જેનો રાજા વેપારી - ત્યાં પ્રજા ભિખારી

20 Oct, 2016
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: ggpht.com

કૌટિલ્યે ખાસ રાજાને કહેલું કે પ્રજાને ભોગે કોઈ જ ચીજના વેપારી ન બનવું. આજે 21મી સદીમાં દેશનો વડો પ્રધાન જ નહીં દેશનો નાણાપ્રધાન જ નહીં પણ સાવ ત્રીજા દરજ્જાનો પણ ખેડૂતોનો રક્ષણહાર ગણાવો જોઈએ તેવા ખેતી ખાતાનો પ્રધાન વેપારી ભારતમાં બન્યો છે.

કિંગ ફિશર નામનાં બીયર-દારૂના નિર્માતા સાથે ભાગીદારીમાં દ્રાક્ષમાંથી દારૂ બનાવવાનો અને ઊંચે ભાવે વેચવાના ભાગીદાર બન્યા છે. ટૂંકમાં, આ ખેતી ખાતાના રાજા વેપારી બન્યા છે. તેથી હિન્દુસ્તાનનો ખેડૂત, શરદ પવાર વેપારી સાથે ખેતી પ્રધાન હશે ત્યાં સુધી સમૃદ્ધ નહીં થાય. કઠોળના પાકની કે ઘઉંના પાકની તંગી એ શરદ પવાર માટે ઊજાણીનો અવસર છે. તેને આ ચીજો આયાત કરવામાં કેટલો બધો નાણાકીય રસ છે તેની તપાસ થવી જોઈએ.

વળી ખાસ વાત એ કે ખેતમજૂરો કે કારખાનામાં મજૂરો કે તેના દારૂના વાઈનના કારખાનામાં કે દ્રાક્ષના બગીચામાં ખેતમજૂરોને વાજબી શ્રમવેતન આપે છે? કૌટિલ્યે તો હજારો વર્ષ પહેલાં આડમ સ્મિથે થિયરી ઘડી તે પહેલાં 'લેબર થીયરી ઑફ વેલ્યૂ' અમલમાં મૂકેલી.

કૌટિલ્યે કડક નિયમ કર્યો કે કોઈ પણ શ્રમિક તેના કામ ઉપર કેટલો સમય આપે છે, તેના શ્રમમાંથી કેટલી નિપજ થાય છે અને અમુક કામ માટે કેટલી સ્કિલ-કુશળતા જરૂરી છે. તે તમામ ફેક્ટરોને લક્ષ્યમાં લઈને શ્રમિકને યોગ્ય વેતન આપવું જોઈએ. ઘાસ વાઢનારા, મજૂર અને દ્રાક્ષના વેલા ઉપરથી દ્રાક્ષ તોડીને 'વાંકા મોંઢાવાળા પવાર'નાં વાઈનના બગીચામાં દ્રાક્ષ ચૂંટીને કારખાનામાં દ્રાક્ષ મોકલનાર અને છૂંદનારને સરખી મજૂરી ન હોય.

બિનોયચંદ્ર સેન નામના અર્થશાસ્ત્રીએ 'ઈકોનોમિક્સ ઈન કૌટિલ્ય' નામનાં તેના પુસ્તકમાં લખ્યું છે કે શ્રમિકો માટે યુનિફોર્મ ફ્લેટ રેઈટ એટલે કે એક ડફણે બધાને જ હંકાય. દરેક પ્રકારના શ્રમ માટે અલગ શ્રમવેતન હોવું જોઈએ.

એ પ્રકારે કૌટિલ્યે વણકરોની પણ તેમના વણાટની ક્વૉલિટી મુજબ જ તેના વેતન નક્કી કરેલા. આર. રામશાસ્ત્રીએ કૌટિલ્યના અર્થશાસ્ત્રનો અનુવાદ કર્યો છે. તેણે કહ્યું છે કે પાતળા દોરા કે જાડા દોરા કે સારા કપાસના દોરા વગેરે ક્વૉલિટી પ્રમાણે વણકરોને વણાટની કારીગરી, મજૂરી આપવી જોઈએ. અસ્તુ,

ચંદ્રગુપ્ત મોર્યેએ કૌટિલ્ય ઉર્ફે ચાણક્ય બ્રાહ્મણ હતા તેથી તેને વિશેષ પસંદ કર્યા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ મઝુમદાર નામની અટક ધરાવનારા નાગર બ્રાહ્મણને દીવાન તરીકે રાખતા. કાશ્મીરમાં બ્રાહ્મણો જ રાજાના દીવાન હતા. જૂનાગઢના નવાબ બ્રાહ્મણ વટીવટદારો અને ખાસ નાગરોને રાખતા. ભાવનગરમાં, પ્રશ્નોરા, બ્રાહ્મણો જ થાણેદાર, ફોજદાર, વહીવટદાર કે દીવાન તરીકે નિમાતા. રાજસ્થાનના પ્રાશનીપુર ગામથી હીજરત કરીને એ બધા બ્રાહ્મણો ભાવનગર આવેલા ખૂબ જ બુદ્ધિમંત, કુશળ અને પત્રકારત્વમાંય એક્કા હતા, આધ્યાત્મિક પણ હતા. ભક્ત નરસિંહ મહેતા જેવા પણ નાગર હતા.

મહિસૂરના જૂના રાજા દીવાન નીમતા તે તમામ તેલુગુ કે તમિળ બ્રાહ્મણો હતા. અરે મહિસૂર મહારાજાની કૉલેજમાં પ્રોફેસરો હતા. એ તમામ તમિળ કે તેલુગુ બ્રાહ્મણો હતા. અહીં કોઈ જ્ઞાતિ ભેદના અહોગાન ગાવાનો આશય નથી. માત્ર ઐતિહાસિક તથ્ય જણાવું છું. હવે 21મી સદીમાં કોઈ પણ ભણેલી વ્યક્તિ દીવાન, પ્રધાન, વડાપ્રધાન કે પ્રોફેસર થઈ શકે છે. એક શરત છે કે પદમાંથી કે સત્તામાંથી કલદાર ઉઘરાવવાની નેમ કરતાં પ્રજાની સેવાની નેમ હોવી જોઈએ.

મૈસૂરના રાજાએ વિશ્વશ્વરૈયા બ્રાહ્મણ હતા એટલે નહીં પણ પ્રથમ જોયું કે તે કુશળ ઈજનેર હતા. મહાન અણુશક્તિ વિકસાવનારા કે હાલમાં ઈજનેરી કુશળતા દાખવનારા પટેલો વણિકો વધુ દેખાય છે. અગાઉ બ્રાહ્મણનું વધુ પડતું વર્ચસ્વ જોવાયું તેથી બ્રાહ્મણ વિરોધી એક જબ્બર બળ ઊભું થયું. ખાસ 20મી સદીમાં મહાત્મા ફૂલેએ આ ઝૂંબેશ કરેલી તેથી બ્રાહ્મણ વિરોધી લાગણી થઈ. તેથી સાવધાન ! માત્ર અમુક જ કોમ કે અમુક વાડાના માણસો સત્તાનો સગાવાદનો ઝંડો પકડે તે અપ્રિય થશે. જ્ઞાતિવાદ હોય કે ન હોય.

ચાણક્ય અગર કૌટિલ્ય કોઈ સત્તાધારીના હાથમાં અમુક આડકતરી સત્તા આપતા નહીં. 21મી સદીમાં શું થાય છે! એક જૂના અંગ્રેજી અખબાર ગ્રુપનું એક અખબાર ભારતના ખેતી પ્રધાનને તેની એક દિવસની આવૃત્તિના તંત્રી બનાવે છે ! 'પવાર'ની અટકને પાવર ફૂલ (પાવરફૂલ) કહે છે. આ કેટલો ડેન્જરસ ટ્રેન્ડ છે ! ખેતીની સત્તા, રાજસત્તા, ધનની સત્તા અને ચોથી જાગીર ઉર્ફે પત્રકારત્વની સત્તા. ચાણક્ય ઉર્ફે કૌટિલ્ય આવું સત્તાનું કોન્સન્ટ્રેશન થવા જ દેતા નહીં.

પરંતુ હવે આપણે માત્ર ચાણક્યની જ વાત કરીએ. 'કોર્પોરેટ ચાણક્ય' નામનું પુસ્તક લખનારા રાધા કૃષ્ણન પિલ્લૈ 'સરદાર પટેલ ઈન્ટરનેશનલ એવોર્ડ'ના વિજેતા છે. તેમણે ચાણક્યનાં જ્ઞાનને તેના અર્થશાસ્ત્ર અને રાજશાસ્ત્રને જગતભરમાં પ્રચલિત કર્યું તે માટે તેને એવોર્ડ મળ્યો છે.

ચાણક્યનું અર્થશાસ્ત્ર મોડર્ન કે મેનેજમેન્ટમાં કેટલું બધું મૂલ્યવાન છે તેનું ભાન આ પુસ્તકમાં કરાવ્યું છે. કેરળમાં 'ચિન્મય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન'ના સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર છે તે કૌટિલ્યને ઘોળીને પી ગયા છે. તેની પાસે 'કોર્પોરેટ ચાણક્ય'ના લેખક ચાણક્ય વિશે જાણકારી લે છે. (ડૉ. રાધાકૃષ્ણન પિલ્લે) સંસ્કૃતમાં પીએચ.ડી. કર્યું છે. તેણે હજારો લોકોને અર્થશાસ્ત્ર (કૌટિલ્યનું ખાસ) જગતભરમાં ફરીને શીખવ્યું છે.

એમણે ચાણક્યના અર્થશાસ્ત્રનું અર્થઘટન કર્યું છે તે મુજબ તો રાજા (આજે વડાપ્રધાન) એ પ્રમાણિક મિનિસ્ટરો જે કેમ પસંદ કરવા તેના ધોરણ રજૂ કર્યા છે. જો પ્રધાન દંડાય તો રાજા દંડાય. ડૉ. મનમોહને તામિળનાડુના ભ્રષ્ટ 'જમાઈ રાજા'ને નીમ્યા તે માટે તેમણે શરમ અનુભવવી જોઈએ. અરે ! કૌટિલ્યે તો આડાસંબંધો રાખનારા અધિકારીઓને તડીપાર કરવાનું રાખ્યું હતું. કૌટિલ્યે કહેલું કે રાજાના છ દુશ્મનો છે (લસ્ટ) વાસના, ગુસ્સો, લોભ, વેનિટી, (મિથ્યાભિમાન) મદ અને વધુ પડતી ઊજવણીઓ ! પત્રકારો માટે પણ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.