બાળકને ઈશ્વરરૂપે માનીને તેને વંદન કરો

10 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

લગભગ 36 વર્ષ પહેલાં હું કુંદનિકાબહેન અન મકરંદ દવેને મળવા ગયો. ત્યાં મને એક પુસ્તક નજરે પડ્યું. મને નવાઈ લાગી કે એક જર્મન ફિલૉસૉફર, જે કદી ભારત આવ્યો નહોતો પણ છતાં સંસ્કૃતનો સ્કોલર બન્યો હતો. તે ઉપનિષદ અને વેદાંતનો પ્રખર પંડિત પણ હતો. તેનું એ પુસ્તક હતું તેનું નામ મેક્સમુલર હતું. તેણે 21મી સદીના મા-બાપને આજે વધુ લાગુ પડે તેવી વાત કહી હતી. એમના એક પુસ્તકમાં તેણે બાળકને લગતું ગીત પણ લખેલું, તે ગીતમાં બાળકને તો ખુદ ઈશ્વર કે ખુદાનો અવતાર માનીને તેને વંદન કરે છે. આવી જ રીતે બાળકને ઈશ્વર માનનારો શ્લોક છે. સંસ્કૃતમાં બાળકને અર્ભક પણ કહે છે. સ્ત્રીના ગર્ભના બાળકને ‘અર્ભ’ (ફીએટસ) પણ કહે છે. બાળકને લગતું ગીત સંસ્કૃતમાં છે તે સમજવા જેવું છે :

નમો અર્ભકે ભ્યઃ, નમો
અર્ભકેભ્યઃ, નમો અર્ભકેભ્ય:
હરિત વદનેષુ ખેલનમ્ સરિતટેષુ
મેલનમ
વિહકાંવ લોકનમ્ લત્તા
દ્રુમદુમાદર્શનિમ્
સચિત્ર જગ ચિત્રણમ્ સુકાવ્યરસા સ્વાદનમ્
વિશાલ જગદર્શનમ્ વિચાર પૂત જીવનમ્

આને અર્ભક ગીત કહે છે. આપણે આજે બાળક જન્મે તે પછી ભણેલી માતા, કામઢી માતા, નોકરી કરતી માતાઓએ જગતમાં જન્માવેલા મૂલ્યવાન ધબકતા જીવને પારકા હાથમાં સોંપી દેવા પડે છે. આ ગીતમાં તમે ઉપર જોયું કે કવિ બાળકને આપણે શાળાનું લેસન, પછી ટ્યૂશન ક્લાસીસ, ફલાણા ક્લાસી, ઢીંકણા ક્લાસીસ, સંગીત ક્લાસીસ, ફિઝિકલ ટ્રેનિંગ ક્લાસીસ અને જો પિતા કે માતા કોઈ બાપુ કે કથાકાર હોય તો તેને સાંભળવા પરાણે કાન પકડીને લઈ જાય છે. ખરેખર તો બાળકને શું જોઈએ છે? ઉપરના સંસ્કૃત કાવ્યમાં લખ્યું તેમ તે ભણતરના ઢસરડામાંથી જલદી મુક્ત થવા માગે છે. પરીક્ષાની ઝંઝટમાંથી માંડ માંડ છૂટે ત્યારે તેને તો વનેષુ ખેલનમ્-તેને હરિયાળીમાં, વનમાં, ફરવું હોય છે. તેને ગોઠિયા સાથે રખડવું હોય છે. ગામડામાં હોય તો વડલા ઉપર ચઢવું હોય છે. સીમમાં જઈને આંબલીના ઝાડના કાતર ખાવા હોય છે. ચણી બોર વીણીને ખાવા હોય છે.

બાળક એટલે કાંઈ 5-6-7 વર્ષનાને જ બાળક ન ગણવા. મેટ્રિક પાસ થાય ત્યાં સુધી સોળ-સત્તર વર્ષનો થાય ત્યાં સુધી તે બાળક જ છે. તેને કોઈ જ શિસ્તમાં, નિયમોમાં રહેવું ગમતું નથી. તેને તો નદી હોય તો નદી કે ગામનો દરિયો હોય ત્યાં ધુબાકા મારી નહાવું હોય છે. નાગાપૂગા નદીના ધૂનામાં ધૂબાકા મારવા હોય છે. ગોઠિયા સાથે વનમાં જઈ પક્ષીઓનું અવલોકન કરવું હોય છે. તેને પંખી પાળવાં હોય છે. તેની માતાએ પોપટને પીંજરામાં પૂર્યો હોય એને સાંજે ખોલીને ઉડાડી મૂકવામાં તેને મજા આવે છે.

અરે ખરેખર તો આપણે સૌએ કોઈપણ ઉંમરમાં બાળક જેવા જ નિર્દોષ રહેવું જોઈએ. જેમ તમારા દાદા, દાદામહ બાળક જેવા હતા. બાળકોને વૃક્ષો રોપવાં હોય છે. વૃક્ષોને પાણી પાવું હોય છે. તેને માતા પાસેથી કવિતા સાંભળવી હોય છે. ચાંદનીમાં નૃત્ય, ગીત ગાવાની તાલાવેલી હોય છે. ડુંગરાળ પ્રદેશ હોય તો ડુંગરા ઉપર ચઢીને પછી આકાશ જોવામાં મજા આવે છે. તેને જગત જોવું હોય છે. આજે મને બ્રિટિશ હિસ્ટોરીયન અને સાહિત્યકાર મેન્ડેલ ક્રેઈશેનની વાત યાદ આવે છે. તેણે કહેલું કે શિક્ષણનો અર્થ શું છે? માણસ સતત મરતાં સુધી બાળકની જેમ જગતને પ્રશ્નો પૂછતો રહે. શું તમે તમારાં બાળકોને પ્રશ્ન પૂછવા દો છો? તેના જવાબ આપવા કોશિશ કરો છો? કારણ કે તેને પ્રશ્ન પૂછવા દેશો તો જ સવાલો ઉઠાવતો રહીને પછી આ જીવનનો અર્થ છે તે પોતે જ શોધી કાઢશે.

આજે બાળકને તમે ‘નમો અર્ભકેભ્યઃ’ના સૂત્ર પ્રમાણે માન આપો છો? ઘણાં ઘરોમાં તો તાડનમ્ થાય છે. મા-બાપ પોતપોતાનાં કામમાં વ્યસ્ત રહે છે અને બાળકને ટેલિવિઝન કે વીડિયોને હવાલે કરી દે છે. એટલે વન-વિહંગ દર્શનમને બદલે વીડિયો દર્શનમ્ કર્યા કરે છે.

મેન્ડલ ક્રેઈટને એક સરસ વાત કરેલી કે, કેટલાક માણસો જાણે દુનિયાને સુધારી દેવા નીકળી પડે છે અને ઘરે પોતાનાં બાળકો રેઢાં રહે છે! તેણે કહેલું કે, ‘ઘણા લોકો સમાજકલ્યાણ કે સુધારા કરવા કે સેવા કરવાની એટલી બધી હઠ કે ઝનૂની ધૂન પકડે છે કે તે સમાજનું કલ્યાણ કરવાને બદલે સત્યાનાશ વાળે છે, મહાભારતમાં સૂત્ર છે. ‘કર્તવ્યશ્ચ, નિર્બન્ધો, નિર્બન્ધો હિ સુદારૂણ.’ એટલે કે સારું કરવાની પણ હઠ કરવી જોઈએ. જોકે હઠનું પરિણામ ભયંકર પણ આવે છે. કોઈપણ ભોગે સમાજને સુધારી દેવાની ધૂનકીવાળો પોતે જ અંતે બગડી જાય છે. એને બદલે એ ઘરથી શરૂઆત કરે. બાળકને આઝાદ કરે, એને એનું પોતાનું જીવન જીવવા દે. તેવી જ રીતે સમાજને સમાજનું જીવન જીવવા દે. પોતે માત્ર એટલું કરે કે એ કોઈની આડો ન આવે!

નદીમ નકવી નામના શાયરે કહેલું કે બાળકો છ કલાક સ્કૂલમાં, પછી 3 કલાક ટ્યૂશનમાં પછી બીજો વધારાનો કલાક ટીચરના લેસનમાં દટાઈને ખોવાઈ જાય છે. તેનું આખું બચપણ ખોવાઈ જાય છે કે ખવાઈ જાય છે. ચિલ્ડ્રન આર નોટ એન્જૉઈંગ ધેઅર ચાઈલ્ડહૂડ.’ એમનું બચપણ ટ્યુશનોના બોજમાં દટાઈ જાય છે. આજે ટ્યૂશન ક્લાસીસ મોટો ઉદ્યોગ બની ગયો છે. દરેક મધ્યમવર્ગનો માણસ ખેંચાઈ તણાઈને તેના બાળક માટે વર્ષે રૂા. 35000 ટ્યૂશનોમાં ખર્ચે છે. અન્ના પીકોક નામની વિદુષીએ કહેલું કે, ‘ચિલ્ડ્રન આર એનટાઈટલ્ડ ટુ લીવ ધેર યંગ લાઈફ ફુલ્લી.’ પણ મુક્ત રીતે જીવન જીવવાનો તેનો હક આજે ઝૂંટવી લેવાય છે. એ પછી જીવનના વિવિધ ક્ષેત્રે ઠેર ઠેર સ્પર્ધા છે અને બાળકને પ્રથમ લાવવાની મા-બાપની હઠ હોય છે. વડીલો, જે આર્થિક કે બીજી બાબતોના સ્ટ્રેસ મગજના તણાવમાં જીવે છે તેમ બાળકોને પણ સ્ટ્રેસમાં નાખે છે.

જે વાત શરૂમાં લખવી જોઈતી હતી તે હવે લખું છું કે આ લેખ ‘બાળકો’ માટે નહીં, પણ ‘બાળસહજ સ્વભાવ’ રાખવા માટે પણ છે. લગભગ 2150 વર્ષ પહેલાં મેન્સિયસ નામના મહાન ચીની ફિલૉસૉફર સંત થઈ ગયા. તેમણે કહેલું, ‘ધ ગ્રેટ એન્ડ નોબલ મેન ઈઝ હી હુ ડઝ નોટ લૂઝ હિઝ ચાઈલ્ડ લાઈક હાર્ટ.’ - એ જ મહાન કે ઉમદા માણસ છે, જે પોતાનું બાળક જેવું પ્રેમાળ હૃદય પોતે વૃદ્ધ થાય ત્યાં સુધી સાબૂત રાખે છે. જર્મન ફિલસૂફ નિત્સેએ કહેલું કે માણસે અવારનવાર તેનું ડહાપણ રેઢું મૂકીને બાળક જેવા થઈ જવું જોઈએ. અને કસોટી કરી જોજો કે માણસના જીવનમાં વધુ પડતા પહોંચેલપણાને બદલે નિર્દોષતા જીતી જાય છે.

પ્યુબ્લિલીયસ સાયરસ નામના લેટિન લેખકે બચપણ, નિર્દોષતા અને પુખ્ત વયના થઈને પણ બાળકની જેમ જ જીવવા વિશે 1લી સદી,માં જબરી ઝુંબેશ ઉપાડી હતી. પ્યુબ્લિલીયસ તો એક સીરિયન હતો. તેને ગુલામ તરીકે ઈટાલીમાં લાવવામાં આવ્યો. પણ આ ગુલામ નવરો પડે એટલે એટલું વાંચતો અને વિચારતો કે તેની વિદ્વતા જોઈ તેને ખરીદનાર માલિકે તેને આઝાદ કરીને વધુ ભણાવ્યો. જુલિયસ સિઝરે તેની વિદ્વતા જોઈને તેને ઈનામ આપેલું. તેણે કહેલું કે, માણસે બાળક જેવા થવા માટે કોઈ વખત જંગલમાં કે પહાડોમાં, એકાંતમાં ચાલ્યા જવું. ત્યાંથી તેને એકાંતમાંથી બાળક બનવાની આઝાદી મળશે. પ્યુબ્લિલીયસનું એક સૂત્ર દીવાલ પર લખી રાખો : ‘વી આર ઑલ બોર્ન પ્રિન્સીસ. બટ વ્હેન સોસાયટી. પુટ્સ અસ ઈન સિવિલાઈઝિંગ પ્રોસેસ ઈટ મેઈક્સ અસ ફ્રોગ્ઝ.’ અર્થાત્ આપણે સૌ એક રાજકુમાર તરીકે જન્મીએ છીએ પણ આપણા વડીલો અને સમાજ આપણને સિવિલાઈઝ્ડ મેંઢક બનવા ફરજ પાડે છે ત્યારે જ આપણે મેંઢક-દેડકા જેવા ક્ષુલ્લક બની જઈએ છીએ.
સાયરસે બહુ સરસ વાત કરેલી કે મારા ઉપર ઘણા આક્ષેપ કરે છે કે તમે ઘણી વખત બાળક જેવું વર્તન કરો છો, ત્યારે હું કહું છું કે હા હા, તમે પણ ગમે તેટલા મોટા થાઓ પણ તમારી નિર્દોષતા અને પ્રામાણિકતાના પ્રમાણમાં તમારી અંદર બાળકપણું સાબુત હોય છે અને તેથી જ તમે જીવનમાં શાંતિ મેળવી શકો છો. માનવી અવારનવાર બાળક જેવો થાય ત્યારે જ તેને માનવજીવનની બ્યૂટી મહેસૂસ થાય છે. તમે શાંતિ અને પ્રેમના દૂત બનો છો. ઈનોસન્ટ માણસે ઊંઘવા માટે કદી ઊંઘની ગોળી લેવી પડતી નથી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.