ભક્ત ગુંડાઓ !

15 Sep, 2016
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: cryptocoinsnews.com

જૂના જમાનાના બહારવટિયા ખોડિયાર માતા કે બીજી કુળદેવીના દર્શન કરીને પછી લૂંટફાટ કરવા જતા. જાપાનમાં યાકુઝા નામની ગુંડાની ટોળકી છે. તેના સરદારનું નામ તાકાશી ઓહબા છે. વહેલી સવારે 3 વાગે ઊઠે છે. માત્ર લંગોટી પહેરીને શિન્ટો નામના ધર્મસ્થળે જાય છે અને ત્યાં પૂજાપાઠ અને ધ્યાન કરે છે. જાપાનની ગુંડાની ટોળકીનો આ સરદાર પૂજાપાઠ કરીને પછી જ તેની ઑફિસમાં જુગારના અડ્ડા, ઉઘરાણી કરાવી દેવાનું કામ, કોઈનાં અપહરણ કરવાનું કામ વગેરે કામો ચલાવે છે. યાકુઝાની ગુંડા ટોળકીની શાખાઓ જાપાનભરમાં છે, તેમાં જોડાનારે નિયમો પાળવા પડે છે. તેણે અમુક વખતે જ સ્ત્રી સાથે રહેવાનું હોય છે. તે ટોળકી વતી ગુનો કરીને જેલમાં જાય ત્યારે તેના કુટુંબને કેટલા પૈસા મોકલવાના છે તે પહેલેથી નક્કી થઈ જાય છે. કોઈ ટોળકીનો સભ્ય બુઢ્ઢો થઈને ભૂખે મરતો હોય તો તેને અમુક ફાળો આપવો પડે છે. જ્યારે કોઈ પણ ગુંડાની ટોળકીનો નેતા મરી જાય ત્યારે નવા નેતાને સ્થાપવામાં આવે છે. યાકુઝા નામની ટોળકીના નેતા તરીકે તાકાશી ઓહબાએ ચાર્જ લીધો ત્યારે જાપાનભરની ગુંડાની ટોળકીઓનાં પ્રતિસ્પર્ધી આગેવાનો પણ હાજર રહ્યા હતા. એવો રિવાજ છે કે નવો ગુંડો ગાદીએ બેસે ત્યારે લગ્નમાં ચાંદલો આપે તે રીતે ચાંદલો આપવો પડે છે. 

કોઈ ફાટેલા કપડાં પહેરીને આવી શકતું નથી. ગુંડાની સોગંદવિધિ થવાની હોય તે હોલના દરવાજા આગળ સોય, દોરા અને બટન મળે છે. કોઈ ગુંડો ઉતાવળે ઉતાવળે આવ્યો હોય તે સોય, દોરો વેચાતો કે ઉછીનો લઈને ફાટેલાં કપડાંને સાંધી લે છે. નવા સરદારને અભિનંદન આપીને ચાંદલો કરવા પડાપડી થાય છે. સૌ પૈસાથી ખિસ્સા ભરીને આવે છે. તે દિવસે ખિસ્સા પણ કપાય છે. રાત્રે ખિસ્સાકાતરૂની ટોળી હિસાબ કરે અને ખબર પડે કે કોઈ ગુંડા ટોળકીના સભ્યનું ખિસ્સું કપાયું છે તો તેને એ રકમ પાછી મળે છે પણ જેનું ખિસ્સું કપાયું હોય તે ગુંડાએ ત્રીજા ભાગની રકમ "બેદરકારીના દંડ તરીકે પાછી ભરવી પડે છે." ગુંડાઓની ટોળકી વચ્ચે આ સમજુતિ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલી છે. જાપાની ગુંડાનો સરદાર અમેરિકા ગયો ત્યારે લાસવેગાસ શહેરમાં તેની પત્નીનો 7 કરોડ યેન (રૂપિયા 48 લાખ)નો હીરાનો હાર ચોરાઈ ગયો. જાપાની ગુંડાએ અમેરિકન ગુંડા ટોળકીને ખબર કરી. ત્રણ દિવસમાં આ હીરાનો હાર અમેરિકન ગુંડાના સરદારે પાછો મેળવી આપ્યો.

* * * *

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.