પ્રેમભંગની જેમ 'નોકરીભંગ' પણ થાય!
કવિ અબ્રાહમ ક્રાઉલી મેટાફિઝિકલ કવિ ગણાતો. મેટાફિઝિકલ એટલે આત્મવિષયક કે આત્મવિદ્યા કે સાદા અર્થમાં આધ્યાત્મિક વિષયને છેડતો કવિ. કવિ કાન્ત અને એક દૃષ્ટિએ કલાપી અને કવિ ઉમાશંકર જોષી પણ મેટાફિઝિકલ કવિ ગણાય, પણ મારી દૃષ્ટિએ કવિ ક્રાઉલીનું આ કથન બહુ જ સમયસરનું છે - ‘ટુ લવ ઈઝ એ માઈટી પેઈન... એન્ડ ઈટ ઈઝ એ પેઈન વન શુડ બોટ મિસ!... છેક સાડા ત્રણસો વરસ પહેલાં તેણે પ્રેમ વિશેનું આ સનાતન, કઠોર પણ સાચું વિધાન કરેલું કે ખરેખર પ્રેમ કરવો એટલે પીડાને કંકોત્રી લખવી. પીડાને સામે ચાલીને ભેટવું. પણ આ પીડા માનવે જિંદગીમાં મિસ કરવા જેવી નથી-ખોવા જેવી નથી. હિન્દી કવિ ચંદ્રસેન વિરાટે પ્રેમમાં પડવું એટલે યાયાવરીમાં પડવું એમ કહેલું. યાયાવરી એટલે રખડપટ્ટી-રઝળપાટ, સૂક્ષ્મ અર્થમાં આત્માનો રઝળપાટ. તેણે સરસ કાવ્ય લખેલું.
ઈસ જહા મેં ફકીરો કે કોઈ ઘર નહીં હોતે
હમારી વૃત્તિ યાયાવર હમારી નિયતિ હૈ યાત્રા
કભી હમ તેરે નહીં હોતે કભી મૈં મેરા નહીં હોતા
પ્રેમ સિંહાસન હોતા હૈ લેકિન વહ
સિંહાસન હમારે નસીબ નહીં હોતા
એક તંત્રીને તેના માલિકે અખબારમાંથી છૂટા કર્યા. થોડો સમય પત્રકારત્વ વગર રહ્યા. તેને ઘણા પત્રકારો મિત્રો અને બીજા વાચકોએ સહાનુભૂતિ બતાવી. પરંતુ તંત્રીએ કહ્યું કે, ઊલટાની તમારે સૌએ મારી ઈર્ષ્યા કરવી જોઈએ કે હું હવે મસ્તરામ થઈને જીવી શકું છું. કારણ કે, રઝળપાટ કે રખડપટ્ટી કરવા આઝાદ રહેવું એ પણ નસીબદારના જ ભાગ્યમાં છે. પણ આજે ધનલક્ષ્મી અને સતત ઓવરવર્ક, સતત કીર્તિના ગાંસડા, સતત જુદાજુદા વેપારના ગાળિયા વચ્ચે ‘નવરા’ હોવું એ જાણે શાપ છે. ફ્રોઈડે કહેલું કે માનવીની જિંદગીમાં ‘લવ એન્ડ વર્ક-પ્રેમ અને પ્રવૃત્તિ એ બંને બહુ જ મહત્ત્વની ચીજો છે. પ્રેમ અને પ્રવૃત્તિ વગર માણસ જીવી ન શકે. પ્રેમ વિશે તો કોથળા કે ખટારા ભરી ભરીને લખાયું છે, પણ વર્ક નોકરી કે પ્રવૃત્તિ વિશે જે પરિપ્રેક્ષ્યમાં જે સ્પિરિટમાં લખાવું જોઈએ તે લખાયું નથી. પ્રેમમાં નિષ્ફળતા મળે તો મોટી મોટી ગમગીનીવાળી કવિતાઓ લખાય છે. ઘણા ફિલ્મ બનાવી કાઢે છે. ઘણા પ્રેમમાં નિષ્ફળ જઈ સક્સેસફુલ વેપારી પણ બની જાય છે!
પણ મનને ગમતી પ્રવૃત્તિ હાથમાંથી ઝૂંટવાય કે ‘નોકરી’ ચાલી જાય તો? તે વિશે સાહિત્યમાં બહુ ઓછું લખાયું છે. એટલા માટે કે કોઈ પ્રેમમાં નિષ્ફળ જાય તો યુવક કે યુવતી અને ખાસ કરીને યુવતી-વનસાઈડેડ લવમાં હોય છે ત્યારે તેને જાણ થતાં આપઘાત કરે છે. આપણને કોઈ સાથે લવ અફેર થાય ત્યારે શરૂ કે પછીની જે હાલત હોય છે તેવી જ નોકરીમાં હોય છે. પ્રેમમાં પડો એટલે આખી ગતિરેખા બદલાઈ જાય છે. ધનિક હોય કે ગરીબ, બંનેની હાલત સરખી હોય છે. પ્રેમની નિષ્ફળતામાં કોઈ સ્ટેટસ હોતું નથી.
પ્રેમમાં નવા નવા પડીએ ત્યારે નવો નવો ઉમંગ હોય છે. પ્રેમિકા માટે કંઈનું કંઈ કરી નાખવાનું મન થાય છે. તેને ખુશ કરવા નિતનવા નુસખા અજમાવીએ છીએ. પણ આ બાબતમાં પુરુષ કરતાં સ્ત્રી પ્રેમીને રીઝવવા આકાશ-પાતાળ એક કરે છે.
અમુક અંશે તમને ગમતી નોકરી મળે ત્યારે તમે આવું જ કરો છો. રોકેટ જે ગતિએ ચાલે છે તે ગતિએ બૉસને રીઝવવા ઝડપથી કામ કરીએ છીએ. પ્રિયતમા પર જેમ મોહિત થતાં જેમ તેના પ્રત્યેનું ડિવોશન ઉમદા હોય છે. તેવું નોકરીમાં હોય છે. બધું જ ચારેકોર તમારું મનોરંજન કરે તેવું અને વશીકરણ કરનારું હોય છે. પણ થોડા સમય પછી પ્રેમમાં અને પ્રવૃ્ત્તિમાં તમને પ્રતીતિ થાય છે કે એ માત્ર માયાજાળ છે. પ્રેમ ભલે એકતરફી હોય કે ચોતરફી હોય, પણ ધીરે ધીરે માનવીને તે કોઠે પડી જાય છે. પણ... પણ... જ્યારે પ્રેમ એકતરફી હોય ત્યારે કેવી હાલત થાય છે?
તમે જાણે દુનિયામાંથી ફેંકાઈ ગયા હો તેમ લાગે છે. ડૉ. જોન લેકેસ્ટર, જે મેનેજમેન્ટના નિષ્ણાત છે તે કહે છે તેમ તમે નોકરીને પ્રેમ કરો છો અને હૃદયથી કામ કરો છો ત્યારે પ્રતિધ્વનિ તરીકે માલિક પણ તમને પ્રેમ કરશે. કરે અને ન પણ કરે! લેખક અમેરિકન છે અને અમેરિકાનો માલિક કદી તેના નોકરને પ્રેમ કરતો નથી. આપણે પણ ધીરે ધીરે અમેરિકનાઈઝ્ડ થતા જઈએ છીએ. જ્યારે નોકરીમાંથી છૂટા થાઓ છો એટલે કે છૂટા કરવામાં આવ્યા છો તેને રાજીનામું કહો કે કંઈ પણ કહો-આજની ભાષામાં યુ આર ફાયર્ડ. મારા વતનના ગામમાં મારે ત્યાં કપૂરચંદભાઈ ઘરકામ કરતા. ઘરે જમતા. ઘરે સૂતા. ઘરના જ સભ્ય થઈ ગયા હતા. તાત્પર્ય કે ઘરનોકર એટલે ઘર સાથે જોડાયેલા જિંદગીભર. એટલી હદે કપૂરચંદભાઈ સભ્ય થયેલા કે મારો નાનો ભાઈ તેની થાળીમાં સાથે જમતો. કપૂરચંદભાઈ ઢોર ચરાવવા જાય, છાશ તણાવે-તમામ કામ કરે. સૌરાષ્ટ્રમાં આવા ઘરના સભ્ય બની ગયેલા નોકરો ઘણા નજરે પડે છે.
અમેરિકામાં આવા નોકર ઓછા જોવા મળે. ત્યાં તો થોડોક અણગમતો બનાવ બને એટલે નોકરને ફાયર કરાય છે. મને 23 વર્ષ પહેલાં તો આંકડાય મળેલા કે અમેરિકામાં અતિ ઊંચા પદેથી એક દિવસમાં 12831 જણ ફાયર થતાં. આ ક્રિયાને ‘હાર્ટબ્રેક ઓન ધ જોબ’ કહે છે. પ્રેમભંગ થાઓ ત્યારે તો તમે ઊલટાના ક્રિયેટિવ થઈ શકો છો. કવિતા લખી શકો છો. ચિત્રકાર બની શકો છો પણ તમે ‘નોકરીભંગ’ થાઓ ત્યારે શરૂમાં તમારી તમામ ક્રિયેટિવિટી ડૂલ થઈ જાય છે. વળી, તમારા પ્રત્યે ઘણાના પ્રેમ ઓછા થઈ જાય છે. અરે, તમે નોકરીમાંથી ‘ફાયર’ થાઓ એટલે અમુક જણને આનંદ થાય છે. તમે એમ વ્યંગ્યમાં કહી શકો કે તમે નોકરી વગરના કે બેકાર થાઓ છો ત્યારે અમુક વિઘ્નસંતોષીને આનંદ આપ્યાનું પુણ્ય કરો છો!
પરંતુ આજના યુગમાં આમ બેકાર બનીને કોઈને આનંદ પમાડ્યાનું પુણ્ય ભારે પડે છે. માત્ર તમે નોકરીમાંથી જ નહીં પણ તમે દરેક સંબંધોમાંથી પણ ‘ફાયર્ડ’ થઈ જાઓ છો. સાહિત્યમાં વિખ્યાત સાહિત્યકાર-વાર્તાકાર અમીલે ઝોલાએ તેની નવલકથામાં કામભંગ થયેલાની વ્યથા લખી છે. ઉપરાંત દોસ્તોવસ્કીએ તેની વાર્તા ‘અન્ના કેરેનીના’માં ઉલ્લેખ કર્યો છે. માણસ ક્યાંયનો નથી રહેતો. એક વખતનો હીરો-ઝીરો થઈ જાય છે. નરસિંહ મહેતાનાં પત્ની ગુજરી ગયાં ત્યારે નરિસંહ મહેતાએ આધ્યાત્મિક ભાવે ગાયેલું કે ‘ભલું થયું ભાંગી જંજાળ’, આવું જ અગાઉના જમાનામાં નોકરી છૂટે એટલે માણસને જંજાળમુક્ત થયાનો અહેસાસ થતો.
અમેરિકામાં ઘણા લોકો ફાયર્ડ થતાં માનસિક રીતે અસ્તવ્યસ્ત થઈ જાય છે કે ઘણી વખત એમનું મગજ ખસી જાય. તે લોકો માટે પુસ્તકો લખાયાં છે. ખરેખર જ્યારે પણ તમે વહાલી પ્રવૃત્તિ, વહાલા સંબંધ કે વહાલી નોકરીમાંથી ફાયર થાઓ ત્યારે તમને કોઈ ભસ્મ કરે તે પહેલાં તમારે જ આપોઆપ ભસ્મ થઈને પછી તમારે જ નવેસર સર્જાવું જોઈએ. તમને કેમ કોઈ બીજી વ્યક્તિ સાવ અર્થહીન જીવન જીવતા બનાવી શકે? માણસે તેની જિંદગીમાં શાયર નિદા ફાઝલીની ભાષામાં આવારાપણામાં હંમેશાં મસ્ત રહેતાં શીખવું જોઈએ. 21મી સદીમાં આવી આવારગીની કલા ખોવાઈ ગઈ છે!
છેલ્લે નવી વાત : અમેરિકામાં ડૉ. લીઓ બુસ્કાગ્લિયાએ ‘પ્રેમની કળા’ પેદા કરીને કરોડો ડૉલર બનાવેલા. તેમણે ‘હગ એ સ્ટ્રેન્જર’ નામની ફિલૉસૉફી ઊભી કરી અને તેણે કઠોર-મીઠું સત્ય પ્રગટ કર્યું કે શેરીમાં ચાલ્યો જતો દરેક માણસ સ્ત્રી કે પુરુષ તેને કોઈ પ્રેમ કરે તેવું ઈચ્છે છે. તે પ્રેમભૂખ્યો છે. ડૉ. લીઓ બુસ્કાગ્લિયા કહે છે કે થોડોક સમય પણ અજાણી વ્યક્તિ તમને ભેટીને પ્રેમ કરે છે ત્યારે તમારા શરીરના હોર્મોન્સ વધુ ઝરે છે!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર