ફિલ્મસ્ટારોના ગુરુ : એક અદ્ભુત વ્યક્તિત્વ યુ. જી. કૃષ્ણમૂર્તિ
કબીર બેદીથી છૂટી થઈને પરવીન બાબીએ અનુભવેલી માનસિક અંધાધૂંધીમાંથી મુક્ત થવા જે આધ્યાત્મિક પુરુષનો આશરો લીધો હતો તે વિનોદ ખન્નાને પગલે ભગવાન રજનીશના આશ્રમમાં જઈ ત્યાં નાચીકૂદીને ભજન ગાનારી સ્મિતા પાટીલ માનસિક આનંદ માટે જેની પાસે જતી તેમ જ પોતાની ભાણેજ સાથે લગ્ન કરનાર અને ભગવાન રજનીશના નામે પહેરેલાં ભગવાં ઉતારી નાખ્યા પછી અભિનેતા-ફિલ્મ દિગ્દર્શક વિજય આનંદ અત્યારે આધ્યાત્મિક મિત્ર તરીકે જે વ્યક્તિમાં શ્રદ્ધા ધરાવે છે એ આધ્યાત્મિક પુરુષનું નામ છે યુ. જી. કૃષ્ણમૂર્તિ. બીજા બાવાઓ કે મહાત્માઓની માફક યુ. જી. કૃષ્ણમૂર્તિ બહુ પ્રખ્યાત નથી, કારણ કે તેમણે કોઈ આશ્રમ રાખ્યો નથી કે પોતાના પબ્લિક રિલેશન્સ ખાતાની ગોઠવણ કરી નથી.
જગતના ત્રણ દેશોમાં રહીને શિયાળામાં ભારત આવતા જે. કૃષ્ણમૂર્તિ તરીકે ઓળખાતા મહાપુરુષને મળવા પરવાનગી લેવી પડે અને કદાચ એ પરવાનગી ન પણ મળે, પરંતુ એમને મળતાં નામવાળા યુ. જી. કૃષ્ણમૂર્તિને મળવું હોય તો મુંબઈમાં પાલી હિલ પર આવેલા વિજય આનંદના ફ્લેટના ખુલ્લા દરવાજામાં પ્રવેશીને સહેલાઈથી મળાતું હતું.
યુ. જી. કૃષ્ણમૂર્તિ એમને ત્યાં ઊતર્યા ત્યારે એમની મુલાકાત થઈ હતી. ભગવાન રજનીશથી પ્રભાવિત થઈને બે પાકિસ્તાની મુસ્લિમો સંન્યાસી થઈ ગયા હતા એ વાત નવાઈ પમાડે એવી છે. એ પૈકીના એક સંન્યાસી ફિરોજભાઈ લાખાણીએ રજનીસને છોડી યુ. જી. કૃષ્ણમૂર્તિ પાસેથી માનસિક શાંતિ મેળવી છે.
આપણા દેશમાંથી ડૉક્ટર, ટેકનોલોજિસ્ટો અને વિજ્ઞાનીઓ અમેરિકા ચાલ્યા જાય છે અને આપણે તેને બ્રેઈન-ડ્રેઈન તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં બ્રેઈન-ડ્રેઈનને બુદ્ધિબળની હિજરત કહીએ છીએ. આ પછી ભારતમાંથી આધ્યાત્મિક ગુરુઓની હિજરત પણ થવા માંડી.
જે.કૃષ્ણમૂર્તિ સ્વિત્ઝરલેન્ડના હોલી ડે રિસોર્ટ ગણાતા અતિ મોંગા સ્થળની નજીક એક હિલ સ્ટેશનમાં અથવા કેલિફોર્નિયામાં રહેતા, તો ક્યારેક ઇંગ્લેન્ડમાં બ્રોકવુડ પાર્કમાં દેખાતા. યુરોપ-અમેરિકામાં સખત શિયાળો આવે ત્યારે જ આ બાવાઓ ભારતમાં દર્શન દેવા પધારે છે.
જેની આપણે વાત કરીએ છીએ તે યુ.જી. કૃષ્ણમૂર્તિ પણ ઉપરની બાબતમાં એટલે કે વિદેશનિવાસ કરવાની બાબતમાં નિરાળા નથી. તે પણ મોટા ભાગનો સમય યુરોપ, અમેરિકા, સ્વિત્ઝરલેન્ડ અને બીજા દેશોમાં ગાળે છે. તો પછી તેમનું નિરાળાપણું શું?
પહેલું નિરાળાપણું એ છે કે તે કરોડપતિ બાબા નથી. સત્ય સાંઈબાબા હેઠળ કરોડોની મિલકત અને રોકડ રકમનો કારોબાર છે. જે.કૃષ્ણમૂર્તિનું સ્વિત્ઝરલેન્ડ અને કેલિફોર્નિયાનું ફાઉન્ડેશન આઠ કરોડ ડૉલર (રૂ. 400 કરોડ)નું સામ્રાજ્ય ધરાવે છે. ભગવાન રજનીશ પૂનામાં હતા ત્યારે એક નંબરમાં છ કરોડ રૂપિયાની મિલકતો અને રોકડ ધરાવતા હતા. મુક્તાનંદબાબા શક્તિપાત કરાવવા સો-સવાસો ડૉલર લેતા અને ગણેશપુરીમાં 60 એકરથી વધુ જમીન પર તેમના આશ્રમની અસ્કયામતો ઊભી છે. મહર્ષિ મહેશ યોગીની મિલકતનો કોઈ પાર પામી શક્યું નથી.
જો કે આ બધા જ મહાત્માઓ કહે છે કે આમાંની એક પાઈ પણ તેમની અંગત નથી. ભગવાન રજનીશ જે પોતાને ખિસ્સા વગરના માણસ કહેતા અને વિવિધ બાબાઓનાં તેમણે નામો પાડ્યાં હતાં તેમાં યુ. જી. કૃષ્ણમૂર્તિને તેઓ ઉધાર-ગુરુ ગણતા.
યુ. જી. કૃષ્ણમૂર્તિને ઉધાર-ગુરુ કહેવામાં રજનીશજીની વાત એટલી સાચી કે યુ. જી. કૃષ્ણમૂર્તિ આવા ભંડોળની બાબતમાં તદ્દન ઉધાર હતા. એટલે કે તેમનાં ખિસ્સાં ખરેખર ખાલી હતાં. તેઓ એક પાઈની પણ મિલકત ધરાવતા નથી, કોઈ આશ્રમ નથી કે આશરો નથી. સંસારી જીવનના તેમના પુત્રો પાસે પણ તેઓ જતા નથી.
સ્વિત્ઝરલેન્ડની મેડમ વેલેન્ટાઈન કારનેન નામની વૃદ્ધ મહિલા સાથે તેઓ ફરતા. સ્વિત્ઝરલેન્ડમાં સાનેન નામના રળિયામણી સાત ટેકરીઓ વચ્ચે આવેલા ગામમાં મેડમ વેલેન્ટાઈન કારનેનનું ઘર હતું. 34 વર્ષ પહેલાં યુ.જી. કૃષ્ણમૂર્તિને મેડમ વેલેન્ટાઈન આકસ્મિકપણે મળ્યાં હતાં.
એ સમયે યુ.જી. કૃષ્ણમૂર્તિ જીનિવા (સ્વિત્ઝરલેન્ડ)ની ભારતીય રાજદૂતની કચેરીમાં પાસપોર્ટમાં છાપ મરાવવા ગયા હતા ત્યાં મેડમ વેલેન્ટાઈનનો પરિચય થયો હતો. સાદો સફેદ લેંઘો અને કુર્તો પહેરનાર યુ. જી. કૃષ્ણમૂર્તિનાં મુખારવિંદના તેજથી અંજાયેલાં મેડમ વેલેન્ટાઈને યુ. જી. કૃષ્ણમૂર્તિને મળ્યા પછી પોતાની નોકરી છોડી દીધી હતી.
‘તમારી પાસે ફિલ્મસ્ટારો આવે છે તે બધા તો ભારતના પ્રેક્ષકોનાં સપનાનાં રાજકુમાર-રાજકુમારીઓ છે. તેમની કલ્પનાથી અને તેમના ફોટાઓ રાખીને જુવાનો સુખ અનુભવે છે, તો પછી એ લોકોને દુઃખ શેનું છે? મારા આવા પ્રશ્નના જવાબમાં હસતાં હસતાં યુ.જી. કૃષ્ણમૂર્તિએ કહ્યું : ‘કીર્તિની ટોચે પહોંચેલા લોકો વધુમાં વધુ દુઃખી હોય છે. મોટા ભાગના કીર્તિમાન અને ફિલ્મસ્ટાર લોકોને પાછા સામાન્ય બનવું હોય છે.’
સામાન્ય માનવી જેવું જીવન જીવવું હોય છે. આજુબાજુની ગ્લેમરની દુનિયાથી અને કૃત્રિમ જીવનથી એ કંટાળી જાય છે. તેમને કુદરતી બનવું હોય છે. વિખ્યાત અને સ્વરૂપવાન અભિનેત્રીઓને લગ્નનો યોગ્ય સાથીદાર જોઈએ છે. તેમને મા બનવું છે. તેને ભર્યુભાદર્યું પ્રેમાળ કુટુંબ જોઈએ છે. એ બધું મળતું નથી તેથી તે દુઃખી થાય છે.
‘આપની પાસે એ લોકો આવે છે ત્યારે તેમના જીવનનો ઉકેલ આપ આપો છો?’
એવા પ્રશ્નના જવાબમાં યુ.જી. કૃષ્ણમૂર્તિએ તેમનો રેશમી ઝભ્ભો ઠીક કરતાં અને સ્વિત્ઝરલેન્ડમાં રહી રહીને ગુલાબી થઈ ગયેલા હાથની હથેળીઓને રમાડતાં કહ્યું : ‘હું કોઈને ઉકેલ આપતો નથી. હું ગુરુ નથી. બુદ્ધથી માંડીને આજ સુધીના તમામ ધાર્મિક અવતારો કે ગુરુ કોઈ ઉકેલ લાવી શક્યા નથી. ઈન્દિરા ગાંધી પણ શંકરાચાર્યથી માંડીને વિનોબા ભાવે સુધીના સંતો પાસે દર્શને જતાં, પણ તેમની અંગત સમસ્યા ઊકલી નહિ કે તેના દ્વારા દેશની સમસ્યા ઊકલી નહિ. મહાત્માઓના આશીર્વાદનો પ્રભાવ હોત તો દેશની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ હોત.’
યુ.જી. પોતે ગુરુ નથી તો લોકો તેમને ગમે ત્યાંથી પકડી પાડીને તેમની પાસે શું કામ દોડી જાય છે? પરવીન બાબી અને સ્મિતા પાટીલ જેવી અભિનેત્રીઓ તેમની પાસે કલાકોના કલાકો બેસી રહેતી. આ બધી બાબતોનો જવાબ મેળવવા આપણે યુ. જી. કૃષ્ણમૂર્તિનું સમગ્ર જીવન જોવું પડશે. વિખ્યાત જર્મન નવલકથાકાર હોર્મન હેસ, જેઓએ ભારત આવીને ‘સિદ્ધાર્થ’ નામની નવલકથા લખી હતી એવી કોઈ નવલકથાના હીરો જેવું યુ.જી. કૃષ્ણમૂર્તિનું સત્યશોધક અને પરિવ્રાજક જેવું જીવન છે.
આંધ્ર પ્રદેશના સમુલ્લીપટ્ટનમ ગામમાં 1918માં જન્મેલા યુ.જી.ના દાદા થિયોસોફિસ્ટ હતા અને ખૂબ ધનિક પણ હતા. ઘરમાં ધર્મનું વાતાવરણ હતું. નાની વયે જ યુ.જી. પ્રખર વિદ્વાનોને મળતા થયા. સ્વામી શિવાનંદના આશ્રમમાં જઈને યોગ વગેરે શીખ્યા, ધ્યાન વગેરે કરવા લાગ્યા, પરંતુ આશ્રમ, ગુરુઓની માયાજાળ તેમને ગમી નહિ. ત્યાં દંભી વાતાવરણ લાગ્યું.
21 વર્ષની વયે રમણ મહર્ષિ પાસે માત્ર બે કલાક બેઠા ત્યારે તેમને જ્ઞાન થયું કે ‘સત્ય’ની શોધ કે જ્ઞાન થવાનું હોય તો જાતે જ કરવાનું છે. કોઈ ગુરુ થકી કંઈ થવાનું નથી. કૉલેજનો અભ્યાસ પડતો મૂકી યુરોપના પ્રવાસે નીકળી પડ્યા. શરૂઆતમાં થિયોસોફિકલ સોસાયટી વતી આધ્યાત્મિક પ્રવચનો આપતા, પણ તેનાથી તેમના મનને સંતોષ થયો નહિ.
1949માં તેમને જે. કૃષ્ણમૂર્તિનો પરિચય થયો. તેમનાં ભાષણો સાંભળવા જવા લાગ્યા. પછી તેમનાં ભાષણો પણ તેમને જરીપુરાણા લાગવા માંડ્યાં.
તેમણે જોયું કે ચાલીસ-ચાલીસ વર્ષોથી સતત જે.કૃષ્ણમૂર્તિ કલાકો ભાષણો આપે છે અને લોકો સાંભળે છે છતાં શ્રોતાઓમાં કંઈ પરિવર્તન આવ્યું નથી. એટલે તેમણે જે. કૃષ્ણમૂર્તિને પણ છોડી દીધા.
ધનિક દાદાના વારસામાં મળેલા પૈસા ખૂટી ગયા પછી તેમની પત્નીથી પણ તે અલગ થઈ ગયા. પૈસાની દૃષ્ટિએ દેવાળિયા થઈને લંડનની શેરીમાં ફરતા. ત્યાંથી સ્વિત્ઝરલેન્ડ ગયા. ત્યાં એપ્રિલની 1967ની એક રાત્રે કેસિનો દ પેરિસ નામના જુગારખાનામાં આંતરરાષ્ટ્રીય સુંદરીનાં નૃત્ય જોઈને યુ.જી. કૃષ્ણમૂર્તિને મનમાં કંઈક નવો અનુભવ થયો. તેમના હૃદયમાં હલચલ મચી ગઈ.
નૃત્યના પ્લેટફોર્મ પર કોણ નાચી રહ્યું છે તે તેમને દેખાયું નહિ એ પછી ઘણા દિવસ સુધી તેમની ન કળી શકાય એવી આ માનસિક સ્થિતિ રહીત
ઘણી વાર યુ. જી. કૃષ્ણમૂર્તિ બોલતા હોય ત્યારે રજનીશ અને જે. કૃષ્ણમૂર્તિ જેવું બોલતા લાગે. તેમણે મને કહ્યું : ‘સેક્સ અને ઈશ્વરની અનુભૂતિ એક જ કેન્દ્રમાંથી થાય છે.’ કદાચ યુ.જી. કૃષ્ણમૂર્તિ દમનમાં માનતા નથી. તેઓ મુક્ત છે. ધીરે ધીરે તેમને સત્ય સમજાઈ જવા લાગ્યું કે બધા જ ગુરુઓ અને બધા જ ઉપદેશો નકામા છે. જગતમાં કોઈ લક્ષ્ય (ગોલ) જેવું કંઈ જ નથી.
મેં તેમને કહ્યું : ‘જો લક્ષ્યાંક જેવું ન હોય તો લોકો બીજા ગુરુઓ પાસે શું કામ જાય છે? તમારી પાસે શું કામ આવે છે?’ જવાબમાં યુ.જી. કૃષ્ણમૂર્તિએ કહ્યું : ‘જે લોકો આવે છે તેમાંના ઘણાને તો શું જોઈએ છે તે ખબર નથી. બીજામાંથી ઘણાને આવા ગુરુઓની સામાજિક જરૂરિયાત હોયછે, પરંતુ જગતના દરેક ગુરુઓના આશ્રમને હું તો જગત પરની આફત જેવા માનું છું.’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર