ગર્ભમાં પુત્રી હોય તો ક્રૂરતાથી મારી નખાય છે
માનવીને આજે કોઈ પ્રમાણ ભાન રહ્યું નથી. ક્યાં કેટલો શોક કરવો કે શેનું દુઃખ લગાડવું તેનો કોઈ ધડો નથી. કઈ વાતનો આનંદ અને કઈ વાતનો વધુ પડતો ખરખરો, એ બન્ને કરવામાં આપણે સેન્સ ઑફ પ્રપોર્શન ગુમાવ્યું છે. બાંગ્લાદેશની બૉર્ડર ઉપર આપણા જવાનો માર્યા ગયા તેમાં એક જવાનનો મડદાને લાકડા સાથે ટીંગાટોળી કરીને લવાયો તે ચિત્ર જોઈને ઘણાં આતંકિત થઈ ગયા. બ્રાહ્મણોને જૂના જમાનામાં મૈયત લઈ જવાતી હતી તો તેને આ રીતે જ લટકાવીને એક જ લાકડાની નનામી જેવું બનાવીને લઈ જવાતો. આસામ, બાંગ્લાદેશના અને પશ્ચિમ બંગાળમાં મરેલા લોકોને નદીને પાર આમ જ લઈ જવાય છે. બિહારમાં સ્ત્રીઓને નગ્ન કરીને આખા ગામમાં આપણા જ બિહારીઓએ ઢસડી છે. ઝાંઝમેર ગામમાં હરીજનને પથ્થરે પથ્થરે ટીચી નાંખ્યો છે. ઘરની વહુઓને રાજસ્થાનમાં આટલી જ ક્રૂરતાથી ઢોરની જેમ મરાય છે.
ભારત એક અવકાશયાન મોકલીને આનંદ પામે છે. આપણે એક ગ્રહને તરતો મૂક્યો છે તે જાસૂસી કરશે, પણ કારગીલમાં કેટલા જવાનોને પૂંઠમાં રાયફલનાં કૂંદા ભરાવીને મારી નાંખ્યા હતા તેને બચાવી શક્યા નથી. કારગીલમાં બાંગ્લાદેશી બૉર્ડર ફોર્સ કરતાં પણ વધુ ક્રૂરતા પાકિસ્તાની સૈનિકોએ આપણા જવાનો પર ગુજારી છે. અમેરિકા જેવી જગતની સૌથી મોટી સત્તાનાં જાસૂસી વિમાનને પકડીને ચીન સરકારે અમેરિકાને 10-10 દિવસ સુધી ત્રાહીમામ પોકરાવીને માફી મંગાવીને પછી જ જાસૂસોને છોડ્યા છે. વિમાન કબજે કર્યું છે.
ભારતીય ટીમ વન-ડે મેચમાં હારે ત્યારે ઘરના ટિનેજરો નાસીપાસ થઈને ઘણા જમતા નથી. એક સસરા તેની પત્નીને કહે છે કે આપણી જુવાન વહુ બૂગીવૂગીમાં ડાન્સ-સંગીતનું ઈનામ જીતીને આવી છે. ભારતે ઉપગ્રહ અવકાશમાં મોકલ્યો છે. સાસુ કહે છે કે વહુ હજી ઉંઘે છે અને ઘરમાં આજે ઘાટી આવ્યો નથી, વાસણ કોણ માંજશે? કોમનમેનની રોજીંદી તકલીફો અને ભારતીય નારી ઉપર થતા ત્રાસ બાંગ્લાદેશની બૉર્ડર ઉપરનાં ચૌદ જીવનના મોત કરતાં વધુ ત્રાસદાયી છે પણ દેશનો સ્પિરિટ ઘણી વખત દોરવાઈ જાય છે. વધુ પડતા ખોટી લાગણીમાં તણાઈએ છીએ.
કઈ વાતનો વધુ અફસોસ કરવો કે શેને માટે શરમ રાખવી તે આપણને ખબર પડતી નથી. ગુજરાત રાજ્યમાં છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે પુત્રીઓની વસતી ઘટતી જાય છે. દરેક 1000 પુરૂષે ગઈ વસ્તી ગણતરીમાં ગુજરાતમાં 928 સ્ત્રીઓ હતી. નવી ગણતરી પ્રમાણે દરેક 1000 પુરૂષોની સંખ્યા સામે માત્ર 878 સ્ત્રીઓ છે. પુત્રીઓને દૂધપીતી કરી દેવાય છે. ગર્ભપુત્રી હોય તો તેનું એબોર્શન કરી નંખાય છે. આ વાત આપણને બિલકુલ કઠતી નથી. એ ક્રૂરતા કોઠે પડી ગયેલી છે તેને બદલે બાબરી મસ્જિદ અને બાંગ્લાદેશના ફાલતું સરહદી ઝઘડો આપણને વધુ ઉશ્કેરે છે અને તેમાં આપણે તો શું પણ વડાપ્રધાન પણ કંઈ જ કરી શકતા નથી. વાજપેયી એક આંગળી હવામાં ફેરવીને ભાષણ આપીને વાત ભૂલી જશે. આપણા હાથમાં જે વાત છે તેનું આપણે પાલન કરતા નથી. ગુજરાત કરતાં પંજાબમાં છોકરીઓ વધુ તિરસ્કાર પાત્ર છે. અત્યારે પંજાબમાં દરેક 1000 પુરૂષ દીઠ માત્ર 793 છોકરીઓનું પ્રમાણ છે.
પંજાબમાં ડફરપુર જેવા કસબામાં એબોર્શન ક્લિનિકો ઊભા થયા છે. ત્યાં ગર્ભવતી સ્ત્રીનાં પેટમાં પુત્રી હોય તો તેનો ગર્ભ પડાવાય છે. તેવા લોકોને માત્ર મોહણા અપાય છે. તેને પંજાબીમાં કુડીમાર કહે છે. પુત્રીના ખૂનીઓ કહે છે. 22 વર્ષની ગુરજીત કૌરે કપડા સીવી સીવીને રૂ. 500 બચાવેલા, એટલા માટે કે લગ્ન પછી જો તેને ગર્ભમાં બાળકી હોય તો તેણે ચેતવું જોઈએ. રૂ. 500માં પંજાબમાં અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ થાય છે. તેમાં બાળકી છે તે ખબર પડી જાય છે. દરેક જુવાન સ્ત્રી પછી તે મજૂર હોય કે ખેતમજૂર કે કપડાં સીવનારી હોય દરેક કન્યા પરણ્યા પછી રૂ. 500ની પોટકી સાથે રાખે છે. ઉપરાંત રૂ. 2000ની ફી હોય છે.
પંજાબી સસરાને અને પતિને દીકરો જ જોઈએ છે. અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ જો ગર્ભનાં બાળકની જાતિ નક્કી કરવા વપરાય તો 1994થી તે ગેરકાનૂની છે પણ આ દેશમાં કાનૂન કે ગેરકાનૂનને કોણ જુએ છે? સંરક્ષણ પ્રધાનનાં ઘરમાં બેસીને સંરક્ષણનાં સોદાગરો સાથે વાતો થાય? ભાજપના નેતા રૂ. 1 લાખની રકમ કોઈ અજાણ્યા સોદાગર પાસેથી લઈ શકે?
હવે તો અલ્ટ્રાસાઉન્ડ મશીનો પોર્ટેબલ થઈ ગયા છે. શિખાઉ ડૉક્ટરોમાંથી ઘણા ગર્ભની જાતિ નક્કી કરવાનો જ ધંધો કરે છે. ભારતમાં જે સમૃદ્ધ રાજ્યો છે ત્યાં એબોર્શન કરાવવું પરવડે છે. ટેસ્ટ પરવડે છે તેથી ગુજરાત, પંજાબ વગેરે રાજ્યોમાં વધુ ગર્ભપાત થાય છે. અલ્ટ્રાસાઉન્ડ મશીનો આ બે રાજ્યોમાં વધુમાં વધુ વપરાય છે.
ભારતની આ શરમ સાથે જો કે ચીન અને દક્ષિણ કોરીયા પણ સાથ પુરાવે છે. ચીનમાં પણ હવે કન્યાના ગર્ભમાં છોકરી હોય તો તેને ગર્ભમાં જ મારી નંખાય છે. નોબેલ પ્રાઈઝ વિજેતા ડૉ. અમર્ત્ય સેન આ આખા પ્રકરણ ઉપર પુસ્તક લખી રહ્યાં છે. 'મિસીંગ વીમેન ઈન્ડોનેશિયા' નામનું પુસ્તક છે. પંજાબનાં નાના શહેર જ નહીં પણ ગામડામાં પણ 'અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ અહીં થાય છે'નાં બોર્ડ ઠેર ઠેર લાગી ગયા છે. ડેરાબાસી નામનાં ગામમાં 20 વર્ષ પહેલાં ડૉક્ટર પણ નહોતો. આજે શોપિંગ સેન્ટરમાં બે અલ્ટ્રાસાઉન્ડ મશીનોની દુકાનો ખૂલી ગઈ છે. બહારગામથી પણ રેડિયોલૉજિસ્ટો ઘોડા ઉપર અલ્ટ્રાસાઉન્ડ મશીનો લઈને ગામડામાં ફરે છે.
અલ્ટ્રા સાઉન્ડમાં ટેસ્ટ કરનારા ગાયનેકને પછી ગર્ભપાત કરવાનાં રૂ. 2000 મળે છે. હવે લોકોને શંકા જાય છે કે ગર્ભપાતની કમાણી કરવા માટે ગર્ભમાં છોકરો હોય કે છોકરી - ડૉક્ટરો કહે છે કે દીકરી છે એટલે 'કુડી'ને મારી નંખાય છે. મુબારકપુર ગામમાં માત્ર 4116ની વસ્તી છે. તેમાં સંજીવ ગુપ્તા નામના ડૉક્ટર તેનાં નામ કરતાં અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટનાં અક્ષરો વધુ મોટા ટાઈપમાં ચિતરાવ્યા છે. પંજાબમાં છોકરીને પરણાવવા ઊંચી રકમના દહેજ આપવા પડે છે. જમીન જાયદાદ વેચવી પડે છે. દીકરાને અમેરિકા કમાવા માટે સ્મગલિંગથી મોકલવાનાં પૈસા પછી વ્યાજે લેવાય છે. ડૉ. અમર્ત્ય સેન કહે છે કે અત્યારે દીકરાઓને પરણાવવા દહેજ અપાય છે પણ 10-15 વર્ષમાં કન્યાની શૉર્ટેજ એટલી બધી થશે કે છોકરો કુંવારો ન રહી જાય તે માટે કન્યા વેચાતી લેવી પડશે. મુરતીયાનાં બાપે કન્યાના બાપને ઊલટું 'દહેજ' આપવું પડશે, એટલી બધી કન્યાની શૉર્ટેજ થઈ જશે.
'ગુજરાત સમાચાર' લગભગ 10 લાખ વાચકો વાંચતા હશે. તેનો જે એડિટોરીયલ ખર્ચ છે તેટલો એક ઈન્ટરનેટ સમાચાર કંપની ખર્ચ રાખે છે. તેમાં ગુજરાતી સમાચારો દસ હજાર લોકો પણ વાંચતા નહીં હોય. ભારતમાં માત્ર હજારેક લોકો વાંચતા હશે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ વૉશિંગ્ટનમાં પોતાનો પ્રતિનિધિ રાખ્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના પ્રતિનિધિને વૉશિંગ્ટનમાં આવો ધોળો હાથી રાખવો ન પોસાય પણ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પ્રતિષ્ઠા ખાતર પોતાનો પ્રતિનિધિ રાખ્યો છે. મોટેભાગે લંડન અને ન્યૂયૉર્કના અખબારોમાં આગળ પાછળ ઉમેરો કરીને અહીં સમાચારો મોકલે છે. ઉપરાં તેમના શેઠીયા વૉશિંગ્ટન જાય તો ત્યાં તેમને મોટા સત્તાધીશોની સાથે બેઠક ગોઠવી આપે છે. ટાઈમ્સ જૂથે હિન્દીમાં લખનઉથી પ્રગટ થતું 'નવભારત ટાઈમ્સ' બંધ કર્યું છે. તેના ટોટલ એડીટોરીયલ પગારનો ખર્ચ વૉશિંગ્ટન ખાતાનો એક રિપોર્ટર પગાર વગેરેમાં ખાઈ જાય છે. આમ કોઈ વાતનું પ્રમાણ ભાન નથી. તહેલકાની ગરમી ઓછી થઈ. ભરતકુમાર શાહ અને કેતન પારેખની સમાચારોની ગરમી સમાપ્ત થઈ. બે ચાર વર્ષ અંબાણી ઉપર એકાએક હુમલા શરૂ થાય પછી પાછા ઓટોમેટીક બધું શાંત થઈ જાય છે. લોકોને કૌભાંડના સમાચારોથી ઉશ્કેરવામાં આવે છે. એક સંસદ સભ્યે અંબાણીએ શેર હોલ્ડરોને હિસાબને જોખમે કેટલી જબ્બર મૂડી ભેગી કરીને પછી પોતાની કંપનીઓ માટે વાપરી છે, તેનું તોફાન મચાવ્યું છે. આટલી ગરમી ફેલાવીને પછી એ રાજકારણી અને કંપની વચ્ચે ક્યારે દોસ્તી થઈ જશે તે ખબર નહીં પડે. માનવીની રોજિંદી તકલીફો ચાલુ રહેશે. બર્શેન ગેસનાં કર્મચારી હડતાળ ઉપર છે. ગૃહિણીને ગેસ માટે લાઈન લગાવવી પડે છે. અંબાણીના એ કહેવાતા ગોટાળાં કરતાં ગેસના બાટલાની તંગી લોકોને વધુ અખરે છે. પ્રદૂષણ અને પર્યાવરણ વિશે ઝૂંબેશ ચલાવનારા પત્રકારને ઘરે તેની પથારીની ચાદર મહિને પણ ધોવાતી નથી. સિગારેટના ઠૂંઠા ઠેર ઠેર પડ્યા હોય છે. મેઘા પાટકર અને અરુંધતી રોય ઘરભંગ થઈને નર્મદાવાસીની ચિંતા કરે છે. બિચારા નર્મદાના જંગલનાં વાસીઓ હવે નવા જીવનથી ટેવાઈ ગયા છે. સારી ગૃહિણીઓ બનીને વનવાસી સ્ત્રીઓ વડોદરા નજીકનાં નવા વસવાટમાં પતિની સેવા કરીને જીવે છે. અરુંધતી રોયે તેના વરને રસોઈ કરીને કદી જમાડ્યો હશે?
માનવીના અનરિઝનેબલ બિહેવીયર એટલે કે તેની વર્તણૂક ગેરવાજબીપણું અને વિસંગતિ જોવા જેવી છે. ડૉ. રિચાર્ડ થેલર નામના બ્રિટનનાં અર્થશાસ્ત્રીએ 'અનરિઝનેબલ બિહેવીયર' ઉપર એક આખું પુસ્તક લખ્યું છે. ડૉ. થેલર કહે છે કે ગૃહિણી કે ગ્રાહક, મગ, દાળ, ચોખા, સાકર કે શાકભાજી ખરીદવામાં ખૂબ કરકસર કરશે. ચીવટ રાખશે. રીંગણાને બરાબર ચકાસીને બરાબર તોળાવશે. સાબુની ગોટી ખરીદવામાં નહીં છેતરાય પણ લગ્ન, પ્રેમ, નોકરી અને મોટો ફ્લેટ લેવામાં છેતરાઈ જશે. એક રૂપિયાનાં બટાટા લેવામાં પાક્કો અમદાવાદી એક ફ્લેટ ખરીદવામાં છેતરાય છે. માનવીની વર્તણૂકની આ એનોમલી અસંગતતા ઉપર જ ભારતીય જનતા પક્ષ અને શિવસેના છેતરીને રાજ કરે છે. હવામાં આકાશમાં ઉડતી ચીજ લોકોને વધુ આકર્ષક લાગે છે. માનવીની અસંગતિવાળી વર્તણૂક અગર તેની વિસંગતિ અને લાગણીશીલતાનો લાભ આજે આરામથી કૌભાંડ કરવા માટે આજની સરકારને મળે છે. મંદિર, મસ્જિદનાં પ્રશ્ને લોહી રેડશે પણ કારગીલ કે બૉર્ડર સિક્યુરીટી ફોર્સની બાબતમાં સરકાર નપુંસક થઈ જશે. હિન્દુત્વ ખુરશીમાં ખોવાઈ ગયું છે.
(આ લેખ વર્ષો પહેલા લખાયો હતો.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર