વેર, ઝેર, ધિક્કાર અને આજનો માનવ
29 Oct, 2015
12:00 AM
PC:
ઈન્સાન કો ઈન્સાન સે
કીના (ધિક્કાર-વેર) નહીં અચ્છા
જિસ સીને મેં કીના (ધિક્કાર)
વો સીના નહીં અચ્છા.
- નાસિખ
Revenge Belongs to God.
Christian Teaching
વેર, ઝેર, ધિક્કાર, ગુસ્સો અને બદલાની ભાવના પર ઑક્સફર્ડ પ્રિન્ટિંગ પ્રેસે એક સરસ પુસ્તક બહાર પાડ્યું છે. માનવ ગુસ્સા થકી કે ધિક્કાર થકી કેટલું ગુમાવે છે અગર તો વેર લેવાની ભાવનામાં કેટલીક વખત કેવો સર્જક પણ બને છે એના વિચિત્ર લાગે એવા દાખલા એમાં આપ્યા છે. આ પુસ્તકનું નામ છે 'Revenge Tragedy'. લેખક છે જૉન કેરિગન. આજકાલ બદલાની ભાવના કે શિક્ષા કરવાની ભાવના વધતી જાય છે. બે પ્રેમીઓ પરણે અને પ્રેમિકા સહેજ આડે રસ્તે ચાલે તો પ્રેમ કરનારો પ્રેમી પણ તેની પ્રેમિકાને કઠણમાં કઠણ શિક્ષા આપવા માગે છે. ફ્રેન્ક કરમોડ નામના લેખકે કહ્યું છે કે, આપણો સમાજ દિનપ્રતિદિન વેરભાવનાવાળો થતો જાય છે અને ક્ષમાશીલતા ઓછી થતી જાય છે.
એરિસ્ટોટલે ક્રોધની વ્યાખ્યા કરી છે : Anger is a longing accompanied by pain, for a real of apparent revenge for areal or apparent slight when such a slight is undeserved. અર્થાત્ ક્રોધ એ એક પ્રકારની આકાંક્ષા છે. એ એવી આકાંક્ષા છે જે પીડા લાવે છે. માણસને અકારણ કોઈના તરફ તિરસ્કાર થાય છે અને તિરસ્કાર થતાં જ વેર લેવા તત્પર થાય છે. ઘણી વખત આ તિરસ્કાર અસ્થાને હોય છે. તમે જોયું હશે કે એક લેખક બીજા લેખક પ્રત્યે, રાજકારણી બીજા રાજકારણી પ્રત્યે, ઑફિસમાં એક કર્મચારી બીજા કર્મચારી પ્રત્યે નાહકનો, કોઈ કારણ વગર તિરસ્કાર કે ધિક્કાર રાખે છે. આ ધિક્કાર તે માણસને જ આખરે પીડે છે.
જૉન કેરિગને તેમના પુસ્તકમાં લખ્યું છે કે, The revenger's wager is always lost. અર્થાત્ જે માણસ દુશ્મનાવટ વહોરી લે તે એક જાતનો જુગાર રમે છે અને એ જુગારમાં માણસ હંમેશાં હારી જ જાય છે. સતત વેર રાખનારો પોતે જ પોતાનો દુશ્મન બને છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શરદ પવાર તેમના રાજકીય પ્રતિસ્પર્ધી સામે હૃદયમાં ઝેર રાખીને અને બહારથી દોસ્તીનો દેખાવ રાખીને જ વર્તતા આવ્યા છે. તેમના માટે બહુ ખતરનાક સૂત્ર છે. સિરીલ ટુર્નર નામના ફ્રેન્ચ વિદ્વાને કહ્યું છે : It is time to die when we ourselves are foes. અર્થાત્ સતત ગુસ્સો કરનારો, સતત વેરની ભાવના રાખનારો, લેવાદેવા વગર બીજા પ્રત્યે ધિક્કાર રાખનારો પોતે જ પોતાનો દુશ્મન છે અને એવા માણસે માની લેવું કે હવે તેનો મરવાનો સમય આવ્યો છે. અહીં મરવું એટલે તેની રાજકીય કે બીજી કારકિર્દીનો અંત થાય એમ પણ સમજવાનું છે.
એરિસ્ટોટલ અને ‘ગીતા’ના ઉપદેશમાં ક્રોધ પર એકસરખી વાત છે. ઉરુલીકાંચન આશ્રમમાં ગીતાના સ્થિતપ્રજ્ઞના લક્ષણવાળો ગીતાનો ભાગ પ્રાર્થનારૂપે હિન્દીમાં ગવાય છે. હું આશ્રમમાં સેવક હતો ત્યારે રોજ સવારે અમે ગાતા : કામ સે ક્રોધ હોતા હૈ, ક્રોધ સે મોહ ભારત, મોહ સે બુદ્ધિનાશ, બુદ્ધિનાશ વિનાશ હૈ. આ પંક્તિમાં ક્રોધ સે મોહ હોતા હૈ એ પંક્તિ સમજાતી નહીં, પણ હવે સમજાય છે. ક્રોધથી મોહ થાય છે એમ એક્ઝેક્ટલી એરિસ્ટોટલ કહે છે (Anger is a longing).
પત્રકાર તરીકે મારી પાસે ઘણાં ભાઈ-બહેનો આવે છે, તેઓ કહે છે, ‘મારા પિતાએ અન્યાય કર્યો, મારા સગા ભાઈએ દગો દીધો, કોર્ટમાં કેસ કરવો છે સારા વકીલનું નામ આપો. અમારે તેને દેખાડી દેવું છે, વેરનો બદલો લેવો છે.’
મારે આવા લોકોને પ્રથમ તો કહેવું પડે છે કે, ખ્રિસ્તી ઉપદેશ પ્રમાણે વેર લેવાનું કામ ઈશ્વર પર છોડી સૌપ્રથમ જલદીથી તમે તમારા રોજિંદા કામમાં લાગી જાઓ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર