લાવો તમારો હાથ
કુન્દનિકાબહેનને દોસ્તી વિશે સવાલો પૂછ્યા તો તેમણે એ સવાલોનો સર્વાંગી જવાબ એક કવિતારૂપે આપ્યો. કવિતામાં તેમણે પરમેશ્વરને પ્રાર્થના કરી છે, જે આમ છે :
"હે પરમેશ્વર
તેં અમને ઉત્તમ મિત્રો આપ્યા છે, તે માટે હું તમારો આભાર માનું છું.
મિત્રો :-
જેમના સાથમાં દુઃખો વહેંચાઈ જાય છે અને આનંદ બેવડાય છે. જેમની સમક્ષ અમે કશું ગુપ્ત રાખ્યા વિના હૃદય ખોલી શકીએ છીએ.
જેમની પાસે અમે ગમે ત્યારે જઈ શકીએ છીએ અને અમારા જવાથી તેઓ રાજી જ થશે એવો વિશ્વાસ રાખી શકીએ છીએ.
જેમને મળીને અમે હળવા થઈએ છીએ અને સમૃદ્ધ પણ થઈએ છીએ.
જેમની ઉપસ્થિતિ શાતારૂપ લાગે છે અને જેમના સાથમાં અમે સહજપણે સારા રહી શકીએ.
જેઓ અમારામાં એવી લાગણી પ્રેરે છે કે તેમને અમારી જરૂર છે.
જેમના સ્નેહને લીધે મુશ્કેલી ઓછી અને ભય ઓછા ભયંકર બને છે.
જેઓ લાંબા સમયથી ટકી રહ્યા છે અને બધા વાવાઝોડામાં સાથી બન્યા છે.
જેમને અમે અમારાં સ્વપ્નોની વાત કરી શકીએ છીએ એવા વિશ્વાસ સાથે કે તેઓ એના પર હસશે નહીં કે એની વિફળતાની હાંસી ઉડાવશે નહીં.
તેં અમને આવા મિત્રો આપ્યા છે તે માટે અમે તારા કૃતજ્ઞ છીએ,
અમને પણ એવા મૈત્રીભાવથી પરિપૂર્ણ કરો.
અમારા મિત્રોની નિહિત શક્યતાઓ પિછાણી શકીએ અને તેના પ્રાગટ્યમાં સહાયરૂપ થઈએ.
પોતાની ઊણપો, નબળાઈઓ, ભૂલોને દૂર કરવાના અને સાત્વિકતા, સત્યનિષ્ઠા, નિર્ભયતા વધારવાના તેમના પ્રયત્નોમાં તેમને સક્રિય સાથ આપીએ.
અમારી સારી દશામાં જેઓ અમારી સાથે હતા તેમનો માર્ગ દુર્દશાની ખીણમાંથી પસાર થાય ત્યારે અમે તેમને વીસરીએ નહીં. પરમાત્મા, ઈશ્વરત્વનો જેમાં અંશ ઝળકે છે તેવી આ શુદ્ધ પરસ્પર ઉત્તમ મૈત્રીનું અમને વરદાન આપો.
ઉપરની કવિતામાં પ્રાર્થનારૂપે મેં મૈત્રી વિશે બધું જ કહી દીધું છે છતાં તમારા પ્રશ્નોના અમુક જવાબો આ રીતે આપું છું :
દોસ્તીને જ મુખ્ય વિષયવસ્તુ બનાવીને મેં એક વાર્તા લખી હતી. જે મારી એક પ્રિય વાર્તા છે. દોસ્તીનાં ઘણાં બધાં સ્તર હોય છે, ઘણાં પાસાં હોય છે. બધાં જ પાસાં એક જ સંબંધમાં પ્રાગટ્ય પામે એ મુશ્કેલ છે. જેની સામે નિઃશેષપણે પ્રગટ થઈ શકાય તેવી મૈત્રી ઉત્તમ છે, આદર્શ છે. કદાચ તેવી મૈત્રી કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે હતી. મિત્રો પાસે આપણી માગણી અવશ્ય હોય છે, કારણ કે તેમાં વૃદ્ધિ ને વિકાસની શક્યતા છે. જેટલી માણસની વિકાસની શક્યતા તેટલી જ તેના સંબંધની ક્ષમતા, મારા પરમ મિત્રો બે છે, પહેલાંનું નામ નહીં આપું, બીજાનું નામ મકરન્દ છે, જે યોગાનુયોગ મારા પતિ પણ છે. પણ અમે પતિ-પત્ની ઓછાં છીએ, મિત્રો જ વધારે છીએ. નમૂનેદાર દોસ્તી વિશે કલ્પના કરું છું ત્યારે ફરી ફરી કૃષ્ણ જ યાદ આવે છે, આમ છતાં મિત્રો ખાતર પોતાની જાતને બધી રીતે ઘસી નાખતા લોકો જોયાં છે. નથી જોયાં એમ નહીં પણ આ પારસ્પરિક પ્રાગટ્યની ઘટના છે. એક માણસ જાત ઘસી નાખે અને બીજાના સ્વાર્થની સીમાઓ તૂટે નહીં તો તેને હું મૈત્રી ન કહું.
(1) દોસ્તી વિશે મેં ખાસ કોઈ એક નવલકથા લખી નથી પરંતુ કોઈ પણ સાહિત્યકારના જીવન ઉપર તેના જીવનની આડકતરી છાપ તેને પણ ખબર ન પડે તે રીતે પડતી હોય છે. દોસ્તોવવ્સ્કી વિશે એમ કહેવાય છે કે તેને કોઈ જીગરી દોસ્ત નહોતા અને તેના ભાઈ સાથે તેને ઘણી વળગણ હતી એટલે તેની કેટલીક નવલકથામાં બે ભાઈઓના પાત્રો અચૂકપણે આવે છે. એ રીતે મારી પ્રથમ નવલકથા 'કાયર'થી લઈને 'વેળાના વછૂટ્યાં', 'ધુમ્મસ', 'હજી ચાંદમાં ડાઘ છે' વગેરે નવલકથામાં બે મિત્રોની વાત ગૂંથાયેલી છે.
દોસ્તીનું મૂલ્ય માનવજીવનમાં ઘણું જ ઊંચું છે એમ હું માનું છું. પરંતુ પ્રેમ બાબતમાં પણ માણસનો ભ્રમ ભાંગે ત્યારે તેના હૃદયને જે આઘાત લાગે તેવું જ મોટાભાગે દોસ્તી બાબતમાં પણ બને છે.
(2) મિત્રો પાસે ઘણી માંગણીઓ લઈને હું ગયો છું અને મારા મિત્રોએ મને ખૂબ જ મદદ કરી છે. જો કે દોસ્તીની કિંમત માત્ર ઉપયોગીતાની દૃષ્ટિએ જ નથી. દોસ્તી પ્રેમનું સ્વસ્થ સ્વરૂપ છે. એટલે મારી દૃષ્ટિએ તેનું ઊંડાણ ઘણું વધારે છે. દોસ્તીનું વર્ણન કરવાનું તમે લખ્યું છે તેના જવાબમાં હું એમ કહીશ કે જીવનનો પથ કાપતી વખતે રસ્તા પર આવતા માઈલ સ્ટોન્સ જેવા મિત્રો જીવનમાં આવતા જાય છે, અને તમને રસ્તો બતાવતા જાય છે. બચપણમાં તમે જેની સાથે રમ્યા હો છો અથવા તો સ્કૂલમાં જેમની સાથે ભણ્યા હો છો તેમની સાથે તમારી દોસ્તી કાયમ ટકી શકતી નથી. તેમાં તેમનો કે તમારો કોઈનો વાંક હોતો નથી. બેમાંથી એકને જુદો રસ્તો લેવાનો હોય જ છે એટલે વિખૂટા પડવાનું અનિવાર્ય છે.
(3) નમૂનેદાર દોસ્તી બાબતમાં આપણે કાંઈ કહીએ એના બદલે આપણા મિત્રોએ કાંઈક કહેવું જોઈએ. મને મિત્રો તરફથી હંમેશા હૂંફ મળી છે. માનવજાત પાસે એથી વધારે આશા રાખવી તે કોઈપણ વ્યક્તિ માટે વધારે પડતું ગણાય. મારા જીવનમાં ઘણાં મિત્રો આવ્યાં છે. અનુભવે મને લાગ્યું છે કે, મારું હૃદય જેને ઝંખતું હોય એવો મિત્ર કોઈ એક જ વ્યક્તિમાં નથી, પરંતુ અનેક વ્યક્તિઓમાં તે વિખરાઈને પડેલ છે. આમ મારા દરેક મિત્રમાં મને કાંઈ ને કાંઈ ચાહવા જેવું લાગે છે.
પ્રેમમાં શોષણ થાય છે તેમ દોસ્તીમાં પણ શોષણ થાય છે તે વાત સાચી છે અને જ્યારે તમને તેની જાણ થાય ત્યારે તે પ્રેમમાં મળતી નિષ્ફળતા કરતાં પણ ઘણીવાર વધારે આઘાતજનક હોય છે.
આદર્શ દોસ્તી વિશે ઘણું લખી શકાય, પરંતુ એ બાબતમાં ઘણા વખત પહેલાં વાંચેલ બે-ત્રણ વાત યાદ આવે છે.
જે માણસ બીજાની હાજરીમાં તમને પોતાના કરતાં પણ મોટા દેખાડવા પ્રયત્ન કરે. જે માણસ તમારી ગેરહાજરીમાં તમારું બૂરું સાંભળીને તમારા માટે લડે (અને પછી ક્યારેય એ વિશે તમને ઈશારો સુદ્ધાં ન કરે) અને પોતે જો લડી શકે તેમ ન હોય તો એવી જગ્યાએથી દૂર ખાસ જાય. જે માણસ ક્યારેય તમને મશ્કરીનું સાધન ન બનાવે કે તમારો ઉપહાસ ન કરે. એ જ વ્યક્તિ તમારો મિત્ર છે બીજા બધા તો પોતપોતાના સ્વાર્થને કારણે ભેગા થયેલ માનવીઓ છે.
અને એટલે જ સૌરાષ્ટ્રના વિખ્યાત કાવ્યગ્રંથ 'પ્રબીન-સાગર'માં કહ્યું છે કે, આ જગતમાં માતા, પિતા, ભાઈ, પત્ની બધું ભાગ્યવશાત મળતું જ રહે છે, પરંતુ "સન્મિત્ર સંસાર મેં મિલન મહામુશ્કેલ."
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર