જીવન દરેક ક્ષેત્રમાં એકલવ્યતા અનિવાર્ય
મહાભારતમાં એકલવ્યની કથા છે. એકલવ્ય ભીલનો છોકરો હતો. દ્રોણાચાર્ય તો પાંડવો-કૌરવોના વીઆઈપી ગુરુ હતા એથી એકલવ્યને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહીં. પછી દ્રોણાચાર્યની પાદુકાને ગુરુ માનીને એકલવ્ય ધનુર્વિદ્યા શીખ્યો. તેનો ગુણ શું હતો? દ્રોણાચાર્ય તેનો દાખલો આપતા કે એકલવ્યની નજર માત્ર અને માત્ર તેના નિશાન પર હોય છે. જ્યારે કોઈ પક્ષીને વીંધવું હોય ત્યારે તેને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. આડુંઅવળું કંઈ જ દેખાતું નથી. આને ‘એકલવ્ય દૃષ્ટિ’ કહે છે અને આપણી ભાષામાં કહી શકીએ કે એકલવ્ય કદી ફોકસ ગુમાવતો નથી.
માણસે સિદ્ધાંતવાદી તરીકે માત્ર એક સત્યને વળગીને આગળ ચાલવું જોઈએ. પંજાબી કવિ અવતારસિંહ સંધુ (ઉપનામ ‘પાશ’) લખે છે...
‘આપકે માનને યા ન માનને સે સચ મેં કોઈ ફર્ક નહીં પડતા.’ સત્ય તો સત્ય જ રહે છે. કવિ પાશે કહેલું કે રાજકારણમાં, બિઝનેસમાં કે પ્રેમમાં તમારે સફળ થવું હોય તો કોઈ વચલો માર્ગ નથી. એક જ માર્ગ છે અને એ કાંટાવાળો માર્ગ અને પડકારવાળો રસ્તો છે, એને પકડીને જ ફોકસ જાળવીને ચાલવું જોઈએ. આધુનિક યુગમાં માણસે કદી તેના ધ્યેયમાં ફોકસ ન ગુમાવવું. ‘ન્યૂ સાયન્ટિસ્ટ’ નામના મેગેઝિને 15-12-’12ના અંકમાં ફોકસ પર લેખ લખેલો. એમાં ફોકસ, ફોકસ અને ફોકસ એમ ત્રણ વાર મથાળામાં ફોકસ શબ્દ વાપરેલો. પછી નીચે લખે છે કે, ઈન હ્યુમન્સ લાઈફ ડિસ્ટ્રેકશન ઈઝ ડેન્જરસ. અર્થાત્ તમારા ઉમદા વ્યવસાયમાં જ મંડી રહો.
તમે પત્રકાર હો તો પૈસા બનાવવા કે પત્રકારત્વમાંથી આડીઅવળી આવક કરવા તરફ ધ્યાન ન આપો, કારણ કે એ ડિસ્ટ્રેકશન ભયજનક છે. તમારું પત્રકારત્વ નબળું પડે છે. ડિસ્ટ્રેકશન એટલે ધ્યાન ફંટાવું એ. ફોકસ ફંટાવું એ. ડિસ્ટ્રેકશન એ તમારા ધ્યેય આડેનો વિક્ષેપ છે, વિભ્રાન્તિ છે, વિક્ષિપ્તતા છે. માત્ર પત્રકારત્વ નહીં દરેક ક્ષેત્રે આ વાત લાગુ પડે છે. આ રાજકારણની કટાર નથી, પણ તમે જોયું કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી હિન્દુત્વનાં પાકાં બંદા હતાં, પણ હવે સત્તાના મોહમાં હિન્દુત્વ પરનું ફોકસ ગુમાવ્યું છે. મનોવિજ્ઞાની ડૉ. રિચર્ડ ફિશરે એટલે જ કહેલું કે માણસે એકલવ્ય બનવું જોઈએ. તેને માત્ર પંખીની આંખ જ દેખાવી જોઈએ, બીજું કંઈ જ નહીં.
ગ્રામીણ કહેવત છે કે બે ઘોડે ન ચડાય. આપણામાંથી ઘણા શું કરે છે? બે નહીં, ત્રણ નહીં, પણ ચાર-ચાર ઘોડે ઘણા ચડે છે. જીવનના દરેક ક્ષેત્રમાં એકાગ્રતા કે એકલવ્યતા અનિવાર્ય છે. બિઝનેસ અને રાજકારણમાં તો ખાસ. હેન્રી ડેવિડ થૉરોએ વધુ એક વાત કહેલી : માનવે શંકાશીલ ન થવું. બીજા પર વિશ્વાસ રાખવો. ખાસ કરીને પોતાની શક્તિ વિશે શ્રદ્ધા રાખવી - આડાઅવળા ગુરુઓ કે દેવતાઓમાં શક્તિ વેડફવાને બદલે એક જ ગુરુ કે એક દેવ રાખો. અગર તો તમે જ તમારા ગુરુ બનો. ‘ધ મેજિક ઑવ બિલીવિંગ’ નામના પુસ્તકમાં ડૉ. ક્લોડ બ્રિસ્ટૉલે લખેલું કે, ‘પાવરફુલ ફોર્સિસ લૉક્ડ ઈન યૉર માઈન્ડ કેન ટર્ન યૉર ડિઝાયર ઈનટુ રિયાલિટી.’ પણ ક્યારે? જ્યારે તમામ શક્તિ, તમારા મનની શક્તિ બહાર કાઢવા તમામ ધ્યાન તમારા પર કેન્દ્રિત કરો ત્યારે મનમાં જકડાયેલી શક્તિ બહાર આવે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર