નકરું જ્ઞાન મેળવીને માનવી પ્રેમ ગુમાવી બેઠો છે

31 Aug, 2017
12:01 AM

કાન્તિ ભટ્ટ

PC: pgoodnight.com

એકવીસમી સદીને લોકો નોલેજનો યુગ કહે છે. જ્ઞાન-માહિતી અને ઈન્સ્ટંટ-સમાચારોના યુગમાં માનવીની સમસ્યા તેના જ્ઞાનથી ઉકેલવાને બદલે સમસ્યા વધી છે, હજી વધશે. સૌરાષ્ટ્રનો સરતાનપર કે વેજલપરનો માનવી કે નાસિકનો માનવી ઈરાકના ખબર સાંભળીને દુઃખી થાય છે ! આજે મૌલિક રીતે વિચારનારા જ્ઞાની પુરૂષો રહ્યા નથી. ઓશો રજનીશ ભલે વિવાદાસ્પદ હતા પણ મૌલિક અને ક્રાંતિકારક વિચારક હતા. એમની સાથે સાથે જે. કૃષ્ણમૂર્તિ એક અનોખા ફિલસૂફ હતા તે પણ સ્વર્ગે રવાના થયા છે.

કૃષ્ણમૂર્તિજી તેમનાં પ્રવચનોમાં સતત માનવજાતની સમસ્યાની વાત કરતા. છેલ્લાં 5000-6000 વર્ષથી યુદ્ધો ચાલે છે. ઈરાક પછી હવે સિરીયા પછી કાશ્મીરમાં અડ્ડો જમાવવા અમેરિકા યુદ્ધ કરશે. પછી અણુયુદ્ધ આવશે. કૃષ્ણમૂર્તિ ટોણો મારતા કે ટેકનોલોજી વિકસી છે, અવનવાં કમ્પ્યુટરો આવ્યાં છે, પણ આ બધી ટેકનોલોજીએ માનવીને સુખ આપ્યું નથી. ટેકનોલોજી સાથે તમારી ચતુરાઈ વધી છે પણ ચતુરાઈએ તમને સુખ આપ્યું નથી. ટેકનોલોજી સુખ આપી શકી નથી. ભારતીય અવકાશયાત્રીને ચંદ્ર ઉપર મોકલવાની વાત થાય છે. ગરીબ ઘરો જ નહીં પણ આજે ગુજરાતનાં સમૃદ્ધ ઘરો સુધી વપરાશ પૂરતું પાણી મોકલી શકાતું નથી અને ચંદ્ર પર માનવ મોકલવાની વાત કરીએ છીએ. તેવી વાતમાં અમે લેખકો પણ ભળીએ છીએ.

કૃષ્ણમૂર્તિ પૂછતા કે તમામ સમૃદ્ધિ છતાં દુઃખ, દર્દ, બીમારી અને સમસ્યાઓ શું કામ એમની એમ છે! કૃષ્ણમૂર્તિનું પ્રવચન સાંભળવા 85 વર્ષની ઉંમરે દાદા ધર્માધિકારી પણ મુંબઈમાં જે. જે. સ્કૂલ ઑફ આર્ટસના મેદાનમાં આવતા હતા. અમદાવાદના, વડોદરા અને પૂનાના બુદ્ધિમંતો આવતા હતા. કૃષ્ણમૂર્તિનાં પુસ્તકોએ મારા જીવનમાં ઘણો ફેરફાર કર્યો છે. જીવનમાં કોઈ અંતિમ અને સ્થાયી-કાયમી સુખ નથી તે કૃષ્ણમૂર્તિ પાસેથી શીખવા મળ્યું છે. તે કદી ચેલાઓ મૂંડતા નહીં, ભક્તો બનાવતા નહીં. તેથી જ તે કહેતા – સતત કહેતા :

“આશા રાખું છું કે તમે અહીં મારા ભક્ત બનીને આવ્યા નથી. તમને પોતાને થોડાક મનોરંજિત થવાનો ઈરાદો હશે. પણ હું આધ્યાત્મિક-મનોરંજન કરાવીશ નહીં. તમારી સમસ્યાના રેડીમેઈડ જવાબને બદલે આપણે ભેગા મળીને માનવજાતની સમસ્યાનો સામૂહિક રીતે જવાબ શોધીએ તે જ ઠીક છે. તમારે પોતે જ તમારા જીવનનો માર્ગ શોધવાનો છે. તર્કપૂર્ણ ને ડાહ્યો ગણાય તેવો માર્ગ શોધવાનો છે. જગત આજે પાગલ થતું ચાલ્યું છે. તેમાંથી ડહાપણ શોધવાનું છે. પણ તે માટે તમારે હું બોલું તે તમામ સ્વીકારી લેવાનું નથી. તમારે હંમેશાં પ્રશ્નો ઉઠાવવાના છે. કોઈ પણ વ્યક્તિ બોલે તે સ્વીકારી લેવાનું નથી. દરેક ધર્મ આવું જ કહે છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને ઈસ્લામ ધર્મ પણ તમને તમામ વસ્તુ માની લેવાને બદલે તમારી રીતે તમારું સત્ય શોધી કાઢવાનું કહે છે...” પરંતુ આજના ભગવાધારી મહાત્માઓ જુઓ, ભગવાધારી રાજનેતાઓ જુઓ. નરેન્દ્ર મોદી કે ડો. તોગડિયા જુઓ, એ બધા કહે છે તે જ જાણે અંતિમ સત્ય છે! તેમના મંતવ્ય સાથે જે ન મળે તે તેમના દુશ્મન છે. અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ પણ આવું કહે છે. જે. કૃષ્ણમૂર્તિનાં પ્રવચનો વાંચી જાઓ. તમને આજના આવા નેતાઓ સામે બળવો કરવાનું આધ્યાત્મિક બળ મળશે.

કૃષ્ણમૂર્તિ કહેતા, ‘હું ફરી ફરીને તમને કહું છું કે હું તમારો ગુરુ નથી. આ જીવન જટિલ છે. જગતને આપણે બધાએ ખીચડો બનવી દીધું છે. તમે જુઓ છો કે જગતમાં માનવી માનવી વચ્ચે સહકાર નથી. સૌ સૌના પોતાના અહંકાર છે. સહયોગની ભાવના જ રહી નથી. તેથી ગૃહયોગની ભાવના જ રહી નથી. તેથી ગૃહજીવનો, લગ્નજીવનો તૂટી પડે છે. ‘સહયોગ’ એટલે એવું નથી કહેવા માગતા કે હું ઓથોરિટી બની જાઉં અને તમે મને ચૂપચાપ અનુસર્યા કરો. હું ઈચ્છું છું કે તમે પોતે જ તમારી સમસ્યાઓનો ઉકેલ તમારી જાતમાંથી જ શોધી શકશો. આપણને કહેવામાં આવે છે કે ઈશ્વરની પ્રાર્થનાથી તમે સલામત થઈ જશો, પરંતુ આપણે યંત્રવત પ્રાર્થનાઓ કરીએ છીએ. આ પ્રાર્થના એ તો ગોખેલા જ્ઞાનનો ઢગલો છે. તમે બરાબર નંધી લો કે નકરું જ્ઞાન એ પ્રેમનું અવ્વલ નંબરનું દુશ્મન છે. નકરા જ્ઞાનથી પ્રેમનો નાશ થાય છે.’

આપણું ગોખણિયું જ્ઞાન પ્રેમમાં બાધારૂપ બને છે. તમે બે વ્યક્તિ મળો ત્યારે તમારે બે પૂરતા પ્રેમનો આયામ કરવાનો છે. તમને કોઈ પ્રેમ કરતાં શીખવી શકે નીહીં. આપણે પૂર્વગ્રહથી પીડાતા હોઈએ તો પણ પ્રેમ કરી શકતા નથી. કોઈ પૂર્વગ્રહ કે કોઈપણ પુસ્તકનું જ્ઞાન આપણા સાચા સંબંધને નષ્ટ કરે છે. પ્રેમનો નાશ કરે છે. આપણે માટે કેવી પત્ની કે કેવી પ્રેમિકા હોવી જોઈએ તેની એક ઈમેજ બાંધીએ છીએ. જો આવી કોઈ તૈયાર ઈમેજ હશે – કોઈ તૈયાર નકશો, કોઈ તૈયાર ડિઝાઈન હસે તો પ્રેમ નષ્ટ થશે. તમે તમારી પ્રેમિકાના હોઠ આડે માસ્ક કે જંતુનાશક આવરણ રાખીને ચુંબન ન કરી શકો. તમારો પૂર્વગ્રહ એ તમારો માસ્ક છે – મહોરું છે. તે મહોરું હઠાવો તો જ તમે સાચું ચુંબન કરી શકો.

પૂર્વગ્રહ સાથે કોઈને પ્રેમ ન કરી શકાય. તમે ટુકડે ટુકડે અંદરથી વહેંચાયેલા હો ત્યારે પ્રેમ ન કરી શકો. એક બાજુ ફોન વાગતો હોય, બીજી બાજુ ધંધાની ફિકર હોય, ત્રીજી બાજુ કોઈ ટપકી પડશે તેની ચિંતા હોય તો ‘પ્રેમ’ ન કરી શકાય. પ્રેમ કરી શકવા માટે તમે આખેઆખા પૂર્ણ હોવા જોઈએ. આટલું વિચારો પછી તમારી જાતને પૂછો કે શું ખરેખર તમારી પત્નીને પ્રેમ કરો છો?

જે. કૃષ્ણમૂર્તિ જીવતા હતા ત્યાં સુધી હજી ફાયઝર ફાર્માસ્યુટિકલ કંપનીની વાયગ્રાની ટીકડી આવી નહોતી. નહીંતર કૃષ્ણમૂર્તિ કહેત કે જો તમે અંદરથી સુકાયેલા હો, તમારા પ્રેમનાં ઝરણાં નિર્ઝર હોય તો ક્યાંથી તમારામાં એક ટીકડી દ્વારા સેક્સ પાવર આવે? વાયગ્રાની ઉછીની શક્તિથી કરેલો ‘પથારીનો પ્રેમ’ પણ એ ટીકડી જેવો જ કૃત્રિમ છે. તેનાથી સંતોષ થતો નથી. તમે વાયગ્રા લઈને ‘પ્રેમ’ કરો છો પણ તુષ્ટ થતા નથી. પછી બીજે દિવસે ફરી વાયગ્રા લેવી પડે છે, પણ કોરોધાકોર માણસ પ્રેમાળ ન હોય તો વાયગ્રા પ્રેમાળતા બક્ષતી નથી. એ તો માત્ર નરી કૂતરા જેવી ક્ષણિક વાસના બક્ષે છે.

કૃષ્ણમૂર્તિ કહેતા કે ‘આપણે પ્રેમાળ બનવા માટે જીવનમાં પૂર્ણ રીતે પરિવર્તન લાવવું પડશે. આજે જે સંઘર્ષો છે તેને બુદ્ધિથી ઉકેલી શકાશે? હવે આવનારા યુદ્ધને ફિલસૂફી, વિજ્ઞાન કે ધાર્મિકતાથી ઉકેલી શકાશે? ના, ઊલટાનું ધર્મે તો બધી પીડા ઊભી કરી છે. આ કહેવાતા ધર્મે જ મોંકાણ માંડી છે. બધે જ ઘર્ષણો છે. હિન્દુ અને મુસ્લિમો ઝઘડે છે તેવું નથી. મુસ્લિમો પણ બીજા મુસ્લિમો સાથે અંદરોઅંદર ઝઘડે છે. ફ્રાંસ ક્રિશ્ચિયન છે, અમેરિકા ક્રિશ્ચિયન છે પણ જે અમેરિકા ફ્રાંસ સામે ડોળા ફાડે છે. આ ઘર્ષણનું કારણ સમજાય તો તેનો ઉકેલ સમજાય.  કેન્સરનું કારણ શોધો તો તેનો ઉપાય જડે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ હોય તો પછી હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભેદ હોય જ. આ સમસ્યાનો ઉકેલ શું?’

‘સમસ્યાના ઉકેલ માટે માનવતરીકે તમે શું કરી શકો? તમારું યોગદાન શું છે? મહેરબાની કરી તમારી જાતને પૂછો – તમારી જવાબદારી શું છે? તમને તુરંત સમજાશે કે આપણે સમસ્યાનો સામનો કરવાને બદલે સમસ્યાથી ભાગીએ છીએ. પણ પલાયનવૃત્તિથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. સમસ્યામાંથી પલાયન થવા માટે તમે મનોરંજનમાં પડો છો. નશો કરો છો કે ફિલ્મ-ટી.વી. જોવા બેસી જાઓ છો.’

‘કૃપા કરીને તમે સમસ્યાથી વિમુખ થઈને ન બેસો. સમસ્યાનો સામનો સામે મોઢે કરશો એટલે તમારે શું કરવું તેનો ખ્યાલ આવશે. તેમાં ઈશ્વરીય શક્તિ મદદ કરશે. તમે હકીકતનો સામનો કરતાં શીખો એટલે તમારે શું કર્મ કરવું તેનો આપોઆપ ખ્યાલ આવશે. તમે જુઓ, તમે જ – હા તમે જ હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી તરીકે આ બધી લડાઈ માટે જવાબદાર છો. જ્યાં સુધી હું હિન્દુ છું, ત્યાં સુધી હું માત્ર કોઈ એક ઈશ્વરને અનુસરું છું. આ ભાગલાથી થકી દુઃખ પેદા કરએ છીએ. જો આટલું સમજી લઈએ તો પછી તમને જણાશે કે તમે તમારી આત્મચેતનાને જગાડશો તો આખી માનવજાતની ચેતના જાગશે. તમારી આત્મચેતના એ આખી માનવજાતની ચેતના જાગશે. તમારી આત્મચેતના એ આખી માનવજાતની આત્મચેતના છે. તમે જગતથી જુદા નથી. એ ચેતના આખી માનવજાતની છે. તમે જો બીજાને ઈજા કરો તો તે ઈજા તમને જ થાય છે... તમે સમજો છો?...’ આવો સવાલ કરીને કૃષ્ણમૂર્તિજી ગળગળા થઈ જતા હતા. મને લાગે છે કે કૃષ્ણમૂર્તિને સાચ્ચા સેક્યુલારીસ્ટ ફિલસૂફ તરીકે મરણોત્તર નોબેલ પારિતોષિક આપવું જોઈએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.