્ચે એકાએક ગમગીન થઈ જતા અને કવિતા લખવા બેસી જતા. ફિલસૂફ પિતાએ આ બુદ્ધિમંત બાળકને ઉછેરવા અવનવી રીતો અજમાવી. પાંચ બાળકો મરી ગયાં છે એટલે કિયરકરગો શેરીમાં રખડવા જઈ જાન જોખમમાં ન મૂકે તે માટે જ્યારે પણ કિયરકરગો, બગીચામાં ફરવા જવાનું કહે ત્યારે પિતા કહેતા, ‘ચાલ, તને કોપન હેગનના બાગ-બગીચા, મ્યુઝિયમ અને બીજાં ઐતિહાસિક સ્થળો બતાવું.’

આવું કહીને કિયરકરગોની આંગળી પકડતા અને ઘરમાં તેને આંટા મરાવી ચલાવતા અને ચાલતાં ચાલતાં બાળક કિયરકરગોને પિતા જાણે આજુબાજુમાં મ્યુઝિયમ આવ્યું હોય તેમ મ્યુઝિયમની ચીજોનું વર્ણન કરતા. તેનો ઈતિહાસ કહેતા. એ પૂરું થાય એટલે બીજાં ઐતિહાસિક સ્થળો, બાગ, સમુદ્ર વગેરેનું આબેહૂબ વર્ણન કરતા અને એક કલાક આમ ઘરમાં આંટા માર્યા પછી કિયરકરગો એ બધાં સ્થળો જોઈને થાકી ગયા હોય તેવો ખરેખર અનુભવ કરતા.

પિતાને જ આપણે સૌ બચપણમાં સર્વસ્વ માનીએ છીએ. આવું માનનાર અને મનાવનાર બાપના બાળકનો વિકાસ થતો નથી. 22ની ઉંમરે કિયરકરગોના મનમાં ભયંકર ઘમસાણ જાગ્યું. પિતા તેની છત્રછાયા નીચે ઉછેરીને તેના વ્યક્તિત્વને અને મૌલિક વિચારો કરવાની શક્તિને હણે છે તે વાતનો ખ્યાલ આવતા તેને પિતાની ‘મહાનતા’ વિશે જબરો મોહભંગ થયો પછીથી તેણે સ્વવિકાસ શરૂ કર્યો. ડાયનિંગ રૂમમાં આવીને જમતા પણ નહીં. 27ની ઉંમરે તેનું સગપણ એક સરકારી ઑફિસરની પુત્રી સાથે થવાનું હતું. તેનું નામ રેજાઈન ઓલસેન હતું. બંનેને તત્ક્ષણ એકબીજાને જોઈને આકર્ષણ થયું પણ 8-5-1837ના રોજ કિયરકરગોએ વિચાર્યું કે પોતે લગ્નજીવન જીવવા માટે ઈચ્છુક નથી. તેને એકદમ થયું કે રેજાઈનને ખરેખર જાતે ચાહતો હોય તો તેણે તેને લગ્નમાં ગોંધવી ન જોઈએ.

અવારનવાર કિયરકરગો મેલંકલી મૂડમાં પડી જતાં તેનો આવો વિષાદમાં સરકી પડવાનો કે ઉદ્વેગમાં આવી જવાનો કે એકાએક ઉદાસ થવાનો સ્વભાવ બિચારી રેજાઈનને દુઃખી કરશે એટલે તેણે તેની પ્રેમિકાને લગ્ન થાય તે પહેલાં સગાઈમાંથી મુક્ત કરી. તેણે તે પછી બહુ જ મૂલ્યવાન વાત કહી કે, તમારો સ્વભાવ તો હાથે કરીને દુઃખી થવાનો હોય જ છે પણ તમારે તમારી આજુબાજુના લોકોને, તમને ચાહનારાને દુઃખી કરવા ન જોઈએ. આ જગતમાં તમે પોતે દુઃખી થાઓ કે સુખી થાઓ તે તમારા ઉપર આધાર છે. તમારા ગ્રહો ઉપર આધાર રાખે છે પણ બીજાને દુઃખી કરવાનો તમને અધિકાર નથી. કિયરકરગોને પ્રતીતિ થઈ કે ઈશ્વરે, ‘તેને જીવન આપીને આ જીવનરૂપી શિક્ષા કરી છે!’ આજે તમે ચારેકોર જુઓ, ચારેકોર કોઈ ને કોઈ જાતની જીવન જીવવાની શિક્ષા ભોગવતા લોકો નજરે ચઢે છે.

રેજાઈનને તો જીવનમાં જલસા કરવા હતા. કિયરકરગો જ્યારે ફિલસૂફી ભરડતા ત્યારે રેજાઈન બગાસાં ખાતી. એટલે કિયરકરગોએ નિર્ણય લીધો કે તેની લેખનની કારકિર્દી સાથે તેનો મેળ નહીં ખાય એટલે ત્રીજે મહિને સગપણ તોડી નાખ્યું. એ જમાનામાં વેવિશાળ તોડવું તે તમે પોતે તમારા સમાજમાં જોયું છે કે પ્રતિષ્ઠિત સમાજમાં કુટુંબને અને વ્યક્તિને ઝાંખપ લાગે છે, એવું યુરોપમાં પણ હતું. પછી મુક્ત થઈ કિયરકરગો તેના મિત્રને ફિલસૂફી વિશેના વિચારો લખતા.

તેમણે મિત્રને લખેલું, ‘જીવનમાં મહત્ત્વની બાબત હોય તો એ છે કે માણસે વિચારવું જોઈએ કે મારું આ દુનિયામાં શું કામ નિર્માણ થયું છે અને મારે શું કરવાનું છે. મારે ભાગે ઈશ્વરે કેવી ડિવાઈન ફરજ મૂકી છે તે માણસે પોતે જ નક્કી કરી લેવું જોઈએ અને ત્યારે તેણે નક્કી કર્યું કે જો કાંઈ સત્ય હોય તે ‘સત્ય’ ગમે તેવું હોય તે મારે માટેનું જ હોવું જોઈએ અને મારે કોઈ સિદ્ધાંત, વિચારશ્રેણી કે મારા જીવનની રાહ શોધવી જોઈએ અને એ વિચાર કે રાહ માટે મારે જીવવા અને મરવા તૈયાર થવું જોઈએ! સત્યની શોધ એ અંગત બાબત હોવી જોઈએ. Truth is not like a mathematical formula, but truth is inpidul. સત્ય એ કોઈ ગણિતની ફોર્મ્યુલા નથી. એ દરેકે પોતે પોતાના માટે શોધેલું હોવું જોઈએ.

એટલે તેણે યુવાનોમાં આ વિચાર વહેતો મૂક્યો કે તમે પોતે જ તમારા માટેનું સત્ય શોધીને આગળ વધો. કિયરકરગોએ એવી કવિતા રચવા માંડી જેમાંથી માનવીને આંતરમુખી થવાની પ્રેરણા મળે. જગતમાં તમને બધું જ ખોવાયેલું લાગે ત્યારે ઈશ્વરનાં દર્શન કરવા અંતર્મુખી બનો. તમે તમારી પાસે જ પાછા આવી જાઓ. આવા વિચારોની મથામણમાં અને તને તેને જ્યારે લાગ્યું કે તે લખતા નથી પણ ઢસડે છે ત્યારે લેખન છોડીને 42ની ઉંમરે તે અંદરની પીડાથી બીમાર થઈ મરી ગયા.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.