માનવ અને કુદરતનો સર્જન અને વિનાશનો સ્વભાવ
આજની ટીવી પત્રકાર છોકરીઓ જન્મી નહોતી ત્યારે 19 વર્ષ પહેલાં ભિવંડી અને તે પછી મુંબઈમાં જબ્બર કોમી હુલ્લડો અને બાળવા મારવાનો એક સપ્તાહ સુધી દૌર ચાલેલો. 1984ના મે મહિનાનાં જૂનાં અખબારોના અંકો જોશો તો તેમાં મુંબઈની કોમી આગનું હૃદયદ્રાવક દૃશ્ય છે. આજે આ ટીવી પત્રકારો તેમ જ બીજા ઘણા કહે છે કે ગુજરાતના આ સમયમાં તોફાનો અભૂતપૂર્વ છે. કશું જ અભૂતપૂર્વ નથી. મહાભારતમાં કૌરવોનો નાશ થયો હતો. ખ્રિસ્તીઓ અને ઈસ્લામ ધર્મીઓ એકબીજાને બાળતા હતા – હજારોની સંખ્યામાં અને પછી લાખની સંખ્યામાં. બીજા વિશ્વયુદ્ધ પહેલાં હિટલરે યહૂદીઓની સામૂહિક હત્યાઓ આદરી હતી. મુંબઈના એક પોલીસ ઑફિસરને બરાબર એપ્રિલ 1984માં પૂછેલું કે દસ-દસ દિવસ થયાં છતાં કેમ હુલ્લડો કાબૂમાં આવતાં નથી? મુંબઈ કેમ થરથરે છે તો પોલીસ ઓફિસરે કહ્યું, ‘જુઓ, મારો ફોન વધુ એંગેજ રાખશો નહીં. અમે ત્રણ-ત્રણ દિવસથી અમારે ઘરે ગયા નથી. રાત્રે માત્ર બે કલાક પોલીસ ચોકીમાં સૂઈ રહીએ છીએ... એક વાત સમજી લો. મુંબઈના એક એક નાગરિક પાછળ એક એક પોલીસ રાખીએ તો પણ જ્યાં સુધી લોકોના મનમાં વેર ઘૂંટાય છે ત્યાં સુધી તમે સંપૂર્ણ રક્ષણની આશા રાખી જ શકો. વેરઝેર દૂર કરવા સૌ અંગત રીતે કરવું ઘટે તે કરે તો જ મામલો થાળે પડે.’
મુંબઈ શહેર પોલીસ તે વખતે શિવસેના કે કોઈની શેહમાં નહોતી ત્યારે ઉપરની હાલત હતી. મારવા અને બાળવાનો માનવનો સ્વભાવ છે. જૂના જમાનાના ડબગરો જે પોતેય ઢોલ ત્રાંસા અને તબલાં બનાવતા હતા તે નવરાત્રમાં ઢોલ વગાડે ત્યારે તાનમાં આવી જતા અને કહેવત પડી કે તોડી નાંખ તબલાં અને ફોડી નાંખ ઢોલ. આપણને આપણું સર્જન તોડવાની અને બાળવાની ટેવ છે. કુદરત પણ આવું કરે છે. નાના બાળકને રમકડું આપો તો સૌ પ્રથમ તેને તોડવાની ચેષ્ટા કરશે. મહુવાના મોચી ચોકમાં 60 વર્ષ પહેલાં એક ધૂની બાવો આવેલો. ખરેખરો ધૂણી ધખાવતો જોગી હતો. તેનાં ભક્તો આવીને લંગોટીવાળા બાવાને ધોતિયાં, લંગોટીઓ, ટુવાલ, પહેરણ, ઓઢવાનાં ધાબળાં, ખાવામાં પેંડા, બરફી, ગાંઠિયા વગેરે આપી જતા. પીવા દૂધ આપતા. એક લોટામાં દૂધ રેડી તેમાં એટલું જ પાણી રેડીને બાવો પી જતો, પછી ધૂણીમાં ધોતિયાં, લંગોટી, ધાબળા, પેંડા, મોસંબી, કેળાં એ બધું જ હોમી દેતો. આગમાં ખાખ કરતો. કહેતો બધું જ નાશવંત છે તે દેખાડવા આ કરું છું. તમારી જરૂરિયાત કરતાં વધુનું ઉપાર્જન ન કરો. તે બધું જ ખાખ સમાન છે.
થોડોક વિષાયાંતર કરું છું પણ વિષયાંતર નથી – વિષયની વિવિધતા છે. તમે એનરોન કંપનીનું નામ સાંભળ્યું છે. એનરોનના ઓડિટરોએ એનરોનનાં ડોક્યુમેન્ટ સરકારને હાથ ન પડે તે માટે કેટલાંકને બાળી નાખ્યાં. કેટલાકની ઝીણી ઝીણી કચરો કરવા માટે તેને થ્રેડિંગ મશીનમાં જથ્થાબંધ કાપી નાંખ્યાં. માનવી તોડવા-ફોડવા અને બાળવામાં કુદરત જેટોલ કુશળ નથી. આપણે ગુજરાતમાં જે હિંસા અને તોડફોડ થઈ તેને માટે અંગ્રેજી ટીવી ઉપર ‘ડિવાસ્ટેશન’ શબ્દ સાંભળીએ છીએ. લેટિન શબ્દ 'devaskare' ઉપરથી આ શબ્દ આવ્યો છે. બધી જ ચીજોની કચરો કરી નાંખવી એટલે ડિવોસ્ટેશન. રોમન બાદશાહોની નીતિ હતી. ન ગમે તેનો નાશ કરવો. અમેરિકા અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે બંને દેશોના યુદ્ધના નિષ્ણાતો ‘મ્યુચ્યુઅલ ડિસ્ટ્રકશન’ પરસ્પરનો નાશ જેવો શબ્દ વાપરતા હતા. આ ડિસ્ટ્રક્શન શાંતિના સમયમાં એનરોન સુધી આવ્યું. આજે જાણે બે કોમો મ્યુચ્યુઅલ ડિસ્ટ્રક્શન કરવા મિથ્યા હિંસા કરે છે.
ડૉ. કુલેન મર્ફિએ ‘આટલાન્ટિક’ મેગેઝીનમાં એક સરસ સંશોધનવાળો લેખ લખ્યો છે, તેમાં કહ્યું છે કે આ ડિસ્ટ્રક્શન – વિધ્વંસ માનવી ભૂતકાળમાં કરતો જ આવ્યો છે. શહેરો, પ્રાણીઓ, માનવીઓ અને તાલેબાનોએ બૌદ્ધ પ્રતિમા તોડી કેવી રીતે નાશ કરતો આવ્યો છે. મંદિરો, મૂર્તિઓ, મસ્જિદો અને દેવળોને બાળ્યાં છે, તોડ્યાં છે. આપણે બાળવાની નાની વાત લઈએ તો 1979માં ઈરાનની અમેરિકન એમ્બેસી પર હુમલો થયો ત્યારે અમેરિકન ઑફિસરો પોતાના જ ડોક્યુમેન્ટને બાળતા હતા. થ્રેડિંગ (ચૂરેચૂરા) કરતા હતા. મકસદ જુદો હતો. એ પછી ઈરાનને નેસ્તનાબૂદ કરવાના ઈરાદાવાળા લેફ્ટનન્ટ કર્નલ ઓલીવર નોર્થએ તેના કોમ્પ્યુટરના તમામ ઈ-મેઈલ મેસેજને deleke deleke કહીને નાશ કર્યા હતા. ઈશ્વરે જ્યારથી સર્જન કર્યું છે ત્યારથી આપણે તમામ વખતોવખત ડિલિટ deleke deleke કર્યું છે.
લેખકોએ હસ્તપ્રતો બાળી નાંખી છે. શહેનશાહોએ લાઈબ્રેરીઓ બાળી નાંખી છે. 1862માં કવિ અને ચિત્રકાર દાન્તે ગ્રેબિયલ રોઝેટીએ તેની પત્નીનો દેહાંત થયો ત્યારે તેને પોતાની જિંદગી ઉપર એવો રોષ ચઢ્યો કે તેણે પોતાની તમામ કવિતાઓ પત્નીના કોફીનમાં (અપ્રકાશિત કવિતા) મૂકીને પત્ની સાથે દાટી દીધેલી. ઈતિહાસમાં આ નાશ કરવાની એક પદ્ધતિમાં બાળવાની મુખ્ય હતી. થોમસ કાર્લાઈલે એક વખત કવિ જોન સ્ટુઅર્ટ મિલને કહ્યું કે તમે ફ્રેન્ચ ક્રાંતિ વિષે લખ્યું છે તે હસ્તપ્રત વાંચી સંભળાવો. કવિ સ્ટુઅર્ટ મિલ ઘરે હસ્તપ્રત લેવા ગયા તો તેની દાસીએ આખા ગ્રંથની હસ્તપ્રતો સગડી જલાવવા બાળી નાંખી હતી. એલેક્ઝાન્ડ્રીયા શહેરની આખી લાઈબ્રેરી બાળી નંખાઈ હતી. ઘણા લેખકોએ જૂના સમયમાં કહેલું કે પોતે મરી જાય પછી તેનાં તમામ લખાણ બાળી નાંખજો. પ્લેટોએ ‘સેકન્ડ એપિસલ’ લખ્યા પછી કહેલું કે આ વાંચીને પછી બાળી નાંખજો.
આજથી 2700 વર્ષ પહેલાં એસિરિયન અમ્પાયરને ધ્વસ્ત કરાયેલો. તેના વિજેતા બાદશાહે આશુબાનિપાલની લાઈબ્રેરીને આગ લગાવેલી. કેટલાક શાસ્ત્રો ઈંટ પર લખાયેલાં તે બચી ગયાં. હર્બર્ટ મારકસ નામના ક્રાંતિકાર લેખકે ક્રાંતિમાં કોઈની દયા ન ખાવાનું કહેલું. એ પછી બ્લેક પેન્થર નામના ત્રાસવાદીઓએ સૂત્ર ઘડેલું, ‘બર્ન, બેબી બર્ન.’ એ પછી બાળવાનું ચાલ્યું જ આવે છે. તે ગોધરા, અમદાવાદ કે ગુજરાતનાં ગામડાં સુધી મર્યાદિત રહેવાનું નથી. પરંતુ સદ્દભાગ્યે બાળવા પછી પાછું સર્જનનું કામ પણ થશે. નંદવાયેલાં હૈયાં પાછાં સંધાશે પરંતુ તે બધું આપોઆપ થાય તેવો આ સમય નથી.
અમેરિકાના 11 નાગરિકોએ આજ સુધીમાં સાહિત્યનાં નોબેલ પુરસ્કાર મળ્યા છે. સિક્લટ લૂઈસને સૌ પ્રથમ સાહિત્યનું પારિતોષિક મળ્યું તે પછી 1980માં ચેસલો મિલોઝને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો. તે યહૂદી લેખક હતા. પોલેન્ડથી હિટલરના ત્રાસથી ભાગીને અમેરિકામાં આવેલા. ચેસલો મિલોઝે 1942માં તેમના મિત્રને લખેલું કે જેમ માંકડ, મચ્છર અને જીવાતનો એક્સ્ટરમિનેશન- સંપૂર્ણ નાશ કરાય તેમ અન્ય ધર્મીઓનો સંપૂર્ણ નાશ કરવો તે જાણે હિટલરનો ધર્મ બની ગયો છે. જાણે માણસ એક માંસનું પૂતળું છે અને માથા ઉપર ઘાસ ઊગ્યું હોય તેમ માણસને બાળી નખાય છે. મરવું અને મારવું એ રોજિંદી પ્રવૃત્તિ બની ગઈ છે. ઘણી વખત ઈશ્વર માનવોને અંદરોઅંદર મારતા અને મરતાં છોડીને નિઃસ્પૃહ બની જાય છે. ઈશ્વર જ્યારે આવું કરે ત્યારે માનવો જ એકબીજાને પ્રેમ કરીને બચાવી શકે, કારણ કે સરકારો તો ખડૂસ છે. ઈશ્વરને સર્વત્ર હિંસાના વાતાવરણમાં રાજીનામું આપતા બતાવીને પછી પણ પોલાન્ડના કવિ ચેસલો મિલાઝ શ્રદ્ધા સાથે કહે છે :
It is not upto me to know
Anything about Heaven or hell.
But in this world there is
Too much ugliness & horror.
So there must be somewhere
Goodness and krukh.
And that means some where
God must be.
જ્યારે ઈશ્વર તેના માનવસર્જનથી રૂઠેલો હોય ત્યારે મુસ્લિમ અને હિંદુ બન્નેની ફરજ છે કે રૂઠેલી કુદરતને મનાવી લે, કારણ કે ઈશ્વર સાવ રાજીનામું નથી આપતો. કવિ કહે છે કે જ્યારે ઈશ્વર ક્યાંય દેખાતો નથી એવું લાગે ત્યારે એ વાત સાબિત કરે છે કે ક્યાંક પ્રેમનું અસ્તિત્વ છે. જો ઈશ્વર ન હોત હું હિટલરના હિંસાકાંડમાં મરી ગયો હોત.
બાળવાની પ્રવૃત્તિ ખ્રિસ્તીઓએ 900 વર્ષ પહેલાં શરૂ કરેલી. ઈસ્લામને નષ્ટ કરવાની એ ઈન્કવિઝિશન નામની ઝુંબેશમાં લાખ્ખો મુસ્લિમોને બાળી નંખાયા હતા. ઇતિહાસ બેધારી તલવાર છે. બાયઝેન્ટાઈનના લોકો તેમનાં સગાંઓની આંખો ફોડી લેતા. બ્રિટિશ રાજાએ કેરેબિયન ટાપુમાં સ્પેનિશ કોલોની આખી સળગાવી દીધેલી. આજે પણ નામદાર પોપ પોલ બીજા આ ક્રુઝેડની જયંતી ઊજવીએ ઈસ્લામધર્મની માફી માગે છે. મુસ્લિમોએ 722ની સાલમાં જે કતલ ચલાવીને ખ્રિસ્તીઓનું ધર્માંતર કરેલું તેના વેરરૂપે ક્રુઝેડ (ધર્મયુદ્ધ) ચાલ્યું હતું.
આજે પોલેન્ડના કવિ ચેસલો મિલોઝ કહે છે તેમ બે કોમના માનવીએ ભેગા મળીને પ્રેમના મહાયોગ કે વિચારોના મહાયજ્ઞની જરૂર છે. જો બધા જ વિચારવા માંડે કે તમામ મુસ્લિમ પાકિસ્તાન ચાલ્યા જાય છે કે મોગલોની માફક પાકિસ્તાન હવે હિંદુસ્તાનમાં કતલ કરીને સામ્રાજ્ય સ્થાપે તો મહાસુખ મળે તો તેવું કુદરત કદી જ સહન ન કરે. જ્યારે આ કક્ષાએ સામૂહિક ડિસ્ટ્રક્શનની વાત મોટાભાગના માનવી માત્ર મનમાં મુંબઈ બેઠા પણ વિચારે ત્યારે ગુજરાતમાં સામૂહિક ક્રૂરતા કે હિંસા થાય તેટલો વિચારોનો પ્રભાવ છે.
ઊલટાનું જો મુસ્લિમો વિચારે કે હિંદુસ્તાનમાં હિંદુ ભાઈઓ સાથે જ શાંતિથી પેઢીઓની પેઢીઓ રહેવું છે અને હિંદુઓ સામૂહિક રીતે વિચારે કે હિંદુ ધર્મની બહુ ગવાયેલી સહિષ્ણુતા મુજબ મહાયોગ સાધીને બધા સાથે રહે તો જ હિંદુસ્તાનની પ્રગતિ થાય. આમ ન થાય તો હિટલરે જર્મનીને અને દુનિયાને યહૂદીમુક્ત કરવા સામૂહિક હત્યા કરી છતાં યહૂદી ધર્મીઓ વધ્યા છે અને પોતાનું રાજ્ય પણ બનાવ્યું છે તેવું બને. આ હાલતમાં જે વિચારવાનું છે તે ધર્મસંસ્કૃતિનાં વારસાવાળા હિંદુઓએ જ વિચારવાનું છે. પાકિસ્તાનીઓ પાસે પોતાનો કોઈ મૌલિક આધ્યાત્મિક વારસો નથી. ઈસ્લામનાયે મૂળભૂત જાણકારો ભારતમાં છે. હિંદુ ધર્મ કે કોઈ પણ ધર્મમાં ઈશ્વર-અલ્લાહને પ્રાપ્ત કરવા મોટી સાધના કરવી પડે છે. તેમાં વ્યવધાનો – વિઘ્નો આવે જ.
હિંદુ અને ઈસ્લામ બન્ને ધર્મો માને છે કે આપણો આત્મા અફાટ સમુદ્રના તીર પર ઊભો રહીને અખંડ મહાપ્રકાશની રાહ જોઈને સાચી દિશા તરફ વ્યાકુળ દૃષ્ટિએ જુએ છે. એ પછી કોઈ પણ અચિંત્ય મહાક્ષણે તેને મહાપ્રકાશનું આકર્ષણ થવા લાગે છે. પરંતુ તે માટેની અબળખા અને ઉત્કટતા જોઈએ. કાપી બાળીને ભગાડી નાંખવાની વિધ્વંસાત્મક વૃત્તિ નહીં. જો બન્ને કોમને ઉપર લખ્યું તેમ મહાપ્રકાશની રાહ હોય તો આ મહાપ્રકાશનું સાર્વત્રિક આકર્ષણ થતાં બન્ને ધર્મીઓ પોતાની અસલ સ્વરૂપ સ્થિતિ હાંસલ કરે છે. એટલે કોઈ સરકાર નહીં પણ બન્ને કોમોએ પોતપોતાની રીતે આ સ્થિતિ પ્રાપ્ત કરવાનો વ્યક્તિગત મનસૂબો કરવો જોઈએ. એકબીજાને બાળવાનો નહીં.
‘સિદ્ધયોગીના સાંનિધ્યમાં’ કવિરાજ નામના તત્ત્વદૃષ્ટા કહે છે કે ઈસ્લામ અને હિંદુઓને શુદ્ધ વિદ્યાનો (જિહાદની કલુષિતવિદ્યા નહીં) ઉદય થયા પછી એ લોકો સર્વત્ર આત્મભાવથી જુએ છે. હિંદુઓ કે મુસ્લિમો પોતાની સાધના પ્રમાણે નિર્વાણ પ્રાપ્ત કરવા માટે જ જીવનનું સ્વાર્થી અંતિમ ધ્યેય રાખી ન શકે. એક જીવની મુક્તિ સાથે બધા જીવોની મુક્તિ અને પ્રગતિ થવી જોઈએ. વેદાંતમાં સર્વ મુક્તિની આ ભાવનાને વિશ્વકલ્યાણ કહે છે. આવા વિશ્વકલ્યાણ ઈચ્છનારા હિંદુ-મુસ્લિમ બન્ને કોમમાં છે. તેમણે વિશ્વકલ્યાણ નહીં તો છેવટે હિંદુસ્તાન કલ્યાણ માટે આ કપરા સંયોગોમાં ચેલેન્જ સ્વીકારવી જોઈએ. એ અઘરું છે પણ તેમ કર્યા વગર હિંદુસ્તાનમાં શાંતિ નહીં રહે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર