પ્રેમમાં તમારું સત્ય શોધી આગળ વધો
બાર્બર એબન નામની લંડનની વિદુષી એક પત્રકાર 55 વર્ષની ઉંમરે કહે છે કે આ ઉંમરે પણ તે હજી રોમેન્ટિક છે. પ્રેમની વ્યાખ્યા કરતાં તે કહે છે કે જો પ્રેમ એ પાગલપન ન હોય તો બીજું શું છે? પ્રેમમાં કોઈ રેશનલ એપ્રોચ અર્થાત તર્કસંગત અભિગમ હોતો નથી. જો તમે બધે જ તર્ક વાપરવા જાઓ તો લાગણી કામ કરતી નથી. મોટાભાગના લોકો જે વ્યવહારુ અને ડાહ્યા હોય છે તે પ્રેમને ભોગવ્યા વગર દુઃખી થાય છે. તો પ્રેમ ભોગવીને દુઃખી થવામાં શું ખોટું છે? પ્રેમમાં ગૂંચવાડા ન હોય, પ્રેમમાં ઈર્ષ્યા ન હોય, પ્રેમમાં ભવ્યતા ન હોય અને પ્રેમમાં બરબાદી ન હોય તો પછી એ પ્રેમ જ કેમ હોઈ શકે? પ્રેમ વગરની માનવ-જાત તદ્દન જુદી હોત. એમ ચોક્કસ કહી શકાય કે જો તમે ઈતિહાસ જુઓ તો લાગે કે પ્રેમ ન હોત તો આ દુનિયાનો ક્યારનો નાશ થયો હોત એટલે જો આ જિંદગી અને જિંદગીની સફર તેમ જ દુનિયાને હરિયાળી રાખવી હોય તો ઈનક્યોરેબલ રોમેન્ટિક થવાની ટેવની કોઈ દવા નથી. એની દવા દર્દને ઊલટાનું વધારે છે, દુષ્યંતકુમાર નામના કવિએ કહ્યું છે :
યહ કિ ચુપચાપ પિયે જાયેં
પ્યાસ પર પ્યાસ જિયે જાયેં
કામ હર એક કિયે જાયેં
ઔર ફિર છિપાયેં
વહ જખ્મ જો હરા હૈ
યહ પરંપરા હે!
આપણા દેશમાં આ પરંપરા છે કે પ્રેમની લાગણીઓ અને જખ્મો છુપાવવા. પશ્ચિમમાં પણ આવું હતું. હવે છૂટછાટ થઈ છે. ડેનમાર્કના મહાન ફિલસૂફ સોરેન કિયરકરગો ચોવીસ વર્ષની ઉંમરે એક પંદર વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યા. તેનું નામ રેજિન ઓલ્સેન હતું. રેજિન ઓલ્સેનને કૉલેજમાં જોયા પછી તેણે તુરંત જોયા-વિચાર્યા વગર એક પ્રેમપત્ર લખી નાંખ્યો. એ પછી ઉતાવળે તેમણે રેજિનને લગ્નનો પ્રત્સાવ પણ મૂકી દીધો. બન્નેએ સગપણ પણ કર્યું. પણ એક વર્ષ પછી કિરયકરગો ફિલસૂફ હતો એટલે તેને થયું કે પોતે માને તે પ્રમાણે તેણે વર્તવું જોઈએ.
"ફિલોસોફિકલી હું પોતે મારા સુખમાં માનતો નથી. હું રેજિનને સુખી કરી શકીશ કે નહીં તે મારે જોવાનું છે. હું રેજિનને પરણીને તેને સુખી નહીં કરી શકું તેવી મને ખાતરી છે. માત્ર તેને દૂરથી ચાહીને સુખી કરી શકીશ." એવું વિચારીને ફિલસૂફે સગપણ તોડી નાંખ્યું. છતાં પણ સગપણ તોડીને રેજિનને જિંદગીભર પ્રેમ કરતા રહ્યા.
વેલેન્ટાઈન-ડે નિમિત્તે આ ડેનિશ ફિલસૂફ સોરેન કિયરકરગોની આત્મકથા પ્રગટ થઈ છે તેમાંથી પ્રેમ વિષે કિયરકરગોની નવી વાત જાણવા મળે છે. 22 વર્ષની ઉંમરથી જ કિયરકરગો તેમના વિચારોને પાકા કરવા લાગ્યા હતા. તેના મિત્રને લખેલ પત્ર ઉપરથી તેમની જીવનની અને પ્રેમને લગતી ફિલસૂફી જાણવા મળે છે :-
"જીવનાં જો કોઈ મહત્ત્વની બાબત હોય તો એ છે કે મારું આ દુનિયામાં શું કામ નિર્માણ થયું છે અને મારે શું કરવાનું છે તે મારે પોતે જ નક્કી કરી લેવું જોઈએ. ખાસ વાત એ છે કે જીવનભર માણસે સત્ય શોધવાનું છે. એ સત્ય મારે માટે હોવું જોઈએ. એટલે કે મારે પોતાના એક વિચારને શોધવો જોઈએ, જે વિચાર માટે હું જીવવા અને મરવા તૈયાર થાઉં. પ્રેમની બાબતમાં પણ માણસે બીજા કોઈની નહીં પણ પોતાની જ પ્રેમની વ્યાખ્યા અને પોતાનો નિયમ ઘડી કાઢવો જોઈએ."
આવો નિખાલસ વિચાર રજૂ કરીને કિયરકરગોએ નક્કી કરી લીધું કે પ્રેમ થયો એટલે પરણવું જ જોઈએ તે બરાબર નથી. તેણે જોયું કે રેજિન બહુ સુંદર છે, અતિ સુંદર છે પણ કિયરકરગો સતત ગજબની ગમગીનીમાં રહેતા હતા. એ ગમીનીમાં તેમને મઝા પડતી હતી. એવી જ ગમગીનીની અને અસુખની મઝા લેવાની રેજિનમાં ક્ષમતા ન હોય તો લગ્ન કરવાની રેજિન માટે તે દુઃખનું કારણ બનશે. એમ દૃઠપણે માનીને તે રેજિનને પણ પરણ્યા પણ તેને સતત જિંદગીભર પ્રેમ કરતા રહ્યા. પ્રેમપત્રો પણ લખતા રહ્યા. પોતે મરતાં સુધી બીજી કોઈ કન્યા સાથે લગ્ન શું પણ પ્રેમમાં પણ ન પડ્યા. કિયરકરગોની બીજી ફિલસૂફીના વિચાર અઘરા છે પણ પ્રેમ માટેના વિચારો સ્પષ્ટ છે. પ્રેમમાં માનવીએ સ્પષ્ટ થઈ જવું જોઈએ. પ્રેમની આડે પોતાની રીતે પાળ બાંધવી કે પ્રેમને છુટ્ટો દોર આપવો તે દરેક જણે પોતાની રીતે વિચારવું. જેમ કે દરેક જણે પોતાના માટેનું સત્ય શોધવું જોઈએ. દરેક માનવીએ પોતાનો જીવવાનો હેતુ સમજીને ઊજળી રીતે જીવવાનો એક રાહ નક્કી કરી લેવો જોઈએ અને પછી એ રાહે મક્કમ પગલે ચાલીને તેને માટે પર્યાર્પણ કરવાની તૈયારી હોવી જોઈએ.
કિયરકરગોએ નાની ઉંમરે જ "આઈધર/ઓર" (Either/Or) નામનું પુસ્તક લખેલું તેમાં તેમણે પોતાના ઉપર મુજબના સંક્ષેપમાં કહેલા વિચારોને વિસ્તારથી કહ્યા છે. દરેક માનવી જીવનમાં ત્રણ વિકલ્પો પસંદ કરીને જીવે છે.
- કાં તો તેણે પોતાના અહમને પોષવાને માટેનું જીવન ગુજારવાનું હોય છે. મોજ-મસ્તી અને સુખ શોધવામાં પછી માણસ પડી જાય છે.
- બીજા પ્રકારના જીવનમાં માનવી મોજમસ્તી ઝંખે છે, શોધે છે, અને તેમાં જીવન વિતાવી દેવાનું નક્કી કરે છે, પરંતુ તેમાં ઘણા લોકો નૈતિકતા અને અનૈતિકતાના વિચાર પણ કરે છે. મોજમસ્તીમાં મર્યાદા રાખીને જીવવાના માર્ગને આ ફિલસૂફ શ્રેષ્ઠ ગણે છે.
- ત્રીજા વિકલ્પમાં માનવી સંપૂર્ણ રીતે ધાર્મિક જીવન વ્યતીત કરે છે. કિરયકરગો સંપૂર્ણ ધાર્મિક જીવન જીવવામાં માનતા નથી. કારણ કે હંમેશા લપસણી ભૂમિ આવે ત્યારે માનવી લપસે છે અને ‘ધાર્મિક’ તરીકેની છાપ પડી હોયતો દંભ કરવો પડે છે. સંસારમાં રહીને બદનામ રહેવું સારું, સંસાર છોડીને બદનામ થવું સારું નથી.
ઉપર મુજબ સરળ વિચારો રજૂ કર્યી પછી કિયરકરગો કહે છે, "આ બધી જાતના જીવનની ગુણવત્તા દરેક માનવી જાણતો જ હોય છે, છતાં પણ ઘણા માણસો જીવનના પ્રવાહમાં અહીં-તહીં અથડાય છે. ખાસ કરીને પ્રેમની બાબતમાં તો ઘણા લોકો ગોથાં ખાય છે. પ્રેમમાં તમે ઝનૂની થઈ પ્રેમી પાત્રને મેળવી લો અને પછી દુઃખી થો, દુઃખી કરો. પણ પ્રેમ કરીને પ્રેમીપાત્રને મુક્ત રાખો તો પણ દુઃખી થાઓ છો પરંતુ એ દુઃખ ત્યાગનું મોટું સુખ આપે છે."
કિયરકરગો કહે છે કે માનવીએ એક લેવલ ઉપર જીવવું જોઈએ. ઘણી વખત તે થોડો રંગીલો, મોજીલો, રોમેન્ટિક અને છેલબટાઉ હોય છે અને ઘણી વખત નૈતિકતાની ઐસીતૈસી કરતો હોય છે. ખરેખર પ્રેમ ન હોય તો પણ સ્ત્રીને ભોગવી લે છે. આવો માણસ પાછો નૈતિકતાનો અંચળો ઓઢે છે અને પાછો ધાર્મિક બનવા કિશશ કરે છે. કિયરકરગો કહે છે કે આ પ્રકારે જીવનમાં ફંગોળાવાને બદલે માણસ પોતાની જાત સાથે પ્રામાણિક થઈ જવું જોઈએ. સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા કંઈ ન કરવું જોઈએ. એ રીતે જ સમાજના ડરથી પોતાની કુદરતી લાગણીઓને છુપાવવી ન જોઈએ. સત્યની કે પ્રેમની બાબત એ તમારી બાબત છે.
સત્ય અ પ્રેમ એ કોઈ જડ પ્રકારના ગણિતની બાબત નથી. સત્ય અને પ્રેમ એ દરેક વ્યક્તિ માટે પોતપોતાની વ્યાખ્યા પ્રમાણેના વિષયો છે. લગભગ 190 વર્ષ પહેલાં કિયરકરગો જન્મ્યા ત્યારે બુદ્ધિવાદીઓનો જમાનો હતો. બધી જ બાબતો બુદ્ધિથી મપાતી હતી. પણ કિયર કરગો સમજણા થાય ત્યારે તેમણે બંડ પોકારીને જાહેર કર્યું કે માનવીમાં અસ્તિત્વને માત્ર બુદ્ધિથી જ ઓળખી ન શકાય. જો માત્ર બુદ્ધિથી કોઈ ચાલે તો પ્રેમ કરી જ ન શકે. લાગણી રાખી જ ન શકે. પ્રેમ અને માનવીના અસ્તિત્વને સમજવું હોય તો બુદ્ધિથી પર જઈને ઊંડું જવું પડે. કોઈ ચોક્કસ પદ્ધતિ પ્રમાણે જીવી ન શકાય.
‘હું સિસ્ટમેટાઈઝેશનને ધિક્કારું છું, વ્યક્તિત્વવાદને આવકારું છું. વિચારો આપણા પગમાં બેડી નાખી દે છે. માણસને પ્રેમાળ બનાવતો નથી. કિયરકરગો કવિતા પણ લખતા. તેની કવિતા દ્વારા માનવીને આંતર્મુખી થવાની પ્રેરણા આપી હતી. આ ફિલસૂફ કહેતા કે જ્યારે જગતમાં તમને બધું જ ખોવાયેલું લાગે ત્યારે ઈશ્વર, પ્રેમ અને સત્યનાં દર્શન કરવા માટે આંતર્મુખી બની જાઓ. તમે તમારી પાસે જ આવી જાઓ. આ કવિતા આજે પણ આજના જમાનામાં ઉપયોગી છે. બહાર જે ખેવાઈ ગયું છે તે અંદરથી જ મળી જાય છે. પ્રેમમાં પણ આવું જ છે.’
તમે પ્રેમીપાત્રને ભૌતિક દૃષ્ટિએ ગુમાવો તે પ્રેમ તમને આંતર્મુખી થવાથી બમણો થઈને મળે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર