પોતીકાને જ જખમ કરવાની માનવીની આદત
ઝખ્મ
કન લફઝોં મેં ઈતની કડવી,
ઈતની કસીલી બાત લિખું,
શેર કી મેં તહઝીબ (પરંપરા) નિબાહૂં,
યા અપને હાલાત લિખું,
ગમ નહીં લિખું ક્યા મૈં ગમ કો,
જશ્ન લિખું ક્યા માતમ કો,
જો દેખે હૈં મૈંને જનાજે,
ક્યા ઉનકો બારાત લિખું,
કિસ કિસ કી આંખો મેં દેખેં,
મૈંને ઝહર બુઝે ખંજર
ખુદ સે ભી જો મૈંને છુપાએ,
કૈસે વો સદામત લિખું.
એક માનવી બીજા માનવીને આઘાત પહોંચાડે છે. એ માટે ઉર્દૂમાં ઝખ્મ શબ્દ છે. આપણે જખમ કહીએ છીએ. અંગ્રેજીમાં માત્ર ઈન્જરી શબ્દ વપરાય છે. પણ કોઈના દિલને જખમ પહોંચાડાય એ માટે અંગ્રેજીમાં ચોટડૂક અગર ધારદાર શબ્દ નથી. ફ્રેન્ચ ભાષામાં જોકે જખમ માટે શબ્દ છે અને લુર-નકુહ કહે છે. લુર-નકુહ એટલે ડંખ.
ઝાહિર શેખ નામની માત્ર 19 વર્ષની વડોદરાની કન્યાનાં સગાંઓને બેસ્ટ બેકરીમાં જીવતાં સળગાવી દેવામાં આવ્યાં હતાં. એ ઝખ્મને ભૂલવો મુશ્કેલ છે અને એને જાહેરમાં તાજો કરવો ઔર ખતરનાક છે. દરેક સમાજમાં આવા જખમી જીવો એક યા જુદા જખમ સાથે જીવે છે.
આ તો એક રાજકીય કે કોમવાદી ઘટનાનો જખમ છે, પણ માનવીના સંબંધોમાં અવારનવાર આપણને આપણા લોકો જ જખમ કરે છે. વિખ્યાત ફ્રેન્ચ ફિલસૂફ જીન જેક્સ રૂસોએ માનવીના સંબંધો વિશે સરસ નિબંધ (1749) લખેલા. એ વખતે તેઓ જિનીવા શહેરમાં રજા ગાણતા હતા. માનવી એકબીજાના સંબંધમાં બેવફા થઈને બીજાને જખમી કરતા હતા અને એ સહજ થઈ ગયેલું. એ વખતે મા-બાપો યુરોપમાં પણ સંતાનોને પોતાની મરજી મુજબ લગ્ન કરવાની ફરજ પાડતાં હતાં, સંતાનોને જખમ કરતાં હતાં. એ વિશે નિબંધ લખવાનું રૂસોને કહેવામાં આવ્યું.
એ વખતે રૂસોએ તે સમયના સમાજની ભારે નિંદા કરેલી. તેમણે ઉપર-ઉપરથી સારો દેખાતો સમાજ કેટલો ક્રૂર છે એ વાત પ્રગટ કરેલી. વડોદરામાં પાડોશમાં રહેતો હિન્દુ કે ગોધરામાં પાડોશમાં રહેતો મુસ્લિમ બીજાને જીવતા બાળી નાખે? રૂસોએ લખેલું કે વાતચીતમાં તો આપણે બધા નમ્રતાનું સુંદર મહોરું પહેરીએ છીએ. અંગ્રેજીમાં તેમણે લખેલું : We have uniform veil of polikeness – આપણે નમ્રતાની આડમાં ભયંકર ક્રૂર બનીએ છીએ.
જો કોમી આગના જખમને અકસ્માત માનીએ તો આપણો સમાજ જ ક્યાં આપણને જખમ નથી કરતો? આપણા સ્વભાવ પ્રમાણે અને કુદરતી રુચિ પ્રમાણે જીવવું હોય છે તો જીવવા નથી દેવાતા. મુસ્લિમ કન્યાઓમાં પાકિસ્તાની કન્યા તેના પ્રેમીની સાથે નાસી જાય તો તેને પકડીને બાળી નાખવામાં આવે છે કે પછી તલવારથી માથું ઉડાવી દેવામાં આવે છે. કોઈ પણ જાતની ફરજ આપણી કુદરતી વૃત્તિઓ પરની હિંસા સમાન છે અને એવી સામાજિક ફરજ તો જિંદગીભરનો જખમ બની જાય છે.
પૂજા ભટ્ટે ‘ઝખ્મ’ નામની ફિલ્મમાં એક બાળકના જખમની વાત કહેલી. એક ગુજરાતી ફિલ્મનિર્માતા મુસ્લિમ સ્ત્રીને પરણ્યા વગર સંતાન પેદા કરે છે. પછી તે સંતાનને મોટા થયા પછી કેવી જખમી હાલતમાં પીડા સાથે જીવવું પડે છે એની કથા એ ફિલ્મમાં છે.
વડોદરામાં ગોધરા અને બેસ્ટ બેકરી કાંડ પછી એક મુસ્લિમ યુવતીનો એક હિન્દુ છોકરાનો પ્રેમસંબંધ ભયમાં આવી પડેલો. તમારા, મારા અને અનેકના જીવનમાં આવા વણકથ્યા જખમો જીવનને ઝેર બનાવે છે. આવા જખમોનાં કાળા ધાબાં આપણી આંખોની આજુબાજુ દેખાય છે. મોટા ભાગે કોઈને પણ દિલની વાત કહ્યા વગર આવા જખમો લઈને માણસ મરી પણ જાય છે.
ઝાહિરા શેખ તો પત્રકારો સામે આવીને પોતાના જખમની વાત પ્રગટ કરી શકી છે, પણ ભારત-પાકિસ્તાનમાં લાખ્ખો હિન્દુ-મુસ્લિમ કન્યાઓ છે જેમણે કોમવાદના કે સમાજના જખમોને મૂંગે મોઢે સહન કર્યા છે. ઝાહિરાને જો હિંમત માટે સલામ કરીએ તો આ જખમો મૂંગે મોઢે સહન કરનારને તો નમન કરીએ.
મારા જીવનમાંથી મેં પાઠ લીધો છે કે આપણી પ્રેમિકા, પત્ની, સગાંવહાલાં કે પ્રિયજન તરફથી જખમ પડ્યા હોય એને ગાઈ બતાવવાને બદલે સહન કરીએ છીએ ત્યારે એ જખમ ઘણો સહ્ય બને છે. કેટલીક વખત જખમ સર્જનશીલ બને છે.
એક કવિએ કહેલું કે, ‘ફૂલ પણ ખીલતાં હોય છે. જખમ કેવો પણ દારુણ હોય, પરંતુ થોડાક દિવસોમાં રૂઝ આવી જ જાય છે, પરંતુ કેટલાક જખમ લાંબા સમય પછી પણ કદી રૂઝાતા નથી. જોકે એ પ્રગટ કર્યા કરવાથી કે એને પંપાળ્યા કરવાથી જખમ તાજા થાય છે.’
એરિક હોફર નામના ફિલસૂફે કહેલું કે, ‘માનવીએ કોઈ પણ જાતના ગ્રિવન્સને જીવનભરનો હેતુ બનાવી ન દેવું જોઈએ. માનવીને થયેલાં જખમ, પરિવેદના કે પીડાને જ પંપાળ્યા ન કરાય. ઈશ્વરે માનવીને પેદા કરીને એક ઉમદા એજન્ડા આપ્યો છે તે પાર કરવાનો છે.’
નોબલ પારિતોષિક વિજેતા ડો. એલેક્સીસ કેરલે ‘રિફ્લેક્શન્સ ઓન લાઈફ’ નામનું પુસ્તક લખ્યું છે. એમાં તેમણે જીવનને પલ્લવિત કરવા જીવનના નિયમો – રૂલ્સ ઑફ લાઈફ – લખ્યા છે. એનો સુપ્રીમ નિયમ છે કે, life musk nok be deskroyed in khe self or in okhers.
ડો. એલેક્સીસ કેરલે વિશાળ અર્થમાં માનવીને જખમ કરવા બાબતમાં કહ્યું છે કે તમે બીજાને જખમ કરો છો એવી રીતે તમને પણ જખમ કરી નથી શકતા. તમારે નિરાશ કે હતાશ થઈને તમારી જાતને ખતમ નથી કરવાન. તો પછી બીજાની જાતને ખતમ કરવાની વાત જ નથી રહેતી.
કાકા કાલેલકરે 62 વર્ષ પહેલાં એક નિબંધ લખેલો તે આજે ઝાહિરા શેખ અને ગોધરાના હિન્દુઓએ સમજવા જેવો છે.
સંસ્કૃતમાં શત્રુને સપત્ન કહે છે. એક જ પિતાના દીકરા માતા જુદી હોવાને કારણે એકબીજાની સાથે લડી શત્રુ બની બેસે છે. આવી બેવકૂફીનું ભાન કરાવવા આપણી સંસ્કારી ભાષાએ શત્રુને માટે સપત્ન શબ્દ રાખી લીધો છે. એનો અર્થ છે ઓરમાન ભાઈ.
પરંતુ એક જ માતાના પુત્રો શત્રુ બનીને આપસમાં લડી પણ શકે છે. એક જ નદીનું પાણી પીનારા સામસામે કિનારે રહેવા લાગે ત્યારે નદીનું પાણી પોતાનાં ખેતરોમાં ખેંચવા માટે લડે છે. નદીના તીરને – કિનારાને કૂળ કહે છે. જે લોકો સામે કિનારે રહે છે તે આપણો પ્રતિકૂળ છે અને જે આપણી બાજુ રહે છે તે અનુકૂળ છે. નદીના પાણીને માટે જેની સાથે ઝઘડો હોય એને અંગ્રેજીમાં રાઈવલ કહે છે. રાઈવલનો સંબંધ રિવર સાથે છે.
બુદ્ધના સમયમાં અનુકૂળ અ પ્રતિકૂળ નદી પુત્રો લડવા લાગેલા. યુદ્ધ થવાની નોબત બની ત્યારે બુદ્ધે બન્નેને બોલાવ્યા. ભગવાન બુદ્ધે પૂછ્યું, ‘પાણીની કિંતમ વધુ છે કે માણસના લોહીની?’
બન્નેએ એકસરખો જવાબ આપ્યો, ‘બેશક, લોહીની કિંમત વધુ છે.’
ટૂંકમાં વાત પૂરી કરું તો બાબરી અને મંદિરની ઈમારતો કીમતી છે કે બન્નેનું લોહી વધુ કીમતી છે એવો જ સવાલ ભગવાન બુદ્ધે આજે પૂછ્યો હોત.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર