ભૂતકાળ ભૂલો, માફ કરો અને માંડી વાળો

28 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

સૌરાષ્ટ્રનાં મહુવા ગામમાં એક વૈદ્ય હતા. વૈદ્યક સાથે તેઓ સૂત્રો પણ લખી આપતા. 'રોડવો' અમુક ચીજ ન મળે તો ટાંટીયા ન પછાડો. રોડવી લો એ તેનું મુખ્ય સૂત્ર હતું. તેનું બીજું સૂત્ર 60 વર્ષ પહેલાં મઝાનું લાગતું હતું. 'માફ કરો અને માંડી વાળો' એટલે કે કોઈની સાથે ખોટા અનુભવની ગાંઠ કચકચાવીને ન બાંધો કારણ કે એ ગાંઠ ભવિષ્યમાં તમને પછીથી રહ્યુંમેટીઝમ, એસિડિટી કે ગઠીયો-વાત-રોગ પેદા કરશે. કદાચ વેરવેરમાં પાગલ થશો. નિંદ્રા ગુમાવશો. તેમનું આ સૂત્ર માફ કરો અને માંડી વાળો આજે પણ એટલું જ ઉપયોગી છે. ઘણા મિસ્ટીકો ભૂતકાળને સંઘરવાથી શું થાય છે તે કહેતા ભૂતકાળને સંઘરવાથી સપનામાં ભૂતાવળ જોવી પડે. બીજા જન્મ સુધી પણ ભૂતકાળનાં ખરાબ અનુભવી છાપ ચાલે છે. જે કૃષ્ણમૂર્તિ મિસ્ટીક હતા, જે ચમત્કારીક અનુભવ કરાવતા. દાદા ધર્માધિકારીની નજર સામે સ્પર્શથી એક બહેનનાં હાથનો દુઃખાવો મટાડેલો પણ કૃષ્ણમૂર્તિ કહેતા કે વારંવાર આ પ્રયોગ ન કરાવશો. ફિલ્મકાર મહેશ ભટ્ટનાં ગુરુ યુ.જી. કૃષ્ણમૂર્તિ બીજા મિસ્ટીક છે જે હયાત પણ તે દોરી - લંગોટીવાળા છે. કોઈ આશ્રમ બનાવતા નથી કે ચેલો બનાવતા નથી.

આલ્ડસ હકસ્લી, અલાન વૉટસ, ટેલહાર્ડ દ ચાર્ડીન, ગુરજેફ, મહેરબાબા, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ અગણીત જૈન મુનિઓ, યહૂદી ગુરુ પ્રોસ્ટ માર્ટિન, બુલર રૂડોલ્ફ સ્ટેઈનર અને છેલ્લે મધર ટેરેસા એ બધા મિસ્ટીક હતા. ઘણા મિસ્ટિકો ચેલા બનાવે છે ઘણા નથી બનાવતા.

મિસ્ટિક એટલું શું? ઈશ્વરવાદી, બ્રહ્મસાક્ષાત્કારવાદી, રહસ્યવાદી, ભાવયોગી, અગમ્યવાદી, ગૂઢતત્વવાદી અલૌકિક, વિસ્મયકારી, રહસ્યાત્મક, ગુહ્યજ્ઞાનવાળા દુર્બોધ, ગૂઢ અને આધ્યાત્મિકરૂપમાં રૂપાત્મક. આજે ઠેર ઠેર ગુરુઓ છે. સ્વામી રાજર્ષિથી માંડીને અનેક કથાકારો અને સત્ય સાંઈબાબા છે. સત્યસાંઈને ઘણા મિસ્ટીક માને છે. ઘણા તેમને હાથના જાદૂગર કહે છે. એ લોકો ઘણી વખત તમને ન સમજાય તેવી દુર્બોધ વાણી બોલે છે, પરંતુ સરળ વાત બહુ ઓછા મિસ્ટિકો કહે છે. ગુર્જેફ અને કૃષ્ણમૂર્તિ કહેતા કે ભૂતકાળને ભૂલી જાઓ નહીંતર તમારા જીવનમાં સંઘરેલો ભૂતકાળ પંચાત ઊભી કરશે. ભૂતકાળને પકડીએ છીએ તેથી ભૂતકાળ આપણા વર્તમાનને મચકોડે છે. કેટલીક વખતે તે બીજા જન્મ સુધી પણ ચાલે છે. આ એક રહસ્ય છે પણ માનવું પડશે જ. કોઈને માફ કરી દીધું કે પેટમાં દુખવાનું બંધ થઈ જાય છે, પણ સ્મૃતિનાં પોટલામાં બાંધ્યું તો આવતા જન્મ સુધી નડે છે. ચેતવવા માટે કેટલાક એક્સ્ટ્રીમ ઉદાહરણ આપું છું.

જગવિખ્યાત શેરટોન હૉટલનાં સ્થાપકની પુત્રી માશિર્યા મૂરેએ પ્રેમલગ્ન કરેલું. પ્રેમલગ્ન તો બરાબર ચાલ્યું. વૉશિંગ્ટનની હૉસ્પિટલમાં એક એનેસ્થેટીસ્ટ સાથે પરણેલી. માશિર્યા મૂરને બીજી કોઈ તકલીફ નહોતી પણ કમરમાં ભારે દુઃખાવો રહેતો. તેનો પતિ ડૉક્ટર હતો. છતાં રાહત થતી નહોતી. દવાઓ, યોગ, વ્યાયામ - ઘણું બધું કર્યું. દુઃખાવો જાય નહીં માર્શિયાને પુનર્જન્મમાં વિશ્વાસ હતો. દાખલા પણ જાણેલા. અમેરિકામાં ઘણાં તબીબો રિ-ઈન્કાર્નેશન થેરપી દ્વારા રોગો સારા કરતા હતા. તે સાંભળેલું. અમુક અસાધ્ય રોગો સારા ન થાય ત્યારે ગતજન્મની વાત અને ગયા જનમમાં ઘાવ યાદ કરાવીને દર્દીને ભૂતકાળની યાદદાસ્તમાંથી મુક્ત કરાવીને દર્દમાંથી મુક્ત કરાતા હતા. આમાં કેટલાક ધતિંગિયાય ભળ્યા હતા પણ ઘણા દર્દીને આ ઉપચારથી સારું થતું હતું. ભારતમાં હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે. ખ્રિસ્તીઓમાં પુનર્જન્મને સ્થાન નથી. બ્રિટિશ નવલકથાકાર જે રહસ્યવાર્તા લખતા હતા તે આર્થર કોનન ડૉયલ ગયા જનમમાં માનતા. વિખ્યાત કારનિર્માતા હેન્રી ફોર્ડ, સાયકિયાટિસ્ટ કાર્લ ગુસ્તાવ જુંગ અને ફ્રેંચ નવલકથાકાર વિક્ટર હ્યુગો પણ પુનર્જન્મમાં માનતા હતાં.

આપણે માર્શિયામૂરની વાત કરતા હતા. માર્શિયાએ પોતાના ગયા જન્મને યાદ કરવા પતિનો સહકાર માગ્યો. પતિ પોતે એનેસ્થેટીસ્ટ એટલે કે ઘેનની દવા સુંઘાડીને દર્દીને બેભાન બનાવીને ઓપરેશન માટે દર્દીને યોગ્ય બનાવનાર નિષ્ણાત હતા. તેમને અમુક પ્રકારની તંદ્રામાં નાંખનાર જલદ ઔષધની જાણ હતી. તેની પત્નીને તેણે પાર્ક ડેવિસ કંપનીની કેટામાઈન દવા આપી. આ દવાના નિયંત્રિત ડૉઝ આપીને તેને એક સારા સાયકોલૉજિસ્ટ પાસે લઈ જઈને કમરના અસહ્ય દુઃખાવાનું નિદાન કરાવવા ભૂતકાળ યાદ કરાવ્યો. એ પછી માની ન શકાય તેવી વાત મળી. માર્શિયા પૂરાણા ઈજિપ્તમાં એક પુરુષ તરીકે જન્મેલી આ બધો પૂર્વ જન્મનો અનુભવ તેને દવા પછી થવા માંડ્યો.

માર્શિયાએ એ જન્મમાં તે સમયનાં એક રાજાને ઉથલાવવા માટે બીજા મિત્રો સાથે કાવતરું કરેલું એ સમયે ધર્મગુરુઓનો રાજા પર ભારે પ્રભાવ હતો તે સમયે ધર્મગુરુ પણ ભ્રષ્ટાચારી થઈ ગયેલા. રાજાએ ધર્મગુરુ અને કાવતરાખોરોને પકડી લીધા. જેલમાં આ ત્રણેય કેદીઓની કમરમાં મોટા મોટા અણીદાર સુરાઓ ભોંકવામાં આવતા હતા. ત્રણેય જણને અસહ્ય પીડા થતી છતાં ચીસ પાડવાને બદલે દાંત કચકચાવીને પીડા સહન કરતા રહેતા. દાબી રાખેલું એ દુઃખ આ ત્રણેયને સેંકડો વર્ષ પછી પણ બીજા જન્મોમાં પીડતું હતું. માર્શિયા મૂર તો સ્ત્રી તરીકે જન્મેલી. તેને આ ભૂતકાળ યાદ કરાવ્યો તે પછી તેની કમરનું દર્દ વગર દવાએ ગાયબ થઈ ગયું. આ વાતને તમારે માનવી હોય તો માનો પણ એક નવી વાત પણ સામાન્ય બુદ્ધિથી સમજાઈ ગઈ હશે. કેટલીક વખત દર્દને વધુ પડતા સહન ન કરવા, આંસુ વહાવવાની છૂટ છે. તમારી પીડાને સંઘરી રાખો અને કોઈને ન કહો તો પણ પંચાત પેદા કરે છે. આનંદની અભિવ્યક્તિ જરૂરી છે તેમ તમારી પીડાને દાખવાને બદલે તેને વ્યક્ત કરવી જરૂરી છે.

કેલિફોર્નિયામાં નિવાસ કરતા ભારતના બંગાળી ડૉ. એચ.એન.બેનરજી પુનર્જન્મની ચિકિત્સા કરે છે. તેમનો દાવો છે કે જે પુરુષો હોમોસેક્સ્યુઅલ હોય છે તે ગતજન્મને કારણે પણ હોઈ શકે છે. આવા કિસ્સા અમેરિકામાં બને છે. હોમોસેક્સ્યુઅલ હોવું તે હવે સામાન્ય ગણઆય. તે પણ ઘણા લોકો તેને વ્યાધિ સમજે છે. પ્રો. બેનરજીની યુનિવર્સિટીમાં એક સ્ત્રૈણ ગણાય તેવા પ્રોફેસર હતા. તે બાયલા જેવું વર્તન કરતા. તેમની આ વિકૃતિની કે વ્યાધધિની એનેલિસીસ કરીને તેને ડૉ. બેનરજીએ પૂર્વ જન્મ યાદ કરાવ્યો. ગયા જન્મમાં આ પ્રોફેસર સ્ત્રી હતા અને સ્ત્રી તરીકેની કેટલીક વાસના અધુરી રહી હતી. તે વાસનાને જાણ્યા પછી પ્રોફેસરની સ્ત્રૈણતા જતી રહી.

કલકત્તાનો એક કિસ્સો છે. ચંપામિત્રા નામની એક યુવતીના પિતા ડૉક્ટર હતા. આ ચંપાને અવારનવાર તેને પૂર્વજન્મ યાદ આવતો. તે રડ્યા કરતી પિતા પરેશાન થઈ ગયા. ડૉ. બેનરજી અને ગુટેનબર્ગ યુનિવર્સિટીનાં અમેરિકન વિદ્વાનોએ આ છોકરાનો કેસ તપાસ્યો. છોકરીએ ડૉક્ટરોની મદદથી તેનાં આગલા જન્મનાં એક મોટાઘરને ઓળખી બતાવ્યું. એ જન્મમાં ચંપાએ પુરુષ તરીકે જન્મ લીધેલો. તેના પૂર્વજન્મનાં પિતા બર્દવાનમાં ખાણનાં માલિક હતા. છોકરીને બર્દવાન લઈ ગયા ત્યારે ચંપા એક વૃદ્ધને પગે લાગી. ડૉક્ટરને નવાઈ લાગી. પછી ખબર પડી કે પૂર્વ જન્મમાં તે મુરબ્બી તેના સંસ્કૃતનાં પંડિત તરીકે ભણાવતા. ગત જન્મમાં ચંપાનું નામ નિતીન હતું. સ્કૂલમાં ફૂટબોલ રમતાં રમતાં તે ઘાયલ થયેલો. હૉસ્પિટલમાં દાખલ કરાવેલો. તેને એક છોકરી સાથે પ્રેમ થયો પણ આ અકસ્માતને કારણે પ્રેમની તૃષ્ણા અધૂરી રહી હતી. તે તૃષ્ણા તેને પીડતી હતી. આવા ઘણા ઉદાહરણો ડૉ. બેનરજી પાસે છે. પુનર્જન્મની પણ એક ભૂગોળ પેદા થાય છે. જ્યાં તૃષ્ણા અધુરી હોય કે તમારું વેરઝેર અધૂરું હોય કે કોઈને તમે માફ ન કર્યા હોય ત્યારે નવા જીવને જૂની તૃષ્ણા અને જૂનું વેર કે જૂની ન ભૂલાયેલી પીડા નડે છે. તેની મહુવાના વૈદ્યનું સૂત્ર આજે સોનેરી બની શકે છે "માફ કરો અને માંડી વાળો, જૂની વાત ભૂલી જાઓ."

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.